(સ્વામી વિજ્ઞાનાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. તેઓ રામકૃષ્ણ મઠના ચતુર્થ પરમાધ્યક્ષ હતા. બેલુર મઠમાં સાધુઓ વિજ્ઞાનાનંદજીને ‘વિજ્ઞાન મહારાજ’ કહીને સંબોધતા. વિજ્ઞાનાનંદજીનું પૂર્વાશ્રમનું નામ હતું હરિપ્રસન્ન. સ્વામી વિવેકાનંદ એમને ‘પેશન’ના હુલામણા નામે બોલાવતા. આ લેખમાં સ્વામીજી એટલે સ્વામી વિવેકાનંદ. સુરેશચંદ્ર દાસ અને જ્યોતિર્મય બસુરાય દ્વારા સંપાદિત તથા ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત ‘પ્રત્યક્ષદર્શિર સ્મૃતિપટે સ્વામી વિજ્ઞાનાનંદ’ નામક મૂળ બંગાળી પુસ્તકમાંથી આ અંશ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. – સં.)

વિજ્ઞાનાનંદજીનો પરિચય

જેમને બ્રહ્મ-સાક્ષાત્કાર થયો છે, તેઓ છે મહાપુરુષ. આવા એક મહાપુરુષ સંબંધે કશું કહેવાનો કે લખવાનો અધિકાર તેમનો પોતાનો છે, અથવા એક બીજા મહાપુરુષનો છે. જેમણે બ્રહ્મજ્ઞાન મેળવ્યું નથી, એ કેવી રીતે મહાપુરુષનું વજન કરી શકે? જેમણે બ્રહ્મજ્ઞાન મેળવ્યું નથી એ જો પોતાના વજનકાંટા ઉપર વજન કરે તો મહાપુરુષનું વજન ઓછું દેખાય! શાકભાજી વેચવાવાળો હીરાનું મૂલ્યાંકન કરે, એના જેવું આ થઈ ગયું.

સુગભીર પાંડિત્ય, પ્રશાંત સ્વભાવ, ગંભીર પ્રકૃતિ, તથા સુદૃઢ શરીર લઈને વિજ્ઞાનાનંદજીએ જન્મ ગ્રહણ કર્યો હતો. બેલઘરિયાના ગોવિંદબાબુના ઘરે ક્રીડારત ચતુર્દશવર્ષીય હરિપ્રસન્નને જોઈને જ ઠાકુરે એમના પોતાના અંતરંગ ગણીને ચિહ્નિત કર્યા હતા. તેઓ ડિસ્ટ્રીક્ટ એન્જિનિયરના ઉચ્ચપદે સ્થાપિત હતા. એ છોડીને તેઓએ ઠાકુરનો આદેશ મેળવીને બેલુર મઠમાં યોગદાન કર્યું હતું. ત્યાર બાદ તેઓ જીવનભર વૈરાગ્યનો આશ્રય લઈને પ્રયાગરાજમાં (એ સમયના અલાહાબાદમાં) રહેતા હતા અને હંમેશાં પાંડિત્યપૂર્ણ સંશોધનમાં મગ્ન રહેતા હતા. ‘સૂર્યસિદ્ધાંત’નો અનુવાદ એમની અક્ષયકીર્તિ છે. ‘નારદ પંચરાત્ર’નો અંગ્રજી અનુવાદ એમનામાં રહેલ સુદૃઢ ભક્તિભાવનો પરિચાયક છે. શરીરત્યાગના પહેલાં સુધી તેઓ ‘રામાયણ’નો અંગ્રેજી અનુવાદ કરી રહ્યા હતા. વિજ્ઞાનાનંદજી એકાંતવાસ પસંદ કરતા. પરંતુ મઠના કોઈ કાર્યનું આહ્‌વાન આવે ત્યારે તેઓ મન-પ્રાણ ઢાળીને એ કાર્ય સિદ્ધ કરી બતાવતા. છતાં એમણે કોઈ નિયમિત દાયિત્વ સંભાળ્યું ન હતું. તેઓ મઠના ટ્રસ્ટી બન્યા ન હતા. ઘટનાચક્રે મઠના પરમાધ્યક્ષ બન્યા બાદ તેઓને ફરજિયાત ટ્રસ્ટી થવું પડ્યું હતું.

બેલુર મઠ પર ટેક્ષ

બેલુર મઠ. ગંગાનો પશ્ચિમ કિનારો. બપોરના ત્રણ વાગ્યા છે. સાધુનિવાસનો બીજો માળ. પૂર્વ-દક્ષિણ ખૂણો. વિજ્ઞાન મહારાજ આરામ ખુરશીમાં બેઠા છે. એમની પાછળ સ્વામી વિવેકાનંદ જે ઓરડામાં રહેતા હતા એ ઓરડો આવેલ છે. એમની સન્મુખે, ઉત્તર દિશામાં, ગંગાના પૂર્વ કિનારે દક્ષિણેશ્વર મંદિર આવેલું છે. મઠમાં એ વખતે ઝાઝા સાધુઓ રહેતા ન હતા. બે-ત્રણ યુવક ભક્તો કોલકાતાથી આવેલા છે. તેઓ જમીન ઉપર બેઠા છે. મઠના બે યુવાન સાધુઓ પણ આવીને વિજ્ઞાન મહારાજની સામે બેઠા. એક સાધુએ પ્રશ્ન કર્યો: “મહારાજ, મઠના શરૂઆતના દિવસોની કોઈ વાત કહો.”

વિજ્ઞાન મહારાજ સ્વભાવત: અલ્પભાષી અને ગંભીર. અન્ય સમયે વિભિન્ન વાતો દ્વારા આવા પ્રશ્નને ઊલટાવી દઈને મજાદાર પ્રસંગોમાં પ્રશ્નકર્તાને પ્રવૃત્ત કરી દેતા. પરંતુ આજે સંમત થયા.

તેઓએ કહ્યું: “ભાઈ, આ મઠ હમણાં જ આરંભ થયો છે, 1898માં. એ સમયે સ્થાનિક મહાનગર- પાલિકાએ મઠ ઉપર ટેક્ષ લગાવી દીધો. તેઓ કહે છે, ‘આ મઠ નથી, આ તો છે ધની બાબુઓનું ઉદ્યાનગૃહ. અહીં અમેરિકાથી વિદેશી સાહેબ અને મેમ આવે છે. અહીં સોફા, પલંગ, ખુરશી, ટેબલ, વગેરે પશ્ચિમી સભ્યતાનાં બધાં સુખ-સુવિધાનાં સાધનો છે. આ લોકો (મઠના સાધુઓ) અમેરિકાની યાત્રા પણ કરતા રહે છે. ભારતના પ્રાચીન મઠની આ પરંપરા નથી. માટે ટેક્ષ આપવો જ પડશે.’

“આપણે સર્વપ્રથમ હાવડા કોર્ટમાં કેસ કર્યો. ત્યાર બાદ હાઈકોર્ટમાં જઈને આપણે કહ્યું કે આ મઠ છે. અહીં સર્વત્યાગી સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ રહે છે. ભારતીય વૈદિક રીતિ અનુસરીને એમણે સંન્યાસ ગ્રહણ કર્યો છે. અહીં બધા જ યુવકો શિક્ષિત છે. પિતા-માતા અને ઘર-પરિવાર છોડીને ઈશ્વરદર્શન માટે અહીં આવીને રહે છે અને યથાસાધ્ય સાધન-ભજન કરે છે. કેટલાક સાધુઓ તો ધનિક પરિવારના છે, અને કેટલાક સાધુઓ ઉચ્ચશિક્ષા-પ્રાપ્ત છે. ‘આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ’ના આદર્શ અનુસાર તેઓ દરિદ્રનારાયણ અને દુ:ખીનારાયણની સેવા કરે છે. બેલુર મઠના પ્રતિષ્ઠાતા સ્વામી વિવેકાનંદે પ્રાચીન પ્રથા અનુસાર અમેરિકા-યુરોપમાં ભારતીય વેદાંતધર્મનો પ્રચાર કર્યો છે, જેથી ભારતનું લુપ્ત ગૌરવ પુન: પ્રાપ્ત થયું છે.

“કેસ ચાલતો હતો એ સમયે હાવડા જિલ્લાના બ્રિટિશ મેજિસ્ટ્રેટ સાહેબ મઠનું ઇન્સ્પેક્શન કરવા માટે આવ્યા. સ્વામીજી એ સમયે બીમાર હતા. સ્વામીજી ઓરડામાંથી બહાર આવીને સાહેબની સામે જઈને ઊભા રહેતાં જ એ હડબડી ઊઠ્યા. સ્વામીજી જે કહે છે એ જ માની લેવા લાગ્યા. સ્વામીજીનો ઉત્તેજનાપૂર્ણ ભાવ જોઈને રાખાલ મહારાજ ચિંતિત થઈ ગયા—સ્વામીજીની તબિયત પાછી વધુ ન બગડી જાય. તેઓ સ્વામીજીનો હાથ પકડીને એમને બીજા માળના એમના ઓરડામાં લઈ ગયા અને કહ્યું: “સ્વામીજી, તમે વિશ્રામ કરો, અમે બધું સંભાળી લઈએ છીએ.”

એક યુવકે પૂછ્યું: “કેવી રીતે મઠનો ટેક્ષ માફ થયો?”

વિજ્ઞાન મહારાજ: “જ્યારે પરંપરાગત મઠના રૂપમાં સ્વીકૃતિ મળી ત્યારે. એની પાછળ કેટલી માથાકૂટ કરવી પડેલી! ડગલે ને પગલે ઠાકુરની કૃપા જોવા મળી હતી. એ સમયે હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો. કોલકાતામાં અમેરિકન ‘કોન્સલ જનરલ’ હતા મિસ્ટર પિયરસન. તેમનાં પત્ની સ્વામીજીનાં અનુરાગી હતાં. તેમણે ભારત સરકારને જણાવ્યું કે સોફા, પલંગ, વગેરે એમણે જ સ્વામીજીને ઉપહાર આપ્યાં છે. સ્વામીજીએ અમેરિકામાં એ બધું વાપર્યું હતું, તેથી એ પવિત્ર થઈ ગયું છે માટે અમે જ એ બધું અહીં મગાવ્યું છે. સ્વામીજી સંન્યાસીશ્રેષ્ઠ છે. એમના દ્વારા પ્રતિષ્ઠિત બેલુર મઠ સાચે જ સાધુઓનો મઠ છે. અમે આ મઠના આભારી છીએ. એમણે આમ કહેતાં ટેક્ષ માફ થયો.”

ઠાકુરની પરીક્ષા

જે દિવસે બેલુર મઠની પ્રતિષ્ઠા થઈ હતી એ દિવસે સ્વામીજીએ કહ્યું હતું કે 10 વર્ષથી જે ભાર મારા માથા ઉપર હતો એ આજે ઊતર્યો. ‘આત્મારામ’ અહીં જ રહ્યા. (ઠાકુરના ભસ્માવશેષ જે કળશમાં રાખવામાં આવ્યા હતા એને સ્વામીજી ‘આત્મારામ’ કહેતા.) મઠ-સ્થાપનાના દિવસે જ સ્વામીજીએ એક પરીક્ષા કરી. કહ્યું: “ઠાકુર, આજે કોઈ રાજા મઠનાં દર્શન કરવા આવે તો પ્રમાણિત થશે કે તમે અહીં રહ્યા છો.” તેઓ સવારથી રાહ જોવા લાગ્યા, પરંતુ કોઈ આવ્યું નહીં. તેઓ થોડા નિરાશ થઈ ગયા અને સંધ્યા સમયે કોલકાતા ચાલ્યા ગયા. પાછા આવીને સાંભળ્યું કે અલવરના મહારાજા એમની મુલાકાતે આવ્યા હતા અને મુલાકાત ન થવાથી ખૂબ દુ:ખી થઈ પાછા ચાલ્યા ગયા હતા.

સ્વામીજીની શક્તિ

મઠ નીલાંબર ઉદ્યાનગૃહમાં હતો ત્યારની વાત છે. હું સ્વામીજીને રોજ પ્રણામ કરતો નહીં, જ્યારે ઇચ્છા થતી ત્યારે જ કરતો. એક દિવસ સ્વામીજી મારા ઓરડાની સામેથી પસાર થઈ રહ્યા હતા. મને એકાએક ઇચ્છા થઈ આવી કે એમનો ચરણસ્પર્શ કરી પ્રણામ કરું. જેવો ચરણ પર હાથ લગાવ્યો એવો જ એક તીવ્ર કરંટ લાગ્યો. ચમકી ઊઠીને મેં હાથ પાછો ખેંચી લીધો. સ્વામીજી હસવા લાગ્યા અને પૂછ્યું: “શું રે પેશન, શું થયું?” મેં સવિસ્મય કહ્યું: “આ શું મહાશય, આ તો ઈલેક્ટ્રિક કરંટ!” સ્વામીજીએ કહ્યું: “અમેરિકામાં બધું ખર્ચાઈ ગયું છે રે. ત્યાં આથી વધુ જ્વલંત હતો!”

સ્વામીજીનું દાન

એક દિવસ સ્વામીજીએ કહ્યું: “મઠમાં પાણીનું ખૂબ કષ્ટ છે. ગંગાકિનારે ઘાટનું ચણતર કરાવી દે, પેશન.” અને કહ્યું: “દાન એકઠું કર. મઠના બધા સાધુઓને દાન આપવાનું કહે. ભિક્ષા કરીને દાન ભેગું કરો. હું 250 રૂપિયા આપીશ.” જેણે જેટલું સંગ્રહ કર્યું, એણે એટલું આપ્યું. ઘાટ બંધાવાનું કાર્ય આરંભ થઈ ગયું છે. પણ હજુ સ્વામીજીના રૂપિયા નથી આવ્યા. મેં એમની પાસે જઈને રૂપિયા માગ્યા. એમણે કહ્યું, “શેના રૂપિયા?” મેં કહ્યું, “તમે 250 રૂપિયા આપવાની વાત કરી હતીને?” તેઓ સાંભળીને જ ગુસ્સે થઈ ગયા અને કહ્યું, “આપીશ કહ્યું હતું એટલે આપવું જ પડશે—શું એવો કોઈ નિયમ છે?”

એ વખતે સ્વામીજી અતિ ઉચ્ચભાવમાં ડૂબેલા રહેતા. બીજી કોઈ વાત કરતાં જ તીવ્ર પીડાનો અનુભવ કરતા અને જ્યારે એમનું મન બાહ્ય ભૂમિમાં આવતું ત્યારે નાનકડા બાળક જેવા થઈ જતા—કોઈ પ્રકારની માયા નહીં, જેમ કે એક પરમહંસ.

સ્વામીજીના સમાધિમંદિરનું નિર્માણ

બેલુર મઠમાં સ્વામીજીના સમાધિમંદિરના નિર્માણકાર્યની જવાબદારી એમના ઉપર આવી હતી. એ સમયે તેમણે વચમાં વચમાં દીર્ઘકાળ બેલુર મઠમાં નિવાસ કર્યો હતો. સવારે તેઓ કડિયા-મજૂર આવતા પહેલાં જ મંદિરની સામે રહેલ એક બાંકડા ઉપર બેસી જતા. શીતકાળ. સામે જ ગંગા. તેમના શરીરે એક લાલ ધાબળામાંથી બનાવેલો ગરમ કોટ, પગમાં કેટલાંક જોડી ગરમ મોજાં, અને માથા ઉપર કાન ઢાંકેલી ટોપી રહેતી. ગળામાં રહેતું મફલર અને પગમાં ચંપલ. તેઓ સ્થિર થઈને કલાકોના કલાકો બેઠા રહેતા. આટલા કાર્યની વચમાં પણ પ્રશાંત મૂર્તિ! એમને જોઈને થતું કે જાણે ગભીર ધ્યાનમાં નિમગ્ન છે!

તેઓ કડિયાઓને વિસ્તૃત માર્ગદર્શન આપતા રહેતા. એમને જોઈને થતું કે એમનું મન ચૌદ આના ભગવાનમાં નિમગ્ન છે અને માત્ર બે આનાથી આ નિર્માણકાર્યની પરિચાલના કરી રહ્યા છે. પરંતુ એ જ બે આના મનનું તેજ એટલું અધિક હતું કે કડિયાઓ એનો પ્રભાવ સહન કરી શકતા નહીં. વિજ્ઞાનાનંદજીને આમ નિશ્ચલ ઉપવિષ્ટ જોઈને જો કોઈ વિચારતું કે તેઓ ધ્યાન કરે છે, કામમાં મન નથી, તો એની એ ધારણા ક્ષણભરમાં જ ભાંગી જતી; જ્યારે એ કામમાં અતિ સૂક્ષ્મ ત્રુટિ-વિચ્યુતિ કે સામાન્ય અવહેલના કરી બેસતો.

વિજ્ઞાનાનંદજી ખૂબ ધીરેથી વાત કરતા અને બધાને વાતવાતમાં પ્રીતિપ્રદ આત્મીયતાવ્યંજક શબ્દ ‘ભાઈ’ કહીને બોલાવતા. તેમની પરીક્ષણશક્તિ અસાધારણ હતી. ઠાકુર કહેતા, “બાર આના-ચૌદ આના મન ઈશ્વરમાં રાખવું અને બાકીના મનથી કાર્ય કરવું.” વિજ્ઞાનાનંદજી આ મહાવાક્યનું મૂર્તિમંત દૃષ્ટાંત હતા. સ્વામીજીના કર્મયોગનો આદર્શ Perfect calmness in the midst of intense activity— ‘પ્રચંડ કર્મની મધ્યમાં પણ ગભીર પ્રશાંતિ’ તેમનામાં ચરિતાર્થ થયો હતો.

Total Views: 281

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.