‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં પોતાનું ભાષણ પ્રારંભ કર્યું અને વિશાળ હોલમાં ઉપસ્થિત લગભગ ૪૦૦૦ શ્રોતાઓએ ઉત્સાહના અતિરેકમાં, પોતાની જગ્યા પર ઊભા ઊભા તાળીઓના ગડગડાટથી સ્વામીજીને વધાવી લીધા. વિશ્વ ધર્મ પરિષદ ઉન્મત્ત થઈ ગઈ. જયજયકારની તાળીઓ લગભગ બે મિનિટ સુધી વાગતી રહી. તાળીઓનો ગડગડાટ ઓછો થયા બાદ સ્વામી વિવેકાનંદે વિશ્વના પ્રાચીનતમ ધર્માચાર્યો અને વૈદિક ઋષિઓ વતી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીને વિશ્વને ધર્મ, સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકારનો બોધ દેનાર હિંદુ ધર્મને બધા જ ધર્મોની જનેતા રૂપે ઓળખાવીને પોતાના વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. આ વ્યાખ્યાન લગભગ પાંચ મિનિટનું હતું. પણ તેની સાર્વભૌમિકતા, ગાંભીર્યપૂર્ણ વિચારની મૌલિકતા અને ઉદાત્ત માનસિક ભાવનાએ સંપૂર્ણ મહાસભાને વશીભૂત કરી લીધી. વિશ્વના ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું.

સ્વામી વિવેકાનંદને વિશ્વ ધર્મ સભામાં જે ઝળહળતી સફળતા મળી, તેના ઘેરા પડઘા ભારતમાં પડ્યા. ૨૦૦૦ વર્ષોથી નિદ્રિત ભારતમાતાએ પહેલીવાર પડખું ફેરવ્યું. ભારતવાસીઓ પોતે ગુલામીના માનસમાં, હીનતાની બેડીઓમાં બંધાઈ ગયા હતા. તેમણે આત્મગૌરવની લાગણી અનુભવી અને તરુણોમાં એક નવી જાગૃતિ આવી. કાકા સાહેબ કાલેલકર કહે છે, ‘હું જ્યારે મારા બાલ્યકાળનો અને યૌવનકાળનો વિચાર કરું છું ત્યારે મારા હૃદય પર સ્વામી વિવેકાનંદે કેવી જાદુ જેવી અસર કરી હતી, એના સ્મરણથી આજે પણ ગદ્‌ગદ થઈ જાઉં છું.’ દેશના મોટા ભાગના ક્રાંતિવીરો અને રાષ્ટ્રનેતાઓના પ્રેરણાસ્રોત બન્યા સ્વામી વિવેકાનંદ. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ડો. રાધાકૃષ્ણન્ વગેરેએ પોતે આ એકરાર કર્યો છે.

સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં આપેલ પ્રવચનોના પ્રભાવનું મૂલ્યાંકન અઘરું છે. ભારતના જ નહીં, સમસ્ત વિશ્વના ઇતિહાસમાં તેનું અનન્ય પ્રદાન છે. સ્વાભાવિકરૂપે આપણા મનમાં પ્રશ્ન થાય કે ઐતિહાસિક બનાવની પૃષ્ઠભૂમિકા શું છે? કેવી રીતે સ્વામી વિવેકાનંદને વિશ્વધર્મસભાની બાતમી મળી, ક્યારે મળી, કેવી રીતે તેઓ આ પરિષદમાં ભાગ લેવા ગયા, વગેરે.

આ બધું તો એક સંશોધનનો વિષય છે. અત્યાર સુધી આ વિશે જે માહિતી પ્રાપ્ત થઈ છે, તે અહીં પીરસવામાં આવે છે.

ગુજરાત માટે ગૌરવની વાત છે કે શિકાગો ધર્મસભા વિશેની માહિતી સ્વામી વિવેકાનંદને સૌ પ્રથમ વાર ગુજરાતમાં તેઓ પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યારે મળી. સ્વામી વિવેકાનંદ વિશેનું સૌથી વધારે વિશ્વસનીય જીવનચરિત્ર છે, અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા ૧૯૧૩માં પ્રકાશિત ‘Life of Swami Vivekananda by His Eastern and Western Disciples’. આ પુસ્તકના બીજા ભાગના ૧૭૪મા પૃષ્ઠ પર લખેલ છે, ‘Somewhere, it might have been at Junagad or at Porebander, he heard of the great religious convention that was to be held sometime in the following year.’

‘બની શકે છે કે તેમણે (સ્વામી વિવેકાનંદે) જૂનાગઢ અથવા પોરબંદરમાં પછીના વર્ષમાં યોજાનારી મહાન ધર્મપરિષદ વિશે સાંભળ્યું હોય.’

આ વિશે અત્યાર સુધી પ્રાપ્ય વિગતો પ્રમાણે સ્વામી વિવેકાનંદને જૂનાગઢ અથવા પોરબંદરમાં માહિતી નહોતી મળી, પણ જ્યારે તેઓ જૂનાગઢથી પોરબંદર જઈ રહ્યા હતા ત્યારે જેતલસર રેલવે જંકશનમાં ત્યાંના આસિ. સ્ટેશન માસ્ટર શ્રી હરગોવિંદદાસ અજરામર પંડ્યા પાસેથી મળી હતી.

શ્રી લક્ષ્મણ પિંગળશી ગઢવીએ ઈ.સ. ૨૦૦૦માં એક પુસ્તક લખ્યું છે, ‘સૌરાષ્ટ્ર—સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌’. તેમાં તેઓ લખે છે, “તેઓશ્રીને (સ્વામી વિવેકાનંદને) શિકાગો વિશ્વપ્રવાસની પ્રેરણા જેતલસર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરે આપી હતી.” (પૃ.૧૭)

સુપ્રસિદ્ધ ઇતિહાસકાર અને લેખક ડૉ. વિષ્ણુભાઈ પંડ્યા પોતાના પુસ્તક ‘ઉત્તિષ્ઠત, ગુજરાત!’માં લખે છે કે, “સ્વામી વિવેકાનંદને જેતલસરના રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર શ્રી હરગોવિંદદાસ અજરામર પંડ્યાએ શિકાગો ધર્મસભામાં જવાનો આગ્રહ કર્યો.” (પૃ.૧૦૨) તેના પ્રમાણરૂપે તેઓ સંદર્ભ આપે છે—સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગુણવંતરાય આચાર્ય દ્વારા લિખિત લેખ, ‘જેતલસરનો ચમત્કાર’. (‘ભર કટોરા રંગ’, કોલમ, ગુજરાત સમાચાર, ૧૯૬૭)

સ્વામી વિવેકાનંદની જેતલસરની મુલાકાતનું એક વધુ પ્રમાણ મળે છે—સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ આચાર્ય (જેઓ જેતલસરના રહેવાસી હતા) દ્વારા લખાયેલ પુસ્તક ‘માટીના પગ’માં. તેઓ લખે છે, ‘અમારા જડેશ્વરમાં સ્વામી વિવેકાનંદ પણ રહી ગયા છે.’ (પૃ. ૬) જડેશ્વર મંદિર જેતલસરનું મહત્ત્વનું મંદિર હતું.

આ પહેલાં ગાઝીપુરમાં મિસ્ટર પેન્ટિંગ્ટને સ્વામી વિવેકાનંદને વિદેશ જવાનું સૂચન કર્યું હતું. પણ શ્રી મહેન્દ્રનાથ દત્ત પ્રમાણે તે સૂચન ઉચ્ચ શિક્ષણ મેળવવા જવા માટે થયું હતું, ધર્મના પ્રચાર માટે નહીં. સનાતન ધર્મના પ્રચાર માટે વિદેશ જવાની સૌ પ્રથમ પ્રેરણા લીંબડીના ઠાકોર સાહેબ શ્રી યશવંતસિંહજીએ આપી હતી. તેઓ પોતે બે વાર વિદેશયાત્રા કરી આવ્યા હતા. પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિતે પણ સ્વામી વિવેકાનંદને સનાતન ધર્મના પ્રચાર માટે વિદેશ જવાનું સૂચન કર્યું હતું.

જૂનાગઢના દીવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના કાર્યભારી શ્રી છગનલાલ પંડ્યા સાથે પણ સ્વામી વિવેકાનંદની વિદેશયાત્રા કરવા વિશેની વાતો થઈ હતી. પરંતુ કોઈ પણ વખત શિકાગો વિશ્વધર્મસભા વિશેની વાતોનો સંદર્ભ આ વાર્તાલાપોમાં પ્રાપ્ય નથી, માટે જ્યાં સુધી અન્ય પુરાવાઓ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે માની શકીએ કે જેતલસર રેલવે સ્ટેશનના આસિ. સ્ટેશન માસ્ટર શ્રી હરગોવિંદદાસ અજરામર પંડ્યાએ સ્વામી વિવેકાનંદને શિકાગો વિશ્વધર્મસભા વિશેની પ્રથમ વાર બાતમી આપી હતી. તેમણે આટલુંં મોટું ઐતિહાસિક પ્રદાન કર્યું છે, તેથી તેમના વિશે વિસ્તૃત માહિતી જાણવી રસપ્રદ રહેશે.

શ્રી હરગોવિંદદાસ અજરામર પંડ્યાને બધા ‘મોટાભાઈ’ કહીને બોલાવતા. ગાંધીજીને ‘મહાત્મા’નું બિરુદ તો જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા પછી મળ્યું પણ હરગોવિંદદાસ ભાઈને તો ‘મહાત્મા’નું બિરુદ બહુ પહેલાં મળી ગયું હતું. તેઓ ‘મહાત્મા’ પહેલાંના ‘મહાત્મા’ હતા. તેમનો જન્મ ૨૦મી જુલાઈ, ૧૮૬૭માં સાંગાણા ગામમાં (તા. તળાજા, જિ. ભાવનગર) થયો હતો.

નાની ઉંમરમાં જ તેઓ ભાવનગર આવી ગયા હતા. તેમનું ભણતર પાંચ અંગ્રેજી ચોપડીથી વધારે ન હતું, છતાંય દક્ષિણામૂર્તિ શૈક્ષણિક સંસ્થામાં તેમનું અનન્ય પ્રદાન હતું. શ્રી નૃસિંહપ્રસાદભાઈ ભટ્ટની સાથે મળીને તેમણે દક્ષિણામૂર્તિ સંસ્થાનો પાયો નાખ્યો હતો, તેનો વિકાસ કર્યો હતો. એટલે નૃસિંહભાઈ ‘નાનાભાઈ’ના નામથી ઓળખાતા. બંને શ્રીમન્નથુરામ શર્માના શિષ્ય હતા. તેઓ રેલવેની નોકરીમાં જોડાયા પછી ક્રમ પ્રમાણે તીથલ, જેતલસર, ધોળા અને ભાવનગર રેલવે સ્ટશનોમાં હતા. રેલવેના સામાન્ય તાર માસ્ટરમાંથી તેઓ સ્ટેશન માસ્ટર અને તે પછી ઇન્સ્પેક્ટર થયા હતા. ભાવનગરમાં જ તેમણે ૨૭મી જુલાઈ, ૧૯૨૪ના રોજ દેહત્યાગ કર્યો.

સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્‌ શ્રી ગિજુભાઈ બધેકાએ ‘મોટાભાઈ’ને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું છે,

‘મહાત્મા શ્રીમન્નથુરામ શર્માએ દક્ષિણામૂર્તિ સંસ્થાના વિચારને જન્મ આપ્યો હશે, શ્રી નૃસિંહપ્રસાદે કદાચ સંસ્થાનું મગજ ઘડ્યું હશે ને શ્રી ઓધવજીભાઈએ સંસ્થાનું સ્થૂળ ઘડવામાં મદદ આપી હશે; પરંતુ હરગોવિંદદાસભાઈએ તો આ સંસ્થાનો પ્રાણ ઘડ્યો છે. આ સંસ્થા મહારાજશ્રીના આશીર્વાદમાંથી, શ્રી નૃસિંહપ્રસાદભાઈની બુદ્ધિમાંથી અને શ્રી ઓધવજીભાઈની કુશળતામાંથી થઈ છે, એ ખરું છે; પણ એથી ખરું તો એ છે કે એ હરગોવિંદભાઈના લોહીમાંથી થઈ છે. જ્યારે મહારાજશ્રીએ સંસ્થાને ચરણે થોડુંએક દ્રવ્ય અને આશીર્વચન, શ્રી નૃસિંહપ્રસાદજીએ પોતાનો કીમતી વખત અને ઉત્તમ બુદ્ધિ, ઓધવજીભાઈએ પોતાની કાર્યદક્ષતા અને લાગવગ આ સંસ્થાને ધર્યાં હતાં ત્યારે હરગોવિંદભાઈએ તો સંસ્થાને ચરણે પોતાનું સર્વસ્વ ધર્યું હતું.’ વધુમાં તેઓ કહે છે:

‘એક વાર એમની એવી વૃત્તિ પણ હતી કે સંન્યસ્ત લઈ સંસ્થાના કુલગુરુ તરીકે સંસ્થામાં જ અવશેષ જીવન ગાળવું અને સંસ્થાને શરણે શરીર, મન અને આત્મા સમર્પવાં.’

શ્રી ગિરીશભાઈ ભટ્ટે તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું છે, ‘ગમે તેવો માંદગીનો, ચિંતાનો, મૂંઝવણનો, ઉતાવળનો કે કટોકટીનો પ્રસંગ હોય—મોટાભાઈને તે સંબંધે જરૂરી કર્તવ્ય પૂરું કર્યા પછી જો તમે જુઓ તો તેમના ચહેરા પર ન હોય ચિંતા, ન હોય મૂંઝવણ, ન હોય ઉતાવળ કે ન હોય વિષાદની છાયા. ઊલટી ત્યાં તો હોય કર્તવ્યની તૃપ્તિ અને પ્રભુની પ્રસન્નતા, લાગે કે મોટાભાઈ તો સાચા સંન્યાસી.’

મોટાભાઈ સાચા ગૃહસ્થ પણ હતા તેની વાત કહેતાં તેઓ કહે છે:

‘સામાન્યત: બૈરી-છોકરાંનો જ કુટુંબમાં સમાવેશ કરવામાં આવે છે. મોટાભાઈનું કુટુંબ એટલે? નાની વિગતમાં ન ઊતરીએ તો ટૂંકમાં સગાંસંબંધીઓ ને અતિથિઓનો એક અખાડો. મોટાભાઈની નિ:સ્પૃહતા તો એક અને અજોડ હતી. હજુ પણ ભાવનગર રેલવેમાં મોટાભાઈ એક આદર્શ મનાય છે. મોટાભાઈની બીજી પાંખ ત્રિવેણીબા. ત્રિવેણીબાના આદર્શ સહકાર વડે જ મોટાભાઈનાં તપ ટીપ્યાં અને ફળ્યાં. જીવનના અંતિમ દિવસોમાં મોટાભાઈ એમને ‘અંબા’ કહી સંબોધતા!’

શ્રી નાનાભાઈ ભટ્ટના પૌત્ર શ્રી નીતિનભાઈ ભટ્ટ ‘નવનીત સમર્પણ’ના જાન્યુઆરી, ૨૦૧૯ના અંકમાં લખે છે, ‘કોલેજના પ્રોફેસરની નોકરી છોડીને નાનાભાઈ ભટ્ટે દક્ષિણામૂર્તિના ‘મહેતાજી’ બનવાનું પસંદ કરીને કેળવણીના ક્ષેત્રમાં આગવું કદમ ભર્યું ત્યારે તેમને અનેક અણધાર્યા પ્રશ્નોનો સામનો કરવો પડેલો. આ બધાથી મૂંઝાઈને એ એક વાર રડી પડેલા! ત્યારે મોટાભાઈએ એમને ધીરજ અને હિંમત આપેલાં. નાનાભાઈએ લખ્યું છે, ‘મેં મારા માનેલા ગુરુ મહારાજ નથુરામ શર્મા પાસેથી મેળવ્યું એના કરતાં ઘણું વધારે મોટાભાઈ પાસેથી મેળવ્યું છે. તેમની હૂંફમાં હું માણસો પાસેથી કામ લેતાં શીખ્યો, ઓળખીતાઓ સાથે મમતાથી વર્તતાં શીખ્યો, દક્ષિણામૂર્તિ સંસ્થાને પોતાનું ઘર માનતાં શીખ્યો.’

શ્રી નીતિનભાઈ ભટ્ટ જણાવે છે, ‘મોટાભાઈના જીવનનો એ સંદેશ છે કે સમાજના કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિ શિક્ષણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમૂલ્ય ફાળો આપી શકે છે.’

શ્રી હરગોવિંદદાસ અજરામર પંડ્યા ‘મોટાભાઈ’ વિશેની ઉપરોક્ત વિગતો તેમના પ્રપૌત્ર શ્રી ચિંતનભાઈ પંડ્યાએ આપી છે. આ વિગતો જાણીને આપણને જરાય અસ્વાભાવિક નથી લાગતું કે સ્વામી વિવેકાનંદ જેવા તેજસ્વી યુવા સંન્યાસી જૂનાગઢથી રાતના જેતલસર પહોંચી સવારના પોરબંદર જવાવાળી ટ્રેનની રાહ જોતાં તે નાનકડા સ્ટેશનમાં એકાદ બાંકડા પર બેઠા હોય અને મોટાભાઈ (જેઓ સંન્યાસીઓ પ્રત્યે અત્યંત આદરભાવ રાખતા અને અતિથિસેવામાં માનતા) તેમને નિમંત્રણ આપી સ્ટેશનની પાસેના પોતાના સ્ટાફ ક્વાર્ટ્સમાં શિયાળાની રાત પસાર કરવા લઈ જાય અને અલકમલકની અનેક વાતો કરતાં કરતાં શિકાગો વિશ્વ ધર્મસભા વિશે સ્વામીજીને માહિતી આપે.

ધ્યાન દેવા જેવી બાબત છે કે ત્યારે સ્વામી વિવેકાનંદની ઉંમર લગભગ ૨૮ વર્ષ અને મોટાભાઈની ઉંમર લગભગ ૨૪ વર્ષ હતી, એટલે સ્વાભાવિક છે, બંને વચ્ચે મિત્રતા બંધાય. એક સંન્યાસી અને બીજા ‘મહાત્મા’! વળી મોટાભાઈ પાસે બાહ્ય જગતમાં ઘટતી ઘટનાઓની માહિતી તરત જ મળતી, કારણ કે તેઓ સ્ટેશન માસ્ટર હતા. ‘કાઠિયાવાડ ટાઇમ્સ’માં શિકાગો ધર્મસભા વિશેની માહિતી પ્રકાશિત થતી રહેતી. બની શકે છે કે સમાચારપત્રમાંથી વિશ્વધર્મપરિષદ વિશેની માહિતી તેમને પ્રાપ્ત થઈ હોય અને તેમણે સ્વામી વિવેકાનંદને જણાવી હોય. અનુમાન કરી શકાય કે સ્વામી વિવેકાનંદ ઈ.સ. ૧૮૯૧ના અંતમાં અથવા ૧૮૯૨ના પ્રારંભમાં જૂનાગઢથી ટ્રેન દ્વારા પોરબંદર ગયા હશે, અને શિયાળાની કોઈ રાતે જેતલસર સ્ટેશનમાં રાત વિતાવી હશે, કારણ કે સ્વામી વિવેકાનંદનો ગુજરાત પ્રવાસ સપ્ટેમ્બર, ૧૮૯૧માં અમદાવાદથી પ્રારંભ થયો હતો અને ૨૬ એપ્રિલ, ૧૮૯૨ના રોજ તેઓ વડોદરાથી મુંબઈ જવા રવાના થયા હતા.

પોતાની પરિવ્રાજક અવસ્થામાં સ્વામી વિવેકાનંદ મોટે ભાગે પગપાળા ભ્રમણ કરતા અથવા કોઈ રેલવેની ટિકિટ અપાવી દે તો ટ્રેનમાં પ્રવાસ કરતા. પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવની જેમ તેઓ પૈસાનો સ્પર્શ પરિવ્રાજક અવસ્થામાં કરતા નહીં. શક્ય છે કે જૂનાગઢના દીવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈએ (જેમની સાથે તેમનો ગાઢ સંબંધ હતો) ટ્રેનની ટિકિટની વ્યવસ્થા કરી હોય.

આમ, શિકાગો ધર્મસભાનું ભારતના અને વિશ્વના ઇતિહાસમાં અનેરું સ્થાન છે અને સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ તેનું અનેરું સ્થાન છે. ગુજરાત માટે ગૌરવની વાત છે કે આ વિશ્વ ધર્મપરિષદ વિશેની બાતમી સૌ પ્રથમ વાર તેમને ગુજરાતમાં મળી. વળી ગુજરાતમાં જ, પોરબંદરમાં તેમણે શ્રી શંકર પાંડુરંગની વિશાળ લાઇબ્રેરીનો લાભ ઉઠાવી જ્ઞાનાર્જન કર્યું અને પછી વિદેશમાં એનું વિતરણ કર્યું. ધન્ય ગરવી ગુજરાત!

Total Views: 4

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.