શ્રીરામકૃષ્ણે એકવાર કહ્યું : ‘જ્યારે કમળ ખીલે છે ત્યારે મધમાખીઓ મધ એકઠું કરવા પોતાની મેળે આવે છે. તેવી જ રીતે માણસનું હૃદયકમળ ભગવદાનંદથી ખીલી ઊઠે છે ત્યારે ત્યાં આધ્યાત્મિક સાધકો દોડી આવે છે.’ ઘણીવાર મહારાજ (સ્વામી બ્રહ્માનંદ)ને ભક્તોની ભીડ વચ્ચે બેઠેલા જોયા છે. ક્યારેક તેઓ બાળક સમાન રમતિયાળ અને આનંદમાં હોય છે; અને વળી ક્યારેક અચાનક તેમનું મન અંતર્મુખ બની જાય છે અને ત્યારે સંપૂર્ણ વાતાવરણ ભગવાનની હાજરીથી આંદોલિત થઈ જાય છે. આવા સમયે તેમને મળવા આવેલ વ્યક્તિઓની શંકાઓ, મુશ્કેલીઓ આપોઆપ ઉકેલાય જાય છે, એવું ઘણી વખત જોવા મળ્યું છે. મહારાજ એક શબ્દ પણ બોલ્યા વગર તેઓને પોતાનું અસ્તિત્વ, સુ:ખદુ:ખ વગેરે ભૂલાવીને તેમના મનને ઊંચે ઉઠાવી લેતા.
મહારાજ ભક્તોને સહાનુભૂતિપૂર્વક સાંભળતા અને તેમને ક્યારેક વિધેયાત્મક સલાહ આપતા. ડોક્ટરો, ઈજનેરો, વકીલો જેવી નામાંકિત સફળ વ્યક્તિઓ પણ પોતાનાં કાર્યોની સમસ્યા અંગે મહારાજ સાથે સહજતાથી વાતો કરતા. મહારાજ આત્મીયતાથી અને અત્યંત આગ્રહપૂર્વક તેમની સમસ્યાઓને સાંભળતા અને ઘણીવાર તેઓને અદ્ભુત સૂચન પણ કરતા; અથવા સમસ્યાના ઉકેલની બીજી જ દિશા બતાવી આપતા.
સંઘમાં ત્યારે શ્રી શ્રીમા અને સ્વામીજીના ઘણા શિષ્યો હતા. આમાંના ઘણાને તેમના ગુરુ સાથે વધારે સમય સુધી રહેવાની ઘણી ઓછી તક મળી હતી, કારણ કે સ્વામીજીએ ૧૯૦૨માં પોતાનું શરીર છોડી દીધું, અને શ્રીમા બેલૂર મઠમાં રહેતાં ન હતાં. શ્રીમાએ તેમના શિષ્યોને સૂચના આપી હતી કે મહારાજ જે પ્રમાણે શિસ્ત અંગે માર્ગદર્શન આપે તેમજ રહેવું. મહારાજના પોતાના પણ શિષ્યો હતા, પરંતુ તેમની સંખ્યા ઘણી જ ઓછી હતી. શિષ્ય ઘણાં વર્ષો સુધી મઠમાં રહે પછી જ મહારાજ દીક્ષા આપતા. દીક્ષા વખતે મહારાજ ઉચ્ચ પ્રેમાવસ્થામાં ચાલ્યા જતા અને શિષ્ય એક અદ્ભુત દિવ્ય શક્તિની અનુભૂતિ કરતો.
શ્રીમાએ એકવાર ઠપકાના સૂરમાં કહ્યું હતું: ‘રાખાલ શા માટે વધુ શિષ્યો નથી બનાવતો?’ આ સમયગાળા દરમિયાન બન્યું એવું કે મહારાજને પોતાના જ એક શિષ્ય દ્વારા લખાયેલ રામાનુજના જીવન પરનું એક નાટક જોવા આમંત્રણ મળ્યું. રામાનુજનો માનવજાતિ પરનો મહાન પ્રેમ દર્શાવતું એક દૃશ્ય આ નાટકમાં આવતું હતું. ઘટના આ પ્રમાણે હતી :
રામાનુજના ગુરુએ તેમને પવિત્ર મંત્ર દ્વારા દીક્ષા આપી અને તેને ચેતવણી આપી કે તે આ પવિત્ર મંત્ર કોઈને ન કહે. રામાનુજે પૂછ્યું : ‘હું બીજાને કહું તો શું થશે?’ ત્યારે તેના ગુરુએ જવાબમાં કહ્યું: ‘જો કોઈ પણ આ મંત્ર સાંભળશે તો અજ્ઞાનના બંધનથી તે મુક્ત થશે પરંતુ તું તારી જાતને ભયંકર નરકમાં નાખીશ.’ રામાનુજ તે જ વખતે મંદિરમાં ગયા અને માણસોને ભેગા કરી એ બધાંને પવિત્ર મંત્ર સંભળાવવા લાગ્યા. ગુરુ તેમના પર ખૂબ જ ગુસ્સે થયા અને પોતાની અનુજ્ઞા બદલ તેને ખૂબ જ ધમકાવ્યા. રામાનુજે ત્યારે ઉત્તર આપ્યો: ‘જો પોતાને નરકમાં નાખીને ઘણા લોકોને મુક્ત કરી શકાતા હોય તો મારી હાર્દિક ઇચ્છા છે કે હું નરક ભોગવું.’ ગુરુ અત્યંત હર્ષિત થયા અને કહ્યું કે તું જ ખરેખરો શિષ્ય છો. તેમણે તેમને આશીર્વાદ આપ્યા.
શ્રીમાની વાત અને નાટકનું આ હૃદયસ્પર્શી દૃશ્યે મહારાજના હૃદયને ગહન અસર કરી. પરિણામ એ આવ્યું કે આ પછી તેઓ ઘણા વધુ શિષ્યોને દીક્ષા આપવા લાગ્યા.
મહારાજ પહેલી જ નજરે શિષ્યનું ભવિષ્ય જાણી શકતા અને તેથી તેમને અવ્યક્ત પ્રેમના બંધનમાં બાંધી લેતા. આ મેળાપ દ્વારા મહારાજ એ પણ જાણી શકતા કે શિષ્ય કેવા પ્રકારનું જીવન ધારણ કરી શકશે. બે યુવાન છોકરાઓ મહારાજને મળવા આવ્યા. મજાકમાં એકને મહારાજે કહ્યું: ‘તારી હથેળી બતાવ.’ તેનો હાથ જોઈને મહારાજે કહ્યું: ‘સાંસારિક ભોગો તરફ તારી થોડીક વર્તણૂક છે પરંતુ ભગવાનની કૃપાથી તે દૂર થઈ જશે.’ સ્વામી પ્રેમાનંદ એ વખતે ત્યાં જ હાજર હતા. તેમણે મહારાજને ત્યાં ઊભેલ બીજા યુવાનનો હાથ જોવાનો પણ આગ્રહ કર્યો. મહારાજે હસીને કહ્યું: ‘તેની જરૂર નથી.’ આ સાંભળીને તે યુવાન (પછીથી સ્વામી યતીશ્વરાનંદ) અત્યંત નિરાશ થયા. તેમને થયું, ‘મારા મિત્રને સાધુ થવાની થોડી તક છે, પણ મારે તો તે પણ નહિ હોય.’ થોડા દિવસો પછી નિરાશ થયેલ તે યુવાન એકલા બેલૂર મઠમાં મહારાજને મળવા આવ્યા. તેઓ ત્યારે મહારાજના અંગત સેવકને મળ્યા. સેવકે તેમને કહ્યું: ‘મહારાજે કહ્યું કે તું સાધુ બનીશ.’ અને ખરેખર થોડાં વર્ષો પછી તે યુવાન સાધુ બની ગયા. અને પહેલા યુવાને લગ્ન કર્યાં અને ગૃહસ્થ ભક્ત બની રહ્યા.
સાધુ બન્યા પહેલાં મને મહારાજે કહ્યું: ‘જો તારાં શરીર અને મનને સાંસારિક ભોગોમાં આપીશ તો તે તેનો નાશ કરશે. જો તેને ભગવાનને અને સેવામાં અર્પણ કરીશ તો શારીરિક સ્વાસ્થ્ય તેમજ મનની શાંતિ અને આધ્યાત્મિક આનંદ પણ પ્રાપ્ત કરીશ.’ મહારાજ પાસેથી થયેલ મારી પોતાની દીક્ષાનું વર્ણન આ પ્રમાણે છે :
જે દિવસે મહારાજે મને દીક્ષા આપી તે દિવસે મેં અનુભૂતિ કરી કે મહારાજમાંથી એક પ્રબળ આધ્યાત્મિક પ્રવાહ નીકળી રહ્યો છે. મને આશીર્વાદ આપવા મહારાજે પોતાનો હાથ ઊંચો કર્યો અને તરત જ મને મહત્ અનંત ચેતનાની અનુભૂતિ થઈ. મેં અનુભવ્યું કે સમગ્ર વિશ્વ તેમાં વિલીન થઈ રહ્યું છે. તે દિવસે મને ગુરુની શક્તિ અને દિવ્યતાની ઝાંખી પણ થઈ. હું ખરેખર એક નવા જ જીવનમાં પરિવર્તિત થયો. તે દિવસે જે શક્તિપ્રવાહ મારામાં દાખલ થયો તે આજે પણ કાર્ય કરી રહ્યો છે.
તેવી પણ ઘટનાઓ થયેલ છે જેમાં ઘણાયે સ્વપ્નમાં પણ મહારાજ પાસેથી દીક્ષા મેળવેલી છે. સ્વપ્ન જોયેલ વ્યક્તિએ મહારાજનાં દર્શન ન કર્યાં હોય; માત્ર ક્યારેક તેમના વિશે સાંભળેલ હોય અને તેમના નામથી જ આકર્ષાયેલ હોય છે. એક ભક્તિમતી યુવાન સ્ત્રીને આવું સ્વપ્ન આવ્યું હતું. તેની ખરાઈ કરવા તેઓ મહારાજ પાસે ગયાં. જો કે મહારાજ પોતાના બીજા ગુરુભાઈઓ સાથે બેઠા હતા. છતાં તેણીએ પહેલી જ નજરે મહારાજને ઓળખી લીધા અને મહારાજને પોતાનો અનુભવ સંભળાવવા લાગ્યાં. તે પોતાને સ્વપ્નમાં મળેલ મંત્ર કહેવા જતાં હતાં ત્યાં જ મહારાજે તેમને મંત્ર કહેવાની ના પાડી. મહારાજે કહ્યું, ‘એ મંત્ર કયો હતો તે હું તને કહીશ.’ આ રીતે તેણી નિશ્ચિંત બની કે પોતાના સ્વપ્નનો અનુભવ યથાર્થ છે.
એક યુવાન છોકરાએ પણ મહારાજ પાસેથી સ્વપ્નમાં જ મંત્ર મેળવ્યો હતો. પરંતુ દુર્ભાગ્યે તે જાગ્યો ત્યારે મંત્ર ભૂલી ગયો. થોડા વખત પછી તે મહારાજ પાસે દીક્ષા લેવા ગયો. દીક્ષા વખતે સ્વપ્નમાં મળેલ મંત્ર તેને યાદ આવ્યો. દીક્ષા દરમિયાન મહારાજે તેને સ્વપ્નમાં આવેલ મંત્ર જ આપ્યો. તેથી તેને ખૂબ જ આનંદ અને આશ્ચર્ય થયાં.
એકવાર શ્રીરામકૃષ્ણે ઉચ્ચ વંશની બે સ્ત્રીઓને સ્વપ્નમાં દર્શન આપીને મહારાજ પાસે જવાનું કહ્યું. એ સ્ત્રીઓએ તે સમયે શ્રીરામકૃષ્ણ વિશે કશું સાંભળ્યું ન હતું કે તેના વિશે કશુંય વાંચ્યું પણ ન હતું. છતાં તેઓ મહારાજ પાસે ગયાં અને તેમની પાસેથી દીક્ષા લીધી. આ ઘટનાના અનુસંધાનમાં મહારાજે મને (સ્વામી યતીશ્વરાનંદને) કહ્યું: ‘જો, આપણે વિચારીએ છીએ કે આપણે તેમના નામનો અને સંદેશનો પ્રચાર કરીએ છીએ; પરંતુ વાસ્તવમાં શ્રીઠાકુર પોતે જ આ બધું કરે છે.
પ્રખ્યાત બંગાળી નાટ્યકાર ગિરીશચંદ્ર ઘોષ શ્રીરામકૃષ્ણના શિષ્ય હતા. તેમણે મહારાજની અલૌકિક શક્તિ વિશેની એક ઘટના કહી છે : મારી સરખામણીમાં રાખાલ (સ્વામી બ્રહ્માનંદ) તો બાળક હતા. હું જાણતો હતો કે શ્રીરામકૃષ્ણ તેમને પોતાના આધ્યાત્મિક માનસ પુત્ર તરીકે ઓળખાવતા. પરંતુ તેમના પ્રત્યે મારી સન્માનની ભાવના માત્ર તે જ કારણે ન હતી. એકવાર હું ગંભીર રીતે બીમાર પડ્યો. મને એવું લાગ્યું કે શ્રીરામકૃષ્ણમાંથી મેં શ્રદ્ધા પણ ગુમાવી છે. ઘણા ગુરુભાઈઓ મને જોવા આવ્યા અને મારા મનના દુ:ખની અવસ્થા વિશે મેં તેઓને કહ્યું. પરંતુ તેઓ મૌન રહ્યા. એકવાર રાખાલ આવ્યા. તેમણે મને પૂછ્યું – કેમ છો? અને તેમને મારા મનની શુષ્કતા અને ભક્તિહીનતાની જે યાતના હું ભોગવી રહ્યો હતો તે વર્ણવવા લાગ્યો. રાખાલ એ બધું મનપૂર્વક સાંભળવા લાગ્યા. પછી તેઓ મોટેથી હસવા લાગ્યા. તેમણે કહ્યું: ‘અરે! તેને લઈને શા માટે ચિંતા કરો છો! સમુદ્રમાં તરંગો તો ઊઠે છે, શમે છે અને ફરી ઊઠે છે. આપણું મન પણ તેવું જ છે. આ બધી મુશ્કેલીઓને ધ્યાનમાં જ ન લેશો. તમારા મનની આ અવસ્થા જ બતાવે છે કે તમારું મન હવે ઉચ્ચ આધ્યાત્મિકતા તરફ વળવાનું છે. મનના તરંગો આ રીતે શક્તિ એકઠી કરે છે.’ જ્યારે તેઓ ગયા ત્યારે મારા મનની શુષ્કતા પણ ચાલી ગઈ અને શ્રીરામકૃષ્ણ પ્રત્યે મારામાં શ્રદ્ધા પણ આવી તેમજ મારું મન પહેલાં કરતાં અનેક ઉચ્ચકક્ષાએ પહોંચ્યું.’
હું કોલેજમાં ભણતો ૧૮ વર્ષનો યુવાન હતો ત્યારે મહારાજે મને દીક્ષા આપી હતી. હું તે સમયે મઠમાં જોડાવા ઇચ્છતો હતો, પરંતુ મહારાજે કહ્યું: ‘પહેલાં અભ્યાસ પૂરો કરી લે.’ જ્યારે હું યુનિવર્સિટીમાં હતો ત્યારે બ્રિટિશ સરકાર વિરુદ્ધ ચાલી રહેલ ક્રાંતિકારી ચળવળના સંપર્કમાં આવ્યો, છતાં આધ્યાત્મિક જીવન તરફનો મારો લગાવ દૂર ન થયો. ૧૯૧૪માં ક્રિસમસના વેકેશનમાં મહાવિદ્યાલયમાં આવતો વિષય ‘વેદાંત ફિલસૂફી’ના અધ્યયન માટે સ્વામી વિવેકાનંદના અંતરંગ શિષ્ય અને હિંદુ ફિલસૂફીના મહાન વિદ્વાન એવા સ્વામી શુદ્ધાનંદજી મહારાજ પાસે હું બેલુર મઠમાં રોકાયો. તેઓ મને સાધુ બનવા માટે કહેતા. હું તેમની સાથે દલીલો કરતો. મારા વિચારે સાધુજીવન આળસુ બનાવે છે. બ્રિટિશ સરકારના શાસનમાંથી ભારતને મુક્ત કરવા માટે હું મારી જાતને રાજકીય પ્રવૃત્તિમાં જોડવા માગતો હતો. મઠના મહેમાન એવા એક વૃદ્ધ સજ્જન પણ આવી દલીલો વખતે હાજર રહેતા. સ્વામી શુદ્ધાનંદજી મને ક્યારેય દલીલોથી સંતુષ્ટ કરી શક્યા નહિ. એક સવારે દરરોજની જેમ હું મહારાજને પ્રણામ કરવા ગયો. એ વૃદ્ધ સજ્જન પણ મહારાજના ઓરડામાં હાજર હતા. અચાનક તેમણે મહારાજને પૂછ્યું: ‘આ છોકરો સાધુ ક્યારે બનશે?’ મહારાજે મારી સામે જોયું. એમનાં નેત્રોમાંથી ક્યારેય ભૂલી ન શકાય તેવું પ્રેમામૃત વહેતું હતું; તેમણે શાંતિથી ઉત્તર આપ્યો: ‘ભગવાનની ઇચ્છા હશે ત્યારે.’ બસ, ત્યાં જ મારા રાજકીય જીવન અને આકાંક્ષાઓનો અંત થયો. હું મઠમાં જ રહી ગયો.
આ બાબતમાં હું એકલો અપવાદ ન હતો. ઘણા રાજકીય માનસ ધરાવતા યુવાનો મહારાજના સંપર્કમાં આવ્યા પછી ત્યાગ-સેવા-ભગવદ્દર્શનના ઉચ્ચ આધ્યાત્મિક આદર્શ તરફ પ્રેરાયા હતા. તેઓ સમજી શક્યા હતા કે ભારતનું નવજાગરણ રાજકીય પ્રવૃત્તિ દ્વારા થશે નહિ, પરંતુ માત્ર રાષ્ટ્રિય આધ્યાત્મિક જીવનને વધારે દૃઢ-પ્રબળ કરવાથી જ થશે, અને તેનાથી માત્ર ભારતનું જ નહિ પરંતુ વિશ્વનું કલ્યાણ થશે.
માણસના આધ્યાત્મિક વિકાસ અને ચરિત્રને સમજવાની મહારાજ પાસે અદ્ભુત આંતરિક શક્તિ હતી. એક મારા મિત્ર હતા, તેને મહારાજ પણ જાણતા હતા. તે સંસાર ત્યાગ કરી હૃષીકેશમાં તપસ્યા માટે ગયા. તેમણે કોઈ ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવ્યું ન હતું. થોડા મહિનાની સાધના પછી તેમણે મને લખ્યું કે તેમને સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ છે. તે સમયે મહારાજ હરિદ્વાર (કનખલ)માં રહેતા હતા, હું પણ મહારાજ સાથે હતો. મેં મહારાજને મારા મિત્રના પત્રમાં તેમણે જણાવેલ પોતાની સાધનસંપન્ન અવસ્થાની વાત કરી.
મહારાજે આશ્ચર્ય સાથે કહ્યું: ‘વાહ! મેં તેમને દસ દિવસ પહેલાં જ જોયા છે. તેમણે સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી નથી. તેમને કેટલાંય રહસ્યમય દર્શન વગેરે થયાં હોય તેમાં શંકા નથી – કદાચ જ્યોતિદર્શન – અને તેને જ ભૂલથી સમાધિ સમજી લીધી હશે.
સાધકને જ્યારે માર્ગદર્શન આપવા માટે ગુરુ ન હોય ત્યારે આવી જ રીતે તેઓ પથ ભટકે છે. સમાધિ! શું તે એટલી સરળ છે! અમે સ્વામીજીને પણ ઘણી થોડીજ વાર સમાધિમાં જોયા છે. એકમાત્ર શ્રીરામકૃષ્ણને જ જોયા છે કે જેઓ દિવસરાત કેટલીયવાર સમાધિમાં રહેતા.’ પછી મહારાજે મુંડકોપનિષદનો શ્લોક કહ્યો: (૨.૨.૮)
भिद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशया।
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥
જો કોઈ મનુષ્ય બ્રહ્મ જ કારણ અને બ્રહ્મ જ કાર્ય છે અને એ જ બ્રહ્મ પોતાનો આત્મા છે, એ રીતે બ્રહ્મને અનુભવી જાણે, તો તેના ચારિત્ર્યની બધી ખાસિયતો અને તેની બધી શંકાઓ દૂર થઈ જાય છે – કપાઈ જાય છે. અને તેનાં કર્મોનાં બધાં ફળોનો પણ નાશ થઈ જાય છે.
Your Content Goes Here




