શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળમાં તેમનું સાંનિધ્ય પામેલ સાક્ષાત્ સંન્યાસીઓની સંખ્યા સોળ હતી. ઠાકુરના દિવ્યજીવનના સંસર્ગ-સંપર્કમાં આવીને તેમાંના સહુએ પોતાનું અધ્યાત્મલક્ષી પ્રગટીકરણ ભિન્નરૂપે કર્યું હતું. આવા સાક્ષાત્ સંન્યાસીઓ માંહેના એક હતા સ્વામી શિવાનંદ, સાક્ષાત્ શિવસ્વરૂપ! તેઓ ‘મહાપુરુષ મહારાજ’ના નામે પણ ઓળખાતા. તેમનો જન્મ થયો હતો, ૧૬ ડિસેમ્બર, ૧૮૫૪, ગુરુવાર, કારતક કૃષ્ણપક્ષની એકાદશીના પાવનદિને.
આવો, આપણે એમના દિવ્ય જીવનપ્રસંગોમાંથી થોડું આચમન કરીએ.
ઉપનિષદોનો સંદેશ છે—सर्वं खल्विदं ब्रह्म—સમસ્ત દૃશ્યમાન જગત બ્રહ્મ છે.
બ્રહ્મદ્રષ્ટા માત્ર મનુષ્યમાં જ નહીં, સચરાચરમાં બ્રહ્મદર્શન કરે છે. ઉપનિષદોમાં વિશેષ વાત છે કે આત્મચૈતન્યને સર્વ પ્રાણીઓમાં પરિવ્યાપ્ત જોઈ શકવાથી મનુષ્ય ધીર બનીને મુક્ત થઈ જાય છે. શ્રીરામકૃષ્ણને પણ આવાં દર્શન થતાં—અર્ઘ્ય, પૂજાસામગ્રી, ભવન, મનુષ્ય બધુંય ચિન્મય છે. તેમના પાર્ષદ સ્વામી શિવાનંદને પણ સર્વત્ર એ જ ચૈતન્યની અનુભૂતિ થતી હતી.
એક દિવસ રાત્રે તેમના ઓરડામાં બિલાડી મ્યાઉં મ્યાઉં બોલવા લાગી. તેમણે હાથ જોડીને બિલાડીને પ્રણામ કર્યા અને બાજુમાં રહેલા સેવકને કહ્યું, ‘જુઓ, ઠાકુરે મને એવી અવસ્થામાં રાખ્યો છે કે હું સર્વકંઈ ચિન્મય જોઈ રહ્યો છું—ભવન, બારીબારણાં, પથારી, બધુંય એક જ ચૈતન્યનો ખેલ છે.’
એક સમયે તેમની એવી અવસ્થા થઈ કે તેઓ સ્ત્રીઓની વિવિધ પૂજાસામગ્રી દ્વારા પૂજા કરવા લાગ્યા—વિશેષ કરીને કુમારીઓની. તેમના ઓરડામાં પૂજા સામગ્રી ઇત્યાદિ સર્વદા તૈયાર રાખવામાં આવતું. તેઓ કહેતા, ‘स्त्रिय: समस्ता सकला जगत्सु।’
બેલુરમાં ઠાકુરના ભવ્ય મંદિરની પરિકલ્પના સાથે સ્વામીજીએ (સ્વામી વિવેકાનંદે) સ્વામી વિજ્ઞાનાનંદજીની સહાયતાથી ભાવિ શ્રીરામકૃષ્ણ મંદિરનો નકશો તૈયાર કર્યો હતો અને કહ્યું હતું, ‘આ મંદિર પછીથી તૈયાર થશે, હું ઉપરથી નિહાળીશ.’
સ્વામીજી મહાસમાધિ પામ્યા ત્યાં સુધી મંદિર તૈયાર થઈ શક્યું નહીં. ત્રીસ વર્ષનાં વહાણાં વહી ગયાં. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ આ ધરાધામ પર હતા ત્યાં સુધી આ નકશો જોઈને કહેતા, ‘હજુ સુધી સ્વામીજી દ્વારા પરિકલ્પિત મંદિર બની શક્યું નહીં.’ વળી બીજી બાજુ ઠાકુરના પાર્ષદોમાંના મોટા ભાગના દિવંગત થઈ ચૂક્યા હતા. અંતે ૧૯૨૯માં ઠાકુરની શુભ જન્મતિથિના પાવનદિને વર્તમાન શ્રીમંદિરનો શિલાન્યાસ સ્વામી શિવાનંદજીના વરદ હસ્તે થયો ત્યારે તેમણે ઠાકુરને પ્રાર્થના કરી, ‘ઠાકુર, સ્મરણ રાખજો.’
ઠાકુરે તેમની પ્રાર્થના સાંભળી અને એ જ શિલાખંડ પર થોડાંક જ વર્ષમાં આશ્ચર્યજનક રીતે સ્વામીજી દ્વારા પરિકલ્પિત શ્રીરામકૃષ્ણદેવનું વર્તમાન વિરાટ મંદિર તૈયાર થયું. મહાપુરુષ મહારાજ દ્વારા શિલાન્યાસ થયાનાં દસ વર્ષની અંદર આ મંદિર તૈયાર થયું અને ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ના પાવનદિને શુભમુહૂર્તમાં મંદિરનો લોકાર્પણવિધિ સ્વામી વિજ્ઞાનાનંદજીના વરદ હસ્તે થયો.
મહાપુરુષ મહારાજ બેલુર મઠમાં પોતાના ઓરડામાં રહેતા હતા, પરંતુ ક્યાં, શું થઈ રહ્યું છે તે સાંભળીને યથાયોગ્ય પ્રબંધ કરી દેતા હતા. એક વખત મઠની ગાયોની દેખરેખ રાખનાર બ્રહ્મચારી અને ભંડારી વચ્ચે ઝઘડો થયો. એમાંના એકે ઝઘડાની વાત મહાપુરુષ મહારાજને કહી, ‘હું અહીં નહીં રહું.’ મહાપુરુષ મહારાજે શાંતચિત્તે કહ્યું, ‘સારું, અહીં ન રહેવું હોય તો વાંધો નહીં. પરંતુ હું કહું છું, તમને કોઈ બોલાવવા આવ્યું ન હતું. તમે ઠાકુરને પ્રેમ કરો છો, અમારા પર શ્રદ્ધા રાખો છો, એટલે ઠાકુરના આશ્રયમાં આવ્યા છો. કોણ શું કહે છે, એ સાંભળીને જો આપણે ઠાકુરનો આશ્રય અને સંઘ છોડીને ચાલ્યા જવું હોય તો જાઓ. ઝઘડા ક્યાં નથી? જો સૌ કોઈ પોતપોતાના ચરખામાં તેલ પૂરે તો બધા ચરખામાં તેલ પૂરાઈ જાય છે, અને તેથી કોઈ પણ ચરખામાંથી અવાજ નીકળતો નથી.’
આ ઉપદેશ આપણે સૌએ પાળવો જોઈએ કે જેથી આપણું જીવન કૃતકૃત્ય બને.
Your Content Goes Here




