(લેખકે બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ (રામકૃષ્ણ સંઘના તત્કાલીન પરમાધ્યક્ષ ) સાથે રામકૃષ્ણ–વિવેકાનંદ સાહિત્ય પર એમનો અભિપ્રાય મેળવવા માટે ૨૫ અને ૨૬ નવેમ્બર, ૧૯૯૬, એમ બે દિવસ વાર્તાલાપ કર્યો; એનો સારસંક્ષેપ અહીં આપવામાં આવ્યો છે.)

ભાગ–૧

સ્થાન : બેલુર મઠ, તા. ૨૫–૧૧–૧૯૯૬

પ્રશ્ન : મહારાજ, મેં સાંભળ્યું છે કે જ્યારે આપ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ હતા ત્યારે આપે ગુજરાતમાં રામકૃષ્ણ–વિવેકાનંદ સાહિત્યના પ્રચાર–પ્રસારમાં અગ્ર ભૂમિકા ભજવી હતી. હું એ જાણવા ખૂબ ઉત્સુક છું કે આપે એ બધું કેવી રીતે કર્યું અને કેવી રીતે પાર પાડ્યું.

ઉત્તર : મેં રાજકોટ કેન્દ્રનો કારભાર ૧૯૪૫માં લીધો હતો. આ પહેલાં ગુજરાતીમાં ઘણાં ઓછાં પુસ્તકો પ્રકાશિત થયાં હતાં. ‘સસ્તું સાહિત્ય’ વાળા ભિક્ષુ અખંડાનંદે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિશે પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં. એનો અનુવાદ શ્રી હરિશંકર પંડ્યાએ કર્યો હતો. મેં જ્યારે રાજકોટ આશ્રમનો કારભાર સંભાળ્યો ત્યારે ગુજરાતીમાં વધુ પુસ્તકોનું પ્રકાશન શરૂ કર્યું. આ પ્રકાશન મુખ્યત: અનુવાદિત પુસ્તકોનું હતું. ખરું કાર્ય ૧૯૬૩માં સ્વામી વિવેકાનંદની જન્મ–શતાબ્દી વખતે શરૂ થયું. એ સમયે સમગ્ર દેશમાં ખૂબ ઉત્સાહભર્યું વાતાવરણ હતું અને સ્વામી વિવેકાનંદની જન્મ–શતાબ્દીના આયોજનોની મોટા પાયે યોજનાઓ ચાલતી હતી. સ્વામી વિવેકાનંદ વિશે રાહતભાવે પુસ્તક પ્રકાશિત કરવા માટે ભારત સરકારે કેટલીક આર્થિક સહાયતા કરી હતી. અમે લોકોએ પુસ્તક-પ્રકાશનના માધ્યમથી સ્વામી વિવેકાનંદના આદર્શોનો, એમના ભાવોનો પ્રસાર કરવા માટે આ અવસરની તક ઝડપી લેવા વિચાર્યું. અમે લોકોએ ત્રણ પ્રકારની પુસ્તક–માળા પ્રકાશિત કરવાનું વિચાર્યું: (૧) મોટા કદના ૧૨ ભાગોવાળી ગ્રંથમાળા (૨) મધ્યમ કદનાં પુસ્તકોની એક શૃંખલા (૩) નાની ખિસ્સામાં સમાઈ જાય તેવા આકારની પુસ્તિકાઓની શૃંખલા.

એ દિવસોમાં રાજકોટ આશ્રમની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી. એટલા માટે ૧૨ ભાગમાં ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ની માત્ર ૧૦૦૦ નકલ છપાવવાનો મેં વિચાર કર્યો. (એમાંની સામગ્રી આ પ્રકારે હતી – પ્રથમ ભાગમાં શ્રીરામકૃષ્ણદેવનું વિસ્તૃત જીવન, દ્વિતીય ભાગમાં સ્વામી વિવેકાનંદનું જીવન તથા બાકીના દસ ભાગોમાં સ્વામી વિવેકાનંદના ૮ ભાગોમાં અંગ્રેજીમાં પ્રકાશિત સંપૂર્ણ સાહિત્યનો ગુજરાતી અનુવાદ.) શ્રી રતુભાઈ અદાણી રાજકોટ આશ્રમની પરામર્શ સમિતિના સભ્ય હતા. તેઓ ગુજરાત સરકારના પંચાયત મંત્રી પણ હતા. મારી યોજના વિશે સાંભળીને તેમણે કહ્યું કે આપણે વધુ નકલો છાપવી જોઈએ. એમણે આ પુસ્તકોના પ્રકાશન માટે સરકાર તરફથી થોડી આર્થિક સહાયતા માટે પહેલ કરી હતી. એટલું જ નહીં, તેમણે ગુજરાત સરકારમાં એક પરિયોજના પણ દાખલ કરી જેના અંતર્ગત કોઈ પંચાયત જો સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનો આખો સેટ ખરીદે તો એને ગુજરાત સરકાર ૫૦%નું અનુદાન આપશે. આ પરિયોજનાની ઘોષણા બાદ અનેક પંચાયતો અડધી કીમતે ગ્રંથમાળા ખરીદવા આગળ આવી. લગભગ પ્રત્યેક સેટની કીમત રૂ.૬૦/- હતી, એટલે માત્ર રૂ.૩૦/- ખર્ચીને ગ્રામ પંચાયત આ સેટ ખરીદી શકતી હતી. આ રીતે ગુજરાતનું દરેક ગામ સ્વામી વિવેકાનંદ સાહિત્યથી પ્રભાવિત થઈ ગયું.

પુસ્તકોનો અનુવાદ કરવા માટે રાજકોટના પ્રૉ. જે.આર.વૈદ્યને વિનંતી કરવામાં આવી અને પ્રકાશનનું સંપાદન કરવા માટે રૂ.૫૦૦/- પ્રતિમાસના વેતન સાથે ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક શ્રી રામનારાયણ પાઠકની વરણી થઈ. બંને પોતાના કાર્ય પ્રત્યે પૂર્ણત: સમર્પિત હતા. કેટલાક અંશોને મૂળ બંગાળી પુસ્તકો સાથે સરખાવવાની જરૂર લાગતી હતી, પરંતુ એવી કોઈ વ્યક્તિ ન હતી કે જે બંગાળી અને ગુજરાતી બંને ભાષા જાણતી હોય. એટલે હું સ્વયં ગુજરાતી ભાષા શીખ્યો અને આ પુસ્તકના પ્રકાશન માટે મારે પોતાને શ્રી રામનારાયણ પાઠક સાથે કલાકો સુધી બેસવું પડતું હતું. આ બધાં પુસ્તકો નવજીવન પ્રેસ, અમદાવાદમાં છપાઈ રહ્યાં હતાં અને મારે એ છપાવવા માટે અમદાવાદ જવું પડતું અને અનેક કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હતો.

આ પુસ્તકો ઘણાં લોકપ્રિય થયાં તથા આ ગ્રંથમાળાના પ્રથમ પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવ જીવન ચરિત્ર’ને ગુજરાત સરકાર તરફથી વિશેષ પુરસ્કારથી નવાજવામાં આવ્યું. પછી મેં સારદા મઠનાં પ્રવ્રાજિકા આત્મપ્રાણાને સ્વામી ગંભીરાનંદજી મહારાજે મૂળ બંગાળી ભાષામાં લખેલ ‘શ્રીમા શારદાદેવી જીવન ચરિત્ર’નો અનુવાદ કરવાની વિનંતી કરી. મેં આ પુસ્તકનું સંપાદન બેલુર મઠમાં કર્યું કારણ કે ત્યારે રામકૃષ્ણ સંઘના સહાયક સચિવ તરીકે રાજકોટથી મારી બદલી બેલુર મઠ કરી દેવામાં આવી હતી. ગુજરાતીમાં સ્વામી વિવેકાનંદની સંપૂર્ણ ગ્રંથમાળાનું પ્રકાશન થઈ ગયા પછી બધાએ મને આ ગ્રંથમાળાનું વિમોચન કરવા માટે એક હોટલમાં પત્રકાર પરિષદ કરવાનું સૂચન કર્યું. મેં એ પ્રસ્તાવ નામંજૂર કર્યો, ત્યારે શ્રી રતુભાઈ અદાણીના અમદાવાદના નિવાસસ્થાને આ કાર્ય સંપન્ન થયું.

હું ગુજરાતીમાં એક પત્રિકાનું પ્રકાશન પણ કરવા માગતો હતો, પરંતુ સંઘના મુખ્ય કાર્યાલયે એની અનુમતિ ન આપી.

પ્રશ્ન : મહારાજ, હાલ ગુજરાતીમાં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામની પત્રિકાનું પ્રકાશન શરૂ થઈ ગયું છે, એનાથી ખરેખર આપ પ્રસન્ન હશો.

ઉત્તર : હા, હું ખૂબ પ્રસન્ન છું. આ પત્રિકાના કારણે હવે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના ભાવ–આદર્શોનો દૂરસુદૂર પ્રચાર–પ્રસાર થઈ રહ્યો છે. ગુજરાતીમાં પ્રકાશિત પુસ્તકોનું વેચાણ પણ ખૂબ વધી રહ્યું છે.

પ્રશ્ન : મહારાજ, આ પત્રિકાને વધુ ઉપયોગી બનાવવા માટે આપ પોતાનાં મંતવ્યો જણાવવાની કૃપા કરો.

ઉત્તર : આ પત્રિકા માટે તમે વિજ્ઞાપન લઈ શકો છો, પરંતુ નિયમોને અધીન. ખાસ કરીને એવાં વિજ્ઞાપનોને ટાળવાં જે આપણા ભાવાદર્શોને અનુરૂપ ન હોય.

આ પત્રિકાએ પ્રચુર માત્રામાં સારું કાર્ય કર્યું છે. તમારે છાપકામ અને મુદ્રણમાં રહેતી ખામીઓ પ્રત્યે વધુ સાવધાન રહેવું પડશે. આજકાલ બધી પત્રિકાઓમાં છાપકામની ભૂલો હોય છે. આપણે એ વિશે વધુ સાવધાન રહેવું પડશે.

પશ્ન : મહારાજ, ગુજરાતી સાહિત્યના પ્રભાવ વિશે આપનું શું મંતવ્ય છે?

ઉત્તર : જ્યાં સુધી પ્રભાવની વાત છે ત્યાં સુધી ગ્રંથમાળા (સંપૂર્ણ સાહિત્ય) અનેક ગામડાં સુધી પહોંચી ચૂકી છે, અરે! શૈક્ષણિક સંસ્થાઓ સુધી પણ પહોંચી ચૂકી છે. નિશ્ચિતપણે એણે અપ્રત્યક્ષરૂપે ગુજરાતના વિકાસમાં બહુ મોટું યોગદાન આપ્યું છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે અનેક શૈક્ષણિક સંસ્થાઓ મને વ્યાખ્યાન આદિ માટે આમંત્રણ પાઠવતી હતી. એ જ સાબિતી આપે છે કે હવે લોકો સ્વામી વિવેકાનંદની વિચારધારાને જાણવામાં રુચિ ધરાવતા થયા છે.

ભાગ – ૨

સ્થાન : બેલુર મઠ, તા. ૨૬–૧૧–૧૯૯૬

પ્રશ્ન : મહારાજ, રામકૃષ્ણ–વિવેકાનંદ સાહિત્ય વિશે હું આપના વિચાર જાણવા માગું છું. આ સાહિત્યનો ઉદ્દેશ શું છે, એના કાર્યક્ષેત્રનો વ્યાપ કેટલો છે તથા સમાજ, રાષ્ટ્ર અને વ્યક્તિ પર એનો પ્રભાવ કેવો છે?

ઉત્તર : જ્યારે આપણે સાહિત્યની વાત કરીએ છીએ ત્યારે આપણે બે વાતોને ધ્યાનમાં લેવી જોઈએ. પહેલી છે ‘તથ્ય’ અને બીજી છે ‘તત્ત્વ’. તથ્ય બાબતે આપણે ખૂબ સાવધાન રહેવું જોઈએ, આપણા સાહિત્યમાં કેવળ પ્રામાણિક વિષયવસ્તુ જ પ્રકાશિત થવી જોઈએ. તત્ત્વની બાબતે જોઈએ તો આપણું સાહિત્ય આધારભૂત રીતે વેદાંતની સાથે સાથે રામકૃષ્ણ–વિવેકાનંદ ભાવધારાનો પ્રચાર કરે એનો ખ્યાલ રાખવો અને સર્વધર્મ-સમન્વયની બાબતને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. આપણા સાહિત્યનો ઉદ્દેશ નવ–વેદાંતના ભાવોનો પ્રચાર કરવાનો છે.

એ જાણી લો કે તમારે કોઈ પણ રાજનીતિમાં આસક્ત થવાનું નથી. આપણે આપણાં પ્રકાશનોમાં કોઈ પણ સંપ્રદાય કે પથની આલોચના કરવી ન જોઈએ. આપણે સંપ્રદાય કે પથ બાબતે કોઈ ટિપ્પણી કરવાની મનાઈ કરી દેવી જોઈએ. આપણે આપણાં પ્રકાશનોમાં ન તો કોઈ પથની આલોચના કરીશું, ન તો કોઈની વાહવાહી કે ન તો ખુશામત કરીશું.

પ્રશ્ન : રામકૃષ્ણ–વિવેકાનંદ સાહિત્યનો સમાજ, દેશ અને વ્યક્તિ પર આપની દૃષ્ટિએ શો પ્રભાવ છે?

ઉત્તર : આપણું આધ્યાત્મિક સંગઠન છે. આપણે પોતાની જાતને સામાજિક સમસ્યાઓમાં ન પડવા દેવી જોઈએ.

આપણા સાહિત્યના પ્રભાવ વિશે કોઈ મૂલ્યાંકન થયું નથી, પરંતુ કાર્ય ઘણું થયું છે. પહેલી મહત્ત્વની વાત એ છે કે સર્વધર્મ–સમન્વય બાબતે શ્રીરામકૃષ્ણદેવના ભાવોનો આપણા સાહિત્ય દ્વારા પ્રચાર થવાથી અનેક ધર્મોમાં ઉદારતાવાળું વલણ આવ્યું છે. આપણું સાહિત્ય અનેક લોકોને સાંત્વના આપી રહ્યું છે અને વ્યક્તિઓ પર પડેલ એના પ્રભાવ દ્વારા સમાજ પર પણ પ્રભાવ રહ્યો છે.

પ્રશ્ન : મહારાજ, શું આપ નથી માનતા કે ‘જીવસેવા દ્વારા ઈશ્વરસેવા’ – ‘શિવજ્ઞાને જીવસેવા’નો શ્રીરામકૃષ્ણદેવે આપેલ સંદેશે પણ એક સર્વવ્યાપી પ્રભાવ પાડ્યો છે? અમે લોકો ઘણી સંસ્થાઓને હાલ સમાજસેવામાં રત જોઈએ છીએ.

ઉત્તર : હા, અનેક ધાર્મિક સંગઠન માનવ–સેવા તરફ આગળ વધી રહ્યાં છે. પરંતુ એ કહેવું મુશ્કેલ છે કે એ બધાંએ શ્રીરામકૃષ્ણદેવના ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શનો અંગીકાર કર્યો છે. અનેક સંગઠનો દ્વારા કરાતી સેવા પાછળ કાં તો પ્રસિદ્ધિ પ્રાપ્તિ કરવી કે ફક્ત સામાજિક સેવા કરવી એ જ આદર્શવચનો છે. જ્યાં સુધી આ વિશેષ આદર્શ–વાક્ય ‘શિવજ્ઞાને જીવસેવા’ કરવાની વાત છે, અન્ય સંસ્થાઓએ આપણી પાસેથી શીખવું પડશે. આપણે બધાએ ખરા ભાવથી સેવાકાર્ય કરતા રહેવું જોઈએ.

Total Views: 301

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.