(૧૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.)
વિજ્ઞાન મહારાજ પહેલાં શ્રીમાનો મહિમા જાણી શક્યા ન હતા. સ્વામીજી પાસેથી જ એમને એ જ્ઞાન મળ્યું હતું. એ ઘટનાનું વર્ણન એમણે પોતે કર્યું હતું: ‘હું શ્રીમાની પાસે બહુ જતો ન હતો. સ્વામીજી એ જાણી ગયા. એક દિવસ એમણે મને પૂછ્યું:‘માને પ્રણામ કરવા ગયો હતો?’ મેં કહ્યું:‘જી, નહીં.’
સ્વામીજીએ કહ્યું: ‘અત્યારે જ જાઓ, પ્રણામ કરી આવો.’ હું તો માને પ્રણામ કરવા ચાલ્યો, પરંતુ મનમાં વિચાર્યું કે હું તો એમનાં ચરણ પાસે માથું ટેકવીને ચાલ્યો આવીશ. માને પ્રણામ કરીને ઊઠતાં જ સ્વામીજીએ પાછળથી કહ્યું: ‘આ શું છે પેસન! સાષ્ટાંગ પ્રણામ કરો. મા તો સાક્ષાત જગદંબા છે.’ હું તો ફરીથી સાષ્ટાંગ પ્રણામ કરીને ચાલ્યો આવ્યો. હું વિચારી પણ ન શક્યો કે સ્વામીજી મારી પાછળ આવશે.!
એક રાત્રે ઊઠીને તેમણે જોયું કે સ્વામીજીના ઓરડામાં બત્તી બળે છે. પહેલાં તેમણે વિચાર્યું: કદાચ સ્વામીજી અભ્યાસ વગેરે કરી રહ્યા હશે. કુતૂહલવશ દરવાજાની વચ્ચેથી ઓરડામાં જોતાં જ જણાયું કે સ્વામીજી ધ્યાનમગ્ન બેઠા હતા અને તેમના દેહના પ્રકાશથી તે ઓરડો પ્રકાશિત થયો હતો. બીજા પણ એક પ્રસંગની તેમણે વાત કરી હતી. સ્વામી વિજ્ઞાનાનંદના અતિશય પરિશ્રમ અને ગૃહનિર્માણની કુશળતાથી મઠનું ભવન અને પૂજાગૃહ વગેરે તૈયાર થઈ ગયું.
પછી એમના પ્રસ્તાવથી સ્વામીજીએ એમને ગંગાનો કિનારો પાકો કરી દેવાનું કહ્યું. આથી વિજ્ઞાનાનંદજી મહારાજ એ કામમાં રોકાયેલા રહેતા. એક દિવસ બપોરે ઓટ હતી ત્યારે તેઓ તાપમાં ઊભા રહીને, પરસેવે રેબઝેબ થઈને પણ એકચિત્તે કામ પર દેખરેખ રાખી કામ જલદી કરાવી રહ્યા હતા; જેથી ભરતી આવતાં પહેલાં કામ પૂરું થઈ જાય. એ કારણે તરસે ગળું સૂકાતું હતું છતાં પણ ત્યાંથી જવું શક્ય ન હતું.
મઠના બીજા માળે અસ્વસ્થ સ્વામીજી ડોક્ટરની સલાહ મુજબ બરફવાળું દૂધ પી રહ્યા હતા. ગ્લાસ ખાલી થઈ ગયો, એટલામાં ઘાટ તરફ જતાં જ તેમણે સેવકને હાથમાં ખાલી ગ્લાસ આપીને કહ્યું: ‘જઈ પેસનને આપી આવ.’ ખાલી ગ્લાસ જોઈને હરિપ્રસન્ન મહારાજે દુઃખી મનથી વિચાર્યું: ‘આવી સ્થિતિમાં પણ સ્વામીજી મજાક કરી રહ્યા છે!’ તો પણ આજ્ઞાપાલન અને પ્રસાદ-ગ્રહણ ઉચિત છે એમ માનીને તેમણે ગ્લાસમાં વધેલાં બે-ચાર ટીપાં પી લીધાં. આશ્ચર્યની વાત એ છે કે જાણે કોઈએ મુખમાં અમૃત રેડી દીધું ન હોય! એ સમયે તરસ બુઝાઈ ગઈ અને શરીર શીતળ થઈ ગયું!
Your Content Goes Here




