શશી મહારાજને આરતી કરતાં જોવા એ એક અભૂતપૂર્વ ઘટના હતી. જયારે તેઓ ધૂપ, ધૂણી, અને પખવાજ-મંજીરાની ધૂન સાથે આરતીના અંતિમ સમયે ચામર ઢોળતાં ઢોળતાં ભાવમાં ઉન્મત્ત થઈને ‘જય ગુરુદેવ, શ્રી ગુરુદેવ’ નો મધુર નાદ કરતા અને તાલપૂર્વક ઉદ્દામ નૃત્ય કરતાં કરતાં એક બાજુથી બીજી બાજુ તરફ નાચતા ફરતા, એ વખતે બધા ભકતોના હૃદયમાં કેવા અપૂર્વ ભકિત ભાવનો ઉન્મેશ આવી જતો, એ શબ્દોમાં ન વર્ણવી શકાય. મનમાં થતું જાણે કે આખું મકાન ધ્રૂજે છે. તેમના ઉજજવળ ગૌરવર્ણા મુખમંડળમાંથી જાણે કે રકત ફૂટી નીકળ્યું હોય. ચહેરો જાણે કે સાક્ષાત્ અગ્નિ સ્વરૂપ! એ હુંકાર અને એ નૃત્ય જાણે કે રોકાયાં રોકાય નહીં! પખવાજ વગાડનારનો હાથ જાણે કે ચાલે નહીં. ભકતો બાજુના ઠાકુરના ભંડારઘરમાંથી તેમની સાથે સ્વર મેળવીને ‘જય ગુરુદેવ, શ્રીગુરુદેવ’ બોલતાં બોલતાં આવેગપૂર્વક નર્તન કર્યા પછી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા. ગુરુગીતામાંથી બધા ‘અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાન્જન-શલાકયા ચક્ષુ : ઉન્મીલિતં યેન તસ્મૈૈ શ્રીગુરવે નમ :’ ગાતા. અંતે પૂજનીય સ્વામી અભેદાનંદજી દ્વારા રચિત એક સ્તવનો અંતિમ અંશ-‘નિરંજનં નિત્યમનન્તરૂપં ભકતા-નુકંપાધૃતવિગ્રહં વૈ’ ગાઇને ‘જય શ્રી ગુરુમહારાજજી કી જય’ બોલી સમાપન કરતા. શરૂઆતના દિવસોમાં કાશી વિશ્વનાથની આરતી ‘ભજ શિવ ઓમકાર’ સ્તવ બધા સૂર સાથે પખવાજ અને મંજીરાની સંગાથે ગાતા. ચામર વ્યજનના સમયથી ‘જય ગુરુદેવ શ્રી ગુરુદેવ’નો નાદ કરતાં કરતાં બધા ભાવાવેગમાં આવીને નૃત્ય કરતા.

એ સમયે મઠમાં એક રસોયા બ્રાહ્મણ સિવાય બીજો કોઈ નોકર ન હતો. એક પખાલી ગંગા નદીમાંથી રાંધવા અને પીવા માટેનું પાણી માટીના એક ઘડામાં ભરીને લઈ આવતો. શશી મહારાજ ઠાકુરની સેવાપૂજાની વ્યવસ્થાનું બધંુ કામ, ખરીદી કરવી, કચરો વાળવો, શાકભાજી સમારવાં, ઠાકુરના ભોગ માટેનાં વાસણો સાફ કરવાંં, તળાવમાંથી હાથ પગ ધોવા માટે પાણી ભરી લાવવંુ, દીવો કરવો- જેવાં કામ લગભગ એકલા જ કરતા. બીજા બધા આમાં થોડીઘણી મદદ કરતા. હું મઠમાં જઇને આ બધા કામમાં વહેલી સવારથી માંડીને રાત્રે સૂવાના સમય સુધી યથા શકિત મદદ કરતો.બપોરે ઠાકુરના ભોગ પછી જયારે બધાનંુ ભોજન પૂરું થાય ત્યારે શશી મહારાજ ઠાકુરઘરમાં જતા અને ઠાકુરને એક મોટા તાલપત્રના પંખાથી હવા નાખતા. ગરમીના સમયમાં બપોરના ચાર વાગ્યા સુધી તેઓ હવા નાખતા રહેતા. આલમબજાર મઠમાં ગયા પછી પણ તેમણે આ કાર્યક્રમ નિષ્ઠાપૂર્વક જાળવી રાખ્યો. વચ્ચે વચ્ચે એમને આરામ મળી રહે એટલે હું પણ પંખો વિંઝતો.

મઠના સંન્યાસીઓ લાંબા સમય સુધી જપધ્યાન, શાસ્ત્ર્ાપાઠ, ચર્ચા, ભજનસંગીત કરતા; કયારેક એકલા તો કયારેક પાંચ જણા મળીને. તારક મહારાજ (સ્વામી શિવાનંદ) કયારેક તબલાની સંગતે પોતાના ભાવમાં વિભોર થઈને એકલા ગાતા અને નાચતા. મઠના સંન્યાસીઓ ત્યારે કેવી કઠોર તપસ્યા કરતા! શારદા મહારાજે (સ્વામી ત્રિગુણાતીતાનંદ) નીચેના માળે બહારની બાજુ તરફ આવેલ ભેજવાળા ઓરડામાં એકલા અંદરથી દરવાજો બંધ કરીને કેટલાક મહિનાઓ સુધી મૌન રહીને સાધના કરી હતી. આ સમય દરમિયાન તેઓ માત્ર એક કેળંુ ખાઇને અને પાણી પીને રહેતા. આ સમય દરમિયાન તેઓ કયારેક જ ઓરડામાંથી બહાર આવતા.

Total Views: 443

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.