(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક ‘With the Swamis in America and India’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી વિમલભાઈ વ. દવે. – સં.)
(જાન્યુઆરી ૨૦૨૫થી આગળ)
એક દિવસ તેઓ હું જે પણ શીખું એને જીવનમાં ઉતારવાના પ્રયત્નની જરૂરિયાત વિશે વાત કરતા હતા, ‘હરહંમેશ પ્રામાણિક રહો. હાડોહાડ સાચા બની રહો! સ્વાર્થરહિત બનો. તમારી ગતિ હરહંમેશ તમારા ધ્યેય પ્રતિ જ રહેવી જોઈએ. મજબૂત બનો.’ જ્યારે હું યુવાન હતો ત્યારે વેદાંતનું અધ્યયન કરી એના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા હંમેશ પ્રયત્ન કરતો. હું આત્મા છું, આ શરીર નથી એ સદા સ્મરણમાં રાખવા હું પ્રયત્નશીલ રહેતો. વહેલી સવારે સ્નાન કરવાની મારી આદત હતી. એક દિવસ જ્યારે હું સ્નાન માટે ગંગાતટે પહોંચ્યો અને પાણીમાં પ્રવેશવા જતો હતો ત્યાં મેં નજીકમાં જ એક મગરને જોયો. હું ક્ષણ વાર ભયભીત બન્યો અને પગ પાછો ખેંચી લીધો. પરંતુ, તુરંત જ એક વિચાર મારા મનમાં ઝબક્યો, ‘તું આ શું કરી રહ્યો છે? રાતદિવસ તું ‘સોહમ્’નું રટણ કરે છે અને હવે, એકાએક તું આ આદર્શને ભૂલી ગયો અને પોતાને શરીર માનવા માંડ્યો? ધિક્કાર છે તને!’ મેં વિચાર્યું, ‘શિવ, શિવ, વાત તો સાચી છે.’ અને ત્યારે ને ત્યારે હું નદીમાં પ્રવેશ્યો. મગર ત્યાં જ હતો, પરંતુ એણે કશું હલનચલન કર્યું નહીં. મેં હંમેશની જેમ સ્નાન કર્યું પણ પછી મને લાગ્યું કે રોજ કરતાં આજે હું સ્નાન વહેલું આટોપી લેવાનો પ્રયત્ન કરી રહ્યો છું! ત્યારે મેં મારી જાતને કહ્યું, ‘ના, હું ઉતાવળ નહીં કરું. હું રોજની જેમ જ શાંતિથી સ્નાન કરીશ.’ અને મેં એમ જ સ્નાન કર્યું. મગર મારા પ્રતિ જરા પણ લક્ષ આપ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો.
આ બધું લખીએ ત્યારે તેમાંથી ઘણું બધું છૂટી જતું હોય છે. હકીકત એ છે કે સ્વામી (તુરીયાનંદ)ની આવી વાતો યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ઔષધિ જેવું કામ કરતી. તે બધું એવું તો સચોટ હતું, અને વળી જ્યારે જરૂર હોય બરાબર ત્યારે જ અમને એ મળ્યા કરતું. મને તેથી ઘણી મદદ મળી. અને વળી એ બધું એટલું તો સ્વાભાવિક અને સહજ હતું!
એક વખત હું કંઈક નિરાશ મનઃસ્થિતિમાં હતો. સ્વામીએ તે જોયું અને કહ્યું, ‘વર્ષો પહેલાં અમે જૂના મઠમાં રહેતા હતા ત્યારે એક વખત હું ખૂબ જ દિલગીર મનોદશામાં હતો. કેટલાક સમયથી જાણે કશી પ્રગતિ થતી ન હતી. મને બધું જાણે કે અંધકારમય જણાતું હતું. મઠની અગાસીમાં હું આંટા મારતો હતો. મોડી સાંજનો સમય હતો. ચંદ્ર વાદળોમાં ઢંકાઈ ગયો હતો. હું એટલો તો દિલગીર મનોદશામાં હતો કે ઊંઘ તો આવે એમ જ ન હતું. ત્યાં તો અચાનક વાદળો પાછળથી ચંદ્રે દેખા દીધી અને ક્ષણભરમાં બધું પ્રકાશમય તથા સૌંદર્યસભર બની રહ્યું. મેં જેવું આ જોયું, એવો જ મને વિચાર આવ્યો, ‘જુઓ, ચંદ્ર તો ત્યાં સદા હતો જ, પણ મને તે દેખાતો ન હતો. એવી જ રીતે આત્મા તો સદા એના મહિમાન્વિત સ્વરૂપમાં પ્રકાશમાન છે, પરંતુ મારી બુદ્ધિ તથા આત્માની વચ્ચે અજ્ઞાનના વાદળનો પડછાયો મારા મનને આવૃત કરી દે છે.’ અને આ વિચારની સાથે જ મારામાં શક્તિનો સંચાર થયો, મારી બધી શંકાઓ આથમી ગઈ.
એક અન્ય સમયે સ્વામીએ મને વર્ષો પહેલાં ભારતમાં તેઓ સંન્યાસી તરીકે પદયાત્રા કરતા હતા એ સમયની એક વાત કરી. તેમને ત્યારે ક્યારેક એવો વિચાર સતાવ્યા કરતો કે તેઓ તદ્દન નિરુપયોગી, ભિખારી જેવું જીવન જીવી રહ્યા છે. તેમને વિચાર આવતો, ‘આ દુનિયામાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કરી રહી છે, હું શું કરું છું?’ સ્વામી કહે, “હું ખૂબ જ દુઃખદાયક વિચારતો હતો અને હું એને કેમેય દૂર કરી શક્યો નહીં. મને લાગ્યું કે હું તો એક નાનકડું, તુચ્છ કોઈ ઉપયોગ વિનાનું જંતુમાત્ર છું. હું સાવ જ નિરુત્સાહ થઈ ગયો અને એક વૃક્ષ નીચે ફસડાઈ પડ્યો. પછી મને ઊંઘ આવી ગઈ અને મેં એક સ્વપ્ન જોયું. મેં જોયું કે હું જમીન પર સૂતો હતો, અને પછી મારા આશ્ચર્ય વચ્ચે અચાનક મારો દેહ ચોમેર વિસ્તરવા મંડ્યો. એ અંતહીન રીતે વિસ્તરતો જ ગયો અને અંતમાં જાણે સમગ્ર વિશ્વને એણે આવરી લીધું. ત્યારે મને પ્રતીતિ થઈ, ‘અરે! જો તો ખરો, તું કેટલો તો મહાન છે, તેં તો સમગ્ર વિશ્વને આવરી લીધું છે! તારું જીવન નિરુપયોગી છે એવું તું શા માટે વિચારે છે? સત્યનો એક નાનકડો અંશ આખા વિશ્વને વ્યાપ્ત કરી શકે છે. ઊભો થા, શક્તિશાળી બન અને સત્યનો સાક્ષાત્કાર કર. આ જીવન તો મહાનતમ છે.’ હું જાગી ગયો, કૂદ્યો અને મારા બધા સંશય શમી ગયા.”
સ્વામી હંમેશાં અમને પ્રોત્સાહન આપતા, ‘લાગ્યા રહો, લાગ્યા રહો.’ તેઓ કહેતા, “તમારી મુઠ્ઠીઓ વાળો અને મને કહો, ‘હું વિજય મેળવીશ જ, અને ભવિષ્યમાં નહીં, પરંતુ અત્યારે, અહીં જ.’ આ તમારો મુદ્રાલેખ હોવો જોઈએ, આ જીવનમાં મારે ઈશ્વરનાં દર્શન કરવાનાં જ છે. આ જ સફળતાનો માર્ગ છે. ક્યારેય આમાં મુદત પાડ્યા ન કરો. જે સાચું છે એની તમને પ્રતીતિ છે, એનો અત્યારે જ અમલ કરો. માત્ર સારા ઇરાદા જ રાખવા એ તો નિષ્ફળતાનો માર્ગ છે. એ નહીં જ ચાલે. યાદ રાખો, આ જીવન શક્તિસભર, સદા પુરુષાર્થી લોકો માટે છે, નબળા તો અહીં ભીંત-ભેગા થશે. અને હંમેશાં સાવધાન રહો. ક્યારેય હાર સ્વીકારતા નહીં. ઈશુએ શું કહ્યું હતું, જાણો છો ને? ‘જે છેલ્લી ક્ષણ સુધી સહન કરશે, એ ઈશ્વરનું રાજ્ય પ્રાપ્ત કરશે.’ ક્યારેય માનતા નહીં કે તમે સુરક્ષિત છો. આપણે જીવીએ ત્યાં સુધી પ્રલોભનો આવ્યા જ કરવાનાં છે.”
પછી સ્વામીએ નીચેની વાર્તા કહી:
“ભારતમાં એક ગામની નજીક આવેલા વનમાં એક વૃદ્ધ સંન્યાસી રહેતા હતા. તે પોતાની કુટિયાની બહાર ખાસ જતા નહીં અને બહુ થોડા લોકોને મળતા. ગ્રામવાસીઓ અવારનવાર તેમની પાસે ઉપદેશ શ્રવણ કરવા આવ્યા કરતા, અને તેઓ જ્યારે આવે ત્યારે આ સાધુપુરુષ માટે થોડું અન્ન લઈ આવતા. એના પર જ આ સંન્યાસીનું ગુજરાન ચાલતું. એક દિવસ તેઓ પોતાની કુટિયામાં બેઠા હતા ત્યારે એમણે બંગડીના રણકારનો અવાજ સાંભળ્યો. પોતે શું કરે છે એ વિશે સભાન બને એ પહેલાં તો તેઓ પોતાની કુટિયાની બહાર જઈ એ સ્ત્રીને જોવા માટે ઊભા થઈ ગયા. પછી એકાએક થંભ્યા: ‘અરે, આ હું શું કરું છું?’ એમણે વિચાર્યું: ‘ત્રીસ વર્ષ સુધી હું સ્ત્રીઓથી દૂર રહ્યો છું, અને હવે મારી વૃદ્ધાવસ્થામાં મને સ્ત્રીના મુખને જોવાનું આકર્ષણ થયું, અને કૂતરાની જેમ બહાર દોડવા તૈયાર થયો? આ મારા નાલાયક પગને હવે હું સજા કરીશ. આ પગ હવે ક્યારેય આ શરીરને ધારણ નહીં કરે.’ એમણે ત્યાં ને ત્યાં આસન ગ્રહણ કર્યું અને પછી કહે છે કે તેઓ ક્યારેય ત્યાંથી હલ્યા નહીં. એમણે દેહત્યાગ કર્યો, ત્યાં સુધી એ સ્થાનેથી એક ઈંચ પણ એમણે હલનચલન કર્યું નહીં. આવાં ભયસ્થાનો હોય છે.” સ્વામીએ કહ્યું અને પછી ઉમેર્યું, ‘આવી જબરી ઇચ્છાશક્તિ અને અટલતા પણ હોય છે.’
સ્વામી ઘણી વખત ઈશુની વાતો કરતા. એક વખત શાંતિ આશ્રમ, કેલિફોર્નિયામાં સવારના નાસ્તા વખતે અમારામાંથી એક દ્વારા થોડું મીઠું વેરાઈ ગયું. હવે અમેરિકામાં એવી માન્યતા છે કે મીઠું જો વેરાઈ જાય તો ઝઘડો થાય, જેના નિવારણ માટે જેનાથી મીઠું વેરાયું હોય એણે વેરાયેલા મીઠામાંથી ચપટી મીઠું લઈ એના ડાબા ખભા ઉપરથી ફેંકવાનું. પેલા ભાઈએ એમ જ કર્યું અને અમે બધા આ રમૂજમાં જોડાયા. સ્વામીને પોતાને પણ રમૂજ પ્રિય હતી. પરંતુ આ બધું શાંત પડ્યું ત્યારે સ્વામી જાણે કે ઊંડા વિચારમાં ડૂબી ગયા. પછી જાણે પોતાની સાથે જ વાત કરતા હોય એમ ખૂબ ધીમા સ્વરે બોલ્યા, ‘તમે ધરતીનું લૂણ છો.’ પછી એક ક્ષણના વિરામ બાદ એમણે કહ્યું, ‘શિયાળોને રહેવા માટે બખોલો હોય છે, હવામાં સહેલ કરતાં પક્ષીઓને એમનો માળો હોય છે, પરંતુ માનવપુત્રને એનું મસ્તક ટેકવવાની જગ્યા પણ મળતી નથી.’ પછી થોડીક ક્ષણો બાદઃ “તમને આ કહેનારો ‘હું’ ‘એ’ જ છે.” સ્વામીએ ઊંડો શ્વાસ લીધો અને પછી ઉચ્ચ ગંભીર સ્વરે કહ્યું, ‘તમે શું આ શબ્દો પાછળ રહેલ શ્રદ્ધા, અનુભૂતિ, સત્તા જોઈ શકો છો? હા! ખરેખર, ઈશુ ઈશ્વરના પુત્ર હતા. આવા મહામાનવીઓનાં જીવન કેવાં પ્રેરણાદાયક હોય છે! આપણે એમના વિશે ચિંતન કરવું જોઈએ. એમનો ઉપદેશ આટલા બધા સૈકા સુધી જીવંત રહ્યો એમાં કોઈ આશ્ચર્ય નથી. અને પછી અમારા ગુરુદેવ આવ્યા.’
સ્વામી મૃદુ સ્વરે બોલ્યા, “તેઓ પ્રાચીન ઉપદેશોને નવજીવન અને નવું અર્થઘટન આપવા આવ્યા હતા. એમના પૂર્વેના સર્વ આધ્યાત્મિક વારસાનું તેઓ મૂર્તિમંત સ્વરૂપ હતા, અને પછી એમણે એમાં કંઈક નવું પણ ઉમેર્યું. તેમણે શીખવ્યું કે જો ગંભીરતાપૂર્વક, પૂર્ણ હૃદયથી અનુસરવામાં આવે તો બધા જ ધર્મો એક જ લક્ષ્ય તરફ લઈ જાય છે, અને એમણે જે કંઈ શીખવ્યું એની પોતાના જીવનમાં પ્રથમ અનુભૂતિ કરી. એ એક અદ્ભુત જીવન હતું. એમને સમજવામાં તથા એમની કદર કરવામાં દુનિયાને ઘણો સમય લાગશે. એ ક્યારેય આના યશભાગી બન્યા નહીં. હંમેશાં એ કહેતા, ‘હું કશું જાણતો નથી—મારી જગદંબા જ બધું જાણે છે!’ તેઓ નમ્રતાની મૂર્તિ હતા. અને સાથે જ અગાધ શક્તિનો અવતાર હતા. અમે લગભગ આખા ભારતમાં યાત્રા કરી છે, પરંતુ એમના જેવા અન્ય કોઈ અમને મળ્યા નથી.”
ન્યૂયોર્કમાં હતા ત્યારે એક વખત હું ઘણા દિવસો સુધી સ્વામીને મળી શક્યો નહીં. હું એ દિવસોમાં વ્યસ્ત હતો. એક બપોરે મને થોડો સમય મળ્યો અને એમને મળવા હું વેદાંત સોસાયટીમાં પહોંચી ગયો.
‘આટલા દિવસો તમે ક્યાં હતા?’ મને આવકાર આપતાં સ્વામીએ કહ્યું, ‘આવો, અહીં બેસીને શું કરીશું ? ચાલો, ફરવા જઈએ. આટલા દિવસો મારી સાથે ચાલવા માટે કોઈ જોડીદાર ન હતો.’
‘મને પણ એ ગમશે,’ મેં ઉત્તર વાળ્યો, ‘તમે તમારો કોટ અને બૂટ પહેરી લો, બહાર ઠંડી છે.’
તે શિયાળાના દિવસો હતા, અને શેરીઓ તાજી બરફવર્ષાથી ઢંકાઈ ગઈ હતી. જ્યારે અમે વૃક્ષોથી ખીચોખીચ એક વિસ્તારમાં પહોંચ્યા ત્યારે સ્વામીનો ઉત્સાહ કોઈ બાળકને શરમાવે એવો હતો, ‘કેવું અદ્ભુત આ દૃશ્ય છે!’ સ્વચ્છ, સફેદ, સૂર્યપ્રકાશમાં ઝળહળતા બરફથી આચ્છાદિત વૃક્ષોની ડાળીઓ પ્રતિ આંગળી ચીંધીને તેઓ બોલી ઊઠ્યા, ‘મને તમારો શિયાળો ખૂબ ગમે છે. હવા કેવી તાજગીભરી, જીવનપ્રદ છે!’
પછી જ્યારે અમે એક મોટા તળાવ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં થીજેલા બરફ પર છોકરા-છોકરીઓ સ્કેટિંગ કરતાં હતાં. તેમના ગાલ એ કસરતથી લાલચોળ થઈ ગયા હતા અને ભારે આનંદ તથા ઉત્સાહપૂર્વક એકબીજાને બૂમો પાડતાં પાડતાં એકમેકનો પીછો કરતાં હતાં.
‘આને કારણે જ તમારા લોકો આટલા તંદુરસ્ત અને મજબૂત છે,’ સ્વામી બોલી ઊઠ્યા, ‘છોકરાઓ સાથે સ્કેટિંગ કરતી પેલી છોકરીઓને જુઓ, કેવી સ્વતંત્રતા! મારા દેશમાં આવું હોય એવું હું ઇચ્છું છું. આ બધા કેવા નિર્દોષ અને ખુલ્લા દિલના છે! દેવોને પણ દુર્લભ આ દૃશ્ય છે. ચાલો, આપણે પણ આ બરફના મેદાનમાં જઈએ. તમને સ્કેટિંગ કરતાં આવડે છે?’
‘હા’, મેં કહ્યું, ‘મને સ્કેટિંગ તો ખૂબ જ પ્રિય છે. હૉલેન્ડમાં દરેક વ્યક્તિ સ્કેટિંગ કરતી હોય છે.’
બરફ લપસણો હતો અને સ્વામી તુરીયાનંદને પોતાની સમતુલા જાળવવામાં મુશ્કેલી પડી. પરંતુ એમને આમાં ખૂબ જ મજા આવી.
પાછા ફરતાં એમણે ભારત, એની ગરીબી, ભારતના સ્ત્રીવર્ગના જીવન પરનાં નિયંત્રણો વિશે વાત કરી, ‘અમે પણ ક્યારે આવા સમૃદ્ધ અને સ્વતંત્ર થઈશું?’ એમણે નિસાસો નાખ્યો, પરંતુ પછી તરત જ એમણે એમની સ્વાભાવિક પ્રસન્નતા મેળવી લીધી.
પછી એમણે મને ભારતના રીતરિવાજો, ભારતભ્રમણ દરમિયાન એમને મળેલા વિધવિધ પ્રકારના લોકો, એમની જીવનપદ્ધતિ, ભાષા તથા વેશભૂષા, ભારતનાં તીર્થસ્થાનો, મંદિરો અને ગંગાકિનારે ધ્યાન કરતા સાધુઓ વિશે વાતો કરી. મારે માટે આ બધું ખૂબ જ રસપ્રદ હતું. જાણે કે એક જુદી જ દુનિયા વિશે હું સાંભળતો હતો. અંતે મેં કહ્યું, ‘ભારત ખરેખર એક પવિત્ર ભૂમિ છે. ત્યાંના લોકો પશ્ચિમના, અમારા લોકોથી ચોક્કસ વધુ સારા હોવા જોઈએ.’
(ક્રમશ:)
Your Content Goes Here




