(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની અધ્યક્ષતામાં ૩ ડિસેમ્બરે યોજાયેલ જાહેરસભામાં આપેલ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના સ્વાગત-પ્રવચનનો સારાંશ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.)
સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ, રાજકોટના ઠાકોર સાહેબ આદરણીય માંધાતાસિંહજી જાડેજા, આપણી વચ્ચે ઉપસ્થિત ભારત સરકારના ભૂતપૂર્વ મંત્રી આદરણીય ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ઉપસ્થિત અન્ય મહાનુભાવો, ઉપસ્થિત સંન્યાસીવૃંદ, ઉપસ્થિત બહેનો અને ભાઈઓ. આજે આપણે કેટલો આનંદ અનુભવીએ છીએ તે વ્યક્ત કરી શકતા નથી. આજે ૩૩ વર્ષ પછી એક રેકોર્ડ બની રહ્યો છે. ૩૩ વર્ષ પહેલાં રામકૃષ્ણ મઠ અને મિશનના ૧૨મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ અહીં પધાર્યા હતા. ત્યારબાદ અમે ઘણા પ્રયત્નો કર્યા કે ત્યાર પછીના પરમાધ્યક્ષ અહીં આવે. પરંતુ તેઓની વ્યસ્તતા અને તેમના સ્વાસ્થ્ય કે અન્ય કારણે તે શક્ય બન્યું ન હતું. આજે આપણને આ મહાન સૌભાગ્ય મળ્યું છે કે ૧૭મા પરમાધ્યક્ષ આપણી વચ્ચે છે, આપણું સ્વપ્ન પૂર્ણ થયું છે, આપણને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે આ ખરેખર સ્વપ્ન છે કે જાગ્રત અવસ્થા; પણ તે સ્વપ્ન નથી, તેઓ ખરેખર આવ્યા છે. જ્યારે તેઓ શ્રીનગરમાં હતા, ત્યારે અમે ગુજરાતભરના સાતેય કેન્દ્રોના સ્વામીજીઓ તેમને મળવા ગયા હતા અને કહ્યું હતું કે તમારે વચન આપવું પડશે કે તમે ગુજરાતમાં આવશો. અને પૂજ્ય મહારાજે અમારું આમંત્રણ સ્વીકાર્યું અને ગઈકાલે તેઓ મુંબઈ થઈને અહીં પધાર્યા. તેમની આ મુલાકાત ખૂબ જ ટૂંકી છે. અમે તેઓને વિનંતી કરી કે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના આલોકમાં ધર્મસભામાં તેઓ આપણને આધ્યાત્મિક માર્ગદર્શન પ્રદાન કરે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્ટાફ ક્વાર્ટર ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’નું નિર્માણ થવાનું છે, કાલે સવારે સવા નવ વાગે પૂજ્ય મહારાજશ્રી તેનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ ૧૦ વાગે ‘મા શારદા અતિથિભવન’નું નિર્માણ થવાનું છે, તે ભૂમિનું પૂજન પણ કરશે. આવતીકાલે બપોરે તેઓ વડોદરા જવા રવાના થશે, ત્યારબાદ તેઓ ૮મીએ અમદાવાદ જશે. ૮, ૯ અને ૧૦મીએ અમદાવાદમાં ત્રણ દિવસ માટે ઘણા કાર્યક્રમો છે, જેમાં ૯મી તારીખે સ્વામી પ્રેમાનંદજી મહારાજની જન્મજયંતીના અવસર પર લેખંબામાં જે જમીન મળી છે તેના પર જે નવો પ્રાર્થના હોલ અને જે સાધુનિવાસ બનાવવામાં આવ્યો છે તેનું ઉદ્ઘાટન પૂજ્ય મહારાજશ્રીના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ ૧૧મીએ પૂજ્ય મહારાજશ્રી બેલુર મઠ જવા રવાના થશે. આવા વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે તેઓએ આપણને સમય આપ્યો અને આપણા પર કૃપા કરી છે અને આશીર્વાદ આપ્યા છે. અમે તેમના ચરણોમાં વારંવાર નમન કરીએ છીએ.
પૂજ્ય મહારાજશ્રી રામકૃષ્ણ મઠના ૧૭મા પરમાધ્યક્ષ છે. પૂજ્ય મહારાજે ૧૯૫૫માં પૂજ્ય યતીશ્વરાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા પ્રાપ્ત કરી હતી. અને આપ જાણો છો કે યતીશ્વરાનંદજી મહારાજને સંઘના આધ્યાત્મિક દિગ્ગજોમાંના એક ગણવામાં આવે છે. તેમના પુસ્તકના ગુજરાતી અનુવાદ ‘ધ્યાન અને આધ્યાત્મિક જીવન’નું આજે વિમોચન થશે. આ પુસ્તક જાણે કે આધ્યાત્મિક જીવનનું પાઠ્યપુસ્તક છે, જે તેમના દ્વારા લખાયેલ છે. પૂજ્ય સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ હતા. ૧૯૫૬માં પૂજ્ય મહારાજે દિલ્હી રામકૃષ્ણ મિશનમાં સંન્યાસી તરીકે યોગદાન આપ્યું હતું. તેમણે સમગ્ર સાંસારિક જીવનનો ત્યાગ કર્યો અને ત્યારથી તેઓ રામકૃષ્ણ મિશનના સંન્યાસી છે. ૧૯૬૬માં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ પાસેથી – જેઓ શ્રીમા શારદાના શિષ્ય હતા – સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરી.
આ પહેલાં તેમણે આદિવાસી જનજાતિ માટે ઘણું કામ કર્યું છે, પછી તે મેઘાલય આશ્રમમાં હોય, અરુણાચલ પ્રદેશ હોય, આલોંગ નામની જગ્યા હોય કે આદિવાસીઓની કોઈ પણ જગ્યા હોય. નારાયણપુર, બસ્તર જિલ્લામાં આદિમ જાતિઓ રહે છે, ત્યાં પણ તેમણે ઘણું કામ કર્યું. આદિવાસી વિસ્તારમાં તેમનું એક અનોખું કામ હતું. તેઓ ઘણાં વર્ષો સુધી મુંબઈ પણ રહ્યા. તેઓ રામકૃષ્ણ મિશન, રાયપુરના અધ્યક્ષ પણ હતા. આ સિવાય તેઓ અન્ય ઘણા વિસ્તારોમાં રહ્યા. આમ વિવિધ કેન્દ્રોમાં તેમણે રામકૃષ્ણ મિશનનાં વિવિધ કાર્યો દ્વારા સેવા કરી. અને છેલ્લે તેઓ ચેન્નાઈમાં હતા, જ્યાં તેઓ ૨૯ વર્ષ સુધી અધ્યક્ષ તરીકે રહ્યા અને તે સમયે ચેન્નાઈ આશ્રમનો ઘણો વિકાસ થયો હતો અને આદરણીય મહારાજના કાર્યકાળમાં ત્યાં શ્રીરામકૃષ્ણદેવનું એક ખૂબ મોટું મંદિર નિર્માણ થયું અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પૂજ્ય મહારાજશ્રી તમિલ ભાષા, બંગાળી ભાષા, કન્નડ ભાષા, હિન્દી ભાષા, બંગાળી ભાષા અને અંગ્રેજી ભાષા પણ જાણે છે અને તે ભાષાઓમાં પ્રવચનો પણ આપે છે. તેઓ પ્રભાવી વક્તા છે. અને ખૂબ સરળ સ્વભાવના છે. તેઓ ખૂબ જ આનંદી સ્વભાવના છે. તેઓ પોતે પણ ખુશ રહે છે અને બીજાને પણ ખુશ રાખે છે. આપણું ટેન્શન તેમને જોઈને જ દૂર થઈ જાય છે, તેમનું નામ ગૌતમાનંદજી છે, પરંતુ અમારા માટે આનંદાનંદજી છે. અને સૌથી મોટી વાત એ છે કે તેઓ ૯૬ વર્ષના વૃદ્ધ નહીં પણ ૯૬ વર્ષના યુવાન છે. તેઓ અમારા માટે એક મહાન પ્રેરણાસ્રોત છે; માત્ર સંન્યાસીઓ માટે જ નહીં પણ ભક્તો માટે પણ.
સૌથી મહત્ત્વની વાત છે, તેમનો ઉત્સાહ, તેમની ઊર્જા અને હંમેશાં જાણવાની તેમની જિજ્ઞાસા. અને તેથી આજે આપણે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનીએ છીએ કે પરમ આદરણીય મહારાજશ્રી આજે આપણી સાથે છે. આજે જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે અમે ત્રણ પુસ્તકોનું પૂજ્ય મહારાજશ્રીના હસ્તે વિમોચન કરવાનું વિચાર્યું. એક પુસ્તક છે સ્વામી યતીશ્વરાનંદ કૃત Meditation and Spiritual Life. મહારાજશ્રીએ તેમની પાસેથી મંત્રદીક્ષા લીધી છે. તે કેવો અદ્ભુત સંયોગ છે કે આજે સ્વામી યતીશ્વરાનંદજી મહારાજના શિષ્ય દ્વારા આ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં સેન્ટ લુઇસ સેન્ટરના મિનિસ્ટર ઇન્ચાર્જ શ્રીમત્ સ્વામી ચેતાનાનંદજી મહારાજનાં પુસ્તકોના ગુજરાતી અનુવાદિત અન્ય બે પુસ્તકોનું વિમોચન પણ પૂજ્ય મહારાજશ્રી કરશે. એક છે ‘Sri Saradadevi and Her Divine Play’. આ અમર ગ્રંથનો ગુજરાતી અનુવાદ છે ‘શ્રીમા શારદાદેવીની દિવ્યલીલા’. તેમનું બીજું પુસ્તક છે ‘How to Live With God’, ‘શ્રીરામકૃષ્ણ સમીપે’.
અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે કે આજે ડૉ. વલ્લભભાઈ કથીરિયા પણ અમારી સાથે છે. રાજકોટના ઠાકોર સાહેબ, માનનીય માંધાતાસિંહજી થોડા દિવસો પહેલાં રાજકોટ આશ્રમમાં આવ્યા હતા અને અમારી બધી પ્રવૃત્તિઓ જોઈને તેઓ ખૂબ જ ખુશ હતા. અમે તેમને કહ્યું કે ‘શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની શરૂઆત ૫મી માર્ચ ૧૯૨૭ના રોજ કરવામાં આવી હતી, તેથી અમારી ઇચ્છા ૫મી માર્ચ, ૨૦૨૭ થી ૫મી માર્ચ, ૨૦૨૮ સુધી એક વર્ષ માટે શતાબ્દી મહોત્સવ મોટા પાયે ઉજવવાની છે. તે ઉજવણી સમયે અમે તમારો સંપૂર્ણ સહકાર મેળવવા માગીએ છીએ.’ ત્યારે આદરણીય ઠાકોર સાહેબે તરત જ કહ્યું કે મારો સંપૂર્ણ સહકાર રહેશે અને મેં તેમને કહ્યું કે તમારા પર અમારો અધિકાર એટલે છે કારણ કે તમારા પૂર્વજોએ અમને આ જમીન આપી હતી, જેના પર આશ્રમ છે. આ આશ્રમ ૧૯૨૭માં ૫મી માર્ચે મોરબીના ઉતારામાં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૩૧માં રાજકોટના આદરણીય ધર્મેન્દ્રસિંહજી ઠાકોર સાહેબે ખૂબ જ ઓછા ભાવે અમને આ જગ્યા પર ઘણી જમીન આપી હતી., અમારો આશ્રમ ૫ ઓક્ટોબર, ૧૯૩૫ના રોજ દુર્ગા પૂજાના અવસરે આ નવી ભૂમિ પર આવ્યો. અને તેનું ઉદ્ઘાટન રાજકોટના ઠાકોર સાહેબ ધર્મેન્દ્રસિંહજી બાપુએ પોતે કર્યું હતું, તેથી અમારી ઇચ્છા મુજબ આ શતાબ્દી મહોત્સવમાં હાલના ઠાકોર સાહેબ પણ સક્રિય સહકાર આપવા સંમત થયા છે. આથી અમે તેમના ખૂબ આભારી છીએ.
હજુ સુધી અમારી પાસે સ્ટાફ ક્વાર્ટર નથી આપ જાણો છો. આંખની હોસ્પિટલ સિવાય ઘણી પ્રવૃત્તિઓ છે, તમામ પ્રવૃત્તિઓમાં ઘણો વિકાસ થઈ રહ્યો છે, હાલમાં દરરોજ ૨૫ થી ૩૦ ઓપરેશન થઈ રહ્યાં છે, તેથી આંખની હોસ્પિટલ માટે પણ વેઈટિંગ લિસ્ટ છે, સેરેબ્રલ પાલ્સી માટેની સારવાર પણ ચાલી રહી છે. તેમાં પણ વેઈટિંગ લિસ્ટ છે. આટલી બધી પ્રવૃત્તિઓ વધી રહી છે, આ માટે અમારા સ્ટાફના સભ્યો પણ વધી રહ્યા છે, તેથી સ્વાભાવિક છે કે અત્યાર સુધી તેઓ એક ખૂણામાં રહેતા હતા, તેથી સ્ટાફ જો સારી રીતે રહી શકે તો સેવાનું કાર્ય સારી રીતે થાય. તેથી જ ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’, જેમાં આ સેવકો રહેશે, તે માટે અંદાજે રૂ. ૨ કરોડનો ખર્ચ થશે, આવી જ રીતે ભક્તો માટે ‘મા શારદા અતિથિ ભવન’ અમારા આશ્રમની સામે જ અમે ખરીદેલી જમીન પર રૂ. ૪ કરોડના ખર્ચે બની રહ્યું છે. અમે એક અપીલ પણ કરી રહ્યા છીએ. શક્ય હોય તેટલું યોગદાન આપ કરો. અમને પૂરો વિશ્વાસ છે કે આપે અત્યાર સુધી તમામ કાર્યો માટે તન, મન અને ધનથી ખૂબ જ સારો સક્રિય સહયોગ આપ્યો છે અને હવે પછી પણ આપશો.
શતાબ્દી મહોત્સવ નિમિત્તે ઓછામાં ઓછા ૪૦૦-૫૦૦ સંન્યાસીઓ ભારત અને વિદેશમાંથી આવશે, તેથી અમારે તેમના રહેવાની વ્યવસ્થા કરવી પડશે, અમે અત્યારથી જ તેનું આયોજન કરી રહ્યા છીએ, તેથી આ બંને ભવનો આપણે વહેલી તકે બનાવી શકીએ તે માટે આપ દાન કરો એવી વિનંતી છે.
શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ તેમજ સમગ્ર રામકૃષ્ણ મિશનના પ્રમુખ પૂજ્ય ગૌતમાનંદજી મહારાજના આશીર્વાદ આપણી સાથે છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ તમામ કાર્યો સારી રીતે પૂર્ણ થશે. હું આદરણીય ગૌતમાનંદજી મહારાજના ચરણોમાં પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું.
Your Content Goes Here





