શ્રી શારદામઠ દક્ષિણેશ્વરમાં સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દિ સમારોહમાં ૧૨ જાન્યુઆરી, ૧૯૬૩ના રોજ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજે આપેલ હિન્દી અનુસર્જનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.
સ્વામીજીની જન્મશતાબ્દિ ભારતવર્ષ તથા વિશ્વ માટે એક અત્યંત મહત્ત્વની ઘટના છે. એમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણે તથા તેમણે ભારતના કલ્યાણ માટે જન્મ ધારણ કર્યો હતો. શ્રીઠાકુર અને શ્રીમાના શુભાગમનના પરિણામે દક્ષિણેશ્વર મંદિરમાંથી એક આધ્યાત્મિક ભાવધારા વહેવા લાગી. આ જ ભાવધારા પછીથી બેલૂર મઠમાં કેન્દ્રિત થઈ. એ જ આધ્યાત્મિક શક્તિ શ્રીરામકૃષ્ણના શિષ્યો અને એમાંયે વિશેષ કરીને સ્વામીજીના માધ્યમથી સંપૂર્ણ જગતમાં પ્રસરી ગઈ અને વિશ્વનાં અસંખ્ય નરનારીઓના જીવનમાં પ્રેરણા આપી ચૂકી છે અને અત્યારે પણ આપી રહી છે. પ્રભુ કૃપાએ મારે ભારત, ભારતના અનેક પડોશી દેશો અને દૂર યુરોપ અને અમેરિકા જેવા પાશ્ચાત્ય દેશોમાં એમના મહિમાનું થોડુંઘણું દર્શન કરવાનો લ્હાવો મને મળ્યો છે. આ આધારે હું એટલું કહું છું કે એમનો જન્મ સમગ્ર જગતના મંગલ માટે થયો છે.
આપણા સમકાલીન સંન્યાસીઓને સ્વામીજીનાં દર્શન કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું નથી. તેઓ ૧૯૦૨માં અખંડના ઘરે ચાલ્યા ગયા. તેના ચાર વર્ષ પછી હું રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના સંપર્કમાં આવ્યો. એ દિવસોમાં સમગ્ર ભારત અને વિશેષ કરીને બંગાળમાં રાષ્ટ્રિયતાનું મહાન આંદોલન શરૂ થયું હતું. સ્વામીજીનાં વ્યાખ્યાન તથા લેખોએ આ આંદોલનને આધ્યાત્મિક ભાવની પ્રેરણા આપી હતી. અમારી જેમ જ વિશ્વવિદ્યાલયના બીજા ઘણા વિદ્યાર્થીઓએ આ સ્વાતંત્ર્ય આંદોલનમાં ભાગ લીધો હતો. તેની સાથે અમે લોકો બ્રહ્મચર્ય પાલન, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના ઉપદેશોનું પઠનપાઠન તથા સાધન-ભજન પણ કરતા. સ્વામીજી દ્વારા પ્રવર્તિત સેવાધર્મને અપનાવીને અમે લોકો મનુષ્યો અને પશુઓની સુધ્ધાં સેવાના કાર્યમાં લાગી ગયા. પરંતુ અમને એમ લાગ્યું કે આ બધાં કાર્યોમાં વિશેષ તાલીમ કે પ્રશિક્ષણની આવશ્યકતા છે નહિ તો અહિત થવાની સંભાવના રહે છે.
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ અને સ્વામીજીના ગ્રંથ વગેરે અમે લોકો વિશેષ મન લગાડીને વાંચતા રહેતા. સ્વામીજીને અમે લોકોએ પોતાના જીવનના એક આદર્શ રૂપે અપનાવી લીધા હતા. શરૂઆતમાં તો અમે સ્વામીજીને એક મહાન દેશભક્ત, નિર્ભીક સમાજસુધારક, વક્તા અને પ્રચારકના રૂપે જ સ્વીકાર્યા હતા. પરંતુ એ સમયે અમે એ ન સમજી શક્યા કે એમના બધાં કાર્યોના મૂળમાં આધ્યાત્મિકતા હતી.
દૈવ ઇચ્છા અને કંઈક અમારા સદ્ભાગ્યને લીધે અમે લોકો શ્રીરામકૃષ્ણ સંઘના અને તેમાંય શ્રીરામકૃષ્ણદેવના કેટલાક સાક્ષાત્ શિષ્ય સંન્યાસીઓના સંપર્કમાં આવ્યા. એ સંન્યાસીઓમાં શ્રીરામકૃષ્ણદેવના માનસ પુત્ર અને મઠના પરમાધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદ, સ્વામી પ્રેમાનંદ, સ્વામી શિવાનંદ, સ્વામી શારદાનંદ અને સ્વામી તુરીયાનંદ વગેરે હતા. અમારા લોકોના ઉદ્દેશ્ય-લક્ષ્ય વગેરેને સાંભળીને એમણે બધાએ અમને ઘણું પ્રોત્સાહન આપ્યું અને કહ્યું કે એ સેવા માટે બધા વિષયોમાં વિશેષ તાલીમ કે પ્રશિક્ષણની આવશ્યકતા છે. જો એમ ન થાય તો સુયોગ્ય રીતે અને બરાબર સાચી સેવા કરવાનું સંભવ ન બને. એ લોકોએ એ પણ બતાવ્યું કે સ્વામીજીનો સેવાધર્મ એમની ગહન આધ્યાત્મિકતાની આધારશિલા પર પ્રતિષ્ઠિત થયો છે: ‘તમે લોકો પણ સાધનભજન કરીને આધ્યાત્મિકતાના પથ પર જેટલા આગળ વધશો એટલા પ્રમાણમાં સમજી શકશો કે પ્રભુ જ આપણા પોતાના હૃદયમાં અને સર્વ પ્રાણીઓમાં રહેલા છે અને એટલા જ પ્રમાણમાં તમારી જીવસેવા શિવસેવા બની રહેશે.’
સ્વામીજીના ગુરુભાઈઓએ અમને એ પણ સમજાવ્યું હતું કે શ્રીરામકૃષ્ણના માધ્યમ દ્વારા જે શાંત આધ્યાત્મિક ધારા પ્રવાહિત થઈ હતી તે જ ધારા અત્યારે સ્વામીજીની મહા સિંહગર્જન સાથે સર્વત્ર ફેલાઈ રહી છે. પૂજ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજ કહ્યા કરતા કે અમેરિકા જવા રવાના થતાં પહેલાં સ્વામીજીએ એમને આમ કહ્યું હતું: ‘હરિભાઈ, તમે લોકો ધર્મ શબ્દનો શો અર્થ કરો એ હું નથી જાણતો. હું તો એટલું જ સમજું છું કે મારું હૃદય સૌને માટે અનુભવ કે સંસંવેદન કરવાનું શીખી ગયું છે.’ એ લોકોએ અમને આ શબ્દનો અર્થ એ બતાવ્યો કે સ્વામીજીનું પવિત્ર અને શાંત હૃદય અનંત ભગવત્ હૃદય સાથે એકાકાર થઈ ગયું હતું. એટલે તેઓ બધાં પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ સંપન્ન બની ગયા. આપણે લોકોએ પણ આ જ પથનું અનુસરણ કરવું પડશે. શ્રીઠાકુરનાં ચરણોમાં બેસીને જ સ્વામીજી ‘જીવ પર દયા નહિ પણ શિવજ્ઞાને જીવસેવા’ની આ વાત સમજી શક્યા હતા, કારણ કે ‘જે કંઈ છે તે તું જ છે’. પોતાની આ વિરાટ અનુભૂતિ પછી જ સ્વામીજીએ કહ્યું હતું: ‘ભલે મારે ગમે તેટલાં દુ:ખ વેઠવાં પડે, હું મારા વિશ્વના બધાં દુ:ખીદરિદ્રોની સેવા માટે હજારોવાર જન્મ લેવા તૈયાર છું.’ સંસારમાં અનેક પ્રકારનાં દુ:ખીદરિદ્ર છે, કેટલાંક ધનથી દરિદ્ર છે તો કેટલાંક સ્વાસ્થ્યથી, કેટલાંક નૈતિક રૂપે દરિદ્ર છે તો કેટલાંક આધ્યાત્મિક દૃષ્ટિએ. આ બધા લોકો સ્વામીજીની સેવા અને સહાનુભૂતિના અધિકારી છે. એટલે જ એમણે કહ્યું હતું કે બધાં રૂપોમાં નારાયણની સેવા કરવી પડશે.
ભવિષ્ય દૃષ્ટા સ્વામીજીએ ઠીકઠીક વર્ષો પહેલાં કહી દીધું હતું કે ચીનવાસીઓમાં એક વિશેષ જનજાગરણ આવશે અને એ લોકો ભારત પર પણ આક્રમણ કરીને તેને વશીભૂત કરવાનો પ્રયાસ કરશે. જે સ્વામીજીએ ચીનીઓ દ્વારા ભારતવર્ષ પર આક્રમણ કરવાની વાત કરી છે એ જ સ્વામીજીએ ફરીથી પોતાની યોગદૃષ્ટિથી સ્વમાતૃભૂમિના મહાજાગરણનું દર્શન કર્યા પછી એના વિશે આવી ભવિષ્યવાણી કરી હતી: ‘આપણી ભારત માતા પોતાની સુદીર્ઘ ઘોર નિદ્રામાંથી જાગી રહી છે, કોઈનામાં એવી તાકાત નથી કે એ જાગરણને રોકી શકે. જાગ્રત ભારત ફરી સુવાનું નથી. બહારની કોઈ પણ તાકાત એનું દમન નહિ કરી શકે. પ્રભુનો અનુલંઘનીય આદેશ છે કે આ વખતે ભારતનો અભ્યુદય અવશ્ય થવાનો છે, દેશની દુર્ગતિથી પીડાતી જનતાના સુખસમૃદ્ધિના દિવસો આવવાના છે.’ ભારત વર્ષના અધ:પતનનું દર્શન કરીને તેઓ પોતાની અભૂતપૂર્વ ભાષામાં કહે છે : ‘આપણે લોકો આળસુ છીએ, કર્મવિમુખ છીએ, એકતા સાધવામાં અક્ષમ છીએ, ભ્રાતૃભાવના વિહોણા છીએ અને એકબીજાની ઇર્ષ્યા અને ઘૃણા કરીએ છીએ. આ જ આપણી પ્રવર્તમાન દયનીય અવસ્થાનું સ્વરૂપ છે.’ વળી સ્વામીજી આપણા પુનરુદ્ધાર માટે અહીં જણાવેલા ઉપાયોનો નિર્દેશ પણ કરી જાય છે :
(૧) આપણે ધર્મના આધારે પ્રતિષ્ઠિત થવું પડશે. કોઈ પણ સામાજિક કે રાજનૈતિક મતવાદનું આંદોલન કરતાં પહેલાં દેશને આધ્યાત્મિકતાના પૂરથી ભરી દો. આત્મતત્ત્વનો પ્રચાર કર્યા પછી લૌકિક કે તમારી ઇચ્છા પ્રમાણે જે કોઈ જ્ઞાન હશે તે પોતાની મેળે આવી જશે. ધર્મ સમન્વયની સ્થાપના જ ભાવિ ભારતના નિર્માણનું પહેલું સોપાન છે.
(૨) શક્તિ જ આપણી એક માત્ર આવશ્યકતા છે. આત્મા અનંત, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે. ઊઠો, ઊભા થાઓ અને પોતાનું સ્વરૂપ વ્યક્ત કરો. આત્મચેતના જાગ્રત થયા પછી તમે જોશો કે ક્ષમતા, મહિમા, નિષ્ઠા, પવિત્રતા વગેરે જે કંઈ વાંછનીય છે તે બધું પોતાની મેળે આવી જશે.
(૩) સાચા શુદ્ધ-નિર્મળ દેશભક્તોનું ઘડતર કરવું પડશે. લોખંડી માંશપેશીઓ, પોલાદી સ્નાયુઓ અને પ્રચંડ ઇચ્છાશક્તિ સંપન્ન બળવાન મનુષ્યોની આવશ્યકતા છે.
(૪) જેનાથી ચારિત્ર્ય ઘડતર થાય, મનની શક્તિઓમાં વૃદ્ધિ થાય, બુદ્ધિ બળનો વિકાસ થાય અને દરેક વ્યક્તિ પોતાના પગ પર ઊભો રહી શકે, એવી કેળવણીની આપણને આવશ્યકતા છે. એવી કેળવણીની આવશ્યકતા છે કે જેનાથી ચારિત્ર્ય બળ આવે અને માનવનિર્માણ થાય. પાશ્ચાત્ય વિજ્ઞાનની સાથે વેદાંતનો સમન્વય અને એની સાથે જ બ્રહ્મચર્ય, શ્રદ્ધા અને આત્મવિશ્વાસ એ કેળવણીના મૂળ મંત્ર બનશે.
(૫) સામાન્ય જનતાએ સર્વાંગીણ ઉન્નતિ સાધવી પડશે. એક શિક્ષાયતન દ્વારા ગણ-ઉન્નતિનો ભાવ પ્રચારિત કરવો પડશે. એમાં શિક્ષા મેળવીને પ્રચારક શિક્ષકસમૂહ ગરીબોના દ્વારે દ્વારે જઈને વ્યાવહારિક કે લૌકિક શિક્ષણ તેમજ આધ્યાત્મિક શિક્ષણ આપશે. જે કેળવણી અને સંસ્કૃતિ ઉચ્ચવર્ગની સંસ્કૃતિનું સ્રોત છે તે નિમ્નવર્ગના લોકોને આત્મસાત્ કરાવવી પડશે. વર્ણવર્ણમાં સામ્યતા લાવવાનો આ એક જ ઉપાય છે.
(૬) નારી જાતિની ઉન્નતિ અત્યંત આવશ્યક છે. સૌ પ્રથમ તો એ જોવું પડશે કે હિંદુનારીઓ સતીત્વના આદર્શને પૃથ્વીની સમગ્ર સંપત્તિઓ કરતાં પણ ઉચ્ચ સ્થાન આપે. વળી એમને ઇતિહાસ, પુરાણ, ધર્મ, કળા, વિજ્ઞાન, ગૃહસંચાલન, રાંધણકળા, સ્વાસ્થ્ય વિજ્ઞાનનું શિક્ષણ આપવું પડશે. બીજા વિષયોની સાથે મહિલાઓએ સાહસ અને વીરતા પણ મેળવવાં પડશે. તેમજ આત્મરક્ષાનું કૌશલ શીખવું પડશે. આ બાલિકાઓ ભવિષ્યમાં આદર્શ ગૃહિણીઓ બની શકે એ પ્રત્યે પણ ધ્યાન રાખવું પડશે.
ભારતના અધ્યાત્મ વિજ્ઞાન અને પશ્ચિમના ભૌતિક વિજ્ઞાનના સમન્વયથી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે એકતા સ્થાપિત થાય એવી સ્વામીજીની ઇચ્છા હતી. એટલે ભારતના ધર્મ પ્રચારકો પશ્ચિમના દેશોમાં જશે અને ત્યાંથી પાશ્ચાત્ય વિજ્ઞાનની કેળવણીનાં ફળ ભારતમાં લાવશે.
ભગવાન શ્રીરામકૃષ્ણદેવ અને શ્રી શ્રીમા દ્વારા અપાયેલ ઉપદેશ સંદેશનો પ્રચાર કરવા માટે સ્વામીજીએ મઠોની સ્થાપના કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એટલે એમણે બેલૂર મઠની સ્થાપના કરતી વખતે એક સ્ત્રીમઠ સ્થાપવાની યોજના બનાવી હતી. શ્રીમા શારદાદેવીના જન્મશતાબ્દિ વર્ષ (૧૯૫૪)માં એમની આ કામના કાર્યમાં પરિણમી. સ્વામીજીની ઇચ્છા હતી કે સંન્યાસીઓની જેમ જ સંન્યાસિનીઓ પણ સાંસારિક કામ-વાસનાને ત્યજીને, બ્રહ્મનિષ્ઠ બનીને, ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ના વ્રતમાં પોતાનું જીવન સમર્પિત કરી દે. રાષ્ટ્ર હિતના કાર્યમાં તેમાંય વિશેષ કરીને નારીશિક્ષણના વિસ્તારમાં પોતાની જાતને જોતરી દે.
દેશ આજે માઠા દિવસોમાંથી પસાર થઈ રહ્યો છે. એટલે સ્વામીજીની જન્મશતાબ્દિના ઉપલક્ષ્યમાં તેમની સ્મૃતિને જાળવવા ઈંટપત્થર વગેરે જડ પદાર્થોના વિરાટ ભવનનું નિર્માણ અયોગ્ય ગણાશે. આજે એમના ભાવનો પ્રચાર કરવાનો અદ્ભુત અવસર આપણને મળ્યો છે. આપણે આપણું જીવન એમના આદર્શમાં ઢાળી લેવું પડશે અને એનો સર્વત્ર પ્રચાર-પ્રસાર કરવો પડશે. આજે સ્વામીજીની સ્મૃતિના રક્ષણનો આ જ સાચો ઉપાય છે. સ્વામીજીએ કહ્યું હતું : ‘First let ourselves be Gods, then help others to be Gods’ – ‘સર્વ પ્રથમ આપણે દેવત્વમાં પ્રતિષ્ઠિત થવું પડશે ત્યાર પછી બધાને દેવત્વ પ્રાપ્તિમાં સહાય કરવી પડશે.’ સ્વામીજીનો આ સંદેશ આપણે હંમેશાં યાદ રાખીને તેને કાર્યરૂપ દઈને એને મૂર્તરૂપમાં ઢાળીને એમની સ્મૃતિનું રક્ષણ કરીને આપણા જીવનને આપણે ધન્ય બનાવી શકીએ એ માટે શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા અને સ્વામીજીનાં ચરણોમાં મારી પ્રાર્થના.
Your Content Goes Here




