(શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેઓ રામકૃષ્ણ મઠ-મિશન તથા સારદા મઠ-મિશનની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. – સં.)
‘ઠાકુર, મારે વૃંદાવન જવું છે. મારે ત્યાં મારી આધ્યાત્મિક સાધના કરવી છે. કૃપા કરીને મને આશીર્વાદ આપો કે હું વૃંદાવનચંદ્ર શ્રીકૃષ્ણનાં દર્શન પામું,’ આ શબ્દો હતાં યોગીન્દ્ર મોહિની વિશ્વાસ—યોગીનમાના, જેઓ શ્રીરામકૃષ્ણદેવના (શ્રીઠાકુરના) સ્ત્રી ભક્તોમાંનાં એક હતાં. ‘ઓહ! શું તું વૃંદાવન જવા માગે છે? સારું, તું જે ઇચ્છે છે તે તને પ્રાપ્ત થશે,’ શ્રીઠાકુરે કહ્યું. આ શબ્દો સાંભળીને યોગીન્દ્ર મોહિની ખુશ થયાં. આ વાતચીત ચાલી રહી હતી કાશીપુર ઉદ્યાનગૃહમાં, જ્યાં શ્રીઠાકુરની સારવાર ચાલી રહી હતી. શ્રીશારદામણિદેવી (શ્રીમા-શ્રીઠાકુરનાં ધર્મપત્ની) પણ ત્યાં હાજર હતાં. તેમના તરફ ઈશારો કરીને શ્રીઠાકુરે આગળ કહ્યું, ‘પણ, શું તે આમને પૂછ્યું છે? જો તેમની સંમતિથી જઈશ, તો તને ઈચ્છિત ફળ પ્રાપ્ત થશે.’ આમ, શ્રીઠાકુરે જ શ્રીમાની અગાધ શક્તિનો ખ્યાલ આપી દીધો, કે જો તે શ્રીમાને (શક્તિને) પ્રસન્ન કરે, તો તે જ્યાં રહે છે ત્યાં જ બધું પ્રાપ્ત થઈ શકે છે, અને તપસ્યા કરવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી.
“સૈષા પ્રસન્ના વરદા નૃણામ્ ભવતિ મુક્તયે” (ચંડી, દેવી માહાત્મ્ય, ૧.૫૬)
શ્રીમા શક્તિ સ્વરૂપા—ચિત્શક્તિ છે, આદિ દિવ્યશક્તિનો અવતાર છે. વળી શ્રીઠાકુરે એક વખત ગોલાપમાને પણ કહ્યું હતું, ‘તેઓ શારદા છે, સરસ્વતી છે; તે જ્ઞાન આપવા આવેલ છે. આ વખતે તેઓ પોતાની સુંદરતા (રૂપ) ઢાંકીને અવતર્યાં છે, જેથી અધમ લોકો તેમને અશુદ્ધ ભાવથી જોઈને પોતાનું અમંગલ ન કરે. તેઓ જ્ઞાનદાત્રી; ડહાપણનો ભંડાર છે. શું તે કોઈ સામાન્ય સ્ત્રી છે? તે મારી શક્તિ છે!’
વર્તમાન અવતારની અદ્વિતીયતા
શ્રીમા આ યુગના અવતાર શ્રીરામકૃષ્ણદેવ સાથે તેમને યુગ-કાર્યમાં મદદ કરવા માટે આવ્યાં હતાં. તેમનો અવતાર મુખ્યત્વે સ્ત્રીઓને તેમની આંતરિક શક્તિ પ્રગટ કરવામાં મદદ કરવા માટે હતો. શ્રીમાને પોતાનું જે કાર્ય પૂર્ણ કરવા અને રામકૃષ્ણ સંઘનું માર્ગદર્શન આપવા માટે પાછળ છોડી શ્રીઠાકુર વહેલા વિદાય પામ્યાં, તે કાર્ય શ્રીમાએ ચોત્રીસ વર્ષ સુધી સંભાળ્યું. આપણે જાણીએ છીએ કે અગાઉના અવતારોએ પોતાની શક્તિને જીવનભર પોતાની સાથે રાખી નહોતી, જેમ કે શ્રીરામે પોતાની પ્રજાને સંતુષ્ટ કરવા માટે સીતા-માતાનો ત્યાગ કર્યો; શ્રીકૃષ્ણે પણ વૃંદાવનમાં શ્રીરાધાને પાછળ છોડી દીધા; સિદ્ધાર્થે જ્ઞાન પ્રાપ્ત કરીને ‘બુદ્ધ’ બનવા માટે યશોધરાને છોડ્યા; અને ઈશુ ખ્રિસ્તે ક્યારેય લગ્ન કર્યાં નહોતાં. પરંતુ શ્રીઠાકુરે શ્રીમાને પોતાની સાથે રાખ્યાં અને જીવનનાં તમામ પાસાંમાં, લૌકિક અને આધ્યાત્મિક રીતે તેમને તાલીમ આપી, તૈયાર કરી, તેની પરાકાષ્ટારૂપે તેમની દેવી ત્રિપુરાસુંદરી (ષોડશી પૂજા) તરીકે પૂજા કરીને, પોતાની સાધનાનું ફળ તેમને સમર્પિત કરી, સર્વની માતા તરીકે તેમના વાસ્તવિક દિવ્ય સ્વભાવને જાગૃત કર્યો.
શ્રીમદ્ ભગવદ્ગીતા (૧૦.૩૪)માં શ્રીકૃષ્ણ કહે છે કે સ્ત્રીઓમાં અંતર્નિહિત સાત શક્તિ (સપ્ત શક્તિ) હું છું. “कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा” આ શ્લોક સ્ત્રીઓ માટે પ્રેરણાદાયી આહ્વાન છે કે તેઓ પોતાને અબળાના ભ્રમમાંથી મુક્ત કરી, પોતાના જન્મસિદ્ધ ‘શક્તિ-સ્વરૂપા’ના અધિકારને સમજવા માટે જાગૃત થાય. આપણે બહેનોમાં આમાંની એક અથવા વધુ શક્તિઓનું પ્રાગટ્ય જોઈએ છીએ, પરંતુ શ્રીમાના જીવનમાં તો, આપણે આ તમામ સાત શક્તિઓનું સંપૂર્ણ પ્રગટીકરણ જોઈએ છીએ. ચાલો, આપણે એમની જન્મતિથિ નિમિત્તે, એમના જીવનની કેટલીક ઘટનાઓ પર પ્રકાશ પાડીને આની ચર્ચા કરીએ.
કીર્તિ: (યશ અથવા ખ્યાતિ)
શ્રીમાની ખ્યાતિ તેમની મહાસમાધિનાં થોડાં જ વર્ષોમાં સમગ્ર વિશ્વમાં ફેલાઈ એમ નહીં, પરંતુ તેમના જીવનકાળ દરમિયાન પણ કેટલાક ભાગ્યશાળી ભક્તો દ્વારા તેમને જગદંબા તરીકે પૂજવામાં આવેલ. તેમણે શ્રીઠાકુર સાથે લગભગ તેર વર્ષ—દક્ષિણેશ્વરથી માંડીને કાશીપુરમાં તેમની મહાસમાધિ સુધી—ગાળ્યા, જે દરમિયાન શ્રીઠાકુર પાસે આવતા તમામ ભક્તોની પ્રેમથી સંભાળ રાખી તેથી તેઓ ‘સર્વની માતા’ તરીકે ઓળખાતાં.
શ્રીમાના મહિમાનાં બે ઉદાહરણો અહીં આપવાં અસ્થાને નહીં ગણાય. કેલિફોર્નિયાના ગેરિસન નામના એક ભક્ત કામારપુકુર આવેલ, તેમણે જૂગી શિવ મંદિર પાસે ઊભેલા શ્રીમાના નજીકના એક ભક્ત ધીરેન્દ્ર કુમાર ગુહઠાકુરતાને (જેમણે શ્રીમાને જોયેલા) શ્રીમાના જીવનના કેટલાક ચમત્કારોનું વર્ણન કરવા કહ્યું. ધીરેન્દ્રે તેમને કહ્યું, “તમે પોતે જ તેમના ચમત્કારરૂપે નથી? અમને કોલકાતાથી અહીં આવવા માટે બહુ ઓછો સમય અને ખૂબ ઓછા પૈસા ખર્ચવા પડ્યા. પરંતુ તમો તો છેક કેલિફોર્નિયાથી શ્રીમાની કીર્તિ સાંભળીને કામારપુકુર આવ્યા છો. શું તે તેમના ચમત્કારનું આશ્ચર્યજનક ઉદાહરણ નથી?”[1] તે શ્રીમાની ખ્યાતિ છે, જે વિશ્વભરમાંથી ભક્તોને ખેંચી લાવે છે, જેઓ તેમના જીવન સાથે સંકળાયેલાં સ્થળોની મુલાકાત લઈને શાંતિ અને આનંદ પામે છે. સ્વામી ગંભીરાનંદજી શ્રીમાને ‘સીમિત પાંજરામાં પૂરાયેલ અસીમ (અનંત)’ તરીકે વર્ણવે છે. એક બંગાળી કવિએ સુંદર રીતે ગાયું છે, ‘શ્રીમા જાણે કે લાખો ચંદ્ર અને લાખો સૂર્યનો સંગ્રહ છે, તથા સઘળી કીર્તિની ખાણ છે.’
બીજું ઉદાહરણ રામકૃષ્ણ સંઘના એક સંન્યાસીએ વર્ણવેલ. એક વખત થોડા સંન્યાસીઓ રાહત કાર્ય માટે પૂર્વ બંગાળના (હાલ બાંગ્લાદેશ) અંતરિયાળ ગામડામાં ગયેલા. એકવાર તેઓ ચા પીવા માટે એક નાની કેબીન પાસે આવ્યા, જેની બહાર કેટલીક બેન્ચો હતી, તે લોકો ત્યાં બેઠા, ત્યાં તેમણે કેબિનની અંદરની દીવાલ પર શ્રીમાનું ચિત્ર લટકતું જોયું. તેમને આશ્ચર્ય થયું અને તેમણે માલિકને તેના વિશે પૂછ્યું. તે માણસે વર્ણવ્યું કે કેવી રીતે તેનું ખરાબ નસીબ આ ચિત્રવાળી માએ બદલી નાખ્યું. તેની માના અવસાન બાદ તે ખૂબ મુશ્કેલીમાં હતો, ત્યાં અચાનક તેણે આ ચિત્ર એક અખબારમાં જોયું, કોણ જાણે કેમ તે આ ચિત્રથી એકદમ આકર્ષિત થઈ ગયો, જોતાવેંત એનું અશાંત મન શાંત થઈ ગયું, તેણે તે કાપી, મઢીને પોતાની કેબિનમાં લટકાવી દીધું. ત્યારથી જ્યારે પણ તે મુશ્કેલીમાં હોય, ત્યારે આ મા જ હંમેશાં તેને બધી ચિંતાઓ અને પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર આવવામાં મદદ કરતી. તેનું જીવન સુખી, સંતોષકારક હતું. કેવી શ્રીમાની કીર્તિ!!
શ્રી (સંપત્તિ, ધન, સમૃદ્ધિ)
હિન્દુ શાસ્ત્રોમાં, માતા લક્ષ્મીને સારા ભાગ્યની દેવી માનવામાં આવે છે. શ્રીઠાકુર અને શ્રીમાના લગ્ન દરમિયાન ગરીબીને કારણે ઠાકુરના પરિવારે નવપરિણીત વધૂ માટે દાગીના ઉધાર લીધેલા. બીજા દિવસે, જ્યારે નાની શારદાએ તે દાગીના પોતાના શરીર પર જોયા નહીં, ત્યારે તે રડવા લાગી. ત્યારે ઠાકુરનાં માતા ચંદ્રામણિદેવીએ તેને આશ્વાસન આપતાં કહ્યું, “તું મોટી થઈશ ત્યારે મારો ગદાઈ તારા માટે સરસ ઘરેણાં કરાવી આપશે.” જે શ્રીઠાકુરે કરી બતાવ્યું. એમણે સીતામાતાનાં દર્શનમાં જોયેલ તેવાં જ કડાં શ્રીમા માટે કરાવી આપ્યાં, જે તેમણે છેક સુધી પહેર્યાં. શ્રીઠાકુરની મહાસમાધિ પછી તેઓ જેવા તે કાઢવા ગયાં ત્યારે શ્રીઠાકુરે દર્શન આપી તેમ ન કરવા કહ્યું. કામારપુકુર જેવા નાના ગામડાના લોકો જ્યારે તે માટે શ્રીમાની ટીકા કરવા લાગ્યા ત્યારે શ્રીઠાકુરના મહિલા ભક્ત ગૌરીમા, કે જેઓ શ્રીમાને સાક્ષાત્ દેવીલક્ષ્મી તરીકે ઓળખતાં, એમણે લોકોને ઠપકો આપતાં કહ્યું, ‘જો શ્રીમા દાગીના કાઢી નાખશે, તો પૃથ્વી લક્ષ્મીવિહીન થઈ જશે, તે પોતે જ લક્ષ્મી છે.’
બીજું એક દૃષ્ટાંત. શ્રીઠાકુરના અન્યતમ ભક્તોમાંના એક મનોમોહન મિત્ર પોતાનું દર્શન વર્ણવતાં લખે છે:
‘એક દિવસ હું સવારથી શ્રીમા સાથે હતો. પાછા ફર્યા બાદ જ્યારે હું સાંજના ધ્યાન માટે બેઠો, ત્યાં અચાનક મને શ્રીમાનું મહાલક્ષ્મીરૂપે દર્શન થયું. મેં તેમને એક રત્નજડિત સિંહાસન પર બેઠેલાં જોયાં, તેની બંને બાજુએ બે કુમારિકાઓ ચામર ઢોળી રહી હતી. સિંહાસનની નીચે બે હાથીઓ સૂંઢ ઊંચી કરીને ઊભા હતા. શ્રીમાના શિરે સોનાનો મુગટ હતો; શરીર પર વિવિધ આભૂષણો, અંગે સુંદર મજાની ઝગારા મારતી સાડી હતી. એક હાથે અભય, બીજા હાથે વરદાનની મુદ્રા. અધર પર મધુર સ્મિત હતું અને જ્યાં જ્યાં શ્રીમાની નજર પડે ત્યાં કમળો પ્રસ્ફૂટિત થતાં. શ્રીમાએ મારા તરફ એક નજર કરી. મેં અનુભવ્યું કે મારું હૃદયકમળ ખીલી ઊઠ્યું. ત્યારબાદ શું બન્યું તે મને યાદ નથી.’[2]
આપણે જાણીએ છીએ કે ૧૮૯૦માં શ્રીમા જ્યારે બોધગયાની યાત્રાએ ગયેલાં, ત્યારે ત્યાંનાં બૌદ્ધ-મઠની સારી સ્થિતિ જોઈને તેમણે શ્રીઠાકુરના (પોતાના પણ ખરા જ ને!) સંન્યાસી શિષ્યો માટે કાયમી નિવાસસ્થાન માટે રડી રડીને પ્રાર્થના કરેલી, જે પછીથી બેલુર મઠના નિર્માણનું સ્વરૂપ પામી. ત્યાર બાદ જ્યારે આ શિષ્યો સંન્યાસ ગ્રહણ કર્યા બાદ શ્રીમાના આશીર્વાદ લેવા ગયા, ત્યારે દરેકને એક-એક રૂપિયો ભેટ સ્વરૂપે આપેલ (પોતે લક્ષ્મી હતા તેથી). એક વખત એક ભક્તે શ્રીમાને સમાધિમાં બોલતા સાંભળ્યાં, જાણે કે તે પોતે દેવી લક્ષ્મી હોય. તેમણે પૂછ્યું, ‘તો પછી તમે આ લોટ બાંધી રોટલી બનાવી બધાને જમાડવા વગેરે ઘર-કાર્ય શા માટે કરો છો? શું તે માયા છે કે?’ શ્રીમાએ જવાબ આપ્યો, ‘હા, માયા નહીં તો બીજું શું? જો તે માયા ન હોત તો હું વૈકુંઠમાં નારાયણની બાજુમાં બેઠી હોત. તેઓ આવી લીલા કરવા ઇચ્છે છે, તો હું શું કરું?’ શ્રીમાના પિતાને પણ શ્રીમાના જન્મ પહેલાં દર્શન થયેલ કે લક્ષ્મીજી તેમને ત્યાં પુત્રી તરીકે અવતરશે. શ્રીઠાકુર શ્રીમાને ‘કમલા’ કહેતા, એમના હાથે પ્રસાદ ગ્રહણ કરવો તે શુકનવંતુ ગણાય. શ્રીમા જ્યારે વારાણસી સેવાશ્રમની મુલાકાતે ગયેલાં ત્યારે ત્યાંનાં કામથી પ્રસન્ન થઈને તેમણે દસ રૂપિયા ભેટ સ્વરૂપે આપ્યા, જે હજી પણ ત્યાં સાચવી રાખેલ છે.
વાક્ (મીઠી, સુંદર વાણી)
આપણાં શાસ્ત્રો કહે છે કે આપણે હંમેશાં એવા શબ્દો બોલવા જોઈએ જે ‘સત્યમ્ પ્રિયમ્ હિતમ્’ – એટલે કે સાચા, મધુર (પ્રિય) અને લાભદાયક હોય. શ્રીમાએ તેમની મીઠી વાણી અને સહાનુભૂતિપૂર્ણ વર્તનથી દરેકને પોતાના બનાવ્યા. તેમણે તેલો-ભેલો વિસ્તારના ડાકુ-યુગલ સાથે એવું વર્તન કર્યું કે તેઓ તેમનાં કાયમી માતા-પિતા બની ગયાં. જ્યારે ડાકુએ જંગલમાં શ્રીમાને પસાર થતાં જોઈ ત્રાડ પાડી, ‘કોણ છે?’ ત્યારે શ્રીમાએ મીઠાશથી ભરેલા શબ્દોમાં કહ્યું, ‘તે હું છું, તમારી દીકરી શારદા!’ આવા મીઠા વેણથી ડાકુનાં હથિયાર પડી ગયાં, અને તે જીતાઈ ગયો. તે ડાકુ-યુગલે સવાર સુધી શ્રીમાની સંભાળ લીધી અને પછી તેમને તેમના સાથીઓ સુધી પહોંચાડી દીધાં. શ્રીમાએ ગોલાપમા કે જેમની બોલી બહુ ઉગ્ર હતી, તેમને કહેલ કે અન્ય લોકો સાથે મીઠી વાણીમાં વાત કરવી. એક વખત સ્વામીજી ક્ષીરભવાનીની યાત્રાથી પાછા ફર્યા પછી, શ્રીમાને પ્રણામ કરવા ગયેલ, ત્યારે જાણે શ્રીઠાકુરની ફરિયાદ કરતા હોય તેમ શ્રીમાને કહેવા લાગ્યા, ‘મા, જુઓ, તમારા ઠાકુર! અલ્મોડાના એક મુસ્લિમ ફકીરના શ્રાપને કારણે હું ઝાડાથી પીડાઈ રહ્યો છું, મારી કોઈ ભૂલ વિના. ફકીરનો એક શિષ્ય મારી પાસે આવ-જા કરતો હોય તે ફકીરને ન ગમ્યું અને પરિણામે, તેણે મને શ્રાપ આપ્યો કે મારે તે સ્થળ ત્રણ દિવસમાં છોડવું પડશે, અને તેમ જ બન્યું!! તમારા ઠાકુર રક્ષણ કરી શક્યા નહીં અને મારે તે સ્થળ છોડવું પડ્યું.’
ત્યાં હાજર દરેક વ્યક્તિ સ્વામીજીના આ શબ્દો સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. પરંતુ શ્રીમાએ પોતાના મીઠા શબ્દોથી તેમને આશ્વસ્ત કરતાં કહ્યું, ‘બેટા, તે એક પ્રકારની મેલી વિદ્યા કહેવાય, શ્રીઠાકુર પણ તેમાં માનતા અને તેમણે ક્યારેય તેનું ખંડન નથી કર્યું. એટલું જ નહિ પણ, ગરોળીના અવાજ કે કોઈ છીંક ખાય તો તરત બહાર ન નીકળાય વગેરે, સમાજની પ્રવર્તમાન માન્યતાઓ કે પરંપરાનું પાલન પણ કરેલ, કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડ્યા વિના. એટલું જ નહિ, પોતાના પીતરાઈ ભાઈ હલધારીના શ્રાપને પણ સ્વીકારેલ. તેથી બેટા! આમાં ઠાકુર શું કરે?’ અને સ્વામીજી જેવા જગપ્રસિદ્ધ ઉપદેશક પણ તેમના મધુર અને શાંતિપૂર્ણ શબ્દોથી શાંત થઈ ગયા.
શ્રીમાના મીઠા વર્તન અને મીઠી વાણીની ચમત્કારિક અસરનાં આવાં ઘણાં ઉદાહરણો છે. આપણે જોઈએ છીએ કે તેઓ પોતાનાં સ્વાર્થી, પાગલ, વિચિત્ર એવાં સગાં-સંબંધીઓથી ઘેરાયેલાં હતાં, પરંતુ તેમણે તે સર્વને પોતાના પ્રેમાળ શબ્દોથી અને માયાળુ વર્તનથી સંભાળ્યાં, એટલું જ નહિ પણ બધાં તેમનું કહ્યું માનતા.
સ્મૃતિ
શ્રીમાની યાદશક્તિ અતિ તીક્ષ્ણ હતી, તેથી જ તેઓ પોતાના અસંખ્ય ભક્તો-શિષ્યોને યાદ રાખી શકતાં. તેમણે પોતાનાં બધાં જ સંતાનોની સંનિષ્ઠ પ્રાર્થનાઓ સાંભળી તેમજ તેમના કલ્યાણ અને આધ્યાત્મિક પ્રગતિની કાળજી લીધી. શ્રીમા જ્યારે દક્ષિણેશ્વરમાં હતાં ત્યારે શ્રીઠાકુરના તમામ શિષ્યોની સંભાળ લેતાં, એટલું જ નહિ પણ દરેકની જરૂરિયાત તથા પસંદગીને પણ યાદ રાખતાં. જેમ કે, શ્રીમા જેવા સાંભળે કે સારદાપ્રસન્ન આવ્યો છે, તો તરત જ ઉંબરા પર તેના પાછા જવા માટેના ભાડાના પૈસા રાખી દેતાં. જ્યારે નરેન્દ્રનાથ (ભાવિ સ્વામી વિવેકાનંદ) આવતા ત્યારે શ્રીમા તેમના માટે ઘાટ્ટી ચણા-દાળ અને જાડી રોટલીઓ તૈયાર કરતાં, બાબુરામ રોકાવાના હોય તો તેમના માટે પાતળી રોટલીઓ અને મગ-દાળ બનાવતાં. આમ, દરેકની જરૂરિયાતને યાદ રાખી તેમની સંભાળ લેતાં.
શ્રીમાને તેમના અગાઉના સીતામાતા તરીકેના અવતારની યાદગીરી પણ હતી, જે રામેશ્વરમની તીર્થયાત્રા દરમિયાન જાણમાં આવેલ. ત્યાં, તેઓ શિવલિંગ જોઈને સ્વગત બોલતાં સંભળાયાં કે તેમણે જેમ રાખેલ તેમ જ હતા. એક ભક્તે પૂછતાં, શ્રીમાએ જવાબ ટાળી દીધો. એક દિવસ બેંગ્લોર આશ્રમની નજીક આવેલ એક ખડક ઉપર એક સાંજે બેઠા હતા, અને ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયેલા ત્યારે સ્વામી રામકૃષ્ણાનંદે તેમની ચંડીના શ્લોક દ્વારા સ્તુતિ કરી. આ સ્થળ હવે ‘હોલી મધર્સ રોક’ તરીકે ઓળખાય છે. આમ, ક્યારેક ક્યારેક શ્રીમાને પોતાના અસલ સ્વરૂપની યાદ તાજી થઈ આવતી.
મેધા (બુદ્ધિમત્તા, ડહાપણ)
શ્રીમા તીક્ષ્ણ, દૈવી બુદ્ધિમત્તા ધરાવતા. જે જાગતિક અર્થમાં કોરી બુદ્ધિ નહીં, પણ સંપૂર્ણ સમજણની સૂક્ષ્મ બુદ્ધિ, જેને ‘પ્રજ્ઞા’ અથવા ‘મેધા’ કહેવાય છે. આ સમજવા થોડાં ઉદાહરણો જોઈએ. જ્યારે તેઓ પહેલી વાર દક્ષિણેશ્વર પોતાના પતિની સેવા કરવા આવ્યાં, ત્યારે શ્રીઠાકુરે તેમને તેમના ઉદ્દેશ્ય વિશે સીધો જ પ્રશ્ન પૂછ્યો, જેનો તેમણે દૃઢતાથી જવાબ આપ્યો કે તેઓ તેમને સાંસારિક જીવનમાં ખેંચી જવા નહીં, પણ તેમના કાર્યમાં, તેમની સાધનાના માર્ગે ચાલવામાં મદદ કરવા માટે આવ્યાં છે. ઈ.સ.૧૮૯૩માં, જ્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકામાં આયોજિત ‘વિશ્વધર્મપરિષદ’માં પ્રતિનિધિત્વ કરવા જવા માટે દ્વિધામાં હતા, ત્યારે શ્રીમાને પૂછતાં એમણે તેને દૈવીકાર્ય હોવાનો દાવો કરી સંપૂર્ણ સંમતિ સાથે આશીર્વાદ આપ્યા.
જ્યારે સંઘના સંચાલનમાં કોઈ મુશ્કેલી આવતી, જેનાથી સંન્યાસીઓ કે ભક્તો મૂંઝવણ અનુભવતા ત્યારે તેઓ શ્રીમા પાસે દોડી જતા, અને શ્રીમા શાણો ઉકેલ આપી બધાને નિશ્ચિંત કરી દેતાં. જ્યારે કોલકાતામાં પ્લેગ ફાટી નીકળ્યો, ત્યારે ફંડની તંગી સર્જાતાં, સ્વામીજીએ બેલુર મઠ કે જે ભાવિ મહાતીર્થ બનવાનું હતું તે માટે ખરીદેલી જમીન વેચી દેવાનો વિચાર કર્યો, ત્યારે શ્રીમાએ સ્વામીજીને તેમ કરતાં મક્કમતાથી અટકાવ્યા. તેમણે ગૌરીમાને સ્ત્રીઓ માટે શૈક્ષણિક કાર્ય શરૂ કરવા પ્રેરિત કર્યાં, ભગિની નિવેદિતાની શાળાનું ઉદ્ઘાટન કરી હાર્દિક આશીર્વાદ આપેલ, એટલું જ નહીં પણ એ સમયના વહેણથી આગળ જઈ, બધાના વિરોધ છતાં પારૂલ, (ભવિષ્યના શ્રીશારદા મઠ-મિશનના પ્રથમ અધ્યક્ષા ભારતીપ્રાણાજી) જે એમના સેવિકા હતાં તેમને નર્સિંગ શાળામાં તાલીમાર્થે મોકલેલ.
જ્યારે ભારતીય સ્વતંત્રતા ચળવળ શરૂ થઈ, ત્યારે એક દિવસ અચાનક જ તેઓ બોલ્યાં, ‘જુઓ, ફક્ત નારા પોકારવાથી કશું વળવાનું નથી, તેના બદલે વણાટકામ કરી કપડાં બનાવો, મને પણ એક ચરખો લાવી આપો તો હું પણ તે કામ કરીશ, કંઈક રચનાત્મક કાર્ય કરો.’ ૧૯૧૬માં બેલુર મઠ પર સંકટ ઊભું થયું, સરકારી અધિકારીઓ મઠની પ્રવૃત્તિઓ વિશે શંકાસ્પદ હતા, એવું વિચારીને કે તે ક્રાંતિકારીઓને આશ્રય આપે છે. સ્વામી સારદાનંદ, જેઓ તે સમયે મહાસચિવ હતા, તેઓ ચિંતિત થઈ શ્રીમા પાસે ગયા. શ્રીમાએ પોતાની અંતર્જ્ઞાનપૂર્ણ સમજણ અને સંપૂર્ણ શાંતિ સાથે, સૂચવ્યું કે તેમણે ગવર્નરને વ્યક્તિગત રીતે મળવું જોઈએ અને મઠની પ્રવૃત્તિઓ વિશે સમજાવવું જોઈએ. સ્વામી સારદાનંદે તે મુજબ કર્યું, અને આ સંકટ ટળી ગયું. આમ, જો કે શ્રીમા શાળાએ ગયા ન હતાં, છતાં તેમની તીક્ષ્ણ બુદ્ધિમત્તા અને સમજદારી અસામાન્ય હતી.
ધૃતિ (સ્થિરતા, મક્કમતા, ધીરજ)
સંસ્કૃતમાં ધૃતિનો શબ્દાર્થ છે, ‘ધારયતિ ઇતિ ધૃતિ.’ જેનો અર્થ છે કે જે ધારણ કરે તે. ધૃતિ શબ્દ હિંમત, દૃઢતા, ધીરજ, સ્થિરતા અને સંતુલન દર્શાવે છે. તે અવરોધોનો સામનો કરી તેના પર વિજય મેળવવાનો ઉત્સાહ પણ બતાવે છે. ઉપરનાં ઉદાહરણોમાં આપણે જોયું કે જ્યારે પણ સંકટ આવ્યું, ત્યારે શ્રીમાએ નવા સ્થપાયેલ સંઘને ધીરજ અને સ્વસ્થતાથી નિર્ણય લઈને માર્ગદર્શન આપ્યું. સ્વામીજીના અવસાન પછી, શ્રીમાએ શ્રીઠાકુરના આદર્શો મુજબ, તેમજ પોતાના સહજ ગુણો, જેવા કે સર્વ-સમાવિષ્ટ પ્રેમ, અનંત ધીરજ, ક્ષમા અને માતૃત્વની ભાવના સાથે સંઘનું સંચાલન કર્યું.
તેઓ સર્વનાં મા હતાં અને હંમેશાં પોતાનાં સંતાનોની સંભાળ માટે તત્પર રહેતાં. તેઓ દક્ષિણેશ્વરમાં શરૂઆતના દિવસોમાં, શ્રીઠાકુરનું ભોજન એમના ઓરડામાં પોતે લઈને જતાં. એક દિવસ એક મહિલાએ શ્રીમાને ‘મા’ તરીકે સંબોધી, તે થાળ પોતે લઈ જવા વિનંતી કરી, ત્યારે શ્રીમાએ તે આપ્યો. જ્યારે શ્રીઠાકુરે તેમને તેમ ન કરવા જણાવ્યું, ત્યારે તેમણે દૃઢતાથી જવાબ આપ્યો, “જ્યારે કોઈ મને ‘મા’ કહીને સંબોધે તો હું તેને ઇન્કાર કરી શકતી નથી.” બીજા એક પ્રસંગે, શ્રીઠાકુરે તેમને ભક્તોને વધુ રોટલી ન ખવરાવવા કહ્યું, જેથી એમની સાધનામાં અવરોધ ન થાય, ત્યારે પણ એમણે મક્કમતાથી જવાબ આપ્યો, “હું મા છું, અને મને ખબર છે, કોણ કેટલું ખાશે.” શ્રીઠાકુર આ સાંભળી ખુશ થયેલા.
વળી, શ્રીમાનાં ‘અભયવચન’માં પણ આ દૃઢતાનો રણકો નથી સંભળાતો? ‘હું પાપીઓની માતા છું, હું સદ્ગુણીની માતા છું. ક્યારેય ડરશો નહીં. જ્યારે પણ તમે મુશ્કેલીમાં હો, ત્યારે તમારી જાતને કહો, ‘મારે એક મા છે.’”[3]
ક્ષમા (માફી, સહિષ્ણુતા)
દૈવી રાજ્યમાં વિચરણ કરવા છતાં, શ્રીમાએ હંમેશાં તેના માતૃત્વનાં લક્ષણો પ્રગટ કર્યાં, જેમાં ક્ષમા મુખ્ય છે. તેઓ જાણે કે સહિષ્ણુતા તેમજ દયાના મૂર્તિમંત સ્વરૂપ હતાં. જ્યારે પણ તેમનાં શિષ્યો કે સગાં-વહાલાં કંઈ ભયંકર ભૂલો કરતાં, ત્યારે પણ શ્રીમાએ તેમને પ્રેમ અને ક્ષમા જ બક્ષ્યાં છે. એક વખત માની ભત્રીજી રાધૂ કે જેને શ્રીમાએ જ ઉછેરીને મોટી કરેલ, તેને અફીણ ન આપ્યું તો તેણે શ્રીમા ઉપર છાબડીમાં પડેલ રીંગણનો ઘા કરેલ, છતાં શ્રીમાએ માફી બક્ષી. માની ભાભીએ (પાગલી મામી) તો શ્રીમાને ઘણું કષ્ટ આપેલ, છતાં શ્રીમાએ તેને માફી જ આપી છે. આમ, તેમનાં સગાં-સંબંધી કે નજીકના લોકોએ તેમને દુ:ખ આપ્યું કે અપમાન કર્યું હોય તોપણ તેમણે સર્વને માફ જ કર્યાં છે, એટલું જ નહીં, શ્રીઠાકુરને પ્રાર્થના કરતાં, ‘તેઓ શું કરી રહ્યાં છે તે તેઓ જાણતા નથી, તેમના દોષો તરફ ધ્યાન ન આપતા, તેમને માફ કરજો.’
કેવા દયાળુ અને મહાન છે આપણા કૃપાળુ શ્રીમા! ‘દોષાન્ અશેષાન્ સગુણી કરોષિ’, અમારા અસંખ્ય દોષોને સદ્ગુણમાં ફેરવી દો છો. (શ્રીમા સ્તોત્ર, સ્વામી અભેદાનંદ)
શ્રીમા શક્તિ સ્વરૂપા—સર્વ દિવ્યશક્તિનું ઘનીભૂત સ્વરૂપ—છે, એમની કૃપા વિના કંઈ પણ પ્રાપ્ત ન કરી શકાય. શ્રીઠાકુરે કહ્યું છે કે બ્રહ્મજ્ઞાન અથવા આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત કરવાની ચાવી બ્રહ્મમયી અથવા શક્તિના હાથમાં છે, એ શક્તિ આ યુગમાં શ્રીમા તરીકે અવતરિત થયાં છે. તેથી, શ્રીમાને પ્રસન્ન કરી તેમજ તેમના ગુણોના ચિંતન દ્વારા તે આપણામાં ઉતારવા પ્રયત્ન કરવો તેજ મોક્ષ કે આ જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાનો એકમાત્ર સરળ માર્ગ છે.
સ્વામી વિવેકાનંદે તેમના શિષ્યોને લખ્યું હતું, ‘તમે હજી સુધી શ્રીમાના જીવનનું અદ્ભુત મહત્ત્વ સંપૂર્ણપણે સમજ્યા નથી—તમારામાંથી કોઈ નહીં. પરંતુ ધીમે ધીમે તમને ખબર પડશે…. શક્તિ વિના જગતનું પુનરુત્થાન શક્ય નથી.. શ્રીમાનો જન્મ તે શક્તિને પુનર્જીવિત કરવા માટે જ થયો છે, અને તેમને કેન્દ્રબિંદુમાં રાખી ફરીથી મૈત્રેયી અને ગાર્ગીઓ આ વિશ્વમાં જન્મ લેશે.’[4]
આદ્યશક્તિ (બ્રહ્માંડીય ઊર્જા), ચિત્-શક્તિની મદદથી જ માનવ બન્ને—અભ્યુદય (ભૌતિક સમૃદ્ધિ) અને નિ:શ્રેયસ (આધ્યાત્મિક અનુભૂતિ) પ્રાપ્ત કરી શકે છે. આ આદિશક્તિ શ્રીમા તરીકે અવતરીને માનવને ઈશ્વરના માતૃત્વની ખાતરી કરાવે છે. શ્રીમાના ઉમદા ઉપદેશોનું પાલન કરીને આપણે પૃથ્વી પર શાશ્વત શાંતિ અને દૈવી આનંદની અનુભૂતિ કરી શકીએ છીએ.
તો ચાલો, આપણે પણ સ્વામી અભેદાનંદે શ્રીમાના સ્તોત્રમાં ગાયું છે તે પ્રાર્થના કરીએ,
‘પ્રસીદ માતર્વિનયેન યાચે,
નિત્યમ્ ભવ સ્નેહવતી સુતેષુ,
પ્રેમૈકબિન્દું ચિરદગ્ધ-ચિત્તે,
વિષિઞ્ચ ચિત્તં કુરુ નઃ સુશાન્તમ્.’
હે મા, કૃપા કરો, હું તમને વિનયપૂર્વક યાચના કરું છું, તમારાં બાળકો પર સદા પ્રેમ વરસાવતાં રહી, અમારા બળતા ચિત્તમાં તમારા પ્રેમના એક બિંદુનો છંટકાવ કરી, અમારા મનને શાંત કરો.
[1] માઁકી મધુર સ્મૃતિયાઁ (હિન્દી) સંપા. સ્વામી વિદેહાત્માનંદ (કોલકાતા: અદ્વૈત આશ્રમ, ૨૦૦૪), પાનું.૨૯૯
[2] માઁકી મધુર સ્મૃતિયાઁ (હિન્દી) સંપા. સ્વામી વિદેહાત્માનંદ (કોલકાતા: અદ્વૈત આશ્રમ, ૨૦૦૪), પાના.૧૭૧-૭૩
[3] Her Direct Disciples, ‘In the Company of Holy Mother (Kolkata: Advaita Ashrama, 1980) p. 33
[4] સ્વામી વિવેકાનંદ-ગ્રંથમાળા ૭.૪૮૪
Your Content Goes Here




