સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે – ‘ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ વિશેનાં લખાણોના ગુજરાતી અનુવાદ વાંચવા હું પ્રેરાયો હતો. તે હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મને શ્રીરામકૃષ્ણ પરમહંસના વિચારોમાં ઊંડો રસ પડતો ગયો. તે લખાણોનાં પ્રગટ થતા દર્શનમાં તેમ જ તે લખાણોના વર્ણન તત્ત્વમાં મને ઊંચા કાવ્યતત્ત્વ જેવો કલાનંદ પ્રાપ્ત થયો હતો. પરિણામે એમના વિચારો-લખાણોમાં જ્યાં જ્યાં મને આવું ‘દર્શન વર્ણન’ યુક્ત કાવ્યતત્ત્વ જણાયું ત્યાં ત્યાં તેનો મુખ્યત્વે અનુષ્ટુપ છંદમાં અનુવાદ કરતો ગયો, ક્યારેક વળી વચ્ચે વચ્ચે ‘મિશ્રોપજાતિ’ જેવા છંદનો પ્રયોગ પણ થયો છે. ઘરગથ્થુ ઉદાહરણો તો શ્રીરામકૃષ્ણના જ. આમ એકંદરે લગભગ નવસો શ્લોકો રચાયા…. અધ્યાત્મવિદ્યાના નિરૂપણ માટે મેં ગીતાના જેવો જ ‘અનુષ્ટુપ’ પ્રયોજ્યો છે, જે આપણા ‘કાન્ત’ કુળના અનુષ્ટુપથી જુદી જ ક્ષમતાવાળો અને હૃદ્ય લાગશે એવી મને શ્રદ્ધા છે.’ પદ્યમાં લખાયેલ આ અમૂલ્ય ઉપદેશામૃત વાચકોને ગમશે તેવી આશાથી રજૂ કરીએ છીએ. – સં
રોમાંચ રામના નામે, આંસુ આનંદના દગે
થાય ત્યારે જ કર્મોનો ત્યાગ નિશ્ચે, પ્રમાણવું. ૧
આપોઆપ જ કર્મો ત્યાં છૂટી જાય, રહે પછી
રામનામ તણો માત્ર જાપ મુખે અને મને ૨
સંધ્યાદિ નિત્યકર્મોનો લય ગાયત્રીને વિશે
પછી ગાયત્રીએ પોતે ૐ કારે શમી જાય છે. ૩
શકે છે. કર્મ શબ્દોમાં શબ્દ શમેં પ્રશાન્તિમાં
ૐ કાર માત્ર ન્હૈં શબ્દ, ૐ કાર શબ્દ બ્રહ્મ છે. ૪
નીરમાં ગલને નાંખી માછીમાર યથા તીરે
એકચિત્તે થઇ બેસે મત્સ્યાર્થે એમ સાધુયે ૫
સંસાર નદીને આરે, ગલમાં ભાર લાગતો
હાલે દોરી જરી ક્યારે જુએ આતુર એ ભણી ૬
નિરાકારેય છે. એજ, સાકાર પણ એ જ છે
ઉભયે સત્ય છે કાંઠે સત્તા એકજ ના બીજું ૭
મૂર્તિમાં કાપ્ટપાષાણ લોહ જોનાર – ના છૂટે
મૃણ્મય ચિન્મયાકારે જોનારો છૂટી જાય છે ૮
સર્વ આ સર્જ્યું છે જેણે એનું આવાસ્ય આ બધું
જડે ચૈતન્ય છે ‘પૂજ્ય’, જડપૂજા કનિષ્ઠ છે ૯
માત્ર ભાષણબાજીથી, બીજાને જ સુધારવા
કશું ના નિજને કહેવું – એ તો કેવળ ગંડુતા ૧૦
જેણે આ જગ જન્માવ્યું. નક્ષત્ર ગ્રહમંડિત
મનુષ્ય, જીવ ને જંતુ સૌને પોષણ સાધન ૧૧
પોષવા પાલવા માટે માબાપ, અમને કિયાં
હૈયામાં હેત મૂક્યું ને; સ્તનોમાં દૂધ એ નહીં ૧૨
કરશે કેકરશી આટલું આશું? એ જ એને સુધારશે
આપશે જ્ઞાન જાતે જ અંતર્યામી અવશ્ય એ ૧૩
અરૂપ-રૂપ આકારો એના ઉપાસના પથો
નાનાવિધ રીતે એણે સર્જી જાતે જ વિધિઓ ૧૪
બહુસંતાન માતા કો યથા સંતતિને નિજ
પોષણક્ષમતા એની પ્રમાણી એ જ વહાલથી ૧૫
ચોખાની પાય છે કાંજી, કોને બિરંજ, ખીચડી
એમ એણે જ વાત્સલ્યે, યથાયોગ્ય પથો રચ્યા ૧૬
એનું નામ અને ગાન ત્રીજું સત્સંગ સાધુનો
કર્યાથી આટલું ચિત્ર વળે છે ઇશની પ્રતિ ૧૭
સંસારે વિષયે સૌખ્યે રાતદિન રચ્યા પચ્યા
રહો તો ના કદાપિ યે વળે ચિત્ત પ્રભુ ભણી ૧૮
વારંવાર ઘરે જાવું અંકાન્તે ઇશ ચિંતને
આરંભે આ ઉવેખ્યું તો મનોનિગ્રહ દુષ્કર ૧૯
ન્હાને છોડ ઘટે વાડ, નહીં તો ગાય બોકડાં
ચાવી જાય; થતાં વૃક્ષ ઊંટે ઉન્મૂલી ના શકે ૨૦
અસત્ છે ને અનિત્ય છે સર્વ એક જ ઈશ્વર
સત્ય છે – નિત્ય છે એમ ધ્યાયે વૈરાગ્ય સંભવે ૨૧
અનિત્યે આમ વૈરાગ્ય ધારી સંસાર સેવવો
યથેચ્છ ગતિ કુંડાળે ગાંઠ કેવળ કેન્દ્રથી ૨૨
ભજ્યો એક અને જ, સાચો એક જ એ સગો
અન્ય જે એહને સેવે, આત્મીય એ જ આપણાં ૨૩
સેવે ભલે કિંકરી હર્મ્સ શેઠનો ને શેઠનાં શિશુ કને નિજ જેમ ચાહે
પરંતુ આ શેઠ દીધો પ્રસાદ લૈ વ્હેંચે ઘરે જૈ નિજ બાળને જ. ૨૪
ઘૂમે ભલે કાચબી ખાદ્ય શોધવા ઊંડા જળે, ચિત્ત પરંતુ એહનું
કાંઠેજ, જ્યાં અંડ મૂકેલ – એ રીતે સંસારમાં વરતવું ઈશ્વરસ્ય ૨૫
જો કાપવું ફણસ હાથ અગાઉથી જે કર્યા ઘટે તેલથી સ્નિગ્ધ, ચીકણા;
તથા પ્રભુપ્રેમનું તેલ ચોળીને સંસારના ભોગવટે સલામતી ૨૬
એકાંતે જ દહીં જામે દૂધને સ્થિર રાખતાં
પછી માખણની પ્રાપ્તિ, કંપ્યે દૂધ, ન લખ્યૈ કૈં ૨૭
સંસાર જળના જેવો, ચિત્ત આ દૂધના સમું
ભળે જો દૂધ ને પાણી, દૂધ છૂટું પડાય ના ૨૮
દધિ જો દૂધમાંથી ને તેમાંથી નવનીત જો
બનાવ્યું હોય જો નિત્ય જળે મૂક્યું તર્યા કરે ૨૯
તે રીતે જ્ઞાનભક્તિનું પ્હેલાં માખણ મેળવી
પછી સંસારવારિમાં અલિપ્ત તરવું સુખે ૩૦
પ્રભુ પ્રાપ્તિ
થઇ આકુળવ્યાકુળ એને બોલાવવાં ઘટે
કાંચનકામિનીથી યે વધુ ઉત્કંઠ સાદથી ૩૧
સ્ત્રી માટે પુત્રને માટે સારે આંસુ ઘડો ભરી
શ્રી માટે આંસુનું પૂર – પોતે વ્હૈ જાય એટલું ૩૨
કોણ એવું પ્રભુ કાજે કરે છે? કોઈએ નહીં;
કરે તો એ ઊભો થૈને સામો આવી સ્વયં મળે ૩૩
પ્રભુવ્રેહથી વ્યાકુળું ચિત્ત, તે અરુણોદય
તે પછી સૂર્ય ઊગે છે, એમ ઈશ્વર દર્શન ૩૪
વિષયે વિષયી કેરું સંતાને જનની તણું
સતી કેરું પતિ પ્રત્યે ઘટે ત્રેવડું ઇશમાં ૩૫
આવડે મ્યાઉંમ્યાઉં જો બચ્ચાં શું – મા બિલાડી તો
આવશે જ ક્યહીંથી યે – લેશે સંભાળી શાવને ૩૬
મોંથી એ ઊંચકી લેશે, ઘેરે ઘેર લઈ જશે
ભોંયે કિંવા પથારીમાં કોની દેશે સુવાડીયે ૩૭
ભૂખ્યું થાતાં ગમે ત્યાંથી સાંભળી મ્યાઉં શાવનું
આવતીક ઊભી રહેશે – મ્યાઉં આવડવું ઘટે ૩૮
પ્રકારો જીવના ચાર સંસારે પ્રભુ સંભવ્યા
મુમુક્ષુ બદ્ધ ને મુક્ત ચોથો તે નિત્ય જીવ છે ૩૯
વિષયસુખમાં લીનને જે વિસ્મતા વિભુ
સ્મરે ના ઇશને કોદી બદ્ધ તે જીવ જાણવો ૪૦
જેઓ મુક્ત થવા ઇચ્છે સંસારસરણિ થકી
એ છૂટે વા નયે છૂટે – મુમુક્ષ જીવ જાણવો ૪૧
જેઓ કાંચન કાન્તાથી લોભાયા વિણ સંચરે
એવા સાધુ મહાત્માને મુક્ત જીવ પ્રમાણવો ૪ર
એને ના વાસના કોદી વિષયે થતી જાગ્રત
રહે છે જેમનું ચિત્ત નિત્યે ઇશપદાબ્જમાં ૪૩
પાથરી જાળ પાણીમાં બેઠો છે માછી તો તટે
ત્યાં જે મત્સ્ય ન ઢૂંકે તે નિત્યજીવ પ્રમાણવો ૪૪
આવા નારદ શા અલ્પ સંસારે સરતા જીવો
પ્રવર્તે પૃથ્વી લોકે આ સર્વ ભૂત હિતે રત ૪૫
થોડી માછલીઓ જાળે ભૂલેચૂકે ફસાય તે
ને જે થોડી જતી નાસી, મુમુક્ષુ જીવ જાણવા ૪૬
મોટા ભાગની તો એવી જાળથી છટકે નહીં
તળાવ તળિયે જાળે કર્દમે જ ખૂંચી રહે ૪૭
મૂંગી મૂંગી મઝા માણે કશા નિર્ભય ભાવથી
ખેંચશે હમણાં માછી એ જાણો બદ્ધ જીવના ૪૮
વિષય સૌખ્યમાં ડૂબ્યા ગળાબૂડ રહે અને
એમ ધીમે ધીમે આવા બદ્ધ પામંત મૃત્યુને ૪૯
સ્મરે ના પ્રભુને કિંતુ છેક છેલ્લી ઘડી સુધી
છેક છેલ્લી પળે એનું બાંધ્યું રહે ભોગમાં મન ૫૦
સંસારે બદ્ધ જીવની મુક્તિ માટે ઉપાયમાં
સાધુ સત્સંગ, એકાંતે પ્રાર્થના ધ્યાન રીત છે ૫૧
વિચાર સદસત્ કેરો વિવેકે કરવો સદા
પ્રાર્થના કરવી નિત્યે ‘શ્રદ્ધા ભક્તિ દિયો મને’ પર
એક વાર મળી શ્રદ્ધા બીજું શું પછી જોઇએ?
સંસારે નથી શ્રદ્ધાથી ચઢે એવું કશું બીજું ૫૩
રામનામ વિશે શ્રદ્ધા રામથીય મહત્તર
રામનામે હનુમાન ઓળંગ્યા ભવસિંધુને ૫૪
આવો જીવ-યથા હોમા પંખિણી નભમાં ઊંચે
મૂકે ઇંડા – પડે ઇંડા નીચે વચ્ચે જ ફૂટતાં ૫૫
પ્રસવે શાવ શોચે ‘અહો કેવી ઊંચાઇથી
પડીએ! પૃથ્વીની સાથે ટીચાતાં જ જશુ મટી’ પ૬
એથી યે અધવચ્ચેથી સંભાળી લે દશા નિજ
અને એ ઊડવા માંડે ઊંચાં માતા કને પુનઃ ૫૭
અને એ ઊગરી જાય ઊંચી જાત વિહંગથી
આકાશી, ભોંયે ના સ્પર્શે; વિષયે એમ સાધુઓ ૫૮
આમ તો પ્રભુને જીવો સૌ સમાન, પરંતુ ત્યાં
જીવોમાં માનતી શ્રેષ્ઠ, મનુષ્યો માંય સાધુઓ પ૯
યથા પ્રસાદ શ્રેષ્ઠીનો આખો એનો, પરંતુ તે
રહે દીવાનખાનામાં ઝાઝું ન અન્યમાં ૬૦
એમ ઈશ્વરનો વાસ બધે સ્થાવર જંગમે
પ્રાણીમાત્ર વિશે રહે તે સંતના હૃદયે વધુ ૬૧
બ્રહ્મ એક જ છે જેને જ્ઞાની જ્ઞાન વડે ગ્રહે
પરમાત્મા કહે યોગી, ભક્ત કહે ભગવાન એ ૬૨
વિપ્ર પૂજા કરે ત્યારે પૂજારી નામ ધરતો
વિપ્ર ભોજન રાંધે તો કહેવાય રસોઈઓ ૬૩
‘નેતિ નેતિ’ કહે જ્ઞાની, આ નહીં, આ નહીં કહી
બાદબાકી કરી અંતે બ્રહ્મ તત્ત્વ ક્રમે શમે ૬૪
આ નથી તે નથી બ્રહ્મ, બ્રહ્મ ના જીવ ને જગત્
ગાળી ચાળી બધું એમ અંતે બ્રહ્મ જ શેષ રહે ૬૫
મન સ્થિર થતું એમ બ્રહ્મમાં લય પામતાં
ગ્રહે જીવ સમાધિની સ્થિતિને, બ્રહ્મજ્ઞાન એ ૬૬
‘બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા’ જ્ઞાનીની સત્ય ધારણા
‘નામરૂપ’ બધું સ્વપ્નું; બ્રહ્મતત્ત્વ અવાચ્ય છે ૬૭
અદ્વૈતવાદ જ્ઞાનીનો, ભક્તનો મત જૂજવો
જગત્ સ્વપ્ન નથી તેને, જગત્ ઐશ્વર્ય બ્રહ્મનું ૬૮
જીવજંતુ – ગ્રહો તારા આકાશ – પૃથ્વી પાર્થિવ
પર્વતો ને સુમદ્રો ય, અંતર બાહ્ય બધું જ એ ૬૯
ઇશાવાસ્ય બધું યે આ જગત્ – સ્થાવર તત્ત્વ સૌ
એક એ જ જણાયે છે જૂજવાં નામરૂપમાં ૭૦
ભક્ત તો રસનો ભોક્તા, રસોનો રસ એ જ છે
શર્કરા માણતી કીડી શર્કરારૂપ ના સ્વયમ્ ૭૧
ભજે છે પ્રભુને ભક્ત દાસ્ય, વાત્સલ્ય, સખ્યથી
કહી ‘પૂર્ણ પ્રભુ, આપ – તમારો અંશ માત્ર હું’ ૭૨
પૂર્ણ બ્રહ્મત્વ તે હું ના – અપૂર્ણ પૂર્ણને ભજે
જ્ઞાનીથી દ્વૈતને ભાવે, ભક્ત આમ જુદો પડે ૭૩
યોગી તે યોગને માર્ગે જોડે છે જીવ બ્રહ્મ શું
આત્માનું પરમાત્માશું જોડાણ એ જ યોગ છે ૭૪
વિષયો માત્રથી વાળી યોગી લે મનને નિજ
જોડી દે પરમાત્માથી એકાંતે ધ્યાન આદિથી ૭૫
આમ એક જ વસ્તુ તે ધારે છે નામ જૂજવાં
જ્ઞાની બ્રહ્મ, પ્રભુ ભક્ત યોગી કહે પરમાત્મ એ ૭૬
વેદાન્તી બ્રહ્મ જ્ઞાનીઓ સ્વપ્નવત્ ગણતા જગત્
કહે બ્રહ્મ જ છે સત્ય અવસ્તુ સ્વપ્ન – શક્તિ યે ૭૭
પરંતુ ના સમાધિ જો ‘દૃશ્ય’ બ્હાર ગયા વિના
સત્ય સાક્ષાત્કૃતિ નાહીં – ‘હું શોચું’ એય હું પદ ૭૮
બ્રહ્મને શક્તિમાં ભેદ છે નહીં એમ વેદ કહે
દાહક શક્તિ અગ્નિમાં રહે એવો જ અભેદ આ ૭૯
બ્રહ્મમાં શક્તિનો વાસ, અવિનાભાવથી રહ્યો
એક વિના બીજા કેરો ઉલ્લેખ જાય ના કહ્યો ૮૦
બ્રહ્મ એ શક્તિ આધારે સૃષ્ટિ સ્થિતિ વિનષ્ટની
રચે લીલા મહાશક્તિ, જગન્માતા લીલામયી ૮૧
વિના શક્તિ નર્યું બ્રહ્મ એકલું કશું ના કરે
નિષ્ક્રિય શક્તિ તે બ્રહ્મ, સક્રિય બ્રહ્મ, શક્તિ છે ૮૨
નહોતી સૃષ્ટિની ઉત્પત્તિ, પૃથ્વી ન્હોતી, ન’તું નામ
ગાઢ અંધાર વ્યાપ્યો’તો હતી કાલી જ એકલી ૮૩
મહાકાળની સંગાથે એકાકિની વિરાજતી
પ્રલેકાળે નવી સૃષ્ટિ કેરાં બીજ બચાવી લૈ ૮૪
ગૃહિણી ઘરરખ્ખુ કો યથા કામની વસ્તુઓ
ઘડામાં સંઘરી રાખે પોટલી બાંધી ચીંથરે ૮૫
વડીઓ, કાચબીઓને સમુદ્રફીણ કાચબી
દૂધી ભીંડા તણાં બીજો તજ-સૂંઠ-મરી તથા ૮૬
હજારો નાની નાની કૈં રક્ષે કાળજીથી ચીજો
ખપ કાજે ખરે ટાણે ગૃહિણી તેમ શક્તિ યે ૮૭
આદ્યશક્તિ – જગન્માતા જગે છે ને જગત્પરા
પ્રસવે આપથી વિશ્વ, વિશ્વમાં એ જ રહે પુનઃ ૮૮
ઊર્ણનાભ યથા કોઈ જાળું આપ થકી સૃજે
પોતે પાછો રહે જાવે – આધેયાધાર બેય એ ૮૯
કાલી રંગે નથી કાળી; આછું આભ નીલું યથા
પાસે જૈ દેખતાં એનો પોતાનો કો ન વર્ણ છે ૯૦
દૂરથી જળ સિંધુનું ભૂરું સ્યાહિ સમ દીસે
લઇને પોશમાં પીતાં એનો કોઈ ન વર્ણ છે ૯૧
એ જ માયામયી માતા, એ જ લીલામયી નારી,
જીવને એ જ બાંધે છે – જીવ વિમોચનીય એ ૯૨
આ સંસાર લીલા એની એ જ ઇચ્છામયી વળી
સદાનંદમયી એ જ, એ જ છે મોક્ષદાયિની ૯૩
બંધમોક્ષ ઉભે એની લીલા, ઇચ્છા જ એહની
કર્મમાં જોડતી કોને, કોને કર્મથી છોડતી ૯૪
પૂંઠેથી આવીને આંખ દાબ્યા કેરી ક્રીડા મહીં
એનઘેન દીવાઘેન મનમાં કોણ છે તવ ૯૫
અને જો દઇ દે નામ ખરું તે દાવથી છૂટે
ખરું જો નામ ના દે તો દાવના ચક્કરે પડે ૯૬
રખે છે એમ મા શકિત નિજની સંતતિ સહુ
દાવથી સૌ છૂટી જાયે – ક્રીડાની તો મઝા કશી? ૯૭
આંખના મીંચકારાથી એણે જ કહ્યું આત્મને
‘જા.. જૈ ને માંડ સંસાર’, હવે શો દોષ જીવને? ૯૮
એ જ પાછી ક્રીડા અન્તે ક્રીડાથી સંહરી લિયે
મનની વૃત્તિને; ત્યારે ક્રીડા થાકેલ કો શિશુ ૯૯
સંધ્યાકાળે ઘરે જાતું – માને ખોળે જતું પડી
ક્રીડા શું કશું ક્યારેય જાણે એનું હતું નહીં ૧૦૦
ક્રીડા સંચાલવા ઓછીવત્તી પત્તાની વ્હેંચણી
રમ્યામાં રસ શો લૈ લે પત્તા જો કોઈ બાવને? ૧૦૧
Your Content Goes Here





