* શ્રીરામકૃષ્ણે એકવાર કહ્યું હતું: “એક દિવસ જોયું કે મારું મન સમાધિમાં થઈને જ્યોતિર્મય માર્ગ ઉપર થઈને ઊંચે ને ઊંચે જઈ રહ્યું છે. ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્રોથી જડિત સ્થૂલ જગતને સહેલાઈથી પાર કરતું-કરતું તે ધીમેધીમે સૂક્ષ્મ ભાવજગતમાં પ્રવેશ્યું… રસ્તામાં બંને બાજુએ વિવિધ દેવી-દેવતાઓનાં ભાવપૂર્ણ સ્વરૂપો જોયાં. ચિત્ત ધીમેધીમે અખંડના રાજ્યમાં પ્રવેશ્યું. ત્યાં સાત પ્રાચીન ૠષિઓ સમાધિસ્થ બનીને બેઠા હતા. જ્ઞાન અને પુણ્યમાં, ત્યાગ અને પ્રેમમાં, માણસ તો શું, પણ દેવી-દેવતાઓ કરતાં પણ તેઓ ચઢી જાય તેવા હતા. આશ્ચર્યમગ્ન બનીને મેં જોયું તો સામે રહેલા અભેદ અખંડ સમરસ જ્યોતિર્મય પ્રદેશનો એક અંશ છૂટો પડીને દિવ્યશિશુના રૂપમાં ફેરવાઈ ગયો. તે અદ્ભુત દેવશિશુ એક ૠષિની સમીપ જઈને તેમને અત્યંત આનંદપૂર્વક કહેવા લાગ્યો: ‘હું જઈ રહ્યો છું. તમારે પણ મારી સાથે આવવું પડશે’. નરેન્દ્રને જોતાં જ હું જાણી ગયો કે આ તે જ છે.” કહેવાની જરૂર નથી કે પૃથ્વીલોકમાં અવતીર્ણ થયા પહેલાં શ્રીરામકૃષ્ણે જ અખંડના રાજ્યમાં સચ્ચિદાનંદના એ સઘન જ્યોતિર્મય સ્વરૂપમાંથી એ દિવ્યશિશુનું રૂપ ધારણ કર્યું હતું તથા એમણે આગ્રહપૂર્વક જે ૠષિની ગ્રીવામાં લીલા કરવા માટે પોતાની કોમળ ભુજાઓ પરોવીને એમના ધ્યાનનો ભંગ કરીને પોતાના લીલાકાર્યના સાથી રૂપે મૃત્યુલોકમાં આવવા માટે સ્નેહપૂર્વક આગ્રહ કર્યો હતો, તે જ હતા વિશ્વવિખ્યાત સ્વામી વિવેકાનંદ. (શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા, સ્વામી ગંભીરાનંદ કૃત : ૧)
* નરેન્દ્ર, રાખાલ વગેરે… એ બધા છોકરાઓ નિત્ય સિદ્ધ વર્ગનાં. તેઓ જન્મ-જન્મથી જ ઈશ્વરના ભક્ત. કેટલાયને તો અનેક સાધના કર્યા બાદ જરાતરા ભક્તિ મળે, પરંતુ આ લોકોને જન્મથી જ ઈશ્વરમાં અનુરાગ. જેમ કે સ્વયંભૂ શિવ-સ્થાપન કરેલા શિવ નહિ.
* આ બધા નિત્ય સિદ્ધ, ઈશ્વર કોટીના. એ લોકો સંસારમાં આવે, માત્ર લોકોપદેશને માટે (સંસારના) માયામોહમાં ક્યારેય બદ્ધ થાય નહિ. ખૂબ ઉચ્ચ આધાર. એક સાથે કેટલા બધા ગુણ – ગાવામાં, બજાવવામાં, ભણવાગણવામાં, બધામાં હોંશિયાર. આ બાજુ જિતેન્દ્રિય – કહે છે વિવાહ નહીં કરું… વિવેક વૈરાગ્ય છે….
* શ્રીરામકૃષ્ણ (પહેલાં પોતાને અને પછી નરેન્દ્રને ચીંધીને) બોલ્યા: “વારુ, હું જોઉં છું કે હું આ પણ છું અને તે પણ છું. વસ્તુત: મને કશો ભેદ દેખાતો નથી. ગંગા ઉપર તરતી લાકડી પાણીના ભાગ કરતી હોય એમ દેખાય છે, પરંતુ વસ્તુત: પાણી એક જ છે, એવી આ વાત છે. તું મારો કહેવાનો મુદ્દો સમજયો ? વારુ, જગદંબા સિવાય બીજું કશું છે જ ક્યાં? તું શું કહે છે?”
* હું નરેન્દ્રને આત્માના સ્વરૂપે જાણું; અને હું એનો અનુગત.
* મહાસમાધિના ત્રણ-ચાર દિવસ પહેલાં શ્રીરામકૃષ્ણદેવે નરેન્દ્રનાથને બોલાવ્યા. એના તરફ સ્થિર દૃષ્ટિ કરીને એ ઊંડી સમાધિમાં મગ્ન થયા. નરેન્દ્રને એવું લાગ્યું કે જાણે કોઈ વીજળીના આંચકા જેવો સૂક્ષ્મ પ્રવાહ એના શરીરમાં પ્રવેશી રહ્યો છે; એમણે સઘળું બાહ્યભાન ગુમાવ્યું. જ્યારે એમને ભાન આવ્યું ત્યારે એમણે જોયું કે શ્રીરામકૃષ્ણદેવ આંસુ સારી રહ્યા છે. નરેન્દ્રનાથને નવાઈ લાગી. કારણ પૂછતાં શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો: “અરે નરેન! આજે મેં તને મારું સર્વસ્વ આપી દીધું છે, હવે હું અકિંચન ફકીર બની ગયો છું. મેં આપેલી શક્તિના સામર્થ્યથી તું મહાન કાર્યો કરી શકીશ. એ કાર્યો પાર પાડ્યા પછી તું જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો જઈશ.”
* “હું આ બધાને તને સોંપું છું. કારણ કે તું બુદ્ધિમાન અને શક્તિશાળી છે. આ બધાને પ્રેમપૂર્વક સંભાળજે. (મારું શરીર ગયા પછી પણ) તેઓ એક સ્થળે રહી સાધના ચાલુ રાખે અને પાછા ઘેર ન જાય એનો તું ખ્યાલ રાખજે.”
* નરેન્દ્ર બીજા બધાને ઉપદેશ દેશે – (તારે) એમ કરવું જ પડશે.
શ્રીમા શારદાદેવીની દૃષ્ટિએ નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ)
* ઠાકુરે (શ્રીરામકૃષ્ણદેવે) જ મને કહેલું “નરેન સપ્તર્ષિમાં પ્રધાન ઋષિ.”
* મેં જોયું હતું, શ્રીરામકૃષ્ણ જાણે કે સમુદ્ર ઉપરથી ચાલ્યા જાય છે અને તેઓ નરેન્દ્રને તેમની પાછળ અનુસરણ કરી આવવાનું કહે છે.
* અમેરિકાથી સ્વામી વિવેકાનંદ દ્વારા પત્રમાં સૂચિત સેવાધર્મનું પ્રવર્તન પત્ર વાંચી સંભળાવવામાં આવતાં શ્રીમાએ કહ્યું: “નરેન શ્રીરામકૃષ્ણના હાથનું યંત્ર છે. શ્રીરામકૃષ્ણદેવ એમનાં સંતાનો અને ભક્તો દ્વારા કામ કરાવવા માગે છે. એટલા માટે નરેન દ્વારા આ બધું લખાવે છે, કહેવડાવે છે. નરેન જે લખે છે, જે કહે છે, તે ખૂબ સાચું (છે). વખત આવ્યે (વખત પાકશે ત્યારે) બધું થશે.”
* આખો વખત જપધ્યાન કેટલાં માણસો કરી શકે? એના કરતાં તો મનને સ્થિર કરી, ચંચળ ન બની કામ કરવું વધારે સારું. મનને છૂટું મૂકો તો મુશ્કેલીઓ ઊભી કરે. મારા નરેને આ બધું જોઈને જ નિષ્કામ કર્મની શરૂઆત કરી.
Your Content Goes Here




