સ્વામી વિવેકાનંદના પત્રો
સ્વામી વિવેકાનંદના કેટલાક અપ્રસિદ્ધ પત્રો અને અન્ય સાહિત્યના મૂળ અંગ્રેજી પ્રસિદ્ધ થયેલ ‘ધ કમ્પલીટ વકર્સ ઑફ સ્વામી વિવેકાનંદ’ના ૯મા ભાગમાંથી શ્રીદુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદના થોડા અંશો ક્રમશ: વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. ભવિષ્યમાં સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ – ૧૩ના રૂપે પ્રકાશિત થશે. — સં.
૧[શ્રી બલરામ બોઝને]
(મૂળ બંગાળીમાં લખાયેલ પત્ર)
શ્રીરામકૃષ્ણની જય
ગાઝીપુર
૬, ફેબ્રુઆરી ૧૮૯૦
આદરણીય મહાશય,
મેં પવહારી બાબા સાથે વાત કરી છે. વિનમ્રતા, ભક્તિ અને યોગની જીવંત પ્રતિમા સમા એ અદ્ભુત સંત છે. પોતે ચુસ્ત વૈષ્ણવ હોવા છતાં, બીજા ધર્મો માટે એમને પૂર્વગ્રહ નથી. ચૈતન્ય મહાપ્રભુ માટે એમને અઢળક પ્રેમ છે. અને શ્રીરામકૃષ્ણને એ ‘ઈશ્વરનો અવતાર’ કહે છે. મારી પર એ ખૂબ પ્રીતિ રાખે છે અને એમની વિનંતીને માન આપી હું અહીં થોડા દિવસ રોકાવાનો છું.
પવહારી બાબા બે થી છ મહિના સુધી સળંગ સમાધિમાં રહી શકે છે. એ બંગાળી વાંચી શકે છે અને પોતાના ઓરડામાં શ્રીરામકૃષ્ણની એક છબિ તેમણે રાખી છે. હું હજી એમને મોઢામોઢ મળ્યો નથી કારણ, એ બારણા પાછળથી વાતો કરે છે પરંતુ એમના જેવો મધુર અવાજ મેં આજ સુધી સાંભળ્યો નથી. મારે એમને વિશે ઘણું બધું કહેવાનું છે પણ તે હાલ નહીં.
‘ચૈતન્ય ભાગવત’ની એક નકલ મેળવી, કૃપા કરી એને આ સરનામે મોકલાવો : ગગનચંદ્ર રાય, અફીણ ખાતું, ગાઝીપુર. મહેરબાની કરી આ ભૂલી ન જતા.
પવહારી બાબા આદર્શ વૈષ્ણવ અને મહાન પંડિત છે; પણ પોતાનું જ્ઞાન પ્રગટ કરવા એ ઉત્સુક નથી. એમના મોટાભાઈ એમની દેખભાળ કરે છે પરંતુ એ ભાઈને પણ ઓરડાની અંદર જવાની મનાઈ છે.
‘ચૈતન્ય મંગલ’ની નકલ મળતી હોય તો તે એમને મોકલવાની પણ કૃપા કરશો. આપની ભેટ એ સ્વીકારે એને આપનું મોટું સૌભાગ્ય માનજો. સામાન્ય રીતે એ કોઈની પાસેથી કશું જ સ્વીકારતા નથી. એ શું કરે છે કે શું ખાય છે તે કોઈ જ જાણતું નથી.
હું અહીં છું અને ખબર કોઈને પણ નહીં આપવાની કૃપા કરશો અને કોઈનાયે સમાચાર મને મોકલશો નહીં તે વિનંતી છે. એક અગત્યના કાર્યમાં હું રોકાયેલો છું.
આપનો સેવક
નરેન્દ્ર
૨[શ્રી બલરામબોઝને]
(મૂળ બંગાળીમાં લખાયેલ પત્ર)
શ્રીરામકૃષ્ણની જય
ગાઝીપુર
ફેબ્રુઆરી ૧૧, ૧૮૯૦
આદરણીય મહાશય,
આપનું પુસ્તક મને મળ્યું છે. હૃષીકેશમાં કાલી (સ્વામી અભેદાનંદ)ને ફરી વાર તાવનો હુમલો આવ્યો છે અને, એ મલેરિયાથી પીડાતો જણાય છે. એક વાર એ આવે તો, અગાઉ જેને એ લાગુ ન પડ્યો હોય તેને એ સરળતાથી છોડતો નથી. મને એનો પ્રથમ હુમલો થયો ત્યારે, મારા પર પણ એ જ વીતી હતી. કાલીને અગાઉ કદી મલેરિયા થયો ન હતો. હૃષીકેશથી મારી ઉપર પત્ર નથી… ક્યાં છે?
અલ્લાહાબાદમાં શરૂ થયેલો વાંસાનો દુખાવો મને બહુ પીડી રહ્યો છે. થોડા સમય પહેલાં હું સાજો થઈ ગયો હતો પણ, એ ફરી શરૂ થયો છે. એટલે, આ વાંસાની પીડાને કારણે મારે અહીં થોડો સમય રોકાવું પડશે. વળી બાબાજી (પવહારી બાબા)નો પણ એવો આગ્રહ છે.
આપે કાચી રોટલી વિશે લખ્યું છે તે સાચું છે. પણ સાધુ એ રીતે જ મરે છે, પ્યાલો – રકાબી ફૂટે એ રીતે નહીં. આ વેળા હું નબળાઈને જરાય વશ થવાનો નથી. ને હું મૃત્યુ પામું તો, મારે માટે એ સારું થશે. આ જગતમાંથી વહેલા વિદાય લેવી ઇચ્છનીય છે.
લિ. આપનો સેવક,
નરેન્દ્ર
Your Content Goes Here




