એક અંગ્રેજ કવિ ગ્રેના એક કાવ્યમાં એક ખૂબ સુંદર કડી છે. પોતાના કાવ્યની એ કડીમાં એ કવિ કહે છે કે, અનેક પુષ્પો કોઈનીયે નજરે ચડ્યા વિના ખીલી, રણમાં ખરી પડી, પોતાની સૌરભ વેડફી નાખે છે; અનેક મૂલ્યવાન તેજસ્વી રત્નો, સમુદ્રના ઊંડાણમાં આવેલી કોઈ ગુફામાં પડ્યાં જ રહે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસને સ્વામી વિવેકાનંદ સાંપડ્યા ન હોત તો, શ્રીરામકૃષ્ણ પણ શું આ અંગ્રેજ કવિ ગ્રેના પુષ્પ કે રત્નની જેમ અણપ્રીછ્યા જ રહ્યા હોત? જેને વિખ્યાત ફ્રેંચ ચિંતક અને મનીષી, રોમાંરોલાંએ ‘દેવ-મનુષ્ય’ કહ્યા છે તે શ્રીરામકૃષ્ણનું દૈવત કલ્પનાતીત છે એટલે, વિવેકાનંદ હોત કે વિવેકાનંદ નહોત તો પણ શ્રીરામકૃષ્ણરૂપી સૂર્ય છાબડે ઢાંક્યો રહેત નહીં.

અને ૧૮૮૬ના ઑગસ્ટની ૧૬મીએ એમનું દેહાવસાન થયું ત્યારે, એમનાં પત્ની શ્રી શારદામણિદેવી, પછીથી સંન્યાસ લેનાર એમના સોળ શિષ્યો અને થોડું ભક્તવૃંદ હતું. પતિથી વિખૂટાં પડેલાં શ્રીઠાકુરનાં ધર્મપત્ની શ્રીશારદામણિદેવી પોતાને ઘેર કામારપુકુર રહેવા ગયાં ત્યારે, દાળશાક વઘારવાને માટે તેલ તો ઠીક, તેમાં નાખવા માટે મીઠું લેવાના પણ પૈસા ન હતા અને, એમનાં વસ્ત્રો પણ ફાટીને ચીંથરાં જેવાં થઈ ગયાં હતાં. એમના ભત્રીજાએ કાકીને સહાય કરવી તો દૂર રહી, દક્ષિણેશ્વરના કાલીમંદિર તરફથી પૂજ્ય શારદામાને અપાતું માસિક પેન્શન પણ અટકાવ્યું હતું. બીજા ભક્તો આઘા જ ખસી ગયા હતા અને, યુવાન સંન્યાસી શિષ્યોને પોતાને જ ખાવાના વખા હતા ત્યાં, એ શી સહાય આપી શકે?

સંન્યાસી શિષ્યોએ વરાહનગરમાંના ભૂતિયા મકાનમાં, શ્રીરામકૃષ્ણના એક ભક્તની કૃપાથી મઠની સ્થાપના તો કરી હતી પણ ત્યાં, આર્થિક દશા એટલી તો ખરાબ હતી કે, કેટલાક યુવાન સંન્યાસીઓ પરિવ્રાજક બની મઠની બહાર ફરવા લાગ્યા હતા. એમના આ પરિભ્રમણ પાછળ આત્મકલ્યાણનો હેતુ પણ હતો પરંતુ, એમના ગુરુ શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ એ અધૂરું કાર્ય હતું. સંસારની જંજાળથી પર થઈને સમાધિમાં જ ડૂબી રહેવાની ઇચ્છા કરવા માટે ગુરુ શ્રીરામકૃષ્ણે પોતાના પટ્ટશિષ્ય નરેન્દ્રનાથને ઠપકો આપી કહ્યું હતું, ‘ફટ રે ભૂંડા! તું તો કેવો સ્વાર્થી છો? તારે વડલો બની સૌને વિશ્રામ આપવાનો છે.’ દુર્ભાગ્યે, ભારતમાં-કે ભારત બહાર- તીર્થાટન કરતા ઠાકુરના શિષ્યો પોતે જ ભિક્ષાન્ન પર નભતા હતા ત્યાં બીજાને એ ક્યાંથી આશરો આપી શકે?

આ સ્થિતિમાં અચાનક ૧૮૯૩ના સપ્ટેમ્બરમાં, સ્વામી વિવેકાનંદના શિકાગો વિશ્વધર્મ પરિષદમાંના વિસ્ફોટથી પરિવર્તન આવ્યું એ, હવે ખૂબ જાણીતી હકીકત છે. એ પરિષદમાં ભાગ લીધા પછી સ્વામી વિવેકાનંદ પૂરાં ત્રણ વરસ પશ્ચિમમાં જ રોકાઈ ગયા અને વેદાન્ત ધર્મનો બોધ તેમણે આપ્યો તે પણ જાણીતી વાત છે. એથી ઓછી જાણીતી વાત એ છે કે, સ્વામીજીએ ત્યાં પોતાનો ‘આશ્રમ’ સ્થાપ્યો નહીં, સંપ્રદાય ઊભો કર્યો નહીં, ચટ પલાંઠી પટ સમાધિ જેવો કે, કામ-કાંચન સાથે સમાધિનો યોગ એમણે કરી આપ્યો નહીં. ટીલાંટપકાંથી, જ્ઞાતિવાદથી, સ્પૃશ્યાસ્પૃશ્યથી, અધિકારવાદથી પર, કોઈ ધર્મની નિંદા નહીં કરતા પણ સર્વ ધર્મોને આવકારતા, જુદા ચોકાના નહીં પણ સમન્વયના, સંવાદના, મંદિરમાંહેની પ્રતિમાની પૂજાના નહીં પણ, દરિદ્રનારાયણની પૂજાના ધર્મનો બોધ તેમણે કર્યો. વળી, સૅમિટિક ધર્મો અનુસાર માનવી પાપયોનિજ નથી પણ, અમૃતનું સંતાન છે એ વાત પણ તેમણે જોરથી કહી.

વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલાં છ પ્રવચનોમાં ક્યાંય એમણે પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસનો ઉલ્લેખ કર્યો નથી, એટલું જ નહીં પણ, એવા ઉલ્લેખોનું પ્રમાણ એકદમ ઓછું છે. આમ છતાં, જગતને શ્રીરામકૃષ્ણની જાણ મુખ્યત્વે એમના દ્વારા જ થઈ છે. અમેરિકા છોડવાની પૂર્વસંધ્યાએ, ૧૮૯૬માં સ્વામીજી ન્યુયોર્કમાં માઈ માસ્ટર – મારા ગુરુ – એ વિષય પર પ્રવચન આપે છે અને, ત્યાંથી રવાના થઈ, ભારત આવતાં પહેલાંના, પોતાના ઈંગ્લૅન્ડના રોકાણ દરમિયાન પણ, સ્વામીજી એ જ વિષય પર બોલે છે.

પોતાના ઈંગ્લૅન્ડ નિવાસ દરમિયાન, સ્વામીજી પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન મૅક્સમૂલરને મળે છે. ભારતની સંસ્કૃતિથી પરિચિત મૅક્સમૂલરે શ્રીરામકૃષ્ણ વિશે થોડી માહિતી મેળવી હશે. સ્વામી વિવેકાનંદ તેને પુષ્ટ કરે છે અને, મૅક્સમૂલરની કલમેથી શ્રીરામકૃષ્ણ પરમહંસ વિશેનું એક નાનું પુસ્તક જગતને પ્રાપ્ત થાય છે. તે પછીના ત્રણ સાડાત્રણ દાયકાઓમાં, શ્રીરામકૃષ્ણના પાર્ષદો જગતને ખૂણેખૂણે ભમતા થાય છે અને, જગતને શ્રીરામકૃષ્ણની મહત્તાની જાણ થતી જાય છે.

વીસમી સદીના પહેલા ત્રણ દાયકા દરમિયાન ભારત ધીમે ધીમે જગતના નક્શા પર ઉપસતું આવે છે. ગાંધીજી, ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર, મહર્ષિ અરવિંદ, પ્રૉ. જગદીશચંદ્ર બોઝ, પ્રૉ. રામન, જવાહરલાલ નહેરુ… આ સૌના કાર્યનો પ્રભાવ જગત પર પડે છે. પણ એ સૌના પ્રભાવની પર અને પાર જતો શ્રીરામકૃષ્ણનો પ્રભાવ, ચોમેર, ધીરે ધીરે વિસ્તરતો જતો જણાય છે. આ સદીના ત્રીજાચોથા દાયકાના સંધિકાળે (૧૯૨૯ અને ૧૯૩૧માં) શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિશેના પોતાના બે અદ્‌ભુત ગ્રંથો રોમાંરોલાંએ પ્રસિદ્ધ કર્યા. પછીથી, એ પ્રકારનું સાહિત્ય અંગ્રેજીમાં, યુરોપની બીજી ભાષાઓમાં તેમજ એશિયાની બીજી ભાષાઓમાં વધતું જ ચાલ્યું છે.

પરંતુ, માત્ર સાહિત્યવૃદ્ધિ એ માપદંડ નથી. શ્રીરામકૃષ્ણ બોધિત વિચારણાના પ્રભાવની ગહનતા અને વ્યાપકતા તથા, એ પ્રભાવની જીવન પરની અસરથી આપણને એનો ખ્યાલ આપી શકે.

આજે ભારતમાં અને જગતમાં ધર્માંધતાનું ઝોડ જોર કરતું જણાય છે અને, મંદિરોમાં, મસ્જિદો, ચર્ચોનો નાશ કરવામાં તથા, વિવિધ ધર્મોના લોકોને મારી નાખવાની હદ સુધીનો ત્રાસ આપવામાં આપણે, જાણે કે, હરીફાઈમાં ઊતર્યાં છીએ. હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, યહૂદી, બૌદ્ધ, બધા ધર્મોના કટ્ટર, ધર્માંધોના તેમજ, રાજકીય મતાંધોના લોહીનો કણેકણ અસહિષ્ણુતાથી ભર્યો છે. શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદ વિચારણાનું ટૉનિક જ આ મતાંધતાનાં અને અસહિષ્ણુતાનાં કીટાણુંઓનો નાશ કરી શકશે. વિરોધીઓનાં પૂતળાં કે પુસ્તકો બાળવામાં કશું પરાક્રમ નથી એટલું જ નહીં, એમાં નરી અસહિષ્ણુતા જ છે. દુર્યોધનમાં અનેક દોષો હતા પણ, એનામાં અસહિષ્ણુતા હોત તો મહાભારતના યુદ્ધના આરંભ પહેલાં, સૈન્યો ગોઠવાઈ ગયા પછી, યુધિષ્ઠિર ભીષ્મ વગેરેને વંદન કરવા આવે છે, ત્યારે એમનો વધ દુર્યોધને કર્યો હોત અથવા, બે સૈન્યો વચ્ચે પોતાનો રથ ઊભો રખાવ્યા પછી, અર્જુનને મોહવિષાદ થાય છે અને એ હાથ જોડી બેસી રહે છે ત્યારે એનો વધ કર્યો હોત.

સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ પરિષદમાંના પોતાના પ્રથમ પ્રવચનમાં આશા વ્યક્ત કરી હતી કે, ‘આજે સવારે આ પરિષદમાં જે ઘંટારવ થયો તે સર્વ ધર્માંધતાનો મૃત્યુઘંટ હતો, તલવારના, કલમના, બધા ત્રાસવાદનો અને, એ જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત લાગણીઓનો તે મૃત્યુઘંટ હતો.’

ધર્માંધતાના, ત્રાસવાદના, અસહિષ્ણુતાના દેખાતા અતિરેક છતાં, ભલે મંદ મંથર ગતિએ પણ, જગત ચોક્કસ વિવેકાનંદની આશાપૂર્તિ તરફ જઈ રહ્યું છે. બે વિશ્વયુદ્ધો લડાયાં, લાખો યહૂદીઓની કતલ થઈ, કેવળ ધર્મને નામે ભારતનું વિભાજન થયું, પંજનદના પ્રવાહો જેવા માનવપ્રવાહો સામસામા વહ્યા તે છતાં, જરા સ્વસ્થ ચિત્તે વિચારતાં જણાશે કે, આ મતાંધતા અને અસહિષ્ણુતાના પહાડો ભેદી પ્રેમનું, બંધુતાનું, સહિષ્ણુતાનું ઝરણું ધીમે ધીમે વહી રહ્યું છે.

અસહિષ્ણુતાનું અગત્યનું એક કારણ અજ્ઞાન છે. વીસમી સદીમાં, અને વિશેષે કરીને તેના ઉત્તરાર્ધમાં, યુરોપ અમેરિકાની અનેક યુનિવર્સિટીઓમાં તુલનાત્મક ધર્મનું અધ્યયન ગંભીરપણે થઈ રહ્યું છે. પ્રવાસનાં સાધનોની વિપુલતાને લઈને વધારે ને વધારે લોકો બીજા દેશોના પ્રવાસ કરી રહ્યા છે. ટેલિવિઝન અને ઈંટરનેટ જગતનાં અંતરોને કાપી રહેલ છે. કારગિલની કે કોસ્તેવોની લડાઈ, ચીનનાં કે ટક્સાસનાં પૂર, તુર્કસ્તાનનો ધરતીકંપ કે ઈંડોનેશિયાનાં જંગલોમાંનો દવ બધું આપણી આંખ સમક્ષ આપણે જોઈ શકીએ છીએ. કારગિલના શહીદો માટે સહાનુભૂતિનાં જે પૂર ઉમટ્યાં તેની પાછળ દૂરદર્શનનો જાદુ છે એ વાતને નકારી શકાશે નહીં.

પ્રશ્ન છે એ સહાનુભૂતિને વ્યાપક અને ઊંડેરી બનાવવાનો. પૂજ્ય શ્રી શારદાદેવી પૂરા રૂઢિચુસ્ત કુટુંબમાં જન્મ્યાં હતાં અને, જ્ઞાતિવાદના સ્પૃશ્યાસ્પૃશ્યના વાડામાં એ ઊછર્યાં હતાં. એમણે મોટા પ્રવાસો ખેડ્યા ન હતા અને, બંગાળી પણ માંડ વાંચી શકતાં હોઈ એમનું વાચન પણ અતિમર્યાદિત હતું. વળી, રૂઢિ અનુસાર એ સદા ઘૂમટો તાણતાં એટલે, એમના સંપર્કો પણ અતિ મર્યાદિત હતા. આમ છતાં, સ્વામી વિવેકાનંદની શિષ્યા મિસ માર્ગરેટ નોબલ ભારત આવ્યાં ત્યારે, શારદામાએ એમની સાથે, એમના રિવાજ મુજબ, હસ્તધૂનન કર્યું. એટલું જ નહીં પણ, એને ગાલે ચૂમી ચોડી એ વિદેશી યુવતીને પોતાની સામે રાખી. પરસ્પરની ભાષાથી બંને સદંતર અજાણ હોઈ, બંને વચ્ચે સીધો વાગ્વ્યવહાર શક્ય જ ન હતો છતાં, મિસ નોબલ-ભગિની નિવેદિતાને આ અભણ, રૂઢિચુસ્ત, બંગાળની ગ્રામનારીમાં માતાની અનુભૂતિ થઈ હતી.

આ સહિષ્ણુતા ખિલવવામાં શ્રીરામકૃષ્ણનું જીવન અને એમનો બોધ ઉત્તમ સાધન છે. જગતના મુખ્ય ધર્મોની અને, હિંદુ ધર્મના બધા સંપ્રદાયોની પ્રત્યક્ષ અનુભૂતિને આધારે, જુદા જુદા ધર્મોરૂપી ઘાટેથી ભરી લાવતા તળાવના પાણીને જુદું જુદું નામ આપે છે પણ, તળાવના જળરૂપી ઈશ્વર તત્ત્વ એક જ છે, એ શ્રીરામકૃષ્ણનું દૃષ્ટાંત સૌએ ગળે ઉતારવાની જરૂર છે. કોઈ કોઈ ખ્રિસ્તી સંપ્રદાયમાં આ સમજણ ઊગી પણ છે. આવતી સદીમાં આ સમજણ વધારવાનો અને તેને દૃઢ કરવાનો પ્રયત્ન જગતે કરવો જરૂરી છે. એક વાર આ માન્યતા ગળે ઊતરી કે, અસહિષ્ણુતાને સ્થાને સહિષ્ણુતાનો સૂર્યોદય થશે. મને મારો મત હોવાનો અધિકાર છે તેમ, બીજી વ્યક્તિને પણ પોતાનો મત ધારણ કરવાનો અધિકાર છે. એ મત મને સ્વીકાર્ય ભલે ન હોય પણ, એ મત પ્રત્યે કે, એ મત ધરાવનાર પ્રત્યે, મારે અસહિષ્ણુ બનવાની કશી જરૂર નથી. પાયાના આ સત્યનો સ્વીકાર કરાવવામાં શ્રીરામકૃષ્ણનો બોધ અને એમની પોતાની જીવનરીતિ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

આ સમભાવ કેળવવામાં સહાયરૂપ થાય તેવો એક મહામંત્ર શ્રીરામકૃષ્ણે આપણને આપ્યો છે. એ મંત્ર છે: શિવજ્ઞાને જીવસેવા. બધા જીવોમાં આપણને ઈશ્વર જ દેખાય પછી, કોઈનો વિરોધ કરવાનું, કોઈનું પૂતળું બાળવાનું, કોઈની ઉપર ચડાઈ કરવાનું ક્યાં રહ્યું? અસહિષ્ણુ માનવી શારીરિક નહીં પણ માનસિક રોગથી પીડાય છે. એની સામે બૂમો મારવાથી, એને ગાળ દેવાથી કે એને તમાચો મારવાથી એ વધારે ક્રોધે ભરાશે અને વધારે મમતે ચડશે. એ દર્દનો અકસીર ઇલાજ પ્રેમનો લેપ છે. એ લેપથી એની મતાંધતાનું પડળ કાઢી શકાશે. વિનોબાજીએ કહ્યા પ્રમાણે, તલવારની સાથે તલવાર નહીં, ઢાલ ઉગામાય. આ શિવજ્ઞાને જીવસેવાની ઢાલ સામે માણસની તલવાર બુઠ્ઠી બની જશે.

યુદ્ધકાળ દરમિયાન પણ વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ થતી જ હોય છે પણ, શાંતિનો કાળ પ્રવર્તતો રહે તો, પ્રગતિ વેગથી થઈ શકે. વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં પણ મતાંધતા નડતી હોય છે તેને પણ દેશવટો જ દેવો રહ્યો.

‘જેટલા મત તેટલા પથ’, ‘ઈશ્વર એક જ છે અને બધા ધર્મો માનવીને ઈશ્વર તરફ લઈ જાય છે,’ તથા ‘શિવજ્ઞાને જીવસેવા’. એ ત્રણ ઠાકુરે દીધેલા મંત્રો આવતી સદીના ચિંતનના પાયામાં ધરબાય તે જરૂરનું છે. આ સદીના ઉત્તરાર્ધનું વિજ્ઞાન કૂદકે ને ભૂસકે આપણા વેદાન્તદર્શન ભણી વળી રહ્યું છે. અણુબોંબના વિસ્ફોટ તરફ જાય છે એટલું આપણું ધ્યાન હેઝનબર્ગ કે સ્ક્રૉડિંજરના પ્રદાન તરફ નથી જતું. પણ વિજ્ઞાનની આગેકૂચ તેથી અટકશે નહીં. ઠાકુરના આપેલા ત્રણ મહામંત્રો વિજ્ઞાનના વિરોધી નથી. વિજ્ઞાન આ મંત્રોની સાથે ચાલીને એકવીસમી સદીને ઉજ્જ્વળ બનાવશે એવી આશા આપણે રાખીએ.

શ્રીરામકૃષ્ણે પોતાનાં ધર્મપત્ની શારદામાને કહ્યું હતું, ‘મારી છબિ દેશવિદેશમાં પૂજાશે.’ શ્રીરામકૃષ્ણ મિશનનાં જગતભરમાં ફેલાયેલાં ૧૪૦ જેટલાં કેન્દ્રો વૃદ્ધિ પામે અને, શ્રીરામકૃષ્ણના સંદેશને સર્વસુલભ બનાવી, એકવીસમી સદીમાં મનુષ્યજાતને અસહિષ્ણુતાના અને મતાંધતાના તમસમાંથી બહાર કાઢશે અને જ્ઞાનજ્યોત ફેલાવશે એવી શ્રદ્ધા છે.

Total Views: 256

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.