(ગતાંકથી આગળ)

૪. પરીક્ષિતને બ્રહ્મશાપ અને શુકદેવનું ભાગવત કથન

શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત, માસ્ટર મહાશય જ્યારે સૌ પ્રથમવાર દક્ષિણેશ્વર ગયા હતા તે દિવસે તેઓ શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં ગયા અને જોયું તો લોકો તેમના ઓરડામાં નિ:સ્તબ્ધ થઈને તેમની અમૃતવાણીનું પાન કરી રહ્યા છે. ઠાકુર તખ્ત પર બેસીને સહાસ્ય વદને હરિકથા કહી રહ્યા છે. ભક્તો નીચે જમીન પર બેઠા છે. માસ્ટર મહાશય આશ્ચર્યચક્તિ થઈને જોઈ રહ્યા છે. તેમના મનમાં થયું કે જાણે સાક્ષાત્‌ શુકદેવ ભાગવતકથા કહે છે અને ત્યાં જાણે સર્વ તીર્થોનો સમાગમ થયો છે! ઠાકુર કહે છે : ‘જ્યારે એકવાર હરિ કે રામનું નામ લેતાં જ શરીરે રોમાંચ થાય, અશ્રુની ધારા વહે, ત્યારે નિશ્ચય જાણો કે સંધ્યાદિક કર્મો કરવાની જરૂર નથી. ત્યારે કર્મત્યાગનો અધિકાર થયો છે. કર્મ આપોઆપ એની મેળે છૂટી જાય છે. ત્યારે કેવળ રામનામ કે હરિનામ કે શુદ્ધ ૐકાર જપ પર્યાપ્ત છે.’ માસ્ટર મહાશય નવાઈ પામીને જોતાં જ રહ્યા અને વિચારવા લાગ્યા કે ‘આહા કેવું સુંદર સ્થળ! કેવા સુંદર માણસ, કેવી સુંદર વાણી!’ માસ્ટર મહાશયે આ રીતે વર્તમાન યુગમાં શ્રીરામકૃષ્ણ કથામૃતરૂપે ભગવત્‌કથાનો પ્રારંભ કર્યો. માસ્ટર મહાશય તે દિવસે મનમાં દુ:ખનો ભાર લઈને દક્ષિણેશ્વરમાં ફરવા આવ્યા હતા. દુ:ખથી ભરેલા મન સાથે અને જીવન ઉપર જાણે એક વિરક્તિનો ભાવ હતો અને શુકદેવ સમાન શ્રીરામકૃષ્ણદેવની કેટલીક વાતો સાંભળીને તેઓ ઠાકુર પ્રત્યે આકર્ષાયા હતા, તેના જ ફળસ્વરૂપે આપણે ધર્મજગતનો અમૂલ્ય ગ્રંથ શ્રીશ્રીરામકૃષ્ણ કથામૃત પ્રાપ્ત કર્યો છે.

આવી જ પરિસ્થિતિમાં ઘણી શતાબ્દી પહેલા ભાગવતકથા કહેવામાં આવી હતી. તે દિવસે પણ ગંગાતટ પર ઘણા સાધુ-સંન્યાસીઓ એકઠા થયા હતા અને રાજા પરીક્ષિત કે જેમણે જીવનની આશા છોડી દઈને મૃત્યુની પ્રતિક્ષામાં સર્વસ્વનો ત્યાગ કરીને અનશન કર્યું હતું. જેમને શુકદેવજીએ ભાગવતકથા સંભળાવી હતી. તેના ફળસ્વરૂપે સારાયે જગતને શ્રીમદ્‌ ભાગવત પ્રાપ્ત થયું. થોડો વિચાર કરીએ તો જોવા મળશે કે, ભાગવતની કથાવસ્તુને જ યુગ ઉપયોગી બનાવી શ્રીશ્રીરામકૃષ્ણ કથામૃતમાં કહેવામાં આવી છે. બંનેની સારવસ્તુ છે-ઈશ્વરલાભ-ભગવત્તન્મયતા-પ્રાપ્તિ. તે પ્રાચીન સમયમાં જે પરિસ્થિતિમાં ભાગવત કથા કહેવામાં આવી તેની અહીં થોડી આલોચના કરીશું.

કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંડવના વંશને નિર્મૂળ કરવા અશ્વત્થામાએ પાંડવના એકમાત્ર સંતાન પરીક્ષિત પર બ્રહ્માસ્ત્ર ફેંક્યું હતું. પરીક્ષિત ત્યારે માતાના ગર્ભમાં હતા. તે વખતે શ્રીકૃષ્ણે પોતાના ભક્તવંશની રક્ષા કરવા માટે પોતાની અચિંત્ય શક્તિના પ્રભાવથી તે અચૂક નિશાન એવા બ્રહ્માસ્ત્રને નિષ્ફળ કર્યું હતું. પરીક્ષિતે આમ માતાના ગર્ભમાં જ શ્રીકૃષ્ણનાં દર્શન કર્યાં હતાં. તેથી જન્મ લીધા પછી તે નવજાતશિશુ કોઈપણને જુએ તો તેના તરફ તાકી તાકીને પરીક્ષા કરતો અને મનમાં ને મનમાં વિચારતો : ‘આ શું તે જ છે જેને મેં માતાના ગર્ભમાં જોયા હતા?’

 स एष लोके विख्यात: परीक्षिदिति यत्प्रभु: ।
गर्भे द‍ृष्टमनुध्यायन् परीक्षेत नरेष्विह ॥  (१.१२.३०)

કોઈપણ માણસને જોતા જ અભિમન્યુ પુત્ર મનમાં પરીક્ષા કરતા કે તે જ પુરુષ છે કે જેને મેં માતૃગર્ભમાં જોયા હતા? આ રીતે પરીક્ષા કરતા રહેતા તેથી પરીક્ષિત નામે વિખ્યાત થયા. પરીક્ષિતના જન્મ પછી બ્રાહ્મણોએ કહ્યું હતું કે, કાળના પ્રભાવથી કુરુવંશનો નાશ થવાનો હતો ત્યારે તેમની રક્ષા કરવા માટે ભગવાને કૃપા કરીને આ બાળકને જીવન દાન કર્યું હતું. તેથી 

तस्मान्नाम्ना विष्णुरात इति लोके बृहच्छ्रवाः ।
भविष्यति न संदेहो महाभागवतो महान् ॥

(१.१२.१७)

ભગવાનના અનુગ્રહદાનથી પ્રાપ્ત આ બાળકનું નામ વિષ્ણુરાત રાખવામાં આવ્યું. તેમજ ભગવાનનું દાન તો ક્યારેય ખરાબ તો ન જ હોય – કારણ તેઓ સર્વશ્રેષ્ઠનું જ દાન કરે. તેથી આ બાળક અપાર ગુણસંપદા અને પરમ ભાગવત મહાભક્ત થશે તે માટે લેશમાત્ર શંકાને સ્થાન નથી.

તે જ પરીક્ષિત જ્યારે સર્વવિદ્યામાં નિપુણ થયા અને ઉંમરલાયક થયા ત્યારે પાંડવોએ તેના ઉપર રાજ્યભાર સોંપ્યો અને યથાસમયે તેઓ મહાપ્રસ્થાનના માર્ગે નીકળી પડ્યા. પરીક્ષિત રાજા પણ ધર્માનુસારે રાજ્ય ચલાવવા લાગ્યા. તેમના માટે કહેવામાં આવે છે :

धृत्या बलिसमः कृष्णे प्रह्लाद इव सद्ग्रहः ।
आहर्तैषोऽश्वमेधानां वृद्धानां पर्युपासकः ॥

(१.१२.२५)

પરીક્ષિત બલિરાજા જેવા ધૈર્યશીલ હતા અને પ્રહલાદ જેવી તેમની કૃષ્ણ ભક્તિ હતી. તેમણે ઘણા અશ્વમેઘ યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું હતું અને વૃદ્ધોને સન્માન આપતા.

તેઓ જન્મેજય વગેરે રાજર્ષિઓના પિતા હતા અને ધર્મ-મર્યાદાના ઉલ્લંઘન કરનાર માટે કડક શાસક હતા. તેઓએ પૃથ્વી અને ધર્મની રક્ષા માટે કલિને વશમાં રાખ્યો હતો. તેના રાજ્યમાં કલિનો પ્રભાવ પણ નાશ પામ્યો હતો.

આવા મહાન સર્વગુણસંપન્ન અને બધાનાં મનને આનંદ આપનાર મહારાજ પરીક્ષિતે પણ એક વખત ભૂલ કરી નાખી અને તે ભૂલ જ તેના જીવનનો અંત બની. વળી એ જ ભૂલને લીધે જગતને એક એવું અમૂલ્ય રત્ન મળ્યું કે જે અનંતકાળ સુધી માણસને ઈશ્વરપ્રાપ્તિના માર્ગે દોરી જાય. આવી હોય ભગવાનની અકળલીલા! અમંગલમાં ય પરમ મંગલ કરે!

એક દિવસ રાજા પરીક્ષિત વનમાં શિકાર કરવા ગયા. ત્યાં મૃગોની પાછળ દોડતાં દોડતાં અત્યંત થાકી ગયા. વળી ભૂખ અને તરસ પણ લાગી હતી. ક્યાંય તેમણે જળાશય ન જોયું. તેથી ત્યાં નજીકમાં આવેલ શમીક મુનિના આશ્રમમાં તેમણે પ્રવેશ કર્યો, ત્યાં નેત્રો મીંચી શાંત બેઠેલા શમીક મુનિ પાસે પાણીની યાચના કરી પરંતુ મુનિ તો ધ્યાનસ્થ હતા. તેથી મહારાજના આગમનની તેમને જાણ ન થઈ. મહારાજે વિચાર્યું કે, મુનિએ તેમનું અપમાન કર્યું છે. રાજા પરીક્ષિત ભૂખ અને તરસથી ખૂબ વ્યાકુળ હતા. એથી એકદમ તેનામાં ઋષિ પ્રત્યે આવેશ થઈ આવ્યો. તેણે ક્રોધથી એ બ્રહ્મર્ષિ ઋષિના ખભ્ભા પર એક મરેલા સર્પને ધનુષ્યની અણી વડે મૂક્યો અને પછી ત્યાંથી નીકળી નગરમાં આવ્યા. આ વખતે શમીક ઋષિનો ‘શૃંગી’ નામનો અત્યંત તેજસ્વી પુત્ર, બાળકોની સાથે રમતો હતો. રાજા પરીક્ષિતે પોતાના પિતાનું આ રીતે અપમાન કર્યું એમ મિત્રો પાસે સાંભળીને અને જોઈને શૃંગીએ ક્રોધે ભરાઈને તુરત રાજાને શાપ આપ્યો કે આજથી સાતમે દિવસે તક્ષક નાગ કરડશે અને રાજા મૃત્યુ પામશે. જ્યારે શમીક મુનિનું ધ્યાન ભાંગ્યું ત્યારે તેમણે સાંભળ્યું કે, પોતાના પુત્ર શૃંગીએ મહારાજને અભિશાપ આપ્યો છે. ત્યારે તેઓ હાય હાય કરતા અફસોસ કરવા લાગ્યા. તેમણે શૃંગીને કહ્યું : ‘અરે તે આ શું કર્યું?’ મહારાજ તો પ્રજાપાલક, ધર્મરક્ષક, ભક્તશિરોમણિ અને સર્વોપરિ શ્રીકૃષ્ણના પરમ પ્રિયપાત્ર છે. મહારાજને અભિશાપ આપીને તે ઘોર અન્યાય કર્યો છે. જે થયું તે ટાળી તો શકાય નહિ. બ્રહ્મશાપ તો પાછો વાળી ન શકાય. હવે શું કરવું? મહારાજને અભિશાપના સમાચાર મોકલવામાં આવ્યા.

આ બાજુ મહારાજ પરીક્ષિત મુનિના ગળામાં મરેલો સર્પ વીંટાળીને જ્યારે પોતાની રાજધાનીમાં પાછા ફરતા હતા ત્યારે આ અન્યાયી કૃત્ય માટે તેમને ખૂબ ખેદ થયો. તેઓ વિચારવા લાગ્યા : ‘હું કેવો નરાધમ! અહો! ગૂઢ તેજવાળા નિરપરાધી બ્રાહ્મણ તરફ મેં અનાર્યની પેઠે નીચ આચરણ કર્યું છે. મારા પાપ માટે મને અપાર દુ:ખ પ્રાપ્ત થવું જ જોઈએ. જેથી કરીને હું કદી આવું પાપકર્મ ન કરું. મહારાજ આ પ્રમાણે ચિંતા કરી રહ્યા હતા. તે વખતે શમીક મુનિએ મોકલેલા શિષ્ય પાસેથી તેમણે સાંભળ્યું કે, શમીક મુનિના પુત્રે મહારાજને અભિશાપ આપ્યો છે કે, આજથી સાતમા દિવસે તક્ષક નાગના ડંખથી મહારાજનું મૃત્યુ થશે. અભિશાપના સમાચાર સાંભળીને મહારાજ પરીક્ષિત વિચારવા લાગ્યા. ‘સારું થયું આ પ્રકારે હું શીઘ્ર્ર વિષયાસક્તિમાંથી મુક્ત થઈશ.’

આ પ્રકારે એક વિપરીત ઘટના પરીક્ષિતના જીવનમાં ઘટી ગઈ, આ પ્રકારની ઘટના ઘટવાનું તો કોઈ કારણ ન હતું, કોઈ શક્યતા પણ ન હતી. પરીક્ષિત એક પરમ ભક્ત, તદુપરાંત સર્વગુણ સંપન્ન અને વૃદ્ધોને સન્માન કરનાર હતા. માતાના ગર્ભમાં જ પરીક્ષિતને શ્રીકૃષ્ણનાં દર્શન થયા હતા. તેથી તેમનામાં ઐહિક અને સાંસારિક ભોગવાસના કદી ન હતી; કર્તવ્યબુદ્ધિથી પિતામહ પાંડવોના પગલે રાજ્ય ગ્રહણ કરીને નિયમાનુસાર તેમણે પ્રજાપાલનનું વ્રત સંપન્ન કર્યું હતું. આવા મહાન પરીક્ષિત બ્રાહ્મણનું અપમાન કરશે એવી તો કલ્પના પણ ન થઈ શકે. તેથી સમજવું જોઈએ કે, ભગવાને જ તેના કોઈ વિશેષ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે પરમ ભક્ત પરીક્ષિત દ્વારા આવું અન્યાયકૃત કર્મ કરાવ્યું અને તેના ફળસ્વરૂપે જગત એક અમૂલ્ય સંપદા પ્રાપ્ત કરીને ધન્ય બન્યું. ક્યાંથી જાણે પરીક્ષિતને કાળપિપાસા લાગી. તેઓ ક્રોધિત થયા અને વિવેકહીન બનીને ઋષિની માનમર્યાદાનું ઉલ્લંઘન કર્યું. આવી પ્રવૃત્તિ પણ પરીક્ષિતની ન હતી. કારણ કે બ્રાહ્મણના ગળામાં મૃત સર્પ નાખ્યા પછી તેમને તરસ ન રહી. ઊલ્ટું પોતાના આવા કર્મથી તેઓ પ્રાયાશ્ચિત કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ પાપકર્મ માટે તેમને શિક્ષા થવી જ જોઈએ. તેથી અભિશાપના સમાચાર સાંભળીને પરીક્ષિત વિચારવા લાગ્યા, વિષયાસક્ત થઈને હું શ્રીકૃષ્ણનાં ચરણને ભૂલી ગયો હતો, તેથી ઋષિપુત્રે શાપરૂપી અગ્નિમાં મારી વિષયાસક્તિને બાળી નાખી; ઋષિકુમારે મારું પરમ કલ્યાણ કર્યું છે.

પરીક્ષિત વિચારવા લાગ્યા કે, વિષ્ણુનાં ચરણમાંથી ઉદ્દભવેલી પતિતપાવની ગંગા સિવાય મારા જેવા પાપીને હવે કોણ આશ્રય આપે? તેથી તેમણે ગંગાતટ પર અનશન વ્રત લઈને રહ્યા અને વિચારવા લાગ્યા કે, જે કાળપિપાસાને લીધે તેમણે બ્રાહ્મણનું અપમાન કર્યું હતું, તેથી તે સાત દિવસના આયુષ્યમાં હવે પાણી પીશે નહિ. પછી તેમણે પોતાના પુત્ર જન્મેજયને રાજપાટ સોંપીને ગંગાતટે નિવાસ કરીને અનશન વ્રત કરવા લાગ્યા અને શ્રીકૃષ્ણનાં ચરણકમળના ચિંતનમાં મગ્ન થયા.

મહારાજ પરીક્ષિતે એકાએક રાજપાટ છોડ્યું તેથી સ્વભાવિક રીતે ત્યારે દેશમાં એક મોટી ખળભળ મચી ગઈ. જેમણે આ સાંભળ્યું તેઓ મહારાજને ‘સાધુ, સાધુ’ કહેવા લાગ્યા. ચારેય દિશાઓમાંથી ઋષિમુનિઓ આવ્યા અને પરીક્ષિત પાસે હાજર થયા. બધા જ વિચારવા લાગ્યા કે કોઈ એક વિરાટ અભૂતપૂર્વ ઘટના બનશે.

तत्रोपजग्मुर्भुवनं पुनाना
महानुभावा मुनयः सशिष्याः ।
प्रायेण तीर्थाभिगमापदेशै:
स्वयं हि तीर्थानि पुनन्ति सन्तः ॥ (१.१९.८)

ખોટા લોકો તીર્થસ્થાનમાં જે મલિનતા ઊભી કરે, તે મલિનતા દૂર કરવા માટે જે મહાનુભાવ મુનિઓ તીર્થસ્થાનમાં જઈને તીર્થનું માહાત્મ્ય વધારે છે, તે મહાનુભાવ મુનિઓ અને ઋષિઓ શિષ્યો સાથે પરીક્ષિતની પાસે ઉપસ્થિત થયા. ચારે બાજુઓથી બ્રહ્મર્ષિ, દેવર્ષિ, મહર્ષિ, રાજર્ષિનાં વૃંદોનાં વૃંદો તે ગંગાને તટે ઉપસ્થિત થયાં. ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે તે વખતે અત્રિ, વશિષ્ઠ, ચ્યવન, ભૃગુ, અંગિરા, પરાશર, વિશ્વામિત્ર, પરશુરામ, નારદ વગેરે ઋષિમુનિઓ આવ્યા હતા. ચારે બાજુથી આટલા સાધુ મહાત્માઓને જોઈને પરીક્ષિત વિચારવા લાગ્યા કે મુનિ બાળકની કૃપાથી આજે મને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જ્યારે હું રાજા હતો ત્યારે તો ઋષિમુનિઓની ચરણરજ મેળવવાનું સૌભાગ્ય મળતું નહિ અને આજે શતશત ઋષિમુનિઓ અયાચિત ભાવે આવીને મને પવિત્ર કરી રહ્યા છે, આ સ્થાનને પવિત્ર કરી રહ્યા છે. આજે મારા જેવો ભાગ્યશાળી આ જગતમાં બીજો કોણ છે? મહાન પુરુષોનો સ્વભાવ જ એવો હોય છે કે, તેઓ કદી બીજાના દોષ જુએ નહિ. મુનિ બાળકના શાપથી સાત દિવસમાં જ મારું મૃત્યુ થશે, એમ જાણીને પણ પરીક્ષિતના મનમાં તેના માટે જરાય ગુસ્સો ન આવ્યો, ઊલટું કહે છે કે, મુનિબાળકની કૃપાથી આજે મને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું! પરીક્ષિતે ઋષિઓને પ્રણામ કર્યા અને આસન ગ્રહણ કરવા વિનંતી કરી. તેઓએ આસન ગ્રહણ કર્યું ત્યારે પરીક્ષિત બોલ્યા :

तस्यैव मेऽघस्य परावरेशो
व्यासक्तचित्तस्य गृहेष्वभीक्ष्णम् ।
निर्वेदमूलो द्विजशापरूपो
यत्र प्रसक्तो भयमाशु धत्ते ॥

(१.१९.१४)

મહાન પાંડુ વંશમાં જન્મગ્રહણ કરીને પણ ઋષિનું અપમાન કરનારો, મારા જેવો વિષયાસક્ત નરાધમને વૈરાગ્ય જગાડવા માટે શ્રીકૃષ્ણે જ બ્રહ્મશાપરૂપે મને ધન્ય કર્યો છે. તેમનાં ચરણોમાં અનુરાગ જાગે તો માણસ જન્મ-મૃત્યુના ભયાવહ ચક્રમાંથી મુક્ત થાય છે. તેથી બ્રહ્મશાપ મારા માટે પરમ કલ્યાણકારી નીવડ્યો છે. કારણ કે, બ્રહ્મશાપ ન મળત તો સંસારમાં મને વૈરાગ્ય ન થાત અને આપ સહુનાં દર્શન ન થાત. હવે મારે કોઈ જ ચિંતા ન રહી. આપ સહુ મને આપનો ચરણાશ્રિત દાસ માનીને સ્વીકારો અને સમસ્ત ભુવનમંગલ શ્રીકૃષ્ણનાં ગુણ-કીર્તન કરો, ભલે પછી તક્ષક આવીને મને દંશી જાય.

पुनश्च भूयाद्भगवत्यनन्ते
रतिः प्रसङ्गश्च तदाश्रयेषु ।
महत्सु यां यामुपयामि सृष्टिं
मैत्र्यस्तु सर्वत्र नमो द्विजेभ्य: ।। (१.१९.१६)

આપ સહુનાં ચરણોમાં વારંવાર પ્રણામ કરી પ્રાર્થના કરું છું કે મારો કોઈપણ જગ્યાએ હવે પછી જન્મ ભલે થાય પણ ગોવિંદમાં અનુરાગ રહે, તેના ભક્તો ઉપર પ્રેમ થાય અને સર્વ જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ રહે. 

કેવી સુંદર પ્રાર્થના! ગોવિંદમાં પ્રીતિ, ભક્તોમાં પ્રીતિ અને જીવ પ્રત્યે મિત્રતા!

પરીક્ષિતની આવી પ્રાર્થના સાંભળીને લોકપાવન કરનાર સહુ ઋષિઓ બોલ્યા : ‘હે રાજર્ષિ શ્રેષ્ઠ, જેમણે શ્રીકૃષ્ણ ચરણપ્રાપ્તિની આશાથી અસંખ્ય નૃપતિઓના વંદનીય રાજસિંહાસનનો અનાયાસે ત્યાગ કરીને મહાપ્રસ્થાન કર્યું હતું, તમે તે જ પાંડવોના વંશજ છો. તેથી તમારા માટે કૃષ્ણ પ્રાપ્તિની આશાથી રાજપાટ છોડીને પ્રયોપવેશન કરવું તેમાં કોઈ નવાઈની વાત નથી. આ પ્રકારનું આચરણ તમારા માટે જ શક્ય છે. ઉપસ્થિત ઋષિઓ વિચારવા લાગ્યા કે, પરીક્ષિત શ્રેષ્ઠ કૃષ્ણભક્ત ચૂડામણિ, માના ગર્ભમાં જન્મપૂર્વે શ્રીકૃષ્ણ કૃપાથી બ્રહ્માસ્ત્ર નિષ્ફળ થયું. પોતાના રાજ્યકાળ દરમિયાન કલિના પ્રભાવને કાબૂમાં રાખ્યો હતો. તેથી હવે શ્રીકૃષ્ણની કૃપાથી મૃત્યુ સમયે તેઓ બ્રહ્મશાપને ફરી નિષ્ફળ કરશે કે શું? જોઈએ શું થાય છે? શ્રીકૃષ્ણ શું પોતાના એ આંતરિક શરણાગત ભક્તને બ્રહ્મશાપથી મુક્ત કરવા માટે ભક્ત પાસે નહિ આવે? આજીવન સાધના કરીનેય જે શ્રીચરણ દર્શન કરવાનું સૌભાગ્ય મળે નહિ, હવે મહારાજ પરીક્ષિત પાસે હોવાથી અમે પણ અનાયાસે તેમનાં દર્શન કરી શકીશું. આ તો ભક્તસંગનો મહિમા છે. આ રીતે વિચારતા ઋષિઓએ નક્કી કર્યું કે, પરીક્ષિત રાજા જેટલા દિવસ અનશન કરીને રહેશે, તેટલા દિવસ તેઓ પણ પરીક્ષિતની સાથે ગંગાતટે રહેશે.

ગમે તેમ હોય પરંતુ ઋષિઓની સહાનુભૂતિપૂર્ણ વાતો સાંભળીને પરીક્ષિતે તેમને કહ્યું : ‘આપ સહુ નિષ્કામભાવે જીવોનું કલ્યાણ કરો છો. એ જ તમારો સ્વભાવ છે અને તે માટે જ આપ સહુ મારા પર કૃપા કરીને મારા અંતિમ સમયે અહીં આવ્યા છો! તેથી આપ સહુ મને ઉપદેશ આપો હવે મારું કર્તવ્ય શું છે? મારી પાસે તો માત્ર સાત દિવસનું આયુષ્ય છે. ત્યારે જો આપ લોકો મારે શું કરવું એ નક્કી ન કરી દો તો મારી શી ગતિ થશે? તેથી આપ સહુને પુછું છું :

ततश्च व: पृच्छ्‍यमिमं विपृच्छे
विश्रभ्य विप्रा इति कृत्यतायाम् ।
सर्वात्मना म्रियमाणैश्च कृत्यं
शुद्धं च तत्रामृशताभियुक्ता: ॥

(१.१९.२४)

પરીક્ષિતે ઋષિઓને વિશેષ અનુનય કરતાં બોલ્યા: ‘એથી વિશ્વસ્તભાવે મારા કર્તવ્ય સંબંધે આપ સહુને પૂછું છું. આપ સહુ કૃપા કરીને ઊંડાણપૂર્વક વિચાર કરીને કહો. મૃત્યુની નિકટ હોય ત્યારે જીવનું કર્તવ્ય શું હોવું જોઈએ?

(ક્રમશ:)

Total Views: 235

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.