સ્વામી બ્રહ્માનંદજી મહારાજ (૧૮૬૩-૧૯૨૨) શ્રીરામકૃષ્ણને ૧૮૮૧ના મધ્‍માં મળ્‍યા હતા અને શ્રીઠાકુરની મહાસમાધી પર્યંત લગભગ એમની સાથે જ રહ્યા હતા. શ્રીઠાકુરે સ્વામી બ્રહ્માનંદને પોતાના માનસપુત્ર તરીકે ઓળખ્યા હતા. સ્વામી બ્રહ્માનંદ (રાખાલ) એમને મળ્‍યા એ પહેલાં શ્રીઠાકુરે એક દર્શનમાં એને જોયેલા. સ્વામી બ્રહ્માનંદજી રામકૃષ્ણ મિશનના પ્રથમ પરમાધ્‍યક્ષ હતા. -સં

દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવ સાથેના એ દિવસોમાં રાખાલ (સ્વામી બ્રહ્માનંદ)નો સ્વભાવ ત્રણ-ચાર વર્ષના બાળક જેવો હતો. તે (રાખાલ) શ્રીરામકૃષ્ણદેવને પોતાની માની જેમ જોતા અને ક્યારેક ક્યારેક તો દોડી આવીને તેના ખોળામાં બેસી જતા. ખરેખર આ ગુરુ શિષ્ય વચ્ચે માનવસંબંધની સરખામણીમાં એક અત્યંત ઉચ્ચ દિવ્ય અને રહસ્યમય સંબંધ હતો. તે હંમેશાં દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુર પાસે રહેતા. તેને પોતાને ઘેર જવાનો વિચાર પણ ન આવતો. શ્રીઠાકુર તેમને જોરપૂર્વક વચ્ચે-વચ્ચે તેની ઘરે મોકલી દેતા. વળી તેના પિતા એકી સાથે તેનું આવવાનું જ બંધ કરી દે તો! … શ્રીઠાકુર પોતે રાખાલને આનંદમાં રાખવા તેમને જાતે ખવડાવતાં; તેમની સાથે રમતાં વળી તેને પોતે ખભે બેસાડીને ફેરવતાં. એક વખતે શ્રીઠાકુર રાખાલની સરળતા જોઈને આશ્ચર્યના આસું સાથે કહેવા લાગ્યા અરે! તું આટલો બધો સરળ છે. અહા! મારા ગયા પછી તારું કોણ ધ્યાન રાખશે!

એકવાર રાખાલને ખૂબ જ ભૂખ લાગી અને તેણે તે અંગે શ્રીઠાકુરને કહ્યું. ત્યારે શ્રીઠાકુરના રૂમમાં કંઈ જ ખાવાનું ન હતું. તેથી તેઓ ગંગા પાસે ગયા અને મોટા અવાજથી કહેવા લાગ્યા. ‘અરે, ગૌરદાસી! જલ્દી આવ, મારા રાખાલને ભૂખ લાગી છે!’ અને ખરેખર થોડી જ વારમાં ગૌરીમા અને બલરામ નૌકામાં રસગુલ્લા લઈ આવ્યા! તરત જ શ્રીઠાકુરે કહ્યું, ‘અરે રાખાલ આવ, તેઓ રસગુલ્લા લાવ્યા છે, આવ અને ખાઈ લે. તે જ નહોતું કહ્યું તને ભૂખ લાગી છે?’ રાખાલ થોડા શરમથી સંકોચ પામીને ઠાકુરને જોરથી કહેવા લાગ્યા, ‘મારી ભૂખની વાત આ બધાની સામે કરવાની શી જરૂર છે?’ શ્રીઠાકુરે કહ્યું: ‘એમાં શું થઈ ગયું? તને ભૂખ લાગી છે તારે ખાવું જોઈએ.’

ઠાકુર જાણતા હતા કે એમના માનસપુત્ર વ્રજના સાક્ષાત્‌ રાખાલ હતા. તેઓ તેને ગોપાલ – ગોપાલ, કહીને બોલાવતા અને તેમને પોતાના હાથેથી ખવડાવતા અને કેટલીય જાતનાં લાડ પણ લડાવતા. બીજા કોઈ જો કંઈ અયોગ્ય વર્તન કરે તો ઠાકુર એની ખબર લઈ નાખતા. પરંતુ રાખાલ જો અવગણના કરે તો તેઓ બિલકુલ નારાજ ન થતાં ઊલટું પ્રસન્નતા વ્યક્ત કરતા. એક દિવસ ભોજન પછી ઠાકુરે કહ્યું : ‘અરે રાખાલ, પાન બનાવી દે ને! પાન ખલાસ થઈ ગયાં છે.’ માનસપુત્રે જવાબ આપ્યો, ‘મને પાન બનાવતાં આવડતું નથી.’ ‘એ વળી શું? તું પાન બનાવ. એમાં વળી આવડવા, ન આવડવાનું શું? જા, પાન, બનાવી લાવ.’ ‘હું નહીં બનાવી શકું. મહારાજ!’ જવાબ સાંભળીને ઠાકુર હસી-હસીને બેવડ વળી ગયા! આવો નિ:સંકોચ વ્યવહાર જોઈને ઠાકુર જાણી ગયા કે રાખાલે એમને પોતાના એક અત્યંત આત્મીય સ્વજન તરીકે વાસ્તવમાં સ્વીકાર્યા છે. એમના વર્તનમાં બનાવટ લેશ માત્ર નથી- છે ફક્ત સ્નેહભરી હઠ.

એક વખત રાખાલને રસ્તા પરથી એક સિક્કો મળ્‍યો. રાખાલે દયા પરવશ થઈ એ સિક્કો એક ભિખારીને આપ્યો. જેમ એક બાળક ઘરે આવીને જે કંઈ બન્યું હોય તે બધું પોતાની માને કહે તેમ રાખાલનો એવો સ્વભાવ કે જે કંઈ બન્યું હોય તે દક્ષિણેશ્વરે શ્રીઠાકુરને કહે. શ્રીઠાકુરે જ્યારે ઉપરોક્ત ઘટના સાંભળી ત્યારે રાખાલને સખ્ત શબ્દોમાં ધમકાવીને કહ્યું, ‘જે માણસ મચ્છી ખાતો ન હોય તેણે મચ્છી બજારમાં શા માટે જવું જોઈએ?’ તારે પૈસાની જરૂર ન હતી તો તારે શા માટે તેને અડકવું જોઈએ? શું અદ્ભુત તર્ક છે! શ્રીઠાકુર પોતાના આધ્યાત્મિક પુત્રને આધ્યાત્મિક જીવનના બે મહાવિઘ્ન કામ અને કાંચનથી મુક્ત કરવા માગતા હતા.

એક બપો૨ે રાખાલ કોલકતાથી દક્ષિણેશ્વરે આવ્યા. તેમણે જોયું કે શ્રીઠાકુર પોતાના રૂમમાં એકલા આરામ કરી રહ્યા છે. તેમને જોઈને શ્રીઠાકુરે પોતાની પાસે બેસીને પગને માલીસ કરવા કહ્યું. પ્રથમ તો રાખાલે શ્રીઠાકુરની પગચંપી કરવાની અનિચ્છા દર્શાવી. પરંતુ શ્રીઠાકુરે ભારપૂર્વક આગ્રહ સાથે કહ્યું, ‘જો, પવિત્ર માણસોની (સાધુઓ) સેવા કરવાથી વાસ્તવિક પરિણામ મળે છે.’ રાખાલે શ્રીઠાકુરની થોડીવાર પગચંપી કરતાં જ જોયું કે સાત-આઠ વર્ષની છોકરીના રૂપમાં સાક્ષાત જગદંબા પથારીની આસપાસ થોડી મિનિટ સુધી પ્રદક્ષિણા કરી શ્રીઠાકુરના શરીરમાં મળી ગયા. આ દર્શનથી રાખાલને દિવ્ય રોમાંચ થઈ આવ્યો. શ્રીઠાકુરે હસીને રાખાલને કહ્યું, ‘સાધુસેવાનું ફળ જોયું!’

એક વખત બપોરે રાખાલ અને માસ્ટર મહાશય શ્રીઠાકુરના રૂમમાં હતાં. શ્રીઠાકુર ભાવાવેશમાં જગન્માતા સાથે વાતો કરે છે. ‘મા, શા માટે તે એને એટલી જ શક્તિ આપી?’ થોડીવાર પછી ફરી શ્રીઠાકુર બોલ્યા, ‘ઓહ, સમજ્યો! એટલી શક્તિથી જ તારું કામ પાર પડી જશે. એટલી શક્તિથી જ એ લોકોને શીખવવા માટે સક્ષમ બની જશે.’ માસ્ટર મહાશય શ્રીઠાકુરની આ ભાવાવેશની વાતો સાંભળીને આશ્ચર્ય પામી ગયા અને વિચારવા લાગ્યા, શું શ્રીઠાકુર આ રીતે પોતાના શિષ્યોમાં શક્તિ સંચાર કરે છે!’

એક દિવસે રાખાલ દક્ષિણેશ્વરે શ્રી કાલી મંદિરના નટમંદિ૨માં ધ્યાન કરી રહ્યા હતા. ત્યારે શ્રીઠાકુર ભાવાવસ્થામાં ત્યાં આવ્યા. રાખાલને સંબોધીને શ્રીઠાકુરે કહ્યું, ‘જો, આ તારો મંત્ર અને તારા ઈષ્ટ’ અને તરત જ રાખાલે પોતાની સામે ભગવાનને તેજોજ્વલ રૂપમાં નિહાળ્યા અને રોમાંચિત થઈ ગયા. રાખાલને ખાતરી થઈ ગઈ કે પોતાના ગુરુમાં એવી શક્તિ છે કે તે ગમે તેને ભગવાનનાં દર્શન કરાવી શકે છે. ઉચ્ચ ભાવ ભક્તિથી રાખાલે ઠાકુરને પ્રણામ કર્યા અને ફરી ઊંડા ધ્યાનમાં મગ્ન બની ગયા.

શ્રીરામકૃષ્ણદેવના માર્ગદર્શન હેઠળ રાખાલે તીવ્ર આધ્યાત્મિક સાધનાની શરૂઆત કરી. તે દિવસ-રાત, ભૂખ-તરસ, તેમજ પોતાનું કુટુંબ સુદ્ધાં ભૂલી ગયા. શ્રીઠાકુરે પોતાના માનસપુત્રને આસનો, મુદ્રા, જપ, ધ્યાન, યોગ અને કંઈ કેટલીય આધ્યાત્મિક સાધનાઓ શીખવી. એક દિવસ શ્રીઠાકુરે રાખાલને જગન્માતાની સામે શક્તિ પથમાં દીક્ષિત કરી અને કુંડલીનીના જુદા – જુદા કેન્દ્રોમાં ધ્યાન કરવાનું શિખવ્યું. રાખાલ બીજાને અજાણતા આ બધી સાધનાઓ કરવા લાગ્યા.

સ્વામી બ્રહ્માનંદ મહારાજ એના સંસ્મરણમાં કહે છે : હું જ્યાં સુધી એમની સાથે રહ્યો ત્યાં સુધી ઈશ્વરનાં સ્મરણ-મનન મને આપોઆપ થઈ જતાં. બધો વખત હું એક પરમાનંદના વિશ્વમાં રાચતો રહેતો. એટલે જ જેમણે ભગવદ્-દર્શન કર્યું હોય એવા મહાન શક્તિશાળી ગુરુની માનવને આવશ્યકતા છે. મંત્રદીક્ષા પહેલાં ગુરુ અને શિષ્યે એક બીજાની સારા એવા સમય સુધી ચકાસણી કરી લેવી જોઈએ. એમ ન થાય તો પાછળથી પસ્તાવું પડે. ગુરુશિષ્યના સંબંધ કોઈ આકસ્મિક સંબંધ નથી.

અરે! અમે શ્રીઠાકુર સાથે દક્ષિણેશ્વરમાં કેટલા બધા દિવ્યાનંદભાવમાં રહેતા! કેટલીક વખત શ્રીઠાકુરનાં હાસ્યમજાક અમને પેટપકડીને હસાવતાં. જે ધ્યાનથી પણ સિદ્ધ થતું નથી તે બધું અમે એ વેળા સ્વંભૂ રીતે પ્રાપ્ત કરતા. મારું ચિત્ત આડે-અવળે રસ્તે થોડુંઘણું પણ જાય તો તેઓ મારા દેખાવ પરથી જ એ જાણી લેતા. મારી છાતી પર હાથ ફેરવીને મારા ચિત્તને વળી પાછું સ્વસ્થ કરી દેતા. હું પણ એમની સાથે કેવો મુક્ત રીતે વર્તતો! 

બીજા એક દિવસે જ્યારે હું કોલકાતા પાછો આવ્યો ત્યારે શ્રીઠાકુરે મને કહ્યું: ‘હું તારા તરફ કેમ જોઈ શકતો નથી? તેં કંઈક અજુગતું તો નથી કર્યું ને?’ મેં જવાબ આપ્યો: ‘ના.’ મારે મન અજુગતાનો અર્થ કોઈ ખરાબ કાર્ય એટલે કે ચોરી, લૂંટફાટ, વ્યભિચાર, વગેરે જેવો હું સમજ્યો હતો. શ્રીઠાકુરે મને ફરીથી પૂછ્યું: ‘તું કંઈ ખોટું બોલ્યો હતો?’ તરત જ મને યાદ આવ્યું કે આગલા દિવસે વાતચીતમાં મજાકમાં હું અસત્ય બોલ્યો હતો.

શ્રીરામકૃષ્ણ પોતાના ઉપદેશોને પોતાના જીવન અને કાર્ય દ્વારા રજૂ કરતાં. રાખાલે એક ઘટના વર્ણવતા કહ્યું છે. ‘ઓહ! શ્રીઠાકુરનો સત્ય પ્રત્યેનો અભિગમ અત્યંત અદ્‌ભુત હતો.’ જો એવું બને કે શ્રીઠાકુરથી એવું કહેવાય જાય કે હું નહીં જમું તો ખરેખર શ્રીઠાકુર કંઈ જ ખાઈ ન શક્તા પછી ભલે ને ભૂખ લાગી હોય! એક દિવસ તેમણે કહ્યું કે તેઓ યદુ મલ્લિકના બગીચે જશે. (દક્ષિણેશ્વર મંદિર પાસે યદુ મલ્લિકનો બગીચો આવેલ હતો.) પરંતુ પછી એ વિશે તદ્દન ભૂલી ગયા. મેં પણ તેમને યાદ અપાવ્યું નહીં. રાત્રે વાળુ પછી અચાનક તેમને યદુ મલ્લિકની મુલાકાત લેવાની વાત યાદ આવી. અને ઘણી મોડી રાત પણ થઈ ગઈ હતી, પરંતુ તેમને તો જવું જ હતું. હું તેમની સાથે હાથમાં ફાનસ લઈને ગયો. અમો જ્યારે તેના ઘરે પહોંચ્યા ત્યારે જોયું તો ઘર બંધ હતું અને લગભગ બધાં જ સૂઈ ગયા હતા. શ્રીઠાકુરે ઘરના દરવાજાને થોડો ધક્કો માર્યો અને એક પગ ઘરમાં રાખી અને અમે પાછા આવ્યા.

બહાર કંઈ જ નથી. બધું અંદર જ છે. કેટલાક લોકો સંગીતના શોખીન હોય છે, પણ તેઓ એ જાણતા નથી કે કાનથી જે સંગીત સંભળાય છે તે સંગીત ભીતરના સંગીતની સરખામણીમાં ન જેવું છે. એ સંગીત કેટલું મીઠું અને શાંતિપ્રદ છે! પંચવટીમાં ધ્યાનમાં લીન બનીને શ્રીરામકૃષ્ણ ભીતરથી વીણાના સૂરો સાંભળતા.

એક દિવસ બપોરના સમયે દક્ષિણેશ્વરમાં પંચવટીમાં શ્રીઠાકુર શબ્દબ્રહ્મ વિશે વાતો કરી રહ્યા હતા અને રાખાલ તેના પર ધ્યાન કરી રહ્યા હતા. અને આ અદ્‌ભુત સંવાદો સાંભળીને રાખાલે પંચવટીના પક્ષીઓને પણ વેદ ગાન ગાતાં સાંભળ્યા!

ધીમે ધીમે રાખાલ જપ અમે ધ્યાનમાં મગ્ન બનવા લાગ્યા અને પોતાનાથી શ્રીઠાકુરની સેવા કરવાનું પણ મુશ્કેલ થવા લાગ્યું. ૨૦ જૂન ૧૮૮૪માં શ્રીરામકૃષ્ણદેવે માસ્ટર મહાશયને કહ્યું, ‘રાખાલની એવી અવસ્થા થઈ ગઈ છે કે તે પોતે જ પોતાનું પણ ધ્યાન નથી રાખી શકતો. ક્યારેક તો મારે તેના માટે પાણી ભરી દેવું પડે છે. તે વધુ સેવા પણ કરી શકતો નથી… રાખાલ એ અહીં કુટુંબના એક સભ્ય જેવો થઈ ગયો છે. હું જાણું છું કે તે હવે ક્યારેય સંસારમાં આસક્ત નહીં થાય.

કાશીપુરના એ દિવસોમાં શ્રીઠાકુર લીલાસંવરણ માટેની તૈયારી કરી રહ્યા હતા અને ભાવિ રામકૃષ્ણ સંઘના સંગઠન માટે તેઓ ઘણું કરીને રોજેરોજ નરેન્દ્રને એકલા બોલાવીને ઉપદેશ આપતા રહેતા. એક દિવસ એમણે નરેન્દ્રને કહ્યું : ‘રાખાલની રાજબુદ્ધિ છે. તે ધારે તો એક વિશાળ રાજ્ય ચલાવી શકે તેમ છે.’ કોણ જાણે વાક્યમાં નરેન્દ્રને શું સંકેત મળ્યો! પાછળથી એક દિવસ એમણે ગુરુભાઈઓને કહ્યું : ‘આજથી આપણે રાખાલને ‘રાજા’ કહીને બોલાવીશું.’ ઠાકુરના કાને જ્યારે આ વાત આવી ત્યારે એમણે આનંદપૂર્વક કહ્યું; ‘રાખાલનું નામ બરાબર પાડ્યું છે!’ આ પછી તેઓ ગુરુભાઈઓમાં ‘રાજા’ તરીકે ઓળખાવા લાગ્યા. પણ પાછળથી રામકૃષ્ણ સંઘમાં ‘મહારાજ’ એ જ નામ એમનું વધુ પ્રચલિત બન્યું.

Total Views: 177

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.