(તા. ૨૨ જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મતિથિ છે. તે નિમિત્તે આ લેખ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

સ્વામી રામકૃષ્ણાનંદે કરેલ શ્રીરામકૃષ્ણની સેવા રામકૃષ્ણ સંઘમાં દંતકથારૂપ છે. એ ઠાકુરના કર્મશીલ, બુદ્ધિશાળી, સ્વતંત્ર, નિર્ભીક અને વીર ભક્ત હતા. સ્વામી બોધાનંદ પોતાનાં સંસ્મરણમાં કહે છે:

ખરે જ, એમની સેવાની પદ્ધતિ વિશિષ્ટ હતી. એમને મંદિરમાં દૈનિક પૂજાસેવા કરતાં જોવાનો અધિકાર જેને મળ્યો હશે તે સૌ આ બાબતે સાક્ષી પુરાવશે. એમણે શય્યા તૈયાર કરવી, સાંધ્ય આરતી પછી ઠાકુરના ચિત્રને મચ્છરદાનીથી આચ્છાદિત કરવું, ઠાકુરના પાવક અવશેષો પર તથા એમની ચરણપાદુકા પર પુષ્પો ચડાવવાં, એમની આરતી, શિવ અને ગુરુનાં સ્તોત્રોનો પાઠ કરતી વખતનાં એમનાં મુક્ત નર્તન, ગરમીની રાતોએ ઠાકુરની શય્યાને વીંઝણો કરવો, પ્રસાદ માટે એમણે રસોઈ કરવી, એમની કુશળતા, ચોખ્ખાઈ, ઝડપ અને ચોકસાઈ જોનારના ચિત્ત ઉપર ન ભૂંસાય તેવી છાપ મૂકી જતા. એ સમગ્ર દૃશ્ય ઊર્ધ્વગમન કરનારું, ધ્રુજાવનારું અને હૈયું હલાવનારું હતું. એમની માનવોત્તર ભક્તિ કઠણમાં કઠણ હૈયાને પણ હલાવી દેતી.

એક વખત એક ઉચ્ચ કક્ષાના ઓફિસર એમને મળવા આવ્યા. એમણે જોયું કે પૂજા પછી પૂજારી એકચિત્તે ઠાકુરને પંખો નાખી રહ્યા છે. અને સાથે સાથે ગંભીર સ્વરે ‘સદ્‌ગુરુ, સનાતન ગુરુ પરમગુરુ’નું ઉચ્ચારણ કરી રહ્યા છે. પૂજારીની દૃષ્ટિ ઘણા લાંબા સમય સુધી આવનાર તરફ ગઈ જ નહિ. હૃદય અધ્યાત્મ-ભાવથી પરિપૂર્ણ બની ગયું. આથી એ ભાવમાં અવરોધ ન આવે તે માટે ઓફિસરે દૂરથી જ તેમને પ્રણામ કરીને વિદાય લઈ લીધી.

શ્રીઠાકુર પ્રત્યેની સ્વામી રામકૃષ્ણાનંદની ભક્તિ અનન્ય હતી. એક રાત્રે મચ્છર કરડવાથી પોતાની ઊંઘ ઊડી ગઈ અને સ્વામી રામકૃષ્ણાનંદે જોયું તો મચ્છરદાનીની અંદર મચ્છરો ઘૂસી ગયાં હતાં. એ વખતે એમના મનમાં થયું કે ઠાકુરની નિદ્રામાં પણ આવી ખલેલ પડતી હશે, એટલે તેઓ શ્રીઠાકુરના મંદિરના શયનખંડમાં મચ્છર ઉડાડવા ચાલ્યા ગયા.

મદ્રાસ (ચેન્નઈ)માં સ્વામી રામકૃષ્ણાનંદની સહાય માટે બેલુર મઠમાંથી બ્રહ્મચારી તેજનારાયણ (પછીથી સ્વામી શર્વાનંદ)ને મોકલવામાં આવ્યા. એ આવ્યા કે તરત જ સ્વામી રામકૃષ્ણાનંદે એમને પૂછ્યું: ‘ઠાકુર માટે તું શું લાવ્યો છે?’ ‘કંઈ નહીં’, એમ તેજનારાયણે કહ્યું ત્યારે થોડા ઠપકાભર્યા સ્વરે સમજાવતાં સ્વામી રામકૃષ્ણાનંદ બોલ્યા: ‘ક્યારેય તું બહારથી મઠમાં આવે ત્યારે તારે ઠાકુર માટે કશુંક લાવવું જ જોઈએ.’ પછી સ્વામી રામકૃષ્ણાનંદને જાણવા મળ્યું કે, તેજનારાયણે પ્રવાસ માટે લીધેલી કેરીઓ અને મીઠાઈમાંથી કંઈ વધ્યું છે. એમણે તરત જ કહ્યું: ‘વાંધો નહીં, પેલી કેરીઓ લઈ આવ અને ઠાકુરને તે ધરાવ.’ ‘એમાંથી મેં રસ્તામાં થોડી ખાધી હતી,’ એમ તેજનારાયણ બોલ્યા ત્યારે સ્વામી રામકૃષ્ણાનંદ કહે: ‘કંઈ વાંધો નહીં. ફળ તો ધોઈને ધરાવી શકાય, પછી ભલે ટોપલીમાંનો ઉપરનો ભાગ કોઈએ વાપર્યો હોય.’

મંદિરમાંની ઠાકુરની છબિ તેજનારાયણને બતાવીને એક દિવસે સ્વામી રામકૃષ્ણાનંદે તેમને કહ્યું: ‘જો બેટા, આને માત્ર શ્રીરામકૃષ્ણની છબિ ન માનતો. એ ખરેખર અહીં હાજરાહજૂર છે. એમની હાજરીનો અનુભવ કરવા પ્રયત્ન કર અને દેવસેવા તે રીતે કર.’ એમની બોલવાની રીત અનન્ય હતી. એક દિવસ વાત વાતમાં એ કહે, ‘તમે લોકો ઠાકુરને અવતાર કહો છો. અવતાર એટલે શું તેનો તમને જરીય ખ્યાલ છે ખરો?’ પછી ગણિતની પરિભાષામાં એ બોલ્યા: ‘સ્વામી વિવેકાનંદ અને એમનાં સઘળાં પ્રવચનો અને લખાણો વત્તા ઠાકુરના બધા જ શિષ્યો અને તેમનાં કાર્યો વત્તા અનંત—આ સઘળાં બરાબર શ્રીરામકૃષ્ણ છે.’

ભક્તિ ચેપી છે. સ્વામી રામકૃષ્ણાનંદની ભક્તિની રીત અંગેે શંકરાનંદે કહ્યું હતું:

‘પ્રણામ કરતી વખતે કાં સ્વામી રામકૃષ્ણાનંદ હાથ જોડીને દંડવત્‌ પ્રણામ કરે, કાં ઊભા રહીને પોતાના હાથને પોતાની છાતીએ લગાડે, એટલે એમના દાંત કકડવા લાગે, એમનો આખો દેહ જડ થઈ જાય, એમનું મસ્તક એકદમ વાંકું વળી જાય અને થોડી ધ્રુજારી અનુભવે. પ્રણામ કર્યા પછી એમની આંખોમાં લાલાશ દેખાય અને એમના ચહેરા ઉપર દિવ્ય કૃપાની આભા નિર્દેશતી દિવ્ય જ્યોતિ દેખાય.’

સ્વામી રામકૃષ્ણાનંદ વેદાંતી સંન્યાસી હોવા છતાં પ્રસાદની પાવનકારી શક્તિની માન્યતાની બાબતમાં એ ચુસ્ત દ્વૈતવાદી હતા. વરાહનગર મઠના એ આકરા દિવસોમાં પણ મઠમાં આવનાર હરકોઈને એ પ્રસાદ આપતા, પછી ભલે એ ઠાકુરને ધરાવેલી સાકરની બે કણી હોય કે કોઈ મીઠાઈ હોય. આવા વિતરણ માટે એ જોગવાઈ રાખતા જ. શ્રીરામકૃષ્ણનો થોડો પણ પ્રસાદ લેનાર મનુષ્યનાં બધાં પાપ ધોવાઈ જશે અને એના પર ઠાકુર શ્રદ્ધા-ભક્તિની કૃપા કરશે એમ સ્વામી રામકૃષ્ણાનંદ માનતા હતા. મદ્રાસમાં એ નાળિયેરની મીઠાઈ કે સાકરના ટુકડા દરેક મુલાકાતીને આપતા અને સાધુ-સંતો તથા ભક્તોમાં પ્રસાદનું વિતરણ થાય જ એના ઉપર એ ભાર મૂકતા.

Total Views: 6

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.