શ્રીરામકૃષ્ણ પરમહંસ અદ્ભુત આશ્ચર્યકારક આધ્યાત્મિક સાધક હતા. તેમના જીવનમાં એકી સાથે અનેક વિરોધાભાસો જોવા મળે છે. તે પોતે એક અર્થમાં નિરક્ષર હતા, પણ તે અનેક સાક્ષરોના સંપર્કમાં રહ્યા હતા અને આ સાક્ષરો તેમનાથી અભિભૂત થયા હતા. તેમણે પોતે ખાસ વાંચ્યું ન હતું, પણ અનેક પંડિતોની સાથે રહ્યા હતા. તે પોતે નિરક્ષર હોવા છતાં તેમના બધા જ શિષ્યો સાક્ષરો જ નહીં, મહાવિદ્વાનો હતા. તે પોતે શુદ્ધ હિન્દુ હતા, છતાં તેમણે બધા જ ધર્મોની સાધના કરી હતી. આવા બીજા પણ અનેક વિરોધાભાસો તેમના જીવનમાં જોવા મળે છે.
શ્રીરામકૃષ્ણમાં એક ખાસિયત જોવા મળે છે, તે છે જિજ્ઞાસા. તેમનામાં પહેલેથી જ જ્ઞાનની જિજ્ઞાસા હતી. સાધનાઓ પણ અનેક કરી, અનેક ગુરુઓ પાસે કરી, તેનું પણ કારણ એ જિજ્ઞાસા હતી. પરમ જ્ઞાન મેળવ્યા પછી પણ તેમની જિજ્ઞાસા સંતોષાઈ ન હતી. ત્યાર પછી તત્કાલીન જે વિદ્વાનો હતા તેમની પાસે જઈ વધારે જાણવાની જિજ્ઞાસા કરી હતી. પરિણામે કોલકાતામાં તત્કાલીન જે મહાન અને જ્ઞાની લોકો હતા તેમની પાસે તે જતા અને જાણવાનો પ્રયાસ કરતા.
અહીં એ જાણવાનું રસપ્રદ થાય કે તે વિદ્વાનો તો જ્ઞાનનો અખૂટ ભંડાર હતા. સામે પક્ષે, તેમના સંદર્ભમાં, શ્રીરામકૃષ્ણ તો અભણ હતા, નિરક્ષર હતા. તો આ વિદ્વાનોએ તેમની સાથે કેવું વર્તન કર્યું હશે? શું શ્રીરામકૃષ્ણે તેમની સામે લઘુતાગ્રંથિ અનુભવી હતી? અથવા પેલા વિદ્વાનોએ ગુરુતાગ્રંથિ અનુભવી હતી? તે પ્રમાણે વર્તન કર્યું હતું? તત્કાલીન જે વિદ્વાનોને તેઓ મળ્યા તેના આધારે તે તપાસી શકાય.
સૌથી પહેલા દેખાય છે કેશવચંદ્ર સેન જેના પ્રત્યે શ્રીરામકૃષ્ણ સામેથી આકર્ષાયા હતા. કેશવચંદ્ર સેન ત્યારે બ્રાહ્મોસમાજના વડા હતા. તે સત્યને પામવાનો પ્રયાસ કરતા એક જિજ્ઞાસુ વિદ્વાન હતા. તે પ્રતિભાવાન વ્યક્તિ હતા. તેમની પાસેથી અનેક બીજા જિજ્ઞાસુઓ માર્ગદર્શન મેળવતા હતા. ત્યારનો શિક્ષિત યુવાન વર્ગ તો તેમનાથી ખૂબ પ્રભાવિત હતો. શ્રીરામકૃષ્ણ તેમના નામથી પરિચિત હતા. એકાદ વાર તેમને જોયા પણ હતા. શ્રીરામકૃષ્ણ તેમનાથી આકર્ષાયા હતા. તેથી તેમને મળવાની જિજ્ઞાસા રાખતા હતા.
એકવાર કેશવચંદ્ર સેન દક્ષિણેશ્વર પાસેના એક ઉદ્યાનગૃહમાં રહેતા હતા. ત્યારે શ્રીરામકૃષ્ણે તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી અને એક બપોરે તેઓ મળવા પણ ગયા. મળવાનો હેતુ શું હતો? તેમના ભાણેજ હૃદયે કેશવને જે કહ્યું તેમાં તે દેખાય છે. તેણે કેશવને કહ્યું : ‘મારા મામા ઈશ્વર ચિંતન કરે છે. આપ પણ ઈશ્વર ચિંતન કરો છો એવું તેમણે સાંભળ્યું છે. એટલે તે આપને મળવા આવ્યા છે.’ હેતુ કોઈ વાદવિવાદ કરવાનો ન હતો, પણ પોતાના જેવા જ એક ઈશ્વરભક્તને મળવાનો હતો. કેશવે હા પાડી.
શ્રીરામકૃષ્ણ તો તદ્દન સાદા વેશમાં હતા. તેથી સ્વાભાવિક રીતે કેશવ પર તો પ્રથમ કોઈ પ્રભાવ ન પડ્યો, પણ શ્રીરામકૃષ્ણ તો કેશવને જોઈને ભાવાવેશમાં આવી ગયા. તે ભજન ગાવા લાગ્યા. તેથી પણ આ બધાને કોઈ અસર ન થઈ. શ્રીરામકૃષ્ણના ચહેરા પર જે દિવ્ય તેજ પથરાઈ ગયું અને હૃદય જ્યારે ૐનો ઉચ્ચાર કરીને તેમને ભાનમાં લાવ્યો ત્યારે બધા નવાઈ પામ્યા. પછી શ્રીરામકૃષ્ણે જે અદ્ભુત વાણી ઉચ્ચારી તે સાંભળીને તો કેશવ સહિત બધા ડોલી જ ઊઠ્યા. તેમની વાણી સાંભળી કેશવને તત્કાલ ખ્યાલ આવી ગયો કે આ મહાપુરુષે હકીકતમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હતો. તેમને અનુભૂતિ થઈ કે શ્રીરામકૃષ્ણ પાસે પોતે તો એક બાળક સમાન હતા. પરિણામે તેમના હૃદયમાં પૂજ્યભાવ પેદા થયો અને તેમની પૂજા કરી, તેમની સાથે સત્સંગ કર્યો.
આ મિલનના પરિણામે કેશવને પણ શ્રીરામકૃષ્ણમાં રસ ઉત્પન્ન થયો. તેમણે પોતાના કેટલાક અનુયાયીઓને શ્રીરામકૃષ્ણની જીવનશૈલી જાણવા દક્ષિણેશ્વર મોકલ્યા. ક્યારેક કેશવ પોતે પણ આધ્યાત્મિક ચર્ચા કરવા શ્રીરામકૃષ્ણ પાસે જતા. આમ બંને વચ્ચે પરિચય ગાઢ થતો ગયો. પરિણામે કોઈવાર તો કેશવ તેમના ભક્તો સહિત જ આવતા. શ્રીરામકૃષ્ણ પણ તેમની સભામાં હાજરી આપતા. કોઈવાર કેશવ નાવમાં આવતા અને શ્રીરામકૃષ્ણને સાથે લઈ ગંગા નદીમાં સહેલ પણ કરતા. એકવાર તો તે શ્રીરામકૃષ્ણને તેમના ઘેર પણ લઈ ગયા અને ઘરના દરેક ખૂણામાં પધરામણી કરી અને આશીર્વાદ આપવા વિનંતી પણ કરેલી. પોતાના ધ્યાનખંડમાં તેમની પૂજા પણ કરી હતી એમ કહેવાય છે. શ્રીરામકૃષ્ણને પણ તેમના પર એટલો પ્રેમ થયો કે કોઈ કેશવની ટીકા કરતું તો તેઓ તેમનો બચાવ કરતા.
શ્રીરામકૃષ્ણ પાસે બીજા એક બુદ્ધિવાદી આવનાર હતા વિજયકૃષ્ણ ગોસ્વામી. તેઓ બ્રાહ્મોસમાજના સભ્ય હતા અને કેશવના પ્રસંશક હતા. તેમને પણ સત્યનો સાક્ષાત્કાર કરવાની તાલાવેલી હતી. તેઓ શ્રીરામકૃષ્ણના સમાગમમાં આવ્યા. બંને વચ્ચે સ્નેહની ગાંઠ બંધાઈ. તેથી વિજય અવારનવાર આવતા અને શ્રીરામકૃષ્ણના સંપર્કથી તેમની ઈશ્વરદર્શનની ઝંખના તીવ્ર બની. તેમનામાં જે મહાન પરિવર્તન આવ્યું તેનું કારણ તે શ્રીરામકૃષ્ણને ગણાવતા.
તેમના સંપર્કમાં આવનાર ત્રીજા હતા પંડિત શિવનાથ. તે પણ વારંવાર દક્ષિણેશ્વર આવતા. શ્રીરામકૃષ્ણ તેમને મળીને આનંદ અનુભવતા. શ્રીરામકૃષ્ણની ભક્તિ જોઈને શિવનાથ તો દંગ જ થઈ ગયા. તે ક્યારેક શ્રીરામકૃષ્ણની ટીકા પણ કરતા. જો કે સમય જતાં શિવનાથે તેમના પાસે જવાનું ઓછું કરી નાખ્યું હતું.
કેશવચંદ્ર સેન જેવા જ મહત્ત્વના બીજા એક મહાપુરુષ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પણ શ્રીરામકૃષ્ણના સંપર્કમાં આવ્યા હતા. જો કે શ્રીરામકૃષ્ણે સામેથી વિદ્યાસાગરને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે મહેન્દ્રનાથ ગુપ્તને કહ્યું કે તેઓ એ માટે વિદ્યાસાગરની રજા લઈ લે. વિદ્યાસાગરે તો તરત જ હા પાડી દીધી. એટલે તેઓ ભક્તો સાથે તેમને મળવા ગયા. તેમને મળવા જતી વખતે શ્રીરામકૃષ્ણ થોડા સભાન હતા. ત્યારે પહેલી જ વાર પોતાના વસ્ત્ર વિશે સભાન હતા. વિદ્યાસાગરને જોતાં જ શ્રીરામકૃષ્ણ ભાવાવેશમાં આવી ગયા, માંડ માંડ પોતાને કાબૂમાં રાખી શક્યા. એટલે બાહ્યભાનમાં લાવવા પાણી માગ્યું. પછી તેમની સાથે નિરાંતે વાતો કરી.
શ્રીરામકૃષ્ણે વિદ્યાસાગરને કઈ રીતે જોયા? તેમણે અભિપ્રાય આપ્યો કે આટલા દિવસો સુધી તે નદી કે તળાવને મળ્યા હતા, પણ આજે તે પ્રથમ વાર સાગરને મળ્યા હતા. વિદ્યાસાગરે નમ્રતા દાખવવાનો પ્રયત્ન કર્યો પણ તરત શ્રીરામકૃષ્ણે તેમને માત્ર સાગર જ નહીં, ક્ષીરસાગર પણ કહ્યા. પછી તેમની સાથે નિરાંતે વાતો કરી. વાતોના અંતે તેમણે કહ્યું : ‘આ જે મેં કંઈ કહ્યું તે તો તમે જાણો જ છો. પણ એ બધું તમને યાદ નથી. એટલો જ માત્ર ફરક છે.’
શ્રીરામકૃષ્ણ જેવો તીક્ષ્ણ બુદ્ધિશાળી માનવ ઇચ્છતા હતા એ તો તેમને માત્ર નરેન્દ્રનાથમાં જ દેખાયો. શ્રીરામકૃષ્ણને પોતાના પર પણ શંકા કરે તેવી વ્યક્તિ જોઈતી હતી. તે પોતાની પરીક્ષા કરાવવા માગતા હતા. નરેન્દ્રનાથ જ્યારે પ્રથમવાર તેમની પાસે આવ્યા ત્યારે તેનો હાથ પકડીને કહ્યું હતું : ‘અરે, આટલું મોડું અવાય?’ પછી તેની સામે હાથ જોડીને સ્તુતિ પણ કરી. જો કે નરેન્દ્રનાથ તો અંતે તેમના શિષ્ય જ થઈ ગયા અને સ્વામી વિવેકાનંદ તરીકે પ્રખ્યાત થયા.
આ બધા બુદ્ધિશાળીઓ સાથે શ્રીરામકૃષ્ણનો સંપર્ક થયો ત્યારે એ બધાએ કઈ રીતે પ્રતિભાવ આપ્યો?
કેશવચંદ્ર પ્રથમ દર્શનથી તો કદાચ પ્રભાવિત ન થયા. તેમને શ્રીરામકૃષ્ણ સામાન્ય લાગ્યા. પણ જ્યારે તેમના દિવ્યભાવ જોયા, તેમની સમાધિ અવસ્થા જોઈ ત્યારે તેઓ પ્રભાવિત થઈ ગયા. સમય જતાં તેઓ તો તેમના ભક્ત બની ગયા. તેના પરિણામે તેમને બ્રાહ્મોસમાજના અનેક સાથીઓ ગુમાવવા પડ્યા. પરંતુ તેની તેમણે પરવા ન કરી અને છેલ્લે સુધી શ્રીરામકૃષ્ણના સંપર્કમાં રહીને તેમની ભક્તિ કરી.
વિજયકૃષ્ણ ગોસ્વામીએ પણ રામકૃષ્ણને હૃદયપૂર્વક સ્વીકાર્યા. શ્રીરામકૃષ્ણના સત્સંગના પરિણામે જ તેમની ભક્તિ ગાઢ બની અને આધ્યાત્મિકભાવનાં દર્શનો થયાં. એટલે તે પણ રામકૃષ્ણ પ્રત્યે ભક્તભાવે જ રહ્યા.
પંડિત શિવનાથ પણ તેમની ભક્તિ જોઈને અભિભૂત થતા હતા. તે તેમના ત્યાગ અને વૈરાગ્યથી આશ્ચર્ય પામ્યા હતા. જો કે તે તેમની કેટલીક બાબતોની ટીકા પણ કરતા. પરંતુ પછી તેમણે જોયું કે કેશવચંદ્ર સેન અને વિજયકૃષ્ણ ગોસ્વામીનું શ્રીરામકૃષ્ણના પ્રભાવથી હૃદયપરિવર્તન થયું હતું. એટલે સંભવ છે કે તેમને ડર લાગ્યો હોય અને આવો વિચાર આવ્યો હોય કે શ્રીરામકૃષ્ણની જો બ્રાહ્મોસમાજ પર અસર વધશે તો આ સંસ્થાને ખૂબ નુકસાન થશે. તેથી તેણે સમય જતાં દક્ષિણેશ્વર જવાનું ઓછું કરી નાખ્યું અને શ્રીરામકૃષ્ણ સાથે સંબંધ ઓછો કરી નાખ્યો.
વિદ્યાસાગર તો રામકૃષ્ણને એક જ વાર મળ્યા હતા. આ મિલન વૈધિક હતું. વિદ્યાસાગરે તેમના વિશે સાંભળ્યું હતું. વળી તેઓ પોતે ખૂબ નમ્ર હતા. તેથી કોઈ પણ ખ્યાલ વગર જ તેમને મળ્યા. શ્રીરામકૃષ્ણે સતત તેમની પ્રસંશા જ કરી. વિદ્યાસાગરને પણ તેઓ મહાન જ લાગ્યા. તેથી તેમણે પણ એમના પ્રત્યે આદરભાવ રાખ્યો.
નરેન્દ્રનાથ પ્રથમ તબક્કે પ્રભાવિત થયા અને શ્રીરામકૃષ્ણના વર્તનથી ચકિત પણ થયા. નરેન્દ્રનું ચિત્ત આધુનિક વિચારોવાળું હતું, તેઓ પ્રખર બુદ્ધિશાળી હતા એટલે કોઈ કહે તે તરત માની લે તેવા ન હતા. તેઓ ખૂબ તર્કશીલ હતા પરંતુ તેની સમાંતરે જિજ્ઞાસુ પણ હતા. છતાં પણ સ્વામીજીએ શ્રીરામકૃષ્ણને તરત તો ન જ સ્વીકાર્યા.
શ્રીરામકૃષ્ણે તેમને કેટલીક આધ્યાત્મિક અનુભૂતિઓ કરાવી, આમ છતાં પણ ઘણા સમય પછી તેઓ શ્રીરામકૃષ્ણમાં થોડી શ્રદ્ધા ધરાવતા થયા. તે દરમિયાન પણ તેમણે શ્રીરામકૃષ્ણના ત્યાગ વૈરાગ્યની કસોટીઓ કરી હતી. એકવાર શ્રીરામકૃષ્ણમાં એમને શ્રદ્ધા ઉદ્ભવી પછી ભક્તિભાવથી તેઓ તેમને શરણે ગયા અને ગુરુ તરીકે સ્વીકારી લીધા હતા.
તો રામકૃષ્ણે આ બધાને કેવી રીતે જોયા?
રામકૃષ્ણ બે સંદર્ભમાં આ બધાને મળવા ગયા હતા. એક તો તેમને જિજ્ઞાસા હતી કે એ બધા પાસેથી વધારે જાણવું. આ બધા ધર્મની વાતો તો કરે છે પણ તેમાં કેટલા આગળ વધ્યા છે એ તેઓ જોવા માગતા હતા. કેશવને જોઈને તો તરત જ ખુશ થઈ ગયા હતા. તેમનો તેમણે પહેલા દર્શનથી જ સ્વીકાર કર્યો હતો. કેશવમાં તેમણે ભક્તહૃદયનાં દર્શન કર્યાં. એટલે છેલ્લે સુધી તેઓ તેમના સંપર્કમાં રહ્યા અને વારંવાર મળતા રહ્યા.
વિજય ગોસ્વામીમાં તેમને ભક્તનાં દર્શન થયાં તેથી તેમને પણ પૂર્ણ રીતે સ્વીકાર્યા. તેમને માર્ગદર્શન પણ આપ્યું અને આધ્યાત્મિક અનુભૂતિ પણ કરાવી. પછીથી વિજય પોતે ગુરુ બની ગયા માટે તેમનો સંપર્ક કદાચ ઓછો થઈ ગયો.
શિવનાથને તેમણે સ્વીકાર્યા તો ખરા પરંતુ તેઓ જાણતા હતા કે શિવનાથ શંકાશીલ છે. તેઓ હજી સંસારી જ હતા. તેમણે તેને કહ્યું પણ ખરું : ‘તમે સંસારની બધા પ્રકારની વસ્તુઓનું અહર્નિશ ચિંતન કર્યા કરો છો. છતાં પોતાને ઉચ્ચ વિચારશક્તિવાળા માનો છો.’ તેમણે તેની તર્કબુદ્ધિની ટીકા કરી હતી.
શ્રીરામકૃષ્ણ વિદ્યાસાગરને મળ્યા તે પહેલાંથી જ તેમના પ્રત્યે આદર હતો એમ લાગે છે. તેઓ સામેથી તેમને મળવા ગયા છે. તેમને જોતાંવેંત જ તેઓ ભાવમાં આવી ગયા. તેમની સાથે ખૂબ વાતો કરી છે અને તેમની પ્રસંશા પણ કરી છે. વિદ્યાસાગર પ્રત્યેનો શ્રીરામકૃષ્ણનો ભાવ હકારાત્મક દેખાય છે.
નરેન્દ્રનાથની તો જાણે તેઓ પહેલાંથી રાહ જોતા હોય એવું લાગે છે. નરેન્દ્ર આવ્યા તે પહેલાં શ્રીરામકૃષ્ણ શિષ્યોને કહેતા : ‘મારાં દર્શનો પર શંકા ઉઠાવે તેવી વ્યક્તિની રાહ જોઉં છું.’ એવી વ્યક્તિ મોકલવા તે મા કાલીને પ્રાર્થના કરતા. એટલે જ્યારે નરેન્દ્રનાથ પહેલીવાર આવ્યા ત્યારે ઠપકો આપ્યો કે તું મોડો કેમ આવ્યો ? તે માનતા કે નરેન્દ્રનાથ એક નરઋષિ હતા અને જગતનું દુ :ખ દૂર કરવા જ અવતર્યા હતા. તેઓ અંત સુધી નરેન્દ્રના પક્ષમાં રહ્યા. તેમને ઘણી અનુભૂતિઓ કરાવી. અંતમાં પોતાની બધી શક્તિ નરેન્દ્રને આપી દીધી. નરેન્દ્રનાથની દલીલોનો તેઓ ક્યારેય વિરોધ ન કરતા. ઊલટાનું તેઓ તેને ઉત્તેજન આપતા અને આવકારતા. નરેન્દ્ર જ પોતાની અનુભૂતિઓને સમજી શકશે તેમ તેઓ માનતા.
પણ આ બધામાં મહત્ત્વની બાબત એ જણાય છે કે રામકૃષ્ણ ભલે કહેવાતા અભણ હતા છતાં તેમને કોઈ જ બુદ્ધિશાળીઓના તર્કનો ડર ન હતો. તેમને પોતાની અનુભૂતિઓ પર એટલી પાકી શ્રદ્ધા હતી. એમને વિશ્વાસ હતો કે તેઓ બધા પર પ્રભાવ પાડી શકશે. બુદ્ધિ સામે તેમની જ પ્રજ્ઞા વિજય મેળવશે તેની તેમને ખાતરી હતી.
અનુભૂતિની શ્રદ્ધા કેવી હોય તે આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં દેખાય છે. અનુભૂતિ પાસે બુદ્ધિ કેવી નમ્ર બની શકે છે તે આપણને શ્રીરામકૃષ્ણ પાસે બેસતા પ્રખર બુદ્ધિશાળીઓના વર્તનમાં જોવા મળે છે. વિદ્વત્તામાં તેમના કરતાં ઘણા જ ઊતરતા હોવા છતાં અનુભૂતિમાં શ્રીરામકૃષ્ણ કેટલા આગળ હતા તે આ બધા જોઈ શક્યા.
અરે! આજના બુદ્ધિશાળીઓ પણ તેમને જ્યારે પણ વાંચે છે, ત્યારે તેવો જ અનુભવ કરે છે. એ જ તો શ્રીરામકૃષ્ણનો આજે દોઢ સદી પછી પણ પ્રભાવ બતાવે છે.
Your Content Goes Here




