૧૯મી સદીનું અમેરિકા:
અઢારમી સદીની છેલ્લી પચ્ચીસીમાં અંગ્રેજોનું સંસ્થાન મટી અમેરિકા સ્વતંત્ર થયું ત્યાર પછીનાં સો વર્ષમાં વિજ્ઞાન અને ટૅકનૉલોજીએ હરણફાળ ભરી હતી. ઔદ્યોગિક ક્રાંતિની કૂચ વણથંભી ચાલુ હતી. આગગાડીએ અને આગબોટે, તારે અને ટેલિફોને અંતરો કાપી નાખ્યાં હતાં. ફોટોગ્રાફી આકારોને અને ફૉનોગ્રાફ ધ્વનિને ઝીલતાં અને પ્રતિબિંબિત કરતાં થઈ ગયાં હતાં. એડિસનશોધ્યા વીજળીના દીવાઓ પણ પ્રકાશના થઈ ગયા હતા. યુરોપમાં વિકાસ પામેલા અને પામતા વિજ્ઞાનને અને ટૅક્નૉલોજીને અપનાવવાનું અને, વિકસાવવાનું, અમેરિકા માટે સરળ હતું. યુરોપમાંનાં નાનાંમોટાં સાર્વભામ રાજ્યોના સીમાડા અને એમનાં વૈમનસ્યો અમેરિકાને નડતાં ન હતાં. યુરોપના વિવિધ દેશોમાંથી આવતા વસાહતીઓને પોતાના કુળના કે દેશના ઇતિહાસ માટે ખેવના ન હતી; નવી ભૂમિમાં આવી, ઓતપ્રોત થઈ, એ સૌ બે પાંદડે થવા માગતા હતા. એ વસાહતીઓનો મોટો ભાગ આર્થિક દૃષ્ટિએ યુરોપમાંના નીચલા થરનો હતો અને મહેનતમાં માનતો હતો. જે બુદ્ધિજીવીઓને ધાર્મિક કે સૈદ્ધાન્તિક કારણસર પોતાની માતૃભૂમિ છોડવી પડી હતી તેમને સૌને આ નવી વિશાળ ભૂમિમાં પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા હતી. સાહસિકોને એ ભૂમિમાં પૂરતી તક મળી રહેતી. વિશાળ દેશની વિપુલ કુમારી ધરતી મબલખ પાક આપતી હતી, ત્યાં નવા ઉદ્યોગો સ્થાપવાની તક હતી અને ખીલતા ઉદ્યોગોની પેદાશની છોળ હતી. ચોમેર સમૃદ્ધિની મહેર હતી.
સમૃદ્ધિ:
ઓગણીસમી સદીના સાઠીના દાયકામાં, રાષ્ટ્રપતિ અબ્રાહ્મ લિંકનના સમયના આંતરવિગ્રહ પછીથી, યંત્રોદ્યોગે હરણફાળ ભરી હતી. યુરોપના દેશોની માફક, એ કાળે, અમેરિકાને મોટો લશ્કરી ખર્ચ ન હતો. બહારની દુનિયાથી એ ઠીક ઠીક અંશે વિખૂટું હતું, જો કે આગબોટની શોધે એ વિખૂટાપણું કાપવાના શ્રીગણેશ માંડી દીધા હતા. એનો લાભ પણ અમેરિકા ઉઠાવવા લાગ્યું હતું. ચીન અને લૅટિન – દક્ષિણ અમેરિકાનાં મોટાં બજારો એનાં કારખાનાઓમાં પેદા થતા માલને હડપ કરવા તૈયાર હતા. કાર્નેગી, મૉર્ગન, પેંડાંબેલ્ટ, રૅકૉલર જેવા કોટ્યાધિપતિઓ અને અબજપતિઓ અસ્તિત્વમાં આવવા લાગ્યા હતા. મોટા ભાગના સામાન્ય જનોનો આદર્શ પણ કોટ્યાધિપતિ બનવાનો હતો.
ધાર્મિક પરિસ્થિતિ:
અમેરિકાના આદિવાસીઓને જેમને ખોટી રીતે રેડ ઈડિયન તરીકે ઓળખાવવામાં આવે છે તેમને – ભૂલી જઈને, કેવળ યુરોપથી ગયેલા વસાહતીઓની જ વાત કરીએ તો, તેમાંના થોડાક યહૂદીઓને અને રડયાખડયા એશિયા વાસીઓને બાદ કરતાં, દેશની વસતિ ખ્રિસ્તી ધર્મને અનુસરતી હતી. એ સમયે, અમેરિકામાં, ખ્રિસ્તી ધર્મના નાના મોટા બસો જેટલા ફાંટા હતા, જો કે મુખ્યત્વે પ્રોટેસ્ટંટ લોકોની બહુમતી હતી અને રોમન કેથલિકોની સંખ્યા ઝડપથી વધવા લાગી હતી. અત્રે એ પણ નોંધવું જોઈએ કે ઈમર્સન, થૉરૉ અને વ્હિટમન વત્તે ઓછે અંશે હિંદુ ધર્મની અસર હેઠળ આવ્યા હતા પણ એ અસર વ્યાપક ન હતી અને, શ્રીમતી મેરી બેય્કરનું ક્રિશ્ચિયન વિજ્ઞાન (Christian Science) પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યું હતું.
વિશ્વધર્મપરિષદના ઉદ્ભવ પાછળની ભૂમિકા અને શિકાગો:
અમેરિકામાં ગુલામ બનાવીને આફ્રિકાથી અણાયેલી કાળી પરજ, રાનોમાં હાંકી કઢાયેલી આદિવાસી મૂળ અમેરિકન પ્રજા અને, શ્રમજીવીઓના હિતના કાયદાઓને અભાવે કારખાનાં ઓમાં પીસાતા શ્રમજીવીઓની યાતનાને ગોરી અમેરિકન પ્રજાની માફક, ઘડીભર વિસરી જઈએ તો, ઓગણીસમી સદીના એંશીના દાયકામાં અમેરિકા એકંદરે સુખચેન અનુભવી રહ્યું હતું. હવે જગતનું ધ્યાન પોતાના દેશ તરફ, પોતાના દેશની પ્રગતિ તરફ, એ દેશના ઉદ્યોગો તરફ અને એની સિદ્ધિઓ તરફ દોરવાનો મનસુબો કેટલાક સજજનોને આવ્યો. ચારસોએક વર્ષ પહેલાં, ઈ.સ. ૧૪૯૩માં કોલંબસે અમેરિકા ખંડ ‘શોધ્યા’- એ ખંડ તો તેની પહેલાં શોધાયો હતો પણ તે સમયે હજી એની જાણ ન હતી અને એ શોધનું માન કોલંબસને સૌ આપતા હતા – યુરોપની પ્રજાઓ માટે નવી દુનિયાનાં દ્વાર ખોલી આપ્યાં હતાં તે કોઈને યાદ આવ્યું. એ સુભગ પ્રસંગની ચારસોમી વર્ષગાંઠ ઉજવવાનો, ને તે પણ જગતની આંખ આંજી દે તેવા ભપકાથી, તેવો વિચાર કોઈને સ્ફૂર્યો ને તે વધાવી લેવામાં આવ્યો. ઉત્સવો સૌને ગમે. આ વિચારે શિકાગોમાં વેગ પકડયો, વસતિની દૃષ્ટિએ જોઈએ તો સને ૧૮૩૨માં માંડ માત્ર ૩૫૦ જેટલી વસતિ ધરાવતું શિકાગો ૧૮૯૦માં દસ લાખ કરતાં વધારે વસતિ ધરાવતું અને, ન્યુયૉર્ક પછીનું, અમેરિકાનું બીજા નંબરનું શહેર થઈ ગયું હતું. સમૃદ્ધિ પણ એટલી જ વધી હતી. અમેરિકાની ઉત્તરે, લગભગ મધ્યમાં, શિકાગો નદી મિશિગન સરોવરને મળે છે ત્યાં કુક પરગણામાં આવેલા, ઈલિનોઈસ રાજ્યના સૌથી મોટા શહેરમાં, જગતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ધરાવતા અને, મબલખ પાક ઉગાડતા પ્રેયી પ્રદેશના મુગટ, શિકાગો શહેરમાં, એક અભૂતપૂર્વ મેળાનું આયોજન વિચારવામાં આવ્યું.
પહેલાંના મેળાઓ:
આવા મેળાનો વિચાર નવો ન હતો. આવો પ્રથમ મેળો ૧૮૫૧માં લંડનમાં મળ્યો હતો. ઈંગ્લેંડની રાણી વિક્ટોરિયાના રાજયારોહણની રજતજયંતીનું તે વર્ષ હતું. આ પ્રસંગની ઉજવણી માટે મેળાનું આયોજન કરવાનો વિચાર રાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટને આવ્યો હતો. એ મેળા માટે કાચનો એક મોટો મહેલ ક્રિસ્ટલ પૅલૅસ બાંધવામાં આવ્યો હતો. લંડનમાં ભરાયેલા એ મેળાનો લાભ લાખો પ્રદર્શકોએ લીધો હતો. ઈ.સ. ૧૮૮૯માં ફ્રાન્સે પોતાના વિપ્લવની શતાબ્દી નિમિત્તે જે પ્રદર્શન યોજયું હતું કે, સ્વાભાવિક રીતે જ ઇંગ્લેંડના પ્રદર્શન કરતાં બધી રીતે મોટું અને વધારે આકર્ષક હતું. પેરિસમાં ભરાયેલા એ મેળાનો લાભ કરોડ કરતાં વધારે લોકોએ લીધો હતો. તો, અમેરિકાનો મેળો ઇંગ્લેંડ અને ફ્રાન્સના એ મેળાઓથી બધી જ રીતે ચડિયાતો થવો જોઈએ ને?
મેળાનું પ્રયોજન:
અગાઉ જણાવ્યા પ્રમાણે, એ મેળા માટેનો પ્રસંગ પણ જેવો તેવો ન હતો. એમ પણ કહી શકાય કે ઈંગ્લેંડના અને ફ્રાન્સના મેળાના હેતુઓ મર્યાદિત હતા: ઇંગ્લૅન્ડમાં રાણીના રાજ્યારોહણના અને ફ્રાન્સમાં ફ્રેંચ ક્રાંતિના પ્રસંગો બંને સ્થાનિક મહત્ત્વના હતા. ત્યારે, કોલંબસે કરેલી કહેવાતી અમેરિકા ખંડની શોધનું મહત્ત્વ આંતરરાષ્ટ્રીય હતું. કોલંબસ જન્મે ઈટેલિયન હતો. એને સહાય સ્પેનનાં રાજારાણીએ કરી હતી. કોલંબસને પગલે, ઇંગ્લૅન્ડમાંથી પિલ્શિમ ફાધર્સ – યાત્રી વડવાઓ અમેરિકા ગયા હતા. હૉલેંડ, જર્મની, ફ્રાન્સ, પોર્ટુગલ, એમ દરેક યુરોપીય દેશમાંથી સાહસિકો અને ત્રાસિનો અમેરિકા જઈ વસ્યા હતા. એ સૌ વસાહતીઓને આવી શસ્યશ્યામલા માતૃભૂમિની ભેટ આપી, રોટલો ને ઓટલો આપ્યા, એટલું જ નહીં, યુરોપના કલહકંકાશને સ્થાને શાંતિ અને સમૃદ્ધિ આપ્યાં. એટલે, ૧૪૯૩માં, કોલંબસે એ નવી ધરતી પર પગ મૂક્યો તે મહાન પ્રસંગની ચતુર્થ શતાબ્દીની ભવ્ય રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું. અગાઉ જણાવ્યા મુજબ, શિકાગો શહેરે એ આયોજનને સફળ બનાવવાનું બીડું ઝડપ્યું.
આયોજકો અને એમની વિશેષતા:
તે સમયે શિકાગોમાં ચાર્લ્સ બૉની નામના એક વકીલ હતા. તેઓ ઉદાર મતવાદી અને વિશાળ દૃષ્ટિવાળા હતા. કેટલાય બંધારણીય તથા આર્થિક સુધારાના તેઓ જનક હતા. તેમની ખ્વાહેશ મોટી હતી. તેઓ ચાહતા હતા કે શિકાગોનો એ મેળો લંડનનાં કે પેરિસના મેળાઓ જેવા, કેવળ ભૌતિક પ્રગતિ દર્શાવતા, મોજશોખ પોષતા અને ખાણીપીણી પીરસતા પ્રદર્શનથી આગળ વધે અને માનવજાતિના સમગ્ર વિકાસને આલેખે. આ હેતુથી શ્રી બૉનીએ એ ભૌતિક પ્રદર્શનની સાથે વિવિધ વિષયોને લગતી વીસ પરિષદોનું આયોજન કર્યું. સને ૧૮૯૦ના ઑક્ટોબરની ૩૦મી તારીખથી આરંભાયેલા આ કાર્યની જહેમતનો ખ્યાલ આ બધી પરિષદોના કાર્યક્રમની રૂપરેખા માટે પ્રગટ કરાયેલા ૧૬૦ પાનાના કદના પુસ્તકથી જ આવશે.
વિશ્વધર્મપરિષદ:
આ વીસ પરિષદોમાંની એક વિશ્વધર્મપરિષદ હતી. એ સમગ્ર કાર્યક્રમના આયોજનના અગ્રણી શ્રી બૉનીનું સ્વપ્ન કંઈક આવું હતું:
“બધા ધર્મોને સંવિવાદ માટે એકત્ર કરવામાં આવે તો બધા ધર્મો વચ્ચે સહાનુભૂતિના અને સમાનતાના ઘણા મુદ્દા પ્રાપ્ત થાય અને તેથી, પ્રભુપ્રેમ અને માનવસેવાના હેતુ માટે માનવજાતની એકતા સ્થાપવાનું સરળ અને ઝડપી બને.”
આમ શ્રી બૉનીનો હેતુ ખૂબ ઉદ્દાત્ત હતો. ધર્મોની સંવાદિતાનું અને માનવજાતની એકતાનું શ્રી બૉનીનું દર્શન આર્ષદર્શન કહી શકાય.
એ પરિષદનું પ્રયોજન:
પરંતુ, આ વિશ્વધર્મપરિષદનો ખ્યાલ ભલે બૉનીનો હતો, એ માટેની સામાન્ય સમિતિના અધ્યક્ષ વરાયેલા રેવરંડ (પૂજય) પાદરી જૉન હેન્રી બૅરૉઝને શિરે એ પરિષદ અંગેની વિગતવાર તૈયારીની જવાબદારી હતી. ‘વિશ્વ ધર્મપરિષદ’ નામના, એ પરિષદની પૂર્ણાહુતિ પછીથી લખેલા પોતાના પુસ્તકમાં એ પાદરી મહાશયે જણાવ્યું છે કે લોકો એ પરિષદની આતુરતાથી રાહ જોતા હતા. એ પુસ્તકમાં
જણાવાયા પ્રમાણે એ પરિષદના જે હેતુઓ વિચારાયા હતા તે આ પ્રમાણે હતા:
(૧) જગતના મહાન ધર્મોને ચર્ચા વિચારણા માટે પ્રથમ વાર એકત્ર કરવા,
(૨) બધા ધર્મોમાં રહેલા સામ્ય તરફ જગતનું ધ્યાન દોરવું,
(૩) બધા ધર્મોનાં, અને મુખ્ય ખ્રિસ્તી સંપ્રદાયોનાં, વિશિષ્ટ ધાર્મિક સત્યો પ્રગટ કરવાં,
(૪) એકબીજા ધર્મો પાસેથી, પરસ્પર, માર્ગદર્શન મેળવવું,
(૫) આજની મહાન સમસ્યાઓ માટે શાણા ધર્મપુરુષોનું માર્ગદર્શન મેળવવું ,
(૬) જગતની પ્રજાઓમાં ભાઈચારો ઊભો કરવો.
આ પ્રગટ હેતુઓ પ્રશસ્ય નથી એમ કોઈ કહી શકે તેમ નથી. પરંતુ, ધર્માંધ પ્રોટેસ્ટંટ પાદરીઓ અને, ખુદ બૅરોઝ પણ, આ પ્રગટ પ્રયોજનોથી કંઈ જુદી માન્યતા ધરાવતા હતા. એ કાળે, યુરોપ અને અમેરિકા ભૌતિક રીતે સૌથી આગળ વધેલા દેશો હતા ને ત્યાં ખ્રિસ્તી ધર્મ પ્રચલિત હતો. એ આગળ વધેલી પ્રજાઓની ધર્મની પડછે જગતની બીજી પ્રજાઓના ધર્મો – પછી ભલેને એ ગમે તેટલા પુરાણા હોય – કેટલા ઊણા છે ને પોતાનો ધર્મ કેટલો ચડિયાતો છે એમ માનનાર જે વર્ગ હતો તેની પ્રત્યે બૅરોઝની સંમતિ હતી. બૅરોઝે પોતાના એ પુસ્તકમાં કોઈ પૅર (ફાધર-પાદરી) ઘેસિંથનું વચન ટાંક્યું છે: ‘બધા ધર્મો સરખા સારા છે એ સાચું નથી: ઈંગ્લૅન્ડના સૌથી વડા ધર્મગુરુ, કૅન્ટરબરીના આર્કબિશપે શિકાગોની ધર્મપરિષદની સમિતિને ખૂબ વિચારણા પછી’ લખ્યું હતું: ‘ખ્રિસ્તી ધર્મ જ સાચો ધર્મ છે તે સંજોગોમાં, એની સાથે બીજા ધર્મોને એ પરિષદમાં સ્થાન આપી જ કેમ શકાય?’ કહેવાની જરૂર નથી કે માનનીય આર્કબિશપને એ પરિષદમાં હાજરી આપવાનું યોગ્ય જણાયું હતું. બીજા એક બિશપે લખ્યું હતું કે, ‘એ પરિષદમાં સૌ ઘૂંટણીએ પડી ઈસુને નમન કરશે’ અને એ પરિષદમાંના પોતાના અનુભવોને આધારે સ્વામી વિવેકાનંદને પણ લખવું પડ્યું હતું કે, “ખ્રિસ્તી ધર્મની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે વિશ્વધર્મપરિષદનું આયોજન થયું હતું.” બોનીનું, અને એ વિશ્વધર્મપરિષદ અંગેના પોતાના પુસ્તકમાં બૅરોઝે માંડેલું પ્રયોજન પ્રગટ હતું તો બૅરોઝના મનમાંનું, કૅન્ટરબરીના આર્કબિશપે અને પેર હ્યેસિંથે નિર્દેશેલું અને વિવેકાનંદે ત્યાં પ્રત્યક્ષ અનુભવેલું પ્રયોજન પ્રચ્છન્ન હતું – પ્રચ્છન્ન એ રીતે કે બૅરોઝ જેવા પ્રયોજકો આરંભથી કૅન્ટરબરીના આર્કબિશપની ભાષામાં વાત કરતા ન હતા.
અને એ વિશ્વધર્મ- પરિષદમાં ભાગ લેવા માટે રવાના થતાં પહેલાં સ્વામી વિવેકાનંદે પોતાના સમર્થ ગુરુભાઈ સ્વામી તુરીયાનંદને કહ્યું હતું:
“હરિભાઈ (તુરીયાનંદનું પૂર્વાશ્રમનું નામ), આ વિશ્વધર્મ-પરિષદનું આયોજન આને માટે થઈ રહ્યું છે.” ‘આને માટે’ શબ્દો બોલતી વખતે સ્વામીજીએ પોતાની જાતને ચીંધી હતી. અર્થાત્, સ્વામી વિવેકાનંદની જગતને ઓળખ આપવા માટે વિશ્વધર્મપરિષદ મળી રહી હતી. સ્વામીજીની એ અંત:કરણ પ્રવૃત્તિને લક્ષમાં લઈએ તો કહી શકાય કે, વિશ્વધર્મપરિષદનું એ ‘દૈવી’ પ્રયોજન હતું. પરંતુ, આ દૈવી પ્રયોજનની જાણ, અરે, ગંધ પણ, એ વિશ્વધર્મપરિષદના આયોજકોને ન હતી. અરે! એની કલ્પના સુધ્ધાં યે ન હતી.
નિમંત્રણ ન હતું:
એ વિશ્વધર્મપરિષદના આયોજકો સ્વામી વિવેકાનંદથી, એમના ગુરુ શ્રીરામકૃષ્ણના નામથી અને કાર્યથી તથા શ્રીરામકૃષ્ણના નિર્વાણ પછી સ્થપાયેલા ને રામભરોસે ચાલતા એમના યુવાન શિષ્યોના સંઘથી તદૃન અપરિચિત હતા એટલે એ આયોજકોએ સ્વામી વિવેકાનંદને એ પરિષદમાં ભાગ લેવા આવવાનું કે એ પરિષદને સંબોધન કરવાનું નિમંત્રણ આપ્યું ન હતું. તેમ જ, ન તો કોઈ ધર્મે કે ધર્મસંપ્રદાયે એ વિશ્વધર્મ પરિષદમાં અમારા પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદ ભાગ લેશે, તે મતલબની જાણ શિકાગોના કોલંબિયન ઍક્સ્પોઝિશનને કે એના એક અગત્યના ભાગરૂપ વિશ્વધર્મ પરિષદના આયોજન મંડળને જાણ કરી. જે રામકૃષ્ણ સંધની સ્થાપનાથી સ્વામી વિવેકાનંદ તેમાં જોડાયા હતા અને જેની સ્થાપનામાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી તેના અસ્તિત્વની જાણ કલકત્તા શહેરમાંયે આંગળીને વેઢે ગણાય તેટલાં માણસોને કદાચ હશે. વળી, એ સંઘના યુવાન સંન્યાસીઓને પેટ ભરવાનાયે વખા હતા, એમનો મઠ ભૂતિયા ખંડેર જેવા, અવાવરુ, ભાડાના મકાનમાં બેસતો અને, એ સંઘને બંધારણ કે નિયમો જેવું કશુંયે હતું નહીં. આવા સંઘના પ્રતિનિધિને કોણ નિમંત્રે? કોણ માન્ય રાખે?
: ૨ :
નરેન્દ્રઃ
વિશ્વનાથ અને ભુવનેશ્વરી દત્તનો પુત્ર નરેન્દ્ર, અઢાર વરસનો થયો ત્યારે, સને ૧૮૮૧માં, દક્ષિણેશ્વરના શ્રીરામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યો હતો. એમના સંપર્કમાં નરેન્દ્ર આવ્યો તેવો જ, એ ગ્રામીણ, અલ્પશિક્ષિત પણ દૈવી જ કહેવાય તેવી પ્રતિભા ધરાવતા શ્રીરામકૃષ્ણની પ્રબળ અસર હેઠળ આવી ગયો હતો. ખૂબ જ બુદ્ધિશાળી, કુશાગ્ર પાશ્ચાત્ય કેળવણી પામેલો, મિલ અને સ્પેન્સરનો પ્રશંસક, વાચનસમૃદ્ધ અને અજ્ઞેયવાદી નરેન શ્રીરામકૃષ્ણના પાશમાંથી છૂટવા જેમ પ્રયત્ન કરે તેમ, એ પાશ એવો તો પ્રબળ થઈ ગયો કે, નરેને અને એના જેવા બારેક બીજા યુવાનોએ – મૂછનો દોરો ફૂટવાની વયે ઘરબાર, કુટુંબ અને કારકિર્દી તજી દીધાં, અભ્યાસ, નોકરી, જિંદગીની સફળતા વગેરેનો ત્યાગ કર્યો અને સંસાર માંડવાની ઉંમરને ઊંબરેથી સંન્યાસ અંગીકાર કર્યો. સંન્યાસની આ ઘટના, ૧૮૮૬ના ઑગસ્ટમાં શ્રીરામકૃષ્ણે સમાધિ લીધી, તે પછી બની.
દિશાની શોધમાં:
ગિરિ, પુરી, ભારતી, આનંદ વગેરે સંન્યાસીઓના પરંપરાગત સંપ્રદાયો કે અખાડાઓ કરતાં આ જુવાન સંન્યાસીઓનો ચોકો જુદો પડે તે યોગ્ય નથી એમ, એમના કેટલાક શુભેચ્છકોને લાગતું હતું. પરંતુ, તે કોઈ મઠની સ્થાપનાની આડે ન આવ્યા. મઠ સ્થપાયા પછી એને માટે સ્થાનનો, મઠવાસીઓના નિભાવનો, મઠની પ્રવૃત્તિઓનો, એમ અનેક પ્રશ્નો ઊભા થયા હતા. બીજી તરફથી કુટુંબનાં ખેંચતાણો – અને નરેન્દ્રની બાબતમાં કુટુંબના પ્રશ્નોએ – હતાં. મઠમાં મુશ્કેલીઓનો પાર ન હતો. ઠાકુર શ્રીરામકૃષ્ણની છબીની પૂજા થતી. પ્રસાદ ધરાવ્યા વિના પૂજા અધૂરી રહે. પણ કોઈક વાર પ્રસાદ માટે મઠમાં અન્નનો દાણોયે ન હોય, તો, ફળ કે મીઠાઈ ક્યાંથી હોય? આ મુસીબતોમાંથી જાતને ઉગારવાનો અને મઠ પરનો બોજો હળવો કરવાનો માર્ગ નરેન્દ્રના કેટલાક ગુરુભાઈઓએ અપનાવ્યો. ચાલો યાત્રાએ, આમ પણ સાધુ ચલતા ભલા અને મઠમાંથી બહાર પડનાર દરેક યુવાન સંન્યાસી ગુરુવિયોગનો ખાલીપો ભૂલવા માગતા હતા, તીર્થયાત્રાની ઈચ્છા પણ સૌને હતી અને દરેકને અનુભૂતિની ઝંખનાયે હતી. સ્વામી બ્રહ્માનંદ, તુરીયાનંદ, અખંડાનંદ વગેરે મઠમાંથી ચાલી નીકળ્યા હતા. ક્યારેક વિવેકાનંદ, ક્યારેક સચ્ચિદાનંદ તો ક્યારેક વિવિદિશાનંદ નામ ધારણ કરી, નરેન્દ્રબાબુ પણ મઠથી દૂર જવા નીકળી ગયા હતા. પણ બે વાર નાના મોટા પ્રવાસ કરી એક યા બીજા કારણસર તેમને મઠમાં પાછા ફરવું પડયું હતું. આખરે, ૧૮૯૦માં તેઓ ફરી ઉત્તર તરફ, હિમાલય ભણી જવા, ચાલી નીકળ્યા. સંન્યાસીના સામાનમાં શું હોય ? દંડ, કમંડળ અને બેએક પુસ્તકો, ગુરુના શુભઆશિષ અને આત્મખોજનો દૃઢ સં૫. સ્વામી વિવેકાનંદનો સામાન પણ તે જ હતો. એમના હૃદયમાં દેશોદ્ધારનું ક્ષાત્રતેજ ઉછળતું હતું, દેશના દરિદ્રો અને પીડિતો માટે કરુણા છલકાતી હતી, આત્મા બ્રાની ખોજ ચાહતો હતો અને અંતરમાં ગુરુકૃપાનું ભાથું ભર્યું હતું.
પરિવ્રાજક:
સ્વામી વિવેકાનંદ કલકત્તા છોડી, બિહારમાં પરિભ્રમણ કરી, વાયવ્ય દિશા પકડી, ગંગા મૈયાના કિનારે ચાલી, કાશી આવ્યા. ભગીરથનો ઉદ્ધાર કરીને સમુદ્રને મળવા જતી પતિતપાવની ગંગામૈયા ત્યાં વિશ્વનાથનું પાદપ્રક્ષાલન કરે છે. ત્યાં દશાશ્વમેઘ ઘાટ છે ને હરીશ્ચન્દ્ર ઘાટ છે. નજીકમાં જ ભગવાન તથાગતનું સારનાથ છે. આ બધાં તીર્થોની યાત્રા સ્વામી વિવેકાનંદે કરી. અનેક સાધુ સંતોને મળી તેમણે સત્સંગ કર્યો. ત્યાં અનેક બંગાળી બાળ વિધવાઓને જીવન વ્યતીત કરતી જોઈ. ગરીબાઈ જોઈ. દોંગાઈયે જોઈ. ત્યાંથી સ્વામીજી અયોધ્યા ગયા. અને વૃંદાવન થઈ અલમોડા અને પછી, ગઢવાલ ગયા. સ્વામીજી બદરીનાથ તો ન જઈ શક્યા. પરંતુ, રુદ્રપ્રયાગ, ગંગોત્રી, જમ્નોત્રી વગેરે તીર્થો કરી ટેહરીમાં આવ્યા અને ધ્યાન માટે યોગ્ય સ્થાન શોધવા લાગ્યા. અચાનક ગુરુભાઈ અખંડાનંદ બિમાર પડી જતાં, ધ્યાનમાં બેસવા માટે રોકાઈ જવાનું શક્ય ન બન્યું. ગઢવાલ જતાં હાથરસ સ્ટેશનના સ્ટેશનમાસ્તર સ્વામીજીનાં દર્શન માત્રથી એવા પ્રભાવિત થઈ ગયા કે, સ્વામીજીના બોલે એમના શિષ્ય બની સ્વામીજીની સાથે ચાલી નીકળ્યા હતા. (પાછળથી તેઓ સ્વામી સદાનંદ બન્યા) ઉત્તરમાં ફર્યા પછી સ્વામીજી રાજસ્થાનમાં ફર્યો. ત્યાં બે-ત્રણ સ્થળોએ મહારાજાઓએ સ્વામીજીને મહેલમાં આવકાર્યા હતા. ખેતડીના મહારાજાને સન્માર્ગે વાળી, તેમના ગોલાઓનાં બાળકો માટે સ્વામીજીએ નિશાળ ચાલુ કરાવી.
સૌરાષ્ટ્રમાં પરદેશ જવા સૂચન:
રાજસ્થાનથી સ્વામીજી અમદાવાદ આવ્યા ને ત્યાં થોડું રહી તેમણે સૌરાષ્ટ્રની વાટ પકડી. સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં તેઓ અનેક મહારાજાઓના અને તેમના દિવાનોના મહેમાન બન્યા. પોતાના ભારત પરિભ્રમણનો સૌથી મોટા ભાગનો સમય, લગભગ છ-સાત મહિના સ્વામીજીએ ગુજરાતમાં ગાળ્યો હતો. પોરબંદર રાજ્યના તે કાળના, અંગ્રેજ સરકારે નિયુક્ત કરેલા વહીવટદાર, શંકર પાંડુરંગ પંડિત સ્વામીજીના યજમાન હતા. સ્વામીજીનું હીર પારખી શ્રી પંડિતે તેમને વિલાયત જવા સૂચન કર્યું અને યુરોપના દેશોમાં ફ્રેંચ ભાષા ઉપયોગી થશે તેમ જણાવી તેમણે સ્વામીજીને ફ્રેંચ ભણવાની ભલામણ કરી. શ્રી પંડિતની પાસે જ તે માટે પુસ્તકો ઉપલબ્ધ હતાં તેનો ઉપયોગ કરી, કુશાગ્ર સ્વામીજીએ અલ્પ સમયમાં એ ભાષા શીખી લીધી. કલકત્તામાંના પોતાના ગુરુભાઈઓને ફ્રેંચમાં પત્ર લખી તેમને ચકિત કરી દીધા હતા.
વિશ્વધર્મપરિષદનો વિચાર:
ગુજરાતમાંથી સ્વામીજી મધ્ય પ્રાંતો (લગભગ હાલના મધ્યપ્રદેશ)માં સ્વામીજી ગયા. ત્યાં ખંડવામાં કે ઈંદોરમાં પોતે પોરબંદરમાં જેને વિશે પ્રથમ જાણ્યું હતું તે શિકાગોની વિશ્વધર્મપરિષદમાં જવાનો વિચાર પ્રગટ થયો. એ પરિષદમાં પોતાને ભાગ લેવા જવાનું થાય તો પોરબંદરમાં પંડિતજીએ કરેલું સૂચન અમલમાં પણ મૂકી શકાય. પણ એ તો પોતાની ઈચ્છા હતી. એ ૐ માની ઈચ્છા થોડી હતી? તે ગુરુ આજ્ઞા ક્યાં હતી? ને એથીયે વિશેષ અગત્યની વાત એ હતી કે પોતાના કાર્યનો દિશાદોર તેમને પૂરો લાધ્યો હતો ખરો? એમનું પરિભ્રમણ ચાલુ જ હતું. મધ્ય પ્રાંતોથી મુંબઈ, ત્યાંથી હૈદરાબાદ, બેંગ્લોર થઈ મદ્રાસ, ત્યાંથી રામેશ્વર થઈ ભારતના દક્ષિણમય બિંદુએ કન્યાકુમારી સ્વામીજી પહોંચ્યા.
અનુભવ-ભાથું:
લગભગ આખો ભારત દેશ ભમીને આવેલા સ્વામીજી અનેક અનુભવોમાંથી પસાર થઈ ચૂક્યા હતા. રાજમહેલોમાંની રંકતા એમણે નીરખી હતી ને રંકની ઝૂંપડીમાં અમીરાતનો અનુભવ કર્યો હતો. એક મુસલમાન ફકીરની ચાકરી પામ્યા હતા. ભંગીની ચલમ ફૂંકી તેની સાથે તાદાત્મ્ય સાધ્યું હતું. રાંક ડોશીના રોટલાની મીઠાશ એમની જીભે રમતી હતી. સ્વામીજીએ પોતાના પરિભ્રમણ દરમિયાન મિથ્યા કુલાભિમાન, બાળલગ્ન અને બાળવિધવા જેવા, સામાજિક સ્વાસ્થ્યને હાનિકારક કુરૂઢિઓનાં દુષ્પરિણામો, જ્ઞાતિભેદ, આભડછેટ, અસ્પૃશ્યતા, અને અસ્પૃશ્યો પ્રત્યેનો સમાજનો કઠોર વ્યવહાર, અંગ્રેજી રાજય દ્વારા થતું દેશનું શોષણ, રાજાશાહીનો મધ્યયુગી વ્યવહાર, દરિદ્રતા, ધર્મની વાડાબંધી, અને એવું બીજું ઘણું બધું પ્રત્યક્ષ નિહાળ્યું હતું. એથી એમનું દિલ વલોવાઈ જતું હતું અને મનમાં તે અંગે સતત ચિંતન ચાલતું રહેતું હતું. આ બધું જોવાની સાથે દેશની નિરક્ષર રાંક પ્રજાને એકસૂત્રે બાંધતી સાંસ્કૃતિક એકતાનું પણ દર્શન કર્યું હતું. ભારતનો ઉદ્ધાર કરવાની ધગશ હતી પણ મનમાં ઘડભાંગનું ધેરું ધુમ્મસ હતું, અંતરમાં ઊર્જસ્વી ક્ષાત્રવૃત્તિ હતી પણ, તેને વહેવાનો માર્ગ મળતો ન હતો. દિશાદોર માટે સ્વામીજી ખૂબ મથામણ કરતા હતા પણ, જાણે કે અંધ તમસથી વીંટળાઈ ગયા હતા.
દર્શન ભણી:
એ તમસ ગાઢ હતું પણ, પ્હો ફાટવા પહેલાંનું એ તમસ હતું. ભારતને દક્ષિણતમ બિંદુએ માતા કન્યાકુમારીને મંદિરે પ્રવેશી, સ્વામીજીએ માને પ્રાર્થના કરી. કન્યાકુમારીના મંદિરની સામે હિંદી મહાસાગરમાં અર્ધા એક કિલોમીટરને અંતરે આવેલા નાનકડા ટાપુ પર જઈ ધ્યાન ધરવાનું સ્વામીજીને મન થયું. સ્વામીજીએ મગરીઓ-શાર્ક માછલીઓ-થી ભરેલા એ સાગરમાં ધૂબકો માર્યો અને તરીને તે નિર્જન ટાપુ પર તેઓ પહોંચી ગયા. ને ત્યાં ધ્યાનસ્થ થયા.
માર્ગ જડ્યો:
ધ્યાનસ્થ દશામાં સ્વામીજી ચોવીસ ક્લાક – કેટલાકને મતે ત્રણ દિવસ રહ્યા. એ સ્થિતિમાં, પોતાની પરિવ્રજ્યામાં જેને અને જેની સંતતિને વિવિધ રૂપે, વિવિધ વેશે, વિવિધ દશામાં જોયેલી, જાણેલી ને આસેતુહિમાચલ ભારતમાતાનું દર્શન સ્વામીજીને થયું. એટલું જ નહીં, પોતાના એક ગુરુભાઈ રામકૃષ્ણાનંદને પછીથી લખેલા પત્રમાં સ્વામીજીએ પોતે જણાવ્યું છે કે, “ભારતના અંતિમ બિંદુએ આવેલી શિલાએ બેસીને મને એક યોજના લાધી. લોકોને પરાભૌતિક વિદ્યા શીખવવા આપણે કેટલા બધા સંન્યાસીઓ આથડીએ છીએ? પણ એ નર્યું ગાંડપણ છે. ભૂખ્યા પેટે ભજન ન થાય,’ એમ આપણા ગુરુદેવ કહેતા ન હતા ભલા?” સંભવ છે કે એ ખડક પરથી સ્વામીજીને ભારતના ભવ્ય ભૂતકાળનું, વર્તમાનની કંગાલિયતનું અને ભાવિની મહત્તાનું દર્શન થયું હશે. સ્વામીજી ક્રાંતદર્શી હતા. સ્વામીજીને માટે એ સમુદ્રશિલા બોધિવૃક્ષ સમી હતી. દેશોદ્ધારનો અને પરદેશગમનનો, એમ બેઉ સંકલ્પ સ્વામીજીએ ત્યાં જ કર્યા હશે.
ગુરુ આદેશ:
આ સંકલ્પ સાથે સ્વામીજી એ જ્ઞાનશિલા છોડી મંદિરે પાછા ફર્યા અને ફરીથી ઉત્તરગામી બન્યા. મદ્રાસમાં સ્વામીજીને થોડા ઉત્સાહી ને ધગશવાળા યુવાન શિષ્યો મળ્યા હતા. સ્વામીજી મદ્રાસ આવ્યા અને તેમને પોતાની મનની વાત કરી. સ્વામીજીને પડયે બોલે એ થનગનતા જુવાનોએ સ્વામીજીના પરદેશગમન માટે ફંડ એકઠું કર્યું અને થોડા જ દિવસોમાં સ્વામીજીને પાંચસો રૂપિયા ધર્યા. પણ સ્વામીજીને ગુરુ આદેશ ક્યાં હતો? માની ઇચ્છા એવી હતી ખરી? એની ખાતરી થયા વિના કશું જ થઈ શકે નહીં. સ્વામીજીએ એ પાંચસો રૂપિયા ગરીબગુરબાંઓમાં વહેંચાવી દીધા. આખરે, સ્વામીજીને ગુરૂઆદેશ પણ લાધ્યો. એક કરતાં વધારે વાર, ગુરુ શ્રીરામકૃષ્ણ દરિયાના પાણી પર ચાલતા અને પોતાને તેમની પાછળ પાછળ આવવા આશા કરતા સ્વામીજીને દેખાયા. પછી પૂજય શારદામાને પત્ર લખી સ્વામીજીએ તેમની આજ્ઞા માગી. એ પણ મળી.
(ક્રમશ:)
Your Content Goes Here




