આમ તો ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ઘણી છબીઓ આપણને જોવા મળે છે. તેમાંની ઘણી તો કમ્પ્યૂટરની મદદથી બનાવેલી છે. એ કારણે તેની વિશ્વસનીયતા ચાલી જાય છે. એવી બનાવવામાં આવેલી વધુ છબીઓ જોવાથી આપણે એમ વિચારવા લાગીએ છીએ કે આ બધી જે સાચી છબીઓ છે, એ પણ બનાવેલી હશે અને તેની વિશ્વસનીયતા ચાલી જાય છે. એટલે આપણે સાવધાન રહેવું જોઈએ. જે મૂળ છબીઓ છે તેની પૂજા કરવી જોઈએ, તેનું પ્રવર્તન કરવું જોઈએ. શ્રીરામકૃષ્ણદેવની કેમેરાથી લેવામાં આવેલ ત્રણ છબીઓ પ્રાપ્ય છે.

પ્રથમ છબી, જ્યારે શ્રીરામકૃષ્ણદેવ કેશવચંદ્ર સેનને ત્યાં ‘કમલ કુટીર’ (લીલી કોટેજ)માં તારીખ ૨૧મી સપ્ટેમ્બર, ૧૮૭૯ના દિવસે ગયા હતા, ત્યારની છે. આ ‘કમલ કુટીર’નો ઘણો ભાગ હવે તો ધરાશાયી કરી દેવામાં આવ્યો છે અને તે સ્થળે નવું મકાન બની ગયું છે. પરંતુ એવું કહેવાય છે કે ત્યાંના ઉદ્યાનના ઓરડામાં તે વખતે કીર્તન થયું હતું. જો એ સાચું હોય તો તે ઓરડો હજી પણ છે. તે છબીની પાછળ ‘બેન્ગાલ ફોટોગ્રાફર’નો સિક્કો છે, એટલે એવું લાગે છે કે કેશવચંદ્ર સેને તે ફોટોગ્રાફરને બોલાવ્યો હશે અને તે માટેની વ્યવસ્થા કરી હશે. તે સમયે છબી લેવી એ આજના જેટલું સરળ ન હતું. લાઇટ, કાળો પડદો વગેરે ઘણી વ્યવસ્થા કરવી પડતી હતી.

આ છબીમાં આપણે જોઈએ છીએ કે શ્રીરામકૃષ્ણદેવ કીર્તન કરી રહ્યા છે. બન્ને હાથની મુદ્રા બનાવી છે. એ મુદ્રાના અર્થ માટે એક વખત સ્વામી પ્રેમાનંદજી મહારાજને પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું, “‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા.’ જે હાથ ઊંચો રાખેલ છે, તેમાં બે આંગળીઓ અને અંગૂઠો સીધાં છે અને બાકીની આંગળીઓ વાળેલી છે. તે દર્શાવે છે કે સત્ય એક જ છે, ‘બ્રહ્મ’ ઈશ્વરી સત્ય છે. બીજો હાથ દર્શાવે છે, ‘જગત મિથ્યા’. આ જ સંદેશ શ્રીરામકૃષ્ણદેવ સમાધિ અવસ્થામાં આપી રહ્યા છે.”

આ છબીમાં શ્રીરામકૃષ્ણદેવનું મુખારવિંદ જોઈએ તો અતિચેતન અવસ્થામાં ચહેરો કેવો થઈ જાય છે, તેનું પ્રમાણ મળે છે. પરમ સુખ અને કેટલો આનંદ! આંખો થોડીક જ ખૂલેલી છે. તે સમાધિની અદ્‌ભુત અવસ્થાને કેમેરામાં કેદ કરવામાં આવી છે.

શ્રીમા કહેતાં, ‘આધુનિક માનવ બહુ બુદ્ધિમાન છે. તેણે ઈશ્વરના અવતારને પણ કેમેરામાં કેદ કરી લીધો.’

આપણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં વાંચીએ છીએ કે કોઈ ભક્ત કહે છે કે પવહારીબાબા પાસે પણ આવી છબી છે. કેશવચંદ્ર સેન પ્રવાસ-પ્રિય હતા. પ્રવાસ દરમિયાન તેઓ અનેક મહાત્માઓને મળતા. શક્ય છે કે તેમણે આ છબી પવહારીબાબાને આપી હોય. પવહારીબાબાએ શ્રીરામકૃષ્ણદેવની ખ્યાતિ સાંભળી હશે, તેમની મહાનતાની વાતો સાંભળી હશે. એટલે તેમણે એ છબી પોતાની પાસે રાખી હશે.

બીજી છબી છે – છબી કેવી રીતે પાડવામાં આવે છે તે બતાવવા કેટલાક ભક્તો એક વાર શ્રીરામકૃષ્ણદેવને કોઈ સ્ટુડીઓમાં લઈ ગયા. તેઓએ જોયું કે એક સ્લાઇડ પર છબી લઈ, તેને સિલ્વર નાઈટ્રેટના દ્રાવણ દ્વારા પ્રક્રિયા કરી કાગળ પર લેવામાં આવે છે. તે પરથી શ્રીઠાકુર પોતાના ઉપદેશમાં કહેતા, ‘જુઓ, કેટલો પણ ઉપદેશ સાંભળો, પણ ફાયદો નહીં થાય, જો તમારી અંદર ભક્તિરૂપી દ્રાવણ ન હોય તો. જેમ કેમેરામાં છબી લઈ તેને દ્રાવણ દ્વારા ઉપસાવવામાં આવે છે, કારણ કે સાદા કાચ પર ચિત્ર ન બને.’

ત્યાં એક છબી લેવામાં આવી હતી. આ છબીમાં શ્રીરામકૃષ્ણદેવનો એક હાથ સ્તંભ પર છે. એ પણ સમાધિ અવસ્થાની છબી છે. રાધાબજારમાં બેન્ગાલ ફોટોગ્રાફર દ્વારા આ છબી ૧૦મી ડિસેમ્બર, ૧૮૮૧, શનિવારના દિવસે લેવામાં આવી હતી.

ત્રીજી અને સૌથી પ્રખ્યાત છબી છે, એનો ઇતિહાસ આવો છે. ભવનાથ ચેટરજી નામના શ્રીરામકૃષ્ણદેવના એક શિષ્ય હતા. તે સ્વામીજીના પાકા મિત્ર હતા. તેમને શ્રીરામકૃષ્ણદેવની છબી લેવાની બહુ ઇચ્છા હતી. પરંતુ શ્રીરામકૃષ્ણદેવે ના પાડી આથી તેઓ નિરાશ થઈ ગયા. આ વાતની નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ)ને ખબર પડી, ત્યારે તેમણે તેને કહ્યું, ‘ચિંતા ન કર. તું ફોટોગ્રાફરને લઈ આવ, હું વ્યવસ્થા કરું છું.’ પછી ભવનાથ ચેટરજી શેફર્ડ કંપની ઑફ ચૌરંઘીથી અવિનાશચંદ્ર દાં નામના ફોટોગ્રાફરને લઈ આવ્યા. ૧૮૮૩ના ઑક્ટોબર મહિનાના કોઈ એક રવિવારની લગભગ સવારના સાડા નવ વાગ્યાની વાત છે. પહેલાં સ્વામીજીએ ફોટોગ્રાફરને સામે આવવાની ના પાડી દીધી. પછી શ્રીરામકૃષ્ણદેવ રાધાકાન્તના મંદિર સામેની પરસાળમાં ખુલ્લી જગ્યામાં બેઠા હતા અને ત્યારે નરેન્દ્રે ઈશ્વર સંબંધી વાતો શરૂ કરી દીધી. તેમને ખબર હતી કે આવી વાતો કરવાથી શ્રીરામકૃષ્ણદેવને સમાધિ લાગી જશે. અને ખરેખર શ્રીરામકૃષ્ણદેવ સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા. ત્યારે નરેન્દ્રનાથે ફોટોગ્રાફરને જલદી બોલાવ્યો. તેણે જોયું કે શ્રીરામકૃષ્ણદેવનો દેહ થોડો નમેલો છે. જેવો તેને દેહને ઠીક કરવા સ્પર્શ કર્યો કે તરત જ જાણે કાગળનો નાનો ટુકડો હવામાં તરવા માંડે એમ ઠાકુરનો દેહ હવામાં તરવા લાગ્યો. તેને ખબર ન હતી કે સમાધિ અવસ્થામાં શરીર એટલું વજનહીન બની જાય છે. નરેન્દ્રનાથે બૂમ પાડીને જેમ છે, તેમ જ જલદી છબી લેવા કહ્યું. કારણ કે સમાધિ અવસ્થામાં કોઈને સ્પર્શ ન કરવો જોઈએ. શ્રીઠાકુરના મુખારવિંદ ફરતે જે અર્ધવર્તુળ દેખાય છે, તે બાબતમાં થોડા મતભેદ છે. કોઈ કહે છે કે સ્લાઇડ (ફોટોગ્રાફિક પ્લેટ) તૂટી ગઈ હતી, એટલે ફોટોગ્રાફરે એવી ડિઝાઈન કરી લીધી. કોઈ કહે છે કે ના, એવું નથી, જેમ હતું તે પ્રમાણે જ છબી છે. આ ત્રીજી છબી છે.

પછી જ્યારે શ્રીરામકૃષ્ણદેવે તે છબી જોઈ ત્યારે તેમણે સ્વયં કહ્યું, ‘અરે, આ તો બહુ ઉચ્ચ સમાધિ અવસ્થાની છબી છે. યોગસમાધિની અત્યંત ઉચ્ચ અવસ્થાની આ છબી છે.’

આ છબીની એક નકલ શ્રીરામકૃષ્ણદેવે પોતાના ઓરડામાં રાખી હતી. એક નકલ રસોઇયા પાસે હતી.  તે બહુ મેલી થઈ ગઈ હતી અને કાળી પડી ગઈ હતી. તે છબી રસોઇયો શ્રીમાને આપીને ગયો હતો. શ્રીમા દરરોજ એ છબીની જ પૂજા કરતાં હતાં. એક વાર શ્રીઠાકુર નોબતખાના તરફ આવ્યા અને જોયું કે શ્રીમાએ અન્ય દેવી-દેવતા સાથે એ છબી રાખી છે. પછી એ છબી મગાવી અને પોતાના હાથે જ પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રીમાને તે પાછી આપતાં કહ્યું, ‘આ છબી અત્યંત ઉચ્ચ અવસ્થાની છે. પછીથી તમે જોશો કે ઘર-ઘરમાં આ છબીની પૂજા થશે.’ શ્રીરામકૃષ્ણદેવના પોતાના આ શબ્દો છે.

આ છબીમાં એ બાબતે મતભેદ છે કે કોઈ માને છે કે આ છબી ૧૮૮૪માં લેવામાં આવેલ છે. કોઈને એ છબીમાં એવી ખામી લાગે છે કે શ્રીઠાકુરનો હાથ બરાબર નથી. (શ્રીઠાકુરને ફેબ્રુઆરી, ૧૮૮૪માં હાથમાં ફ્રેક્ચર થયું હતું.) પરંતુ મોટાભાગના લોકો માને છે કે આ છબી ૧૮૮૩માં જ લેવામાં આવી છે.

ત્યાર પછી પણ કેમેરા દ્વારા બે છબીઓ લેવામાં આવી હતી, પરંતુ એ બાબતે કોઈ વિશેષ માહિતી નથી. તેમાંની એક છબી જ્યારે શ્રીઠાકુરની મહાસમાધિ પછી તેમના દેહને કાશીપુર સ્મશાનઘાટે લઈ જવામાં આવ્યો હતો, ત્યારની છે, જેમાં ભક્તો ઊભા છે. ત્યારે શ્રીઠાકુરના દેહને નીચે રાખવામાં આવ્યો હતો. આ છબી બતાવવામાં આવતી નથી કારણ કે ભક્તો ક્યારેય પોતાના ઇષ્ટદેવને ‘તેઓ નથી રહ્યા’ એવું માનતા નથી અને બતાવતા નથી.

બીજી વાત છે, શ્રીરામકૃષ્ણદેવે પોતાના રક્તનું એકેએક ટીપું જગતના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું હતું, હાડ-ચામ સિવાય કશું જ બચ્યું ન હતું. એટલે ભક્તોને બહુ દુઃખ ન થાય તે માટે એ બે છબીઓ બતાવવામાં આવતી નથી. ઉપરોક્ત ત્રણ છબીઓ જ બહુ પ્રચલિત છે.

એક વાર નવગોપાલ ઘોષનાં ધર્મપત્ની નિસ્તારિણીદેવી શ્રીરામકૃષ્ણદેવને મળવા આવ્યાં હતાં. પરંતુ શ્રીરામકૃષ્ણદેવ મળી શક્યા ન હતા. તેઓએ તેમને એક છબી મોકલાવી કહ્યું હતું, ‘આનાથી જ સંતુષ્ટ રહો. આજે હું નહીં મળી શકું.’ પછી એક વાર તેમણે નિસ્તારિણીદેવીને કહ્યું હતું, ‘મેં તમને જે છબી આપી છે, તે ટ્રેનમાં જશે, જહાજમાં જશે, પ્રવાસ કરશે, દેશ-વિદેશમાં જશે, લોકો પોતાના પેન્ટના ખિસ્સામાં રાખશે, ગળાની ચેઈનમાં રાખશે.’ તેમની આ ભવિષ્યવાણી સાચી ઠરી છે. દૂર-સુદૂર આદિવાસી ગામોમાં પણ આ છબી મળી આવે છે.

એક સમયે રાહતકાર્ય માટે કેટલાક લોકો બાંગ્લાદેશ ગયા હતા. માર્ગમાં એક મુસલમાનને ત્યાં ચા પીવા ગયા હતા, ત્યાં શ્રીરામકૃષ્ણદેવની છબી જોવા મળી. તે મુસલમાનને કોઈએ પૂછ્યું, ‘આ કોણ છે?’ ઉત્તર મળ્યો, ‘ખબર નથી, પણ આ છબીમાં જે ચહેરો છે, તે અમારા પયગંબર સાહેબની યાદ અપાવે છે. એક કેલેન્ડરમાં હતો, તેમાંથી કાપીને મેં એ રાખ્યો છે. તેમને જોતાં જ અમને બહુ શ્રદ્ધા થાય છે. લાગે છે કે તેઓ અમારા પયગંબર હશે.’

અન્ય કોઈ સમયે સ્વામી અખંડાનંદજી પગપાળા તિબેટ ગયા હતા. ત્યાં કૈલાસ પાસે છેકરા નામની જગ્યા છે. ત્યાં એક જિપ્સી હતો. અખંડાનંદજી મહારાજ શ્રીઠાકુરની ઉપરોક્ત છબીની રોજ પૂજા કરતા. જ્યારે પેલા જિપ્સીએ મહારાજની બેગમાં તે છબી જોઈ અને જેવો હાથમાં લઈને એ જોવા લાગ્યો કે તરત જ એ અતિચેતનાવસ્થામાં ચાલ્યો ગયો. ઘણા સમય પછી તે સ્વસ્થ થયો ત્યારે તે બોલ્યો, ‘આ છબી મને આપી દો. આ છબી હાથમાં લઈને મને જેટલો આનંદ થયો છે, એવો ક્યારેય નથી થયો. પહેલાં મેં આવી સમાધિ અવસ્થા ક્યારેય નથી અનુભવી.’ સ્વામી અખંડાનંદજી પાસે એ એક જ છબી હતી. ‘આ છબીની હું કાયમ પૂજા કરું છું, એ મારો નિયમ છે,’ એમ કહી તેઓ તે છબી ન આપી શક્યા.

જે શ્રીરામકૃષ્ણદેવની બાબતમાં કશું જાણતા જ નથી, તેને પણ એ છબી જોતાં ખૂબ શાંતિ પ્રાપ્ત થાય છે. એક પગથી માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરી વિશ્વવિક્રમ સ્થાપનાર પદ્મશ્રી અરુણિમા સિન્હાએ માઉન્ટ એવરેસ્ટ પર શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામીજીની છબી મૂકી અને કહ્યું કે તેઓ જ મને માઉન્ટ એવરેસ્ટ લઈ ગયાં છે.

શ્રીરામકૃષ્ણદેવે કહ્યું તેમ માત્ર ઘર-ઘરમાં જ નહીં; જંગલમાં, ગામોમાં, સાતેય ખંડોમાં, પર્વતોની ટોચ પર, સમુદ્રમાં પણ એ છબી પહોંચી છે.

Total Views: 310

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.