સ્વામી અદ્‌ભુતાનંદજી મહારાજ (નિર્વાણ : ૧૯૨૦) એક અશિક્ષિત ગામડિયા ભરવાડના પુત્ર હતા. શ્રીઠાકુરના સંપર્કમાં આવ્યા પછી એમના દેહોત્સર્ગ પર્યંત એમની સેવાચાકરી કરીને એમની સાથે જ રહ્યા હતા. એટલે જ લાટુ મહારાજ (સ્વામી અદ્‌ભુતાનંદ)નાં સંસ્મરણો ઘણાં મહત્ત્વનાં છે. એનું કારણ એ છે કે એમાં એક અનોખી અંતર્દૃષ્ટિ અને વિગતોનો ખજાનો પણ છે. એમનાં સંસ્મરણોમાંથી કેટલાંક સંસ્મરણો અહીં પ્રસ્તુત છે. -સં

શ્રીઠાકુરે લાટુનો સંપૂર્ણ બોજો પોતાના પર લઈ લીધો હતો. એટલે આપણે જોઈએ છીએ કે ઠાકુર એમને પોતાના પુત્ર જેવા ગણીને અક્ષરજ્ઞાનથી માંડીને દરેક પ્રકારનું શિક્ષણ આપવા પ્રયત્ન કરી રહ્યા હતા. વર્ણાક્ષર વાંચતી વખતે જ્યારે વ્યંજનનું ઉચ્ચારણ કરવાનું થતું, ત્યારે લાટુ પોતાની બિહારી ટેવ પ્રમાણે ‘ક’ને ‘કા’ અને ‘ખ’ને ‘ખા’ કહેતા. ઠાકુર જેમ જેમ કહે કે અરે તે ‘ક’ છે, તેમ તેમ એટલું જ ‘કા’ બોલતા. ‘અરે, જો તું આને ‘કા’ કહીશ તો પછી ‘ક’માં ‘આ’કાર લાગશે ત્યારે શું કહીશ?’ ત્યારે પણ લાટુ તો બસ એક જ રટણ – ‘કા’. છેવટે બીજો વધારે પ્રયત્ન કરવો નકામો છે, એમ જાણીને શ્રીઠાકુરે કહ્યું, ‘જા, હવે તારે ભણવાની જરૂર નથી.’ લાટુના વિદ્યાભ્યાસની ત્યાં જ પૂર્ણાહુતિ થઈ ગઈ. આ રીતે પુસ્તકિયા જ્ઞાનનો પ્રારંભમાં જ અંત આવી જતાં ઠાકુર એમને અધ્યાત્મવિદ્યાથી પરિપૂર્ણ કરવા લાગ્યા. લાટુ મહારાજ કહ્યા કરતા: ‘ઠાકુર, મને કેટલું શીખવતા, કેટલું સમજાવતા, કહેતા – ‘જા ને નરેનની પાસે.’ ત્યાં બેઠાં બેઠાં મેં કેટલું સાંભળ્યું છે!’ વળી ઠાકુરે એમને નશો કરતાં પણ શિખવાડ્યું. જેવો તેવો નશો નહિ; અસલ રાજવી નશો. એમણે એને ભગવાનનો નશો કરાવી દીધો. લાટુ કહેતા: ‘ભગવાને મને ખેંચી લીધો.. તેઓ મને કહેતા – ‘જો દિલને સાફ રાખવું અને એના ઉપર મેલ જામવા દેવો નહિ’. અહંકારનાં કાર્યોને તેઓ ‘મેલ કહેતા. ‘જુઓ છો ને? અહંકારી માણસ કેવો ફસાઈ જાય છે! મારો દીકરો, મારી દીકરી, મારા રૂપિયા – આ બધું કહેતાં કહેતાં પોતે જ પોતાને માટે જાળ રચે છે.’

એક દિવસ ચરણ સેવા કરી રહેલા લાટુને ઠાકુરે પૂછ્યું: ‘ભલા, એ તો કહે કે તારા રામજી અત્યારે શું કરી રહ્યા છે?’ એ વખતે લાટુ રામજીના કામને ભલા શું જાણે? તેઓ ચુપ રહ્યા. ત્યારે ઠાકુરે પોતે જ જણાવ્યું: ‘અરે, તારા રામજી અત્યારે સોયના નાકામાંથી હાથીને પસાર કરાવી રહ્યા છે.’ પાછળથી અર્થ સમજતાં લાટુએ કહ્યું હતું: ‘મારો એટલો નબળો આધાર હતો અને તેઓ મારી અંદર સાધના ઢાળ્યે જતા હતા.’

કુસ્તીબાજ લાટુ ખૂબ ખાઈ શકતા હતા. એક ટંક ભોજનમાં કેટલી બધી રોટલી ઉદરમાં પધરાવતા. એક દિવસ ઠાકુર યોગીનને ખાવાની બાબતમાં ચેતવણી આપી રહ્યા હતા એ લાટુએ પણ સાંભળી અને પોતાના આહારની માત્રા એણે પણ ઘટાડી નાંખી. આથી શરૂઆતમાં એમને ખૂબ તકલીફ પડતી હતી. ભૂખના માર્યા પેટમાં પીડા થવા લાગતી હતી. એક દિવસ લાટુ અને રાખાલ કુસ્તી લડતા હતા. બેમાંથી કોઈ કોઈને હરાવી શકતા નહોતા. આ જોઈને ઠાકુરે રમૂજ કરતાં કહ્યું: ‘અરે, તમારી લડાઈ તો ગજ-કચ્છપ જેવી છે. કોઈ કોઈને હરાવી શકે એમ નથી.’ રમૂજમાં આવી વાતો કરવા છતાં પણ ઠાકુરને એ સમજતાં વાર ન લાગી કે સાધના, કઠોર પરિશ્રમ અને અલ્પ આહારને લઈને લાટુની તબિયત બગડતી જાય છે. એટલા માટે એમણે કહ્યું: ‘આટલો ઓછો આહાર અને આટલો બધો પરિશ્રમ – આ બંને વધારે પ્રમાણમાં કરવાથી તબિયત સાવ લથડી જશે.’ આટલું કહીને પણ તેઓ નચિંત બન્યા નહિ. પણ થોડા દિવસો સુધી લાટુને પોતાની પાસે બેસાડીને ખવડાવતા રહ્યા અને પોતાના હાથેથી એની થાળીમાં ઘી પીરસતા રહ્યા. ત્યારથી આહાર બાબતમાં લાટુએ મધ્યમ માર્ગનું અનુસરણ કર્યું. પછી એમણે કુસ્તી છોડી દીધી. ટેવને કારણે ક્યારેક ફક્ત થોડી ધક્કામુક્કી કરી લેતા.

એક દિવસ દક્ષિણેશ્વરમાં કોઈ ભક્તની અસભ્યતા જોઈને લાટુની ધીરજ ખૂટી ગઈ અને તેમણે તેની બરાબર ખબર લઈ નાંખી. ખબર નથી કે એ ભક્ત એથી નારાજ થયા કે કેમ, પણ ઠાકુરે તો લાટુને કહેલું: ‘અહીં જે લોકો આવે એમને એવી કઠોર વાતો કહેવી ન જોઈએ. એક તો તેઓ આમેય સંસારની જ્વાળાઓમાં બળતા હોય છે અને પાછા અહીં આવે તો તમે એમની ભૂલો ઉપર આવાં આકરાં વેણ કહીને એમને દુ:ખી કરો; તો પછી તમે જ કહો કે એ લોકો બિચારા જશે ક્યાં?’ આટલાથી જ સંતોષ ન થતાં બીજે દિવસે એમણે લાટુને તે ભક્તના ઘરે મોકલ્યા, જેથી તેના મનનું દુ:ખ દૂર થઈ જાય. લાટુ જ્યારે ભક્તના ઘરેથી પાછા આવ્યા ત્યારે એમણે પૂછ્યું: ‘કેમ રે! અહીંના (મારા) પણ પ્રણામ કહી આવ્યો છે ને?’ ઠાકુરના પ્રણામ! ભક્તને? આ તે વળી કેવી વાત? લાટુ ભલા આનો શું જવાબ આપી શકે? પણ ઠાકુરના પ્રણામ કહેવા માટે તેમને ફરીથી એ ભક્તના ઘરે જવું પડ્યું. પ્રણામની વાત સાંભળતાં જ એ ભક્ત વ્યાકુળ બનીને રડવા માંડ્યા અને લાટુને પણ તેમની ભક્તિનું સાચું દર્શન થતાં તેમનો ભ્રમ ભાંગી ગયો.

દક્ષિણેશ્વરમાં શ્રીમાતાજીનું જીવન ખૂબ જ એકાકી હતું. વળી, ભક્તોને માટે ભોજન બનાવવું વગેરે માટે તેમને ખૂબ પરિશ્રમ કરવો પડતો. એક દિવસ ઠાકુરે લાટુને ગંગાકિનારે ચુપચાપ બેઠેલા જોઈને કહ્યું: ‘અરે, લેટો, તું અહીં બેઠો બેઠો ધ્યાન કરે છે, અને એમને નોબતખાનામાં રોટલી વણવા કોઈ મળતું નથી.’ પછી તેમને શ્રીમાતાજી પાસે લઈ ગયા અને તેમણે કહ્યું: ‘આ છોકરો ઘણો શુદ્ધ-સત્ત્વ છે.. તમને જ્યારે જે કંઈ કામ પડે તે એને કહેજો, એ કરી આપશે.’ એ દિવસથી લાટુ આનંદપૂર્વક શ્રીમાતાજીની સેવામાં જોડાઈ ગયા.

આ વર્ષે એટલે ૧૮૮૩માં હું પહેલી વખત શ્રીઠાકુર સાથે પાણીહાટીના ઉત્સવમાં જોડાયો. રાખાલ મહારાજ, ભવનાથ અને બીજા લોકો રામબાબુની ઘોડાગાડીમાં ગયા. શ્રીઠાકુરના બીજા ઘણા ભક્તો પણ આ ઉત્સવમાં ઉપસ્થિત હતા. નવદ્વીપ ગોસ્વામી પણ ત્યાં હતા. એકાએક શ્રીઠાકુર તેમની સાથે ગાવા માંડ્યા. શ્રીઠાકુરને ભાવસમાધિમાં જોઈને અમે બધા વિસ્મય પામ્યા. એમનો શ્વાસ થંભી ગયો, એમનો ચહેરો એમની આંખો અને હાથની હથેળીઓ પણ લાલચોળ થઈ ગઈ. એમને આવી ભાવાવસ્થામાં ઘણા લોકો એમની ચરણરજ લેવા દોડ્યા. બધાને શ્રીઠાકુરની ચરણરજ લેવી હતી. અમે બધા વિમાસણમાં પડી ગયા. બધા શ્રીઠાકુરને સ્પર્શવા માગતા હતા. જો કે એમને અટકાવ્યા, પણ એમણે અમારી ઉપેક્ષા કરી એટલે ત્યાં કોલાહલ મચી ગયો.

શ્રીરામબાબુએ મને કહ્યું : ‘લેટો (લાટુ મહારાજને પ્રેમથી સહુ લેટો કહેતા) એ લોકોને અટકાવવાનો પ્રયત્ન ન કરો. ભલે એ લોકો ઠાકુરનાં ચરણોનો સ્પર્શ કરે અને એમના આશીર્વાદ પામે.’ પરંતુ મેં એમનું માન્યું સાંભળ્યું નહીં. એનું કારણ એ હતું કે શ્રીઠાકુર જ્યારે સમાધિભાવમાં હોય ત્યારે કોઈનો એમને સ્પર્શ થતો તો તેમને ઘણાં ઘણાં દુ:ખપીડા થતા. અંતે રાખાલ મહારાજ, ભવનાથ અને હું – અમારામાંથી ત્રણેય એમને નીચેથી દીવાનખાનામાં લાવવામાં સહાય કરી પરંતુ એ બધા ભક્તોનો સામનો કરવો કેટલો દુષ્કર હતો! જ્યારે અમે શ્રીઠાકુરને દીવાનખાનામાં લઈ જતા હતા ત્યારે એ લોકોએ ચરણસ્પર્શ કરવાનું તો ચાલુ જ રાખ્યું. પછી રામબાબુએ શું કર્યું, એ તમે જાણો છો? તેમણે ભૂમિ પરથી ખોબો ભરીને ધૂળ લીધી અને શ્રીઠાકુરના ચરણોનો તેને સ્પર્શ કરાવીને લોકોમાં તે ચરણધૂલિ વહેંચવા માંડ્યા. આમ આ ટોળામાંથી શ્રીઠાકુર છૂટ્યા.

Total Views: 229

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.