રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજીએ શ્રીમા શારદાદેવીના જન્મજયંતી મહોત્સવ પ્રસંગે લખેલો આ લેખ અમે ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ.

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત—।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યમહમ્।।

અર્થાત્ ‘હે ભરતવંશી, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે હું પોતાને (શરીર ધારણ કરીને) પ્રકટ કરું છું. સજ્જનોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે તેમજ ધર્મને સારી રીતે સ્થાપવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું.’

ધર્મના પથનું અનુસરણ કરનારા ભક્તોના તારક રૂપે અને દુષ્ટબળોના વિનાશ માટે પ્રભુ અચૂક આવે છે. એમની સાથે એમનાં લીલા સહધર્મિણીરૂપે માયાશક્તિ પણ આવે છે. યુગો યુગોથી આવું ચાલતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ આમ ચાલતું રહેશે. ભગવાન શ્રીરામ સાથે ભગવતી શ્રીસીતા, શ્રીકૃષ્ણ સાથે શ્રીશ્રીરાધા અને આ યુગમાં શ્રીરામકૃષ્ણદેવ સાથે એમનાં શક્તિરૂપે શ્રીશ્રીમા શારદાદેવી અવતર્યાં હતાં.

આપણે સૌ જાણીએ છીએ કે શ્રીઠાકુરની આ અવતાર લીલામાં તેઓ લજ્જાપટ આવૃતા બનીને આપણી વચ્ચે આવ્યાં હતાં. એ સમયે એમની આ લીલાને ઘણા સમજી શક્યા ન હતા. શ્રીશ્રીમા શારદાદેવીએ ક્યાંય એકાંતમાં જઈને ગહન તપશ્ચર્યા કરી ન હતી. એમણે વ્યાખ્યાનો પણ નહોતા આપ્યાં. કોઈ ગ્રંથ પણ નહોતો લખ્યો. થોડું લખીવાંચી શકે એટલું માંડ ભણ્યાં હતાં. શ્રીરામકૃષ્ણના સંન્યાસી કે ગૃહસ્થ ભક્તો સાથે શ્રીઠાકુરની જેમ વાતો પણ નથી કરી. છતાં પણ આપણા સૌની સમક્ષ તેઓ એક મહાન જીવન જીવી ગયાં.

શ્રીરામકૃષ્ણ દેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી શારદાનંદજીને એમના એક ભક્તે પૂછ્યું કે શ્રીરામકૃષ્ણ દેવને તો અવતાર માની શકીએ, કારણ કે તેઓ હંમેશાં દિવ્યભાવમાં રહેતા. પરંતુ શ્રી શ્રીમા સાક્ષાત્ ભગવતી છે, એમ કેવી રીતે સમજવું. એ વિશેના અમારા મનના સંશય દૂર થતા નથી.

એ સાંભળીને શારદાનંદજીએ કહ્યું કે ‘એનો અર્થ એ થયો કે તમને શ્રીઠાકુરના અવતાર હોવા વિશે પણ શ્રદ્ધા નથી.’ ભક્તે કહ્યું કે તેમને એ વિશે પૂરેપૂરી શ્રદ્ધા છે એટલે સ્વામી શારદાનંદજીએ કહ્યું, ‘ત્યારે શું તું એમ સમજે છે કે ભગવાને એક છાણા વીણવાવાળી સાથે લગ્ન કર્યાં હતાં!’

સ્વામી શારદાનંદજીનો શ્રીમા પ્રત્યેનો કેવો અસીમ વિશ્વાસ! સામાન્ય માનવમાં આવો વિશ્વાસ ન હોય એ સ્વાભાવિક છે. કેવળ અવતાર પુરુષના લીલાસહચરો જ આવી શ્રદ્ધા કેળવી શકે. સામાન્ય રીતે સ્ત્રી એ પુરુષની શક્તિ જ છે. પરંતુ જ્યારે શ્રીરામકૃષ્ણ દેવે કહ્યું, ‘તે મારી શક્તિ છે.’ એમાં બ્રહ્મ અને તેની અભિન્ન શક્તિ વિશેનો અભિપ્રાય છે. જેમ સાપ અને તેની વક્રગતિની એકી સાથે કલ્પના કરવી પડે તેમ ઈશ્વર તેમની શક્તિ વિના અવતરે નહીં અને અવતરે તો અધૂરું પડે, એમ શ્રીઠાકુરે કહ્યું છે. શ્રીઠાકુરે શ્રીશ્રીમાને કેટલીકવાર શ્રીરાધારૂપે તો કેટલીકવાર શ્રીસીતા તરીકે વર્ણવ્યાં છે. દક્ષિણેશ્વરમાં સાધનાકાળ દરમિયાન ઠાકુરે સીતાનાં દર્શન કર્યાં. એ વખતે સીતાના હાથમાં કડાં જોયાં એવાં જ કડાં શ્રીમાને શ્રીઠાકુરે પાછળથી બનાવી દીધાં હતાં. ઈશ્વર સાથે અવતરતી શક્તિનો સંબંધ જનમ જનમનો હોય છે.

માતપિતા અને મોટા ભાઈની ચિંતા દૂર કરવા ગદાધરે શ્રીમાની સહધર્મિણી રૂપે પસંદગી કરીને તેમને પોતાની દિવ્યલીલામાં ભાગીદાર બનાવ્યાં. શ્રીઠાકુર જાણતા હતા કે જગન્માતા માનવીરૂપે શારદાના ખોળિયામાં આવ્યાં છે. એકવાર પોતાના શિષ્ય સ્વામી શિવાનંદજીને એમણે કહેલું, ‘જે આ મંદિરમાં છે, એટલે કે મા કાલી છે અને જે આ નોબતખાનામાં છે એ બંને ભિન્ન નથી.’ એક વખત શ્રીમાએ ઠાકુરને પૂછ્યું, ‘હું તમારી કોણ છું.’ એ સાંભળીને શ્રીઠાકુરે ખચકાટ વગર કહ્યું, ‘તમે મારાં આનંદમયી મા છો.’ આવી જ રીતે શ્રીમાએ એક પ્રશ્ન પૂછયો હતો કે, ‘મારા પ્રત્યે તમારો શું ભાવ છે?’, ત્યારે પણ શ્રીઠાકુરે કહ્યું હતું કે, ‘જે મા આ મંદિરમાં છે એમણે જ આ શરીરમાં(શ્રીમાના દેહ તરફ આંગળી ચીંધી) જન્મ લીધો છે.’ શ્રીરામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આઠમા પરમાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદજીએ કહ્યું છે કે ‘શ્રીમાને શ્રીઠાકુરે શિષ્યારૂપે ઉપદેશ આપ્યો હતો, પતિ પરાયણા નારીરૂપે એમને ચરણસેવાનો અધિકાર આપ્યો હતો અને એમણે પોતે શ્રીમાને સાક્ષાત જગદંબા સમજીને ષોડષોપચારે પૂજા કરી હતી.’

એકવાર એક અજાણી મહિલાએ શ્રીઠાકુરને વ્યાકુળતાથી કહ્યું કે એમના પતિ કુપથે ચડી ગયા છે. એટલે પરિવારમાં અશાંતિ વ્યાપી છે. એનો કંઈક ઉપાય બતાવો. ઠાકુરે તરત જ નોબતખાના તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘ત્યાં એક મહિલા રહે છે એમને બધું અથથી ઈતિ કહેજો, તેઓ જ એની દવા આપશે. એ બધી મંત્રઔષધિ જાણે છે.’ એ વખતે શ્રીમા પૂજામાં હતાં. પૂજા પૂરી થઈ એટલે તે મહિલા તેમની પાસે ગઈ અને બધી વાત કરી. ઠાકુરે કરેલી ભલામણ વિશે પણ વિગતે કહ્યું. વાત જાણીને એમણે વળી પાછા એ મહિલાને શ્રીઠાકુર પાસે મોકલી અને હું કશું જાણતી નથી એમ કહેવા પણ કહ્યું. આમ બે એકવાર બન્યું. અંતે શ્રીમાએ એ મહિલાને એક બિલ્વપત્ર આપ્યું અને કહ્યું, ‘બેટા, લે આનાથી તારી બધી ઇચ્છા પરિપૂર્ણ થશે.’ અને થયું પણ એમ જ. આ મહિલા તે કાલિપદ ઘોષનાં પત્ની, અને કાલિપદ શ્રીઠાકુરના અત્યંત નિકટના શિષ્ય.

એકવાર કાશીપુર ઉદ્યાનગૃહમાં પોતાની મહાસમાધિ પહેલાં શ્રીઠાકુરે શ્રીશ્રીમાને કહ્યું, ‘શું તમે કશું નહીં કરો? શું આણે જ (પોતાના તરફ આંગળી ચીંધીને) બધું કરવાનું રહેશે? ત્યારે શ્રીમાએ કહ્યું, ‘હું તો સાધારણ અભણ નારી, હું શું કરી શકું?’ તરત જ શ્રીઠાકુરે કહ્યું, ‘ના તમારે ઘણું કરવાનું રહેશે.’ શ્રીઠાકુરના દેહાવસાન પછી શ્રીઠાકુરની પાછળ ચાલ્યા જવાની એમને પ્રબળ ઇચ્છા થઈ. એટલે ઠાકુુરે એમને દર્શન આપીને કહ્યું, ‘તમે અહીં રહો, તમારે હજું ઘણું ઘણું કરવાનું છે.’

સ્વામી શિવાનંદજી કહેતા, ‘કેવા સાધારણ ભાવથી શ્રીશ્રીમા રહેતાં. અમો એમને શું સમજી શકીએ? શ્રીઠાકુરે જ એમને ઓળખ્યાં હતાં.’

સ્વામી બ્રહ્માનંદજીએ કહ્યું છે, ‘સાધારણ નારીની જેમ હંમેશાં લજ્જાપટાવૃતા રહેતાં શ્રીશ્રીમા સાચે જ સાક્ષાત્ જગદંબા હતાં. શ્રીઠાકુરે અમને એમને ઓળખાવી દીધાં ન હોત તો શું અમે એમને ઓળખી શકત ખરા?’

સ્વામી વિવેકાનંદ કહે છે, ‘હું એમનો જન્મ જન્માંતરનો દાસ છું. આ જ મારું પરમ સૌભાગ્ય.’ તેઓ શ્રીઠાકુર અને શ્રીશ્રીમાને અભિન્ન સમજતા. એટલે જ એમણે શ્રીરામકૃષ્ણાનંદજીને લખ્યું, ‘માતા શ્રીઠાકુરાનીને તેમના જન્મ જન્માંતરના દાસના સાષ્ટાંગ પ્રણામ પુન : પુન : કહેજો. ·

Total Views: 419

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.