સાત રંગ સાથે મળીને સૂર્યનાં કિરણો ઘેરા સફેદ રંગમાં દેખાય છે. ૧૬મી સદીના સુખ્યાત વૈજ્ઞાનિક સર આઈઝેક ન્યૂટનને આ અનન્ય શોધનું બહુમાન જાય છે અને દુનિયા આખી આજે એના જ ગુણગાન ગાય છે. પરંતુ યુગો પહેલા પ્રાચીન ભારતના વૈદિક જ્ઞાનસાહિત્યમાં સૂર્ય પ્રકાશમાં સાત રંગ રહેલા છે એ વાત સર્વપ્રથમવાર પ્રગટ થઈ હતી. સપ્ત ત્વા હરિતો રથે વહન્તિ દેવ સૂર્ય । શોચિષ્કેશં વિચક્ષણ ॥ (ઋગ્વેદ – ૧.૫૦.૮) હે સૂર્યદેવ, આપ તેજસ્વી જ્વાળાઓથી યુક્ત દિવ્યતાને ધારણ કરતા સપ્તવર્ણા કિરણરૂપી અશ્વોના રથમાં સુશોભિત થાઓ છો.

અવ દિવસ્તારયન્તિ સપ્ત સૂર્યસ્ય સશ્મ્યા: । (અથર્વવેદ – ૧૭.૧૦.૧૭.૧) સૂર્યનાં સપ્તરંગી કિરણોથી દિવસ બને છે. શું એનો અર્થ એમ થાય કે સૂર્યને સાત જ કિરણો છે! ના. સૂર્ય તો લાખો કરોડો કિરણો ફેંકે છે. પરંતુ પ્રકાશના દરેક કિરણમાં સાત રંગ હોય છે. વૈદિક ગ્રંથોમાં ‘સપ્ત અશ્વારુઢ’ એવો ઉલ્લેખ અવારનવાર આવે છે. એનો વાસ્તવિક અર્થ સપ્તરંગી સૂર્યના સફેદ કિરણો થાય છે. વૈદિક સાહિત્યમાં ‘અશ્વ’ શબ્દનો અર્થ પણ પ્રકાશનાં કિરણો એવો થાય છે. તૈતરીય આરણ્યકમાં કહ્યું છે :

એકો અશ્વો વહતિ સપ્તનામા । (૧.૧૬૪.૨) સાત નામ (રંગ)વાળો એક (કિરણ રૂપી) અશ્વ આ ચક્રને ચલાવે છે. એનો અર્થ એ થયો કે પ્રકાશ એક રંગી એટલે કે સફેદ છે પણ વાસ્તવિક રીતે એને સપ્તરંગી કહે છે. એટલે આ શ્લોકનો અર્થ આપણે આવો પણ તારવી શકીએ કે સાત નામવાળા એક અશ્વથી સૂર્યને લઈ જવામાં આવે છે.

છાંદોગ્ય ઉપનિષદમાં એક બીજો શ્લોક પણ છે :

અથ યા એતા હૃદયસ્ય નાડ્યસ્તા: પિંગલસ્યાણિમ્ન સ્તિષ્ઠન્તિ શુક્લસ્ય નીલસ્ય પીતસ્ય લોહિતસ્યેત્યસૌ વા આદિત્ય: પિંગલ: એષ શુક્લ એષ નીલ એષ પીત એષ લોહિત: । (૮.૬.૧) હવે જે હૃદયની નાડીઓ છે તે પિંગલવર્ણ સૂક્ષ્મ રશ્મિ છે. તે સફેદ, વાદળી, પીળી અને લાલ રશ્મિ છે. એનું કારણ એ છે કે આ સૂર્ય પિંગલ વર્ણનો છે. તે સફેદ છે, તે વાદળી છે, તે પીળો છે અને એ લાલ રંગનો પણ છે. એનો અર્થ એ થયો કે સૂર્યને ત્રણ રંગ છે. લાલ, પીળો, વાદળી. હકીકતમાં આ ત્રણ રંગ મૂળ રંગ ગણાય છે અને એની મદદથી બીજા રંગ નિપજાવી શકાય છે.

Total Views: 263

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.