લગભગ છેલ્લાં બે વર્ષથી આપણે સૌ એક પ્રકારના તણાવમાં જીવીએ છીએ. આ કોરોનાનો કપરો કાળ એટલે ભયંકર તણાવપૂર્ણ જીવન, અશાંતિભર્યો અજંપો. કુટુંબ-કુટુંબ, સામાજિક જીવન અને માનવ-માનવ વચ્ચે સર્વત્ર એક વિચિત્ર વૈમનસ્ય ઊભરી આવ્યું છે. અને આ તણાવપૂર્ણ જીવને માનવજાતને ક્યાંની ક્યાંય રહેવા દીધી નથી. આમ તો સાધારણ જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણે સૌ તણાવપૂર્ણ જીવન જીવતા જ હોઈએ છીએ, ત્યાં આ કોરોનાએ તણાવમાં અત્યંત વધારો કરી મૂક્યો છે. આ તણાવને કારણે કયાંય શાંતિપૂર્ણ જીવન નથી અને જ્યાં અશાંતિ હોય ત્યાં સુખ ક્યાંથી મળે? ગીતામાં જ કહ્યું છે કે ‘અશાન્તસ્ય કુતઃ સુખમ્’. ખરેખર તો આ સુખપ્રાપ્તિ – અતિ વિલાસિતાની પ્રાપ્તિ માટે થતી દોડધામ જ માનસિક તણાવનું મુખ્ય કારણ છે. માનવજીવનમાં કેટલીક વિપરીત ઘટનાઓનું બનવું એ માનસિક તણાવ ઊભો કરે છે. વિપરીત બાબતો, વિપરીત વિચારો, જે ઇચ્છતા હોઈએ તે પ્રાપ્ત ન થાય તો તણાવ ઉત્પન્ન થાય છે. આને અંગ્રેજીમાં ‘સાયકો સોમેટિક ડિસઓર્ડર’ પણ કહી શકાય. હાલમાં નાનાથી મોટા સૌ કોઈ આ સ્વસર્જિત માનસિક તણાવથી અથવા તો એનાં ગંભીર લક્ષણોથી પીડાય છે અને આને કારણે શારીરિક વ્યાધિઓના શિકાર બને છે. હવે આ માનસિક તણાવથી મુક્તિ કેવી રીતે મેળવવી? સાધારણ કેટલાંક કારણો જોઈએ તો કેટલાક સચોટ ઉપાયો જીવનમાં કેળવવાના છે, તો આ તણાવમુક્ત જીવન શક્ય છે. પોતાના જીવન અને કાર્ય માટે એક નિશ્ચિત સમય ફાળવવો. જીવન અને પરિવાર, આજુબાજુનાં પરિબળો, મિત્રો સૌ સાથે સુમેળ રાખી જીવન જીવવું, એક નિર્દિષ્ટ જીવનરેખા જીવવી એટલે કે ‘Routine Life’. અને સૌથી અગત્યનું પરિબળ છે અધ્યાત્મમય જીવન. આજે આપણે શ્રીમાનું જીવન તેમજ તેમના સંદેશ આપણી તણાવમુક્તિમાં કેટલાં ઉપકારી છે તે જોઈએ. આ ઉપદેશોનું જો જીવનમાં પાલન કરીએ તો માનસિક તણાવની પરિસ્થિતિ જ ઊભી ન થાય. તો પછી તણાવમુક્તિની વાત જ ક્યાં કરવી? શ્રીમાએ જેમ પોતાના જીવનમાં કેટલીક વ્યવહારુ આધ્યાત્મિકતા અપનાવી તેવી જ આપણે પણ જો આપણા જીવનમાં અપનાવીશું તો તણાવ આપણને તાણી જશે નહીં.

જેમ કે શ્રીમાનો એક સંદેશ આપણે જાણીએ છીએ કે શ્રીમા કહેતાં કે ‘સ્પૃહા જ બધાનું મૂળ છે. જો મનુષ્યને સ્પૃહા જ ન હોય તો મનુષ્યને શાની દરકાર છે?’ અહીં શ્રીમા સ્પૃહા વિનાના જીવન એટલે તણાવમુક્ત જીવનની વાત કરે છે. આપણે આપણા જીવનમાં કેટલી બધી સ્પૃહાઓ, ઇચ્છાઓ, વાસનાઓને મહત્ત્વ આપી બેઠા છીએ! આપણી એટલી શક્તિ નથી કે એ બધાને પૂરી કરી શકીએ અને આ બધી સ્પૃહાઓ પૂરી ન થતાં જ તણાવનો પ્રાદુર્ભાવ થાય છે. આધ્યાત્મિક સાધકો માટે શ્રીમા કહેતાં કે ઈશ્વર પાસે શું માગવું?- નિર્વાસના. આ બહુ મોટી વાત છે. આપણે વળી સાધારણ માનવ, વાસના વગર કેમ કરીને જીવી શકાય? તેવી જ રીતે સાધક વ્યક્તિ જો જીવનમાં વાસનાઓ, સ્પૃહાઓને છોડી ન શકે તો તેનું જીવન ખતમ થઈ જાય, તો પછી આધ્યાત્મિક ઉન્નતિની કલ્પના પણ કેમ કરી શકાય?

શ્રીમા એક સરસ વાત કહેતાં, ‘બેટા, સંજોગોને અનુકૂળ થતાં આવડવું જોઈએ. આમ તો આ સામાન્ય ઉક્તિ જ છે પણ આપણે જયારે એને ગંભીરતાથી લઈશું તો જણાશે કે તેમાં કેટલું મોટું તથ્ય છુપાયેલું છે. અત્યારના સંજોગો પ્રમાણે જ વિચારીએ તો કોરોના કાળમાં બધાં જ આધ્યાત્મિક સ્થાનો બંધ થઈ ગયાં. આવા સંજોગોમાં દરેકે દરેક સાધકે પોતાના ઘરમાં જ નિયમિતપણે અત્યારના સંજોગોને અનુકૂળ રહી સાધન-ભજન કરવું. કેટલાક ભક્તો ફરિયાદ કરે કે મંદિર આવી શકતા નથી એટલે બધું ટેન્શન લાગે છે. આવી રીતે એક ભક્તને કહ્યું કે ‘જયારે ખુલ્લું હતું, કોરોના ન હતો ત્યારે તમે શું દરરોજ આવતા?’ ‘ના.’ ‘તો અત્યારે આને માનસિક ભાવે શા માટે લેવું? શા માટે ટેન્શન.’ જયારે પાછું યથાવત્ થશે ત્યારે નિયમિત જઈશું, એવું વિચારી ઘરમાં જ એક જગ્યાએ પ્રભુના ચિંતનમાં, જપ-ધ્યાનમાં સમય પસાર કરવો કે જેથી મનને ખોટો માનસિક તણાવ ન લાગે.

શ્રીમાના જીવનમાં જોઈએ તો કેટલી વિષમ પરિસ્થિતિઓ સામે તેમને ઝઝૂમવું પડેલું! શ્રીઠાકુરની મહાસમાધિ પછી કેવળ બલરામ બોઝ અને શ્રી મહેન્દ્રબાબુ (કથામૃતકાર)ના પરિવાર તેમની ખબર લેતા; બીજા બધા ભક્તો ખબર પણ ન લેતા અને જેઓ ખબર લઈ શકતા તેવા ત્યાગી ભક્તો એટલે કે સંન્યાસીઓ તેઓને તો રહેવા, ખાવાના પણ સાંસા હતા. આવી પરિસ્થિતિમાં પણ શ્રીમા શાંતભાવે, પોતાની જગ્યા એટલે કે શ્રીઠાકુરના જન્મસ્થાન કામારપુકુરમાં કેટલી સાદગીથી જીવન ગુજારતાં! ઠાકુરનો ભત્રીજો રામલાલ, જેણે કામારપુકુરમાં શ્રીમાના નામની જમીન કે જે ઠાકુર લખીને આપી ગયેલ, જે બાબત માત્ર પ્રસન્નમયી જાણતાં હતાં, તે જમીન ઉપરની ઉપજ રામલાલ બારોબાર વેચી નાખતા. તેને શ્રીમા શું ખાતાં હશે તેની જરાય પડી ન હતી! આવા કપરા કઠણ કાળમાં પણ શાંતચિત્તે કામારપુકુરમાં શ્રીમા ઠાકુરની સેવામાં જ વિતાવતાં. જે શાક-પાંદડું મળે તે ઉપર નિર્વાહ કરતાં. આમ તો પ્રસન્નમયી(લાહાબાબુની ભત્રીજી) જેને બધી ખબર જ હતી તેણે ગામના મુખિયાને કહીને જે જમીન શ્રીમાની હતી તેની ઉપજ એમને અપાવી. એમાંથી પણ શ્રીમા ગામની ભાગોળે જે ધર્મશાળામાં સાધુ-સંન્યાસીઓ આવતા તેમની સેવા માટે દાળ-ચોખા મોકલાવતાં.

આવી ભયંકર હાડમારી વચ્ચે પણ શ્રીમા કેટલું શાંતિપૂર્ણ જીવન વિતાવતાં! શું એમને તણાવ નહીં આવ્યો હોય? એ તો સાક્ષાત્ દુર્ગા હતાં. છતાં માનવજીવન લઈને આવેલ એટલે માનવીની લીલામાં જ રહેતાં, જેથી આપણે બધા આ પાઠ શીખી શકીએ. બલરામબાબુની પત્ની એમની માતા સાથે જયારે કામારપુકુરમાં શ્રીમાને મળવા ગઈ, ત્યારે તેણે જોયું કે જેને શ્રીઠાકુર અત્યંત કાળજીપૂર્વક સન્માન આપતા તે સાક્ષાત્ લક્ષ્મી ફાટેલી કાણાંવાળી સાડી પહેરીને સાધારણ જીવન ગુજારતાં હતાં! બલરામબાબુની પત્નીને રડવું આવી ગયું અને કોલકાતા પાછા આવી એમણે બધી જ વાત કહી અને શ્રીમા માટે કંઈક પાકી વ્યવસ્થા કરવાનું કહ્યું.

શ્રીમાના આવા મહાન જીવનને, એમની આ મહાન સાદગીને જો આપણે અપનાવીએ તો મને લાગે છે કે આપણે તણાવમુક્ત જીવન જીવી શકીશું. આજકાલ દરેકે દરેકના ઘરમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય જ છે. એને આપણે બહુ મોટો કરીને પોતાના જીવનને બગાડી નાખીએ છીએ.

શ્રીમાના જીવનમાં જોઈએ તો તેમના ભાઈઓ કેવળ પૈસા પૈસા જ કરતા, બહેન પાસે આધ્યાત્મિકતા ન માગી, પૈસા જ માગતા. રાધુ, પાગલી મામી, એનો પરિવારને-આ બધું વિચારતાં કયારેક તો મનમાં થાય કે શ્રીમા કેવી રીતે આ વિષમ પરિસ્થિતિમાં રહેતાં હશે! આપણા પરિવારમાં તો જરાક અમથું કંઈક થાય તો, મન આખું તણાવથી ભરાઈ જાય, સાધન-ભજન તો અભરાઈએ ચઢી જાય! આવી કપરી પરિસ્થિતિમાં પણ શ્રીમા મનને શાંત રાખી કેમ રહેવું તે આપણને શીખવે છે. શ્રીઠાકુર-શ્રીમા અને સ્વામીજીના અનુયાયીઓને તો તણાવ આવવો જ ન જોઈએ!

શ્રીમા ભક્તોને કહેતાં, ‘સાવ નજીવી બાબતોમાં મનને ચંચળ થવા ન દેવું.’ કેટલી મહત્ત્વની વાત! આ મનની ચંચળતા જ માનસિક તણાવનું મુખ્ય પરિબળ. શ્રીમાની આ સલાહ એ તણાવમુક્તિની ચાવી.

શ્રીમા કહેતાં, ‘જેટલા સંસારથી અનાસક્ત થશો એટલી મનની શાંતિ પ્રાપ્ત થશે.’ આ શાંતિ પ્રાપ્ત થવી એટલે જ તણાવમુક્તિ. ‘મન ચંગા તો કઠોતી મેં ગંગા.’ આ કહેવત છે. એટલે મનને સંસારમાંથી, સંસારની આસક્તિમાંથી જેટલું દૂર રાખીશું તેટલું તણાવમુકત જીવન જીવી શકીશું.

‘મન: એવ મનુષ્યાણાં કારણં બંધમોક્ષયોઃ’ – માનસિક તણાવયુક્ત જીવનનું મુખ્ય કારણ આપણું મન જ છે. શ્રીમા કહેતાં, ‘બધું જ મનમાં છે- શુદ્ધિ, અશુદ્ધિ. ચંચળતા મનનો સ્વભાવ છે.’ આવા મનને સ્થિર કરવાથી જ માનસિક તાણથી પરિત્રાણ મળે છે અને મન સ્થિર થતાં જ મનુષ્યને બધુંય મળે છે. બધાંયની સાથે સંપીને રહેવું. શ્રીમા યાદ કરાવતાં, ‘ઠાકુરની વાણી છે- સ, શ, ષ એટલે કે સહન કરો. સહન કરવા જેવો કોઈ ગુણ નથી. જે સહે તે રહે.’ જેણે જીવનમાં સહનશક્તિ મેળવી છે તેનાથી તાણ હજારો યોજન દૂર રહે છે. અત્યારના સમયમાં વધતા જતા આત્મહત્યાના બનાવો એ કેવળ સહનશક્તિ નથી કેળવાયેલી તેના કારણે જ છે. આ જ સંદર્ભમાં શ્રીમા કહેતાં, ‘મનુષ્યજન્મ પીડાથી ભરેલો છે અને ઈશ્વરનું નામ લેતાં લેતાં મનુષ્યે સહન કરવાનું છે. દેહ-મનના દુઃખથી ભગવાન પણ છટકી શકે નહીં.’ કેટલી મહાન અને મહત્ત્વની વાત! શ્રીમાનો આ સંદેશ એ પણ તણાવમુક્તિ માટેની ચાવી છે.

શ્રીમાની વાણી એટલી સરળ અને અદ્‌ભુત છે કે જેનું નિત્ય રટણ કરવાથી સંસારીઓને, આધ્યાત્મિક સાધકોને બળ મળે છે. શ્રીમા એટલું સરસ કહેતાં કે, ‘બેટા, મનુષ્યને પ્રેમ કરવો એટલે સહન કરવું. જેઓ ઈશ્વરને ચાહે છે તેઓ જ ભાગ્યવાન છે અને તેમને જ દુઃખ નથી.’ આ તણાવ ભરેલા જીવનસંસાર-સમુદ્રમાં શ્રીમાનો સંદેશ એ તણાવમુક્તિની હોડી છે. આમાં બેસ્યા વગર કોઈ સાધક કે માનવ આ ભયંકર સંસારસમુદ્રને પાર કરી ન શકે. જેમ જેમ શ્રીમાનો જીવન-સંદેશ આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું તેમ તેમ સમજાશે કે આપણું જીવન કેટલું સરળ થતું જાય છે! તાણ શું છે તેની ખબર પણ નથી પડતી અને એટલે જ શ્રીમા કહેતાં કે, ‘એવું કોણ છે કે જેને દુઃખ સહન ન કરવાં પડ્યાં હોય!’ સૃષ્ટિ પોતે જ દુઃખ-પીડાથી સભર છે અને પીડા ન હોય તો આનંદને કેવી રીતે સમજી શકાય? જેમ શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે, ‘દુઃખની, આસક્તિની દિશા બદલી દો તો બધું બદલાઈ જશે.’ આનું શ્રીમા શારદા જીવતું જાગતું ઉદાહરણ છે. તેમના જીવનમાં આવતાં દુઃખને સહન કરીને તેઓએ દિશા બદલી નાખી. એટલે શ્રીમાનું કથન છે, ‘ઈશ્વર જે દુ:ખ અને પીડા મોકલે તેને પ્રેમપૂર્વક માથે ચઢાવવાં.’ આ પ્રમાણે જો કોઈ જીવન જીવે તો તેના જીવનમાં ક્યારેય તણાવ આવશે નહીં. બહુ જ કપરો કાળ ચાલે છે અત્યારે. આ કપરા કાળમાં જે સાધક-માનવ શ્રીમાના સંદેશને આત્મસાત્‌ કરીને એ પ્રમાણે જીવનમાં ઉતારશે તો જરૂર તણાવ સામે તેને પરિત્રાણ મળશે.

આજના આ વિચિત્ર વાતાવરણમાં શ્રીમાના નિઃસ્વાર્થતા, પ્રેમ, ક્ષમાશીલતા, સહિષ્ણુતા, ધૈર્ય જેવા ગુણો જો આપણે જીવનમાં ઉતારીશું તો જરૂર આપણને તણાવમુક્તિની ચાવી મળશે. આપણે શ્રીમાને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને તણાવમુક્ત જીવન જીવવાની કળા હસ્તગત કરવાનું બળ આપે. શ્રીમા શારદાદેવીના ચરણોમાં પુનઃ એ જ અભ્યર્થના.

Total Views: 448

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.