શ્રીમાનો અહેતુક સ્નેહ : સંદેશવાહક મહિલા

‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ના રચયિતા, શ્રીઠાકુરના કૃપાપાત્ર ભક્ત અને શ્રી શ્રીમાના ચરણાશ્રિત સંતાન અક્ષયકુમાર સેનનું જન્મસ્થાન મયનાપુર ગામ જયરામવાટીથી વાયવ્ય દિશામાં થોડાક કોસ દૂર આવેલું છે. પોતાના જીવનના શેષ દિવસો શ્રીઅક્ષયકુમાર સેને કોલકાતા છોડીને પોતાની જન્મભૂમિમાં વિતાવ્યા હતા. એમનું શરીર સ્વસ્થ અને સબળ ન હતું. આટલું અંતર ચાલીને જયરામવાટી આવવું એમને માટે સંભવ ન બનતું. એટલા માટે શ્રીમા જ્યારે જયરામવાટીમાં રહેતાં ત્યારે અક્ષયકુમાર સેન વચ્ચે વચ્ચે કોઈને ત્યાં મોકલીને એમના આશીર્વાદ મેળવતા અને કુશળ સમાચાર પૂછતા રહેતા. એમની આર્થિક સ્થિતિ પણ બહુ સારી ન હતી, છતાં પણ તેઓ શ્રીમાની સેવા માટે અનેક ચીજવસ્તુઓ મોકલ્યા કરતા. મયનાપુર વિસ્તારમાં લોકો ઘણી ભેંસો પાળે છે. અહીં ભેંસનું ઘણું સારું ઘી મળે છે. અક્ષયકુમાર સેન સગવડતા પ્રમાણે ત્યાંનું સારું ઘી શ્રીમા માટે મોકલતા. માખણ જેવું સફેદ શુદ્ધ ઘી શ્રીમા ભક્તોને પીરસતાં અને આનંદ સાથે કહેતાં: ‘અક્ષય માસ્ટરે મોકલેલું ઘી છે. ખાઈને જુઓ કેવું સ્વાદિષ્ટ છે. શ્રીમાના પોતાના માટે કેટલું ઘી જોઈતું હશે એ કોણ જાણે, પરંતુ એ વાત સ્પષ્ટ હતી કે વિભિન્ન પ્રદેશોમાંથી આવેલાં પોતાનાં પ્રિય સંતાનોને શુદ્ધ ઘી ખવડાવીને શ્રીમા પરમતૃપ્તિ અનુભવતાં. એકવાર અક્ષયકુમાર સેને એક મજૂરબાઈ દ્વારા શ્રીમા માટે કેટલોક માલ-સામાન મોકલ્યો. તે બહેન બપોરે પહોંચી. એણે શ્રીમાને અક્ષયકુમાર સેનના ભક્તિપૂર્વક પ્રણામ કહ્યા અને બધી ચીજો સમજાવી સમજાવીને સોંપી. શ્રીમાએ અત્યંત સ્નેહપૂર્વક તેને નાહીધોઈ, ખાઈપીને, થોડો આરામ કરીને પછી પાછા જવાનું કહ્યું.

શ્રીમાના ઘરે મજૂર, કુલી, ગાડીવાળા, પાલખીવાળા, ફેરીવાળા, માછીમાર કે માછીમારણો જે કોઈ આવતાં તે બધાં એમનાં પુત્રપુત્રી સમાં હતાં. એ બધાં ભક્તોના જેવો સ્વજન શો સ્નેહપ્રેમ પામતાં. જે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રયોજન સાથે અહીં આવતી તે માનાં દર્શન કરીને, એમના ચરણોમાં પ્રણત બનીને, એમના શુભ સ્નેહભર્યા આશીર્વાદ પામીને, તે વ્યક્તિનું હૃદય શીતળ બની જતું. બધાં શ્રીમાનાં સંતાન છે. કોઈ પણ કારણે ગમે તે ભલેને આવે તે તેમનાં સુમધુર સંભાષણ, અત્યંત સ્નેહપૂર્વક અપાયેલા મમરા અને ગોળ, અને બીજું કંઈ ન હોય તો થોડું પ્રસાદીનું સરબત અવશ્ય મેળવતા; એની સાથે એણે મેળવેલી એમની એ કરુણાપૂર્ણ સ્નેહદૃષ્ટિને પોતાના જન્મજન્માંતરમાં પણ ભૂલી ન શકે. અને કદાચ ભુલાઈ જાય તો પણ પોતાના પર દુ:ખકષ્ટ આવતાં એ અભયદાયિનીનું અનાયાસ સ્મરણ કરાવી દેશે; અને એને લીધે એમની અભયવાણી યાદ આવી જશે અને એ ભક્તના માનસપટલ પર તેમની કૃપાદૃષ્ટિવાળી છબિ તરી આવશે. એટલે જ તો ત્યાર પછી એવું જોવા મળ્યું કે જે લોકોના ભાવભક્તિ વગેરેના માધ્યમ દ્વારા શ્રીમા સાથે કોઈ પણ પ્રકારનો આધ્યાત્મિક સંબંધ ન હતો, કોઈ નજીકનો સંપર્ક પણ ન હતો છતાં પણ એમની કરુણા, એમનાં સ્નેહ મમતાનું સ્મરણ કરીને તેઓ આંસું વહાવી રહ્યાં છે. ધન્ય છે એ લોકો અને ધન્ય છે એમનો માનવજન્મ! શ્રીમા પ્રત્યે આ જે આંતરિક આકર્ષણ છે, મમત્વનો ભાવ છે, એ ભાવની અનુભૂતિ એ છે કે તેઓ તો અમારી પોતાની મા છે; બસ આ જ એનો સાર છે. એનાથી જીવનાં ભવબંધન, કોટિ જન્મોનો કર્મપાશ ક્ષણભરમાં છિન્ન ભિન્ન થઈ જશે. શરત્‌ મહારાજે (સ્વામી શારદાનંદજી) કહ્યું છે: ‘સમજી વિચારીને હોય કે જાણ્યે અજાણ્યે, ગમે તે રીતે કોઈ પણ કારણવશાત્‌ જો એક ક્ષણમાત્ર માટે પણ એક વાર ભગવાનમાં મન લાગી જાય તો માનવજન્મ સફળ થઈ જાય.’ શ્રીમદ્‌ ભાગવતમાં પરમહંસ શિરોમણિ શ્રી શુકદેવ ભગવદ્‌દ્વેષી શિશુપાલની સદ્‌ગતિ વિશે કહે છે: ‘ગમે તે રીતે હોય પણ ભગવાનનું ચિંતન કરવાથી મુક્તિ મળી જાય છે.’ એટલે તો આ નરલીલા છે. શ્રીમા તમારા ‘આ રૂપને જેણે કોઈએ જોયું છે, તે મંત્રમુગ્ધ બની ગયા છે. હવે બીજું કોઈ રૂપ એને સારું લાગતું નથી!’

તેલનું માલિશ કરીને, સ્નાન કરીને તેમજ ભરપેટ પ્રસાદ મેળવીને મયનાપુરથી આવેલી મજૂરબહેનને પરમ આનંદ થયો. મોડું થઈ ગયું છે એમ જોઈને શ્રીમાએ તેને કટાણે જતાં રોકી અને રાત્રે ત્યાં જ વિશ્રામ કરીને બીજે દિવસે જવાનું કહ્યું. શ્રીમાના ઓરડાની પરસાળમાં, દરવાજાની બરાબર સામે જ એ મજૂર બહેનની સુવાની વ્યવસ્થા થઈ. તેની ઉંમર ઘણી થઈ હતી, એને વૃદ્ધા કહીએ તો પણ ચાલે. એ મેલેરિયાથી પીડાતી હતી. આ બધું હોવા છતાં તે આટલે દૂરથી માથા ઉપર વજન ઉપાડીને પગે ચાલીને આવી હતી. થાકીને લોથપોથ થઈ ગઈ હતી. વળી રાતે થોડો તાવ પણ આવ્યો. તે બેહોશની જેમ પડી રહી. સવારમાં વહેલા ઊઠવાની શ્રીમાની સદૈવની ટેવ છે. આજે ઊઠીને દરવાજો ખોલતાં જ શ્રીમાએ જોયું કે બેભાન અવસ્થામાં એ વૃદ્ધાએ પથારી બગાડી દીધી હતી. હવે કરવું શું? સવારે ઊઠતાં જ્યારે બીજાને ખબર પડશે ત્યારે તેમની આ દુ:ખી દીકરીને બધાય ઠપકો આપશે કે એમને તિરસ્કાર સહન કરવો પડશે. આમ વિચારતાં શ્રીમાનું મન વ્યાકુળ થઈ ઊઠ્યું. પેલી સ્ત્રી ત્યારેય ગાઢ ઊંઘમાં હતી. શ્રીમાએ ધીમે ધીમે એને જગાડી એના હાથમાં જલપાન માટે મમરા અને ગોળ ચૂપચાપ દઈ દીધાં, પછી સ્નેહપૂર્વક કહ્યું: ‘બેટા, તું વહેલી સવારે જ રવાના થઈ જા એનાથી તને તડકો નહિ લાગે.’ સંતુષ્ટ મને તે સ્ત્રીએ શ્રીમાને પ્રણામ કરીને વિદાય લીધી. એના ગયા પછી શ્રીમાએ પોતાના હાથે એ બધું સાફ કર્યું. છાણમાટીથી આખી ઓસરીને લીપી. ચટ્ટાઈને બરાબર સાફ કરીને તળાવની પાળ પર સૂકવી દીધી. કોઈને જરાય ખબરેય ન પડી. સવારે ઊઠીને બધાં પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયાં. કોણ કોનું પૂછે? નોકરાણીએ જ્યારે આવીને જોયું કે ઓસરી લીપેલી છે ત્યારે તો એ રાજી થઈ. પણ એ સમયે એક પ્રૌઢ બુદ્ધિશાળી મહિલા શ્રીમાના ઘરે આવ્યાં. આટલી વહેલી સવારે ઓસરીને કોણે લીપી હશે એ વિશે એના મનમાં ઘણી ઉત્સુકતા જાગી. એણે બધું પૂછી લીધું અને અંતે બધી વાતોની જાણકારી મળી ગઈ. પછી અંતરંગ ભક્તોને એમણે શ્રીમાની આ અદ્‌ભુત લીલા કહી.

શ્રીમાનો અહેતુક સ્નેહ: પથભ્રષ્ટ વિધવા

જયરામવાટી ગામમાં એક બાળવિધવા હતી. એ ઘણી ગરીબ અને દુ:ખી હતી. મહેનતમજૂરી કરીને ઘણી મુશ્કેલીથી પોતાનું જીવન જીવતી હતી. એના ક્યારે વિવાહ થયા, એનો પતિ કેવો હતો, તે ક્યારે વિધવા થઈ એ બાબતની એને કંઈ ખબર ન હતી. જ્યારે થોડી મોટી થઈ ત્યારે એને ખ્યાલ આવ્યો કે તે એક વિધવા છે અને હવે એનાં લગ્ન નહિ થાય, એને સંસારનાં વૈભવ સુખ-ઉપભોગનો કોઈ અધિકાર નથી. ભક્તોનો સામાન લાવવા-લઈ જવાના લીધે શ્રી શ્રીમાના ઘરે એને આવવા-જવાનું થતું. શ્રીમાને પણ એના પ્રત્યે ઘણો સ્નેહ હતો. ધીમે ધીમે એ પૂર્ણ યુવતી બની ગઈ. એક યુવક સાથે અવૈધ રૂપે એનું હળવા મળવાનું ચાલતું રહ્યું. વાત ઘણી આગળ વધી ગઈ હતી અને આખા ગામમાં સૌને એની જાણ થઈ ગઈ. હૃદયવિહોણા સમાજના નેતાઓએ આજ સુધી એ અનાથ બાળાનું ધ્યાન જ નહોતું દીધું, એને સાચો રસ્તો ચીંધવાની કોઈ વ્યવસ્થા એમણે કરી ન હતી અને હવે એ દુ:ખી યુવતી પર એ બધાની નિર્દય નિષ્ઠુર દૃષ્ટિ પડી. ગામના ‘ગણ્યમાન્ય’ લોકોએ મળીને એના વિશે વિચાર કર્યો. હતભાગી યુવતી પ્રત્યે લાંછન અને તિરસ્કારનો મારો ચાલતો રહ્યો. જયરામવાટીમાં ગ્રામ્ય પરિપાટી પ્રમાણે આ વિષય વિશે વિવાદ અને જૂથવાદ ઊભો થયો. શ્રીમા આ બધું સાંભળીને એ બિચારી અભાગણીના ભવિષ્યની ચિંતાથી ઘણાં દુ:ખી અને ચિંતિત બન્યાં. પરંતુ ભગવાન સમક્ષ પ્રાર્થના કરવા સિવાય શ્રીમા બીજું શું કરી શકે તેમ હતાં?

ભગવાનની કૃપા થઈ. શ્રીમાના કૃપાપ્રાપ્ત સંતાનોમાંથી એક જમીનદારે હસ્તક્ષેપ કર્યો અને આ મામલાને શાંત કર્યો. ગામમાં શાંતિ સ્થપાઈ. શ્રીમા સાંભળીને આશ્વસ્ત થયાં અને એમણે શાંતિ અને નિરાંત અનુભવ્યાં. કેટલાક દિવસો પછી જ્યારેએ જમીનદાર ભક્ત શ્રીમાને પ્રણામ કરવા આવ્યા ત્યારે શ્રીમાએ પ્રસન્ન ચિત્તે એમને આશીર્વાદ આપતાં કહ્યું: ‘બેટા, દુખિયારીને તે બચાવી લીધી, તેની રક્ષા કરી એ સાંભળીને મારા પ્રાણે શીતળતા અનુભવી. ભગવાન તમારું મંગલ કરે.’

જેને આપણે અત્યંત અધમ કહીને તિરસ્કારીએ છીએ, એમને પ્રત્યે પણ પ્રેમભાવ રાખવો, એમની વિપત્તિને સમયે એવી સંસંવેદના પ્રગટ કરવી, એમને એવો અપાર સ્નેહ આપવો એ આપણી આ જગજ્જનની, ‘જન્મજન્માંતરની મા’, ‘સજ્જનની પણ મા અને દુર્જનની પણ મા’ સિવાય બીજું કોણ કરી શકે!

પતિએ ત્યજેલી કે બાળવિધવાનાં દુ:ખકષ્ટની વાત સાંભળીને શ્રી શ્રીમાને ખૂબ દુ:ખ થતું. વૈધવ્યવ્રત સંન્યાસ ધર્મ જેવું જ ઘણું મહાન છે, તે ઉન્નત સમાજનો ચૂડામણિ છે. પરંતુ એને માટે ઉચિત શિક્ષણ તેમજ સાધના દ્વારા તૈયાર થવું પડે છે. હે મા, પોતાનાં દુર્બળ સંતાનોને આ સર્વશ્રેષ્ઠ આદર્શની કેળવણી આપવા માટે જ શું ‘પવિત્રતા સ્વરૂપિણી’ના રૂપે તમારો આવિર્ભાવ થયો છે? ભોગ વાસ્તવમાં સુખનું કારણ નથી. પરંતુ દુ:ખનો જ હેતુ છે; સંયમ અને ત્યાગ સુખશાંતિ મેળવવાનો એક માત્ર ઉપાય છે, આ વાત હે મા, જો તમે ન શીખવો તો બીજું કોણ શીખવશે? પોતાનાં સંતાનોને તો તમે આ જ શીખવ્યું છે, મા! બેલૂર મઠનું નિર્માણ થઈ જાય એ માટે તમે શ્રીઠાકુર પાસે વ્યાકુળ બનીને પ્રાર્થના કરી હતી. નિવેદિતા સ્કૂલ, જગદંબા આશ્રમ વગેરેની સ્થાપના તો તમારા પોતાના વરદ હસ્તે કરી હતી. હે મા! આશીર્વાદ આપો. જેથી અમે તમારા આપેલાં ઉપદેશ કે શિક્ષણને ન ભૂલીએ.

શ્રીમાનો અહેતુક પ્રેમ : બાલક ગોવિંદ

આ પ્રસંગે આપણી શ્રીમાના ઘરના અનાથ ગોવાળ છોકરા ગોવિંદની વાત યાદ આવે છે. શ્રીમાનું નવું મકાન બન્યા પછી એમને દૂધની મુશ્કેલી ન થાય એટલા માટે સ્વામી જ્ઞાનાનંદ મહારાજ બે સારી ગાય ખરીદી લાવ્યા છે. શ્રી સુરેન્દ્રનાથ ગુપ્તે ગાયોનો ખર્ચ ઉપાડી લીધો છે. શ્રીમા સંસારમાં રહીને પણ સંન્યાસિની છે, કોઈ ઝંઝટ વધારવી એમને પસંદ નથી; પોતાના માટે એક ઘર બનાવવું જોઈએ એવી ઇચ્છા પણ એમના મનમાં થઈ ન હતી. પહેલાં તેઓ જ્યારે માવતર જતાં ત્યારે મોટા મામા પ્રસન્ન મુખર્જીના ઘરે જ રહેતાં, ત્યાં જ જગદ્ધાત્રીપૂજા પણ થયા કરતી. સ્વામી બ્રહ્માનંદ મહારાજ શ્રીમાના ઘરે આવીને એ મકાનમાં રોકાયા હતા અને સાંભળ્યું છે કે ત્યાં તેમણે આનંદ વિભોર બનીને ગીત ગાયાં હતાં અને નૃત્ય કર્યું હતું. મામાએ જુદા થઈને પોતપોતાનાં જુદાં જુદાં મકાન બનાવી લીધાં હતાં. કાલીમામાએ દીદીની (શ્રીમા) સહાયતાથી સુંદર બેઠક ખંડવાળું મકાન બનાવ્યું. ત્યાર પછી એમના જ બેઠકખાનામાં જગદ્ધાત્રીપૂજા થતી અને અતિથિગણ પણ ત્યાં જ રહેતો. ભક્ત સંતાનોનું આવાગમન વધવા લાગ્યું. શ્રીમાને કાલીમામાના મકાનમાં ઘણી અસુવિધા થવા લાગી. સ્વામી શારદાનંદજી મહારાજની સંમતિ તથા ભક્તોના પ્રયત્નથી મામા દ્વારા અપાયેલ જમીનના નાના ભાગ પર શ્રીમાની આજ્ઞા અને આશીર્વાદ લઈને માટીની દિવાલ પર ઘાસનું છાપરું કરીને ચાર ઓરડાનું એક નાનું નવું મકાન શ્રીમા માટે બનાવવામાં આવ્યું. માસ્ટર મહાશયે વિશેષ રૂપે આર્થિક સહાયતા કરી હતી. શ્રીવિભૂતિ બાબુ ગૃહનિર્માણ કાર્યની દેખરેખ રાખતા. તેઓ બાંકુરામાં રહેતા હતા, નોકરી કરતા હતા, એટલે બધો સમય એમનું ત્યાં ઉપસ્થિત રહેવું શક્ય ન બનતું. દેખરેખના અભાવે મકાનનું કામ આગળ વધતું ન હતું. એ સમય દરમિયાન શ્રીમાની જન્મતિથિના ઉપલક્ષ્યમાં કોલકાતાથી રાસબિહારી મહારાજ તથા હેમેન્દ્ર મહારાજ સામાન વગેરે લઈને ત્યાં પહોંચ્યા. એ લોકોના તનતોડ પરિશ્રમથી મકાનનું નિર્માણ શક્ય બન્યું. કોઆલપાડા આશ્રમના અધ્યક્ષ શ્રીકેદારનાથ શ્રીમાના વિશ્વાસપાત્ર અને અનુભવી શિષ્ય સંતાન હતા. એમણે મકાનનો નક્શો બનાવી દીધો. વિશેષ સમારોહ યોજીને ગૃહપ્રવેશ થયો. બધી આવશ્યક વસ્તુઓનો પ્રબંધ કરીને, શ્રીમા સુખસુવિધાપૂર્વક રહે, એવી વ્યવસ્થા થઈ. પરંતુ મોટા મામાના એ ગલીની અંદરની આડમાં આવેલા જૂના અંધારાવાળા ઘરને છોડીને શ્રીમા રસ્તા પર બનેલા અને બધાંની આંખે ચડતા આ અજવાળાવાળા અને સજાવેલા નવા મકાનમાં આવવા માટે ખચકાતાં હતાં. થોડાક દિવસો પસાર થયા. ઉત્સાહ અને જોશ થોડો ઠંડો પડ્યો એટલે ભક્તસંતાનોનો આગ્રહ અને બીજા અનેક કારણોને લીધે કોઈને ખબર ન પડે એ રીતે શ્રીમા શાંતિથી આવીને એ ઘરમાં રહેવાં ગયાં. રાસબિહારી મહારાજ કોલકાતા પાછા જવાના હતા. હવે પ્રશ્ન એ ઊભો થયો કે આ નવા મકાનનું ધ્યાન કોણ રાખે? નવાસનથી શ્રીમાની સેવા માટે માલસામાન લઈને સ્વામી જ્ઞાનાનંદ અનેકવાર આવજા કરતા. શ્રીમા પ્રત્યે એમનાં ભક્તિ અને સેવાભાવ જોઈને તથા શ્રીમાનાં પણ સ્વામી જ્ઞાનાનંદ પરનાં સ્નેહ, અનુકંપા જોઈને રાસબિહારી મહારાજે એમને જ શ્રીમાની સેવામાં રાખ્યા અને પોતે કોલકાતા પાછા ફર્યા. સ્વામી જ્ઞાનાનંદ કર્મઠ વ્યક્તિ હતા. શ્રીમાના મકાનની ઉન્નતિના કાર્યમાં લાગી ગયા. એમના જ પ્રયત્નથી પુણ્યતળાવ ખરીદી લેવાયું અને સાફસફાઈ કરીને એમાં સુધારાવધારા કરવામાં આવ્યા. ભક્તો માટે પથારી વગેરેની વ્યવસ્થા થઈ. સુરેન્દ્રબાબુની સહાયતાથી સ્વામી જ્ઞાનાનંદે એક ગાય ખરીદી. લલિતબાબુના આગ્રહ અને આર્થિક સહાયતાથી એક ઔષધાલય તથા રાત્રીશાળાની પણ સ્થાપના થઈ.

શ્રીમાને આડંબર જરાય પસંદ ન હતા. પરંતુ શું કરે, છોકરાઓ આવું બધું કરવા ઇચ્છતા હતા! વળી એની જરૂરત પણ હતી. લોકોનું વિશેષ કલ્યાણ અને ભલું પણ થતું હતું. નવા ઘરના આંગણામાં ચોમાસાના દિવસોમાં ગારો કીચડ થઈ જતા. આંગણાને પાકું બનાવવાનો જ્યારે પ્રસ્તાવ થયો ત્યારે શ્રીમાએ ના પાડી. ગામડામાં માટીના જ મકાન સારાં. બધા લોકો માટીનાં ઘરોમાં રહે છે. ખોટા ભાવભપકાથી લોકોના મનમાં ઇર્ષ્યા જાગે છે, શત્રુતા વધે છે. પરંતુ બે ત્રણ વર્ષ પછી શ્રીમાની સંમતિ મેળવવાનો કોઈ ઉપાય ન સૂઝતાં દરવાજાને પાકો બનાવી દીધો, મકાનના તળિયાને પણ પાકું કરી દીધું. શ્રીમાએ કહી દીધું કે ઓછામાં ઓછું મારા સૂવાના ઓરડાના તળિયાને પાકું ન કરતા, પાકા ભોંયતળિયા પર બેસવામાં શરીરને આરામ મળતો નથી, ઉનાળામાં ખૂબ ગરમ રહે છે અને શિયાળામાં ખૂબ ઠંડું. શ્રીમા તો દૂરસુદૂર ગામડાનાં હતાં અને એ જમાનાના હતાં કે કંઈ પાથર્યા વગર જ ઓરડામાં, ઓસરીમાં પગ લંબાવીને ખાલી જમીન પર બેસી જતાં. ઓરડાનું તળિયું પાકું તો હતું પણ એ ઓરડામાં શ્રીમા રહ્યાં નહિ.

આના સારા એવા સમય પહેલાં મેલેરિયાગ્રસ્ત બનીને સ્વામી જ્ઞાનાનંદજીને જયરામવાટી છોડવું પડ્યું. તેઓ શ્રીમાનાં એક સંતાન શિષ્ય ડો. અઘોરબાબુના ઘરે રહીને ચિકિત્સા તેમજ હવા ફેર કરવા માટે કટિહાર ગયા. થોડા દિવસોમાં જ તેઓના પાછા આવવાની વાત હતી. પરંતુ પોલિસે એમને ષડયંત્રકારી રાજનૈતિક દળના સભ્ય હોવાની શંકામાં ત્યાં રોકી રાખ્યા. સ્વામી જ્ઞાનાનંદ જ્યાં સુધી જયરામવાટીમાં રહ્યા ત્યાં સુધી ગાયની સેવા કરતા રહ્યા. શ્રીમાને એની કોઈ ચિંતા ન હતી. જયરામવાટીથી ચાલ્યા ગયા પછી પણ તેઓ સુરેશબાબુ દ્વારા ગૌ-સેવાની બધી સેવા કરતા રહ્યા. એટલું જ નહિ તેમણે એક ગૌશાળા પણ ખરીદી લીધી. પરંતુ એમની ગેરહાજરીમાં શ્રીમાને ગાયની વધારે ચિંતા થયા કરતી અને ક્યારેક ક્યારેક તેઓ બોલી ઊઠતાં: ‘ગાય ખરીદીને જ્ઞાન (સ્વામી જ્ઞાનાનંદ) વધારે ઝંઝટ વધારી ગયો છે.’ 

નિ:સંદેહ ગોવિંદને ગોવાળ તરીકે રાખ્યા પછી આ ગાયની પળોજણ ઓછી થઈ. નાની ઉંમરમાં જ માબાપ મરી જવાથી ગોવિંદ ઘણાં દુ:ખકષ્ટ ભોગવીને ઉછર્યો હતો. એનો ચહેરો એની દુર્દશાનો સાક્ષી હતો. એના એક દૂરના સંબંધીએ એને શ્રીમાના ઘરે ગોવાળના કામમાં લગાડી દીધો. પગાર તો સામાન્ય હતો પણ ખાવાપીવા રહેવાની મજા હતી. રાત્રીશાળામાં થોડું લખવા વાચવાનું શીખવાની સગવડતા હતી. ગામના ઘણા ખેતમજૂરો, બાળકો અને વૃદ્ધો અહીં ભણવા આવતા. નવદસ વર્ષનો આ છોકરો પોતાનું કામ બરાબર કરતો હતો. શ્રીમા તથા બીજા લોકોના સ્નેહ અને સહાનુભૂતિમાં એના દિવસો ઘણાં સુખમજામાં પસાર થતા હતા. રાત્રે એને ભણવાની ફરજ પાડવામાં આવતી. પરંતુ એમાં એનું મન લાગતું ન હતું. થોડા દિવસો પછી એને ખસ થઈ. ઉપચારની વ્યવસ્થા કરવામાં આવી પણ કંઈ ફાયદો ન થયો. રોગથી પીડિત હોવા છતાં પણ તે પોતાનું કામ બરાબર કરતો હતો. 

ખસ ખૂજલી થાય છે અને એ કોઈ એવો ભયંકર રોગ નથી; એટલે એના તરફ કોઈએ વધારે ધ્યાન ન આપ્યું. એક દિવસ રાતે ગોવિંદને ઘણી પીડા થઈ. અધીર બનીને રડવા લાગ્યો. ગુપ્તાંગોમાં પણ ખસ વધી. શરમના માર્યા કોઈને બતાવ્યું નહિ. હવે રાતે પીડા અસહ્ય બની ગઈ. કરવું શું? એને સમજાવી પટાવીને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. બીજે દિવસે સવારે જોયું તો શ્રીમા એને ઘરમાં અંદર બોલાવી ગયાં છે અને પોતે જ લોઢાની ખરલમાં હળદર અને લીમડાનાં પાદડાં પીસે છે, ગોવિંદ શ્રીમા પાસે ઊભો છે, શ્રીમા હળદર અને લીમડાનાં પાંદડાં પીસીને તેના હાથમાં થોડો થોડો મલમ આપી રહ્યાં છે અને એને કેવી રીતે લગાડવો એ પણ બતાવી દે છે; ગોવિંદ પણ એમની સૂચના પ્રમાણે એ મલમ લગાડી રહ્યો છે. શ્રીમાના સ્નેહથી બાળકનું મન પ્રફુલ્લિત થઈ ગયું છે. એના મુખ પર આનંદ છવાઈ ગયો છે. બાળકનું રોવાનું સાંભળીને શ્રીમાને રાતે ઊંઘ આવી ન હતી. એટલે સવારે ઊઠતાં વેંત જ તેની દવાની વ્યવસ્થામાં પોતે જ કામે લાગી ગયાં. શ્રીમાના સ્નેહથી આ અનાથ બાળકનું દુ:ખ ઓછું થઈ ગયું. શ્રીમાને પણ બાળકનું પ્રસન્ન મુખ જોઈને આનંદ થયો. બંનેના ચહેરા જોઈને, વાતચીત સાંભળીને એમ કોણ કહી શકે કે તે પોતાનો પુત્ર નથી? ‘આત્મૌપમ્યેન સર્વત્ર સમં’ ભાવે જોવું – ‘પરાયાને પોતાનો બનાવી લેવો’ – એનો ઉપદેશ અને કેળવણી આપવા જ, હે મા! તમે આવ્યાં હતાં. પરંતુ આપણે બધા આવું જોઈને જોયું ન જોયું કરી દઈએ છીએ, શીખવાની વાત તો રહી દૂર!

(ક્રમશ:)

Total Views: 227

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.