* એ પછીના સમયનાં તેમજ ઉપર્યુક્ત સમયગાળા વચ્ચેનાં અપ્રકાશિત નોંધ-ટાંચણો ‘શ્રીરામકૃષ્ણદેવેર અત્યંતલીલા’માં સ્વામી પ્રભાનંદજીએ પ્રકાશિત કર્યાં છે. જેનો ગુજરાતી અનુવાદ ટૂંકસમયમાં પ્રકાશિત થશે. – સં

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના અમૂલ્ય ગ્રંથ વિશે અક્ષર પાડતાં ડર લાગે છે કારણ, એમાં જોખમ છે; ને તે પણ એક નહિ, અનેક. ‘કથામૃત’ના લેખક શ્રી ‘મ’ (મહેન્દ્રનાથ ગુપ્ત) સાહિત્યકાર ન હતા, શાળાના આચાર્ય અને પછીથી, કોલેજના અધ્યાપક હતા. આવું કશું લખવાનો એમનો ઇરાદો પણ ન હતો. કલકત્તા યુનિવર્સિટીમાં બી.એ.ની પરીક્ષામાં ત્રીજો નંબર મેળવનાર, સત્તાવીસ વરસનો, વિશાળ વાચનવાળો, યુવાન વયે જ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળાના આચાર્યપદે વરણી પામનાર જુવાન, દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ પરમહંસને એ મળ્યા અને એ અલ્પશિક્ષિત, ગામઠી બોલી બોલતા શ્રીઠાકુરના અસાધારણ પ્રભાવ હેઠળ આવીને, જાણે કે, શ્રીરામકૃષ્ણની ભૂરકીનો ભોગ બની ગયો. ઠાકુર સાથેની થયેલી વિધિસરની પહેલી-૨૬મી કે ૨૮મી માર્ચ ૧૮૮૨ની – મુલાકાતથી જ માસ્ટર અસાધારણ રીતે પ્રભાવિત થઈ ગયા હતા.

માસ્ટરની એ મુલાકાત પહેલાંથી માસ્ટર શ્રી રામકૃષ્ણનાં નામકામથી પરિચિત હોવાનો પૂરો સંભવ છે. આગલી સાંજે, સને ૧૮૮૨ના માર્ચથી ૨૬મી તારીખે માસ્ટરે શ્રીઠાકુરની અલપઝલપ મુલાકાત લીધી હતી ત્યારે સંધ્યાકાળ વીતી ગયો હતો, સંધ્યા આરતીની ઝાલરો રણઝણી રહી હતી, મંદિરોની દીપમાળાઓના દીવાની શગોનાં પ્રતિબિંબ ગંગાના પ્રવાહ પર નાચી રહ્યાં હતાં ત્યારે, શ્રીઠાકુરના ઓરડાનાં બંધ કમાડ ઉઘાડી માસ્ટર અંદર દાખલ થયા ત્યારે ભલે શ્રીઠાકુર જાગ્રત અને તુરીય અવસ્થાના સંધિકાળે ઊભા હતા અને કશી લાંબી વાત કરવા અસમર્થ હતા, પણ એ દર્શનની પહેલાં, એ ઓરડામાંથી ચિક્કાર ભક્તમંડળીપાસે શ્રીઠાકુર મુખે ઉચ્ચારાતાં વચનો પોતાને કાને પડતાં, માસ્ટરને તેમાં ‘શુકદેવની વાણી’ સંભળાઈ હતી. એમનું આ કથન દર્શાવે છે કે એ શ્રીરામકૃષ્ણનાં નામકામથી તદ્દન અપરિચિત ન હતા. પોતે અગાઉ શ્રીઠાકુરને જોયા સાંભળ્યા હોત તો, એ વાત એમણે ચીંધી હોત. 

એમની મુલાકાતોને આવરી લેતો સમય ગાળો સાડા ચાર વર્ષનો, માર્ચ ૧૮૮૨ થી ઓગસ્ટ ૧૮૮૬ સુધીનો થશે. આપણા દુર્ભાગ્યે માસ્ટરનાં ટાંચણો ૧૮૮૬ના એપ્રિલની ૨૩મી તારીખે વિરમી જાય છે, ત્યારથી તે ઓગસ્ટની ૧૬ તારીખ સુધીના ગાળાનું ટાંચણ ઉપલબ્ધ નથી.* ઉપલક દૃષ્ટિએ જોઈએ તો, આ ટાંચણો ડાયરી રૂપમાં છે. જે જે તારીખે માસ્ટર મહેન્દ્રનાથ ગુપ્ત શ્રીઠાકુરને મળ્યા તે તે તારીખની ઘટનાઓની નોંધો માત્ર આ છે. રોજનીશીના પ્રકારના આ લેખનનું પણ સાહિત્યિક મૂલ્ય છે. અનેક ભાગોમાં પ્રસિદ્ધ થયેલી ‘મહાદેવભાઈની ડાયરી’ તેનો મોટો પુરાવો છે. બંને વચ્ચે સામ્ય છે. મહાદેવભાઈની ડાયરીના નાયક ગાંધીજી છે; અહીં પૂજ્ય શ્રીઠાકુર છે. માસ્ટર મહેન્દ્રનાથ અને મહાદેવભાઈ પોતાની જાતને સંકોચનાં, શરમનાં, પ્રસિદ્ધિમોહના સદંતર અભાવનાં, નિ:સ્પૃહાનાં એમ અનેક ઘનઘોર વાદળોથી આચ્છાદિત રાખવાના પ્રયત્નમાં મંડ્યા રહે છે.

‘કથામૃત’નો ઉઘાડ જુઓ, કશા મોંમાથા વિના, કશી પૂર્વભૂમિકા વિના, આડંબરના કશાય વાઘા વિના, માસ્ટર પોતાની વાતની માંડણી કરે છે. સર્વત્ર તારીખ વાર બાબત ચોક્કસ માસ્ટરે એ મુલાકાતની તારીખ નોંધ નથી પણ, ૨૬મીને રવિવારે સાંજે લીધેલી અલપઝલપ મુલાકાતને સમયે એમણે કહ્યું હતું કે, ‘કાલે કે પરમ દિવસે આવીશ’, એટલે, તા. ૨૭ કે ૨૮ની સવારની આ મુલાકાતનું વર્ણન, ચિત્તાની જેમ સીધું વિષયવસ્તુ ઉપર, હજામત કરાવા બેસતા શ્રીઠાકુરના વર્ણન ઉપર ત્રાટકે છે.

પછી કેશવ સંબંધી, પ્રતાપના ભાઈ સંબંધી અસંબદ્ધ લાગે તેવી, વાતને માટે કરાતી વાત પછી, કોઈ પણ યુવાનને પુછાય તેવો પ્રશ્ન માસ્ટરને પૂછે છે : ‘તમારાં લગ્ન થયાં છે?’ અને ‘હા’નો જવાબ સાંભળી શ્રીઠાકુર ચોંકી જઈ પોતાના ભત્રીજા રામલાલને લહેકાથી કહે છે, ‘જો, લગન પણ કરી નાખ્યું છે,’ તેથી આશ્ચર્યચકિત થઈ માસ્ટર નીચી મૂંડી કરી નાખે છે. પોતે બાળકોના બાપ છે, એમ શ્રીઠાકુરને કહ્યા પછીનો શ્રીઠાકુરનો પ્રતિભાવ તિરસ્કારછલોછલ છે. માસ્ટરના અહંકારને જબરી ઠેસ વાગે છે. વાત આગળ ચાલે છે.

શ્રીઠાકુર આગળ સવાલ પૂછે છે: ‘વાહ, તમારી પત્ની કેવી છે? વિદ્યાશક્તિ કે અવિદ્યાશક્તિ?’

માસ્ટરનો ઉત્તર : ‘જી, ઠીક છે. પણ અજ્ઞાની.’

‘અને તમે જ્ઞાની!’ માસ્ટરના ઉત્તરથી નારાજ થયેલા શ્રીઠાકુર ગોફણનો ઘા કરે છે. માસ્ટરનું અભિમાન એ સચોટ ઘાએ ફરી ઘવાય છે. પણ, કાચની આરપાર આપણે જોઈએ તેમ માણસની આરપાર જોઈ શકતા શ્રીઠાકુરના શબ્દો, ‘જુઓ, તમારાં ચિહ્‌નો સારાં છે. હું કપાળ, આંખ એ બધું જોઈને સમજી શકું’ – આ શબ્દોએ માસ્ટરના હોશકોશ ઉડાડી નથી દીધા.

પોતાની ટીકાનું અને પોતાના જેવી સુધરેલી જમાતની લેક્ચરબાજીની ટેવની ટીકાનું આવું યથાતથ આલેખન કરી, કોલકત્તા યુનિવર્સિટીમાં ઉચ્ચશિક્ષણ પામેલા, જાતને બહુશ્રુત માનતા મોડર્ન જુવાન અને લગભગ નિરક્ષર પણ અક્ષરની કૃપા પામેલા એ સરળ ગામોટ વચ્ચેનું અંતર નિ:સંકોચપણે માસ્ટરે દર્શાવ્યું છે. ‘એ શરમાળ છોકરી જેવો છે, એનામાં ગાવાની હિંમત નથી, એ સાલો નાચતો નથી..’ ‘માવતરની ગાળ એ ઘીની માળ’-સમાં, માનીને શ્રી માસ્ટરે શ્રીઠાકુરનાં અનેક વાક્યોને શિસાવંદ્ય ગણ્યા છે.

એમના આ સ્પષ્ટ વક્તૃત્વને કશી સીમા નથી. અનેક વેળાએ વાતો કરતા શ્રીઠાકુરનું ધોતિયું સરી પડે કે એ સરી પડેલા ધોતિયાને બગલમાં પકડી શ્રીઠાકુર ઊભા હોય તો એ ઉલ્લેખ કરવાનું માસ્ટર ટાળતા નથી. મનન-ચિંતનની વાત કરતા હોય એટલી તટસ્થતાથી પશુપ્રાણીઓના કે મનુષ્યોના સંભોગનો ઉલ્લેખ પોતાની કોઈ વાતની પુષ્ટિ તરીકે કરતા હોય ત્યારે, માસ્ટરે પોતે આછો મલકાટ અનુભવ્યાનો ઉલ્લેખ એ ટાળતા નથી. આમ પોતાની જાતને ‘જ્યોંકિ ત્યોં ધર દીની ચદરિયાં’ની જેમ માસ્ટર પણ પોતાની જાતને ‘જ્યોંકિ ત્યોં’ ધરી દે છે.

શ્રીઠાકુર પ્રત્યે માસ્ટરને આદરભાવ છે જ. એ ગુરુભાવની સીડી ચડે છે ને પછી અવતારભાવની અગાશીએ  પહોંચે છે. આ સીડીનું પ્રત્યેક પગથિયું શ્રીઠાકુરના મુખભાવના વર્ણન દ્વારા, સમાધિદશાની ચોટદાર માંડણી દ્વારા, શ્રીઠાકુરની જ સરળ બાનીના પડઘા દ્વારા માસ્ટર વાચકોને એવું તો જડબેસલાક સ્પષ્ટ કરી આપે છે કે વાચક વાચક મટી, દક્ષિણેશ્વરના એ આનંદબજારની લીલા પ્રત્યક્ષ નિહાળતો થઈ જાય છે. ગંગાતટને એ પવિત્ર ઓરડે, બલરામને ઘેર, મણિ મલ્લિકના બ્રાહ્મસમાજના ઉત્સવમાં, અધરને આંગણે, વિદ્યાસાગરને નિકેતને, કેશવચંદ્ર સેન અને વિજય ગોસ્વામી સાથે સ્ટીમરની સહેલ માણતા અને બંને વચ્ચેના મતભેદને મજાકભર્યા દૃષ્ટાંતથી મિટાવતા, કેશવની કમલકુટિરે, બલરામને ત્યાં, ગિરિશની નાટકશાળા સ્ટાર થિયેટરમાં.. એવાં અનેકવિધ દૃશ્યોની વચ્ચે, લોકોથી સદા ઘેરાયેલા છતાં લોકોથી અલિપ્ત, પોતાના ભાંગેલા હાથની પીડાના ધ્યાનમાં પ્રીત પણ એથીયે વધારે પરમાત્મામાં પ્રીત શ્રીરામકૃષ્ણની વિવિધ ચેષ્ટાઓ, એમનાં વિવિધ દૃષ્ટાંતો, વેદાંતની ગહનતમ વાતોને ઘરગથ્થું દૃષ્ટાંતોથી હાથમાંના ચણીબોરની માફક સરળ અને સુગ્રાહ્ય બનાવી દેતા માસ્ટર આપણને જાણે કે એ દિવ્યપુરુષ શ્રીઠાકુરની સન્મુખ ખડા કરી દે છે.

અઢારમી સદીમાં ઈંગ્લેન્ડમાં મહાન સાહિત્યકાર જ્હોનસનની સંનિધિમાં બેસી, ઝીણવટભરી રીતે જ્હોનસનના પ્રત્યેક ક્રિયાવ્યાપારને અને એના બોલેબોલને ઝીલી તેનું આલેખન કરનાર બોઝવેલના જેવું આ માસ્ટર કૃત્ય છે. પોતે સ્કોટ હોવા બદલના જ્હોનસનના કટાક્ષો બોઝવેલે નોંધ્યા છે તે જ રીતે, શ્રીઠાકુરની પોતાના વિશેની ટીકાટિપ્પણીને માસ્ટરે નોંધી છે. આ ટીકાટિપ્પણ છતાં માસ્ટર શ્રીઠાકુર પાસે જવા કેટલા આકર્ષાયા છે તે અફીણ ચાખ્યા મોરના નિયમિત આગમનના દૃષ્ટાંત દ્વારા માર્મિક રીતે ઠાકુર સમજાવે છે. એ રીતે એ અફીણના બંધાણી બની નિયમિત દક્ષિણેશ્વર જતો મોર માસ્ટર એકલા નથી. મનમોહન મિત્ર અને રામચંદ્ર દત્ત, પછીથી એમના મિત્ર સુરેન્દ્ર મિત્ર, અધર સેન, બીજા અધર, મણિ મલ્લિક, બલરામ અને એમનાં કુટુંબીજનો, ગોપાલની મા અને ગોલાપ મા, યોગિન મા અને ગૌરી મા, ગૌરી પંડિત, વિજય ગોસ્વામી, ગોપાલ, લાટુ, રાખાલ, નરેન, તારક, શશી, શરત, કાલી, હરિ, શારદાપ્રસન્ન, નાગ મહાશય, અને બારેક વર્ષનો પૂર્ણ… આ યાદી કંઈ પૂરી નથી. આ બધા જ મોરલાઓ દક્ષિણેશ્વરમાં કેફ કરવાને આવતા પણ એ અફીણ માળવામાં ઊગતું અને રજપૂતોના કસુંબામાં ઘૂંટાતું અફીણ ન હતું. એ હતું માનવજીવનમાં મંગલ પરિવર્તન લાવનારું, ઊર્ધ્વ દિશાએ લઈ જનારું, જગતને વીસરાવી અધ્યાત્મની ટોચે લઈ જનારું ‘પ્રેમ પદારથ’નું (કેટેલિસ્ટ) અફીણ. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના ત્રણ ભાગનાં ૧૧૭૯ પૃષ્ઠો એ આધ્યાત્મિક અફીણથી તરબતર છે.

કેશવચંદ્ર સેન અને શ્રીરામકૃષ્ણની પહેલી મુલાકાત ૧૮૭૫માં થઈ હતી. માસ્ટર ત્યારે વીસેક વરસના જુવાન. એ સમયે એ કેશવનાં બહેન નિકુંજબાળા સાથે લગ્નગ્રંથિથી નહિ જોડાયા હોય? બ્રાહ્મસમાજના સભ્ય નહિ બન્યા હોય? એ વેળાએ જ એ શ્રીરામકૃષ્ણને મળ્યા હોત તો અમૃતનો કટોરો કેટલો બધો મોટો હોત? પણ ‘આમ થયું હોત ને તેમ થયું હોય’, તે વિશે બળાપો કરવાનો કશો અર્થ નથી.

૧૮૮૨ના માર્ચની મુલાકાત પણ માસ્ટરે માગી ન હતી. એ દેવનિર્મિત હતી એમ કહેવું વધારે ઠીક થશે. માસ્ટર પોતે ખૂબ સંવેદનશીલ સ્વભાવના માણસ હતા, લજામણીના છોડ જેવા. એમનાં માતા અવસાન પામ્યાં હતાં અને, પિતા તથા બીજા ભાઈઓ કે એકાદભાઈ – સાથે સંયુક્ત કુટુંબમાં એ રહેતા હતા. ઘરમાં હાંડલાં રોજ ખખડતાં. એમનાં પત્નીને કદાચ પોતાના પિયરનું ગુમાન પણ હોય. જે કારણ હોય તે. પણ ફેબ્રુઆરીની ૨૫મીની રાતે ઘરમાં કંઈ રાઈજંગ મચ્યો હશે અને કોઈએ કંઈ આકરાં વેણ કહ્યાં હશે એટલે ડહોળાએલા દરિયા જેવા વ્યથિત ચિત્તે રાતે ૧૦ને સુમારે એમણે ગૃહત્યાગ કર્યો. પત્ની નિકુંજને પતિના મનોભાવથી ચિંતા થઈ હશે એટલે એ પણ, માસ્ટરને પગલે ઘરની બહાર નીકળી પડી. એના વરના હૈયામાં ઘમસાણનો દાવાનળ ભડભડ બળતો હતો અને એનું ચિત્ત વ્યથાથી વલોપાત કરતું હતું તે એ ભાર હેઠળ, ઘરમાં મૂગે મૂગે સાંભળી રહેલો પોતાનો પતિ કંઈ ન કરવાનું કરી બેસે તેવી દહેશત એને હતી. પતિપત્ની કલકત્તાની સૂમસાન શેરીમાં અબોલ ચાલતાં વહી જતાં હતાં. એક ઘોડાગાડી મળી તેને ઊભી રાખી બંને તેમાં બેઠાં. નસીબ એવાં આડાં કે થોડુંક અંતર કાપ્યા પછી ગાડીનું એક પૈડું નીકળી ગયું. ગાડી છોડી દેવી પડી. થોડું ચાલતાં કોઈ મિત્રનું ઘર આવ્યું. ત્યાં આશરો લેવાના આશયથી માસ્ટરે દરવાજો ખખડાવ્યો. એ મિત્ર ઊઠ્યા, દરવાજે આવ્યા અને દરવાજો અધખૂલ્લો રાખી ટાઢી બોળ રીતે વાત કરી જાકારો આપવા જેવું જ કર્યું. સમજદાર માસ્ટર નિકુંજબાળા સાથે પાછા રસ્તે આવી ગયા. રસ્તો માપવા લાગ્યા. થોડે આગળ ગયા પછી કોઈ ઘોડાગાડીનો તબેલો નજરે પડ્યો. ગાડી અને ઘોડો, ભલે એકમેકથી વિમુક્ત પણ એ તબેલામાં નજરે પડ્યાં અને ખાટલી પર પડેલાં ગાડીવાન પણ ત્યાં દેખાણો. એને જગાડી, ગાડી ભાડે કરી ગુપ્ત દંપતી એમના બનેવી ઈશાન કવિરાજને ત્યાં પહોંચ્યાં.

ત્યાંના ભાવભીના સ્વાગતથી, ખૂલા વાતાવરણથી અને ભાગીરથી પરથી વાતા શીળા વાયરાની અસરથી, માસ્ટરના ચિત્તવલોણાને વિરામ મળ્યો. બીજે દહાડે, બપોર પછી, મિત્ર સિધુ મજુમદાર સાથે કલકત્તાના તવંગર લોકોના વિશાળ ઉદ્યાનગૃહોનાં વિશાળ ઉદ્યાનોમાં ટહેલતા, એ ઉદ્યાનોની શોભા જોતા અને, જાતજાતનાં ફૂલોની સૌરભ માણતા, સિધુના સૂચને, રાણી રાસમણિના કાલીમંદિરનું ઉદ્યાન જોવા એ તૈયાર થાય છે. સિધુ માસ્ટરને પૂછે છે : ‘ગંગાકિનારે એક સુંદર બગીચો છે. એ જોવા જવું છે? ત્યાં એક પરમહંસ રહે છે.’ સિધુના આ કથનમાં ‘પરમહંસ’ તો સાઈડ શો છે, પ્રધાન બગીચો છે. પણ દેવી મંદિરને દરવાજેથી પ્રવેશ કરી બંનેના પગ – ભાગ્ય પ્રેર્યા જ – વળે છે સીધા એ પરમહંસને ઓરડે! ઓરડો ચિક્કાર. નાની પાટ પર બેઠેલા પરમહંસની પ્રસન્ન-ગંભીર, સરળ, ગામઠી લહેકાવાળી, ભાવપૂર્ણ વાણીનું કોઈ વિસ્ફૂરિત તો કોઈ ફાટેલે મુખે આનંદથી પાન કરે. ઓરડામાં પગ મૂકવાની પણ જગ્યા નહિ અને સિધુએ પ્રથમ ઉલ્લેખ કર્યો હતો ઉદ્યાન જોવાનો એટલે, અંદર બોલાતા થોડા શબ્દો માસ્ટરને કાને પડ્યા તે શબ્દોથી એમની ઉચ્ચારણ માધુરીથી, અર્થની ગહનતાથી અને બાનીની સરલતાથી માસ્ટર એવા તો ઝલાઈ ગયા કે, જાણે ત્યાં શુકદેવજી કથા કરતા હોય તેવું તેમને લાગ્યું. પણ સાંજ ઢળતી હતી અને અંધારાની ચાદર બગીચા પર લપેટાય તેની પહેલાં એ જોઈ લેવો જ જોઈએ.’

શ્રીઠાકુરના ઓરડાની ઉત્તરે આવેલા એ બગીચામાં માસ્ટર અને સિધુ કેટલી વાર ફર્યા એની નોંધ નથી – કદાચ બેમાંથી કોઈ પાસે ઘડિયાળ નહિ હોય – પણ, ત્યાંથી નીકળી એ જોડી મંદિરના પ્રાંગણમાં પહોંચી ત્યારે, રાત બેસી ગઈ હતી અને મંદિરોમાં આરતીનો ઘંટારવ ચાલુ થઈ ગયો હતો. દીપમાળાઓના દીવાઓ ઝગમગી રહ્યા હતા. બ્રાહ્મસમાજી, મૂર્તિપૂજાના, સાકારરૂપના વિરોધી હોવા છતાં ભીતરના લોહીના સંસ્કાર માસ્ટરને મંદિરમાં ખેંચી ગયા અને એ બધું પતાવી પાછા પરમહંસને ઓરડે એ આવ્યા તો ઓરડો બંધ! માસ્ટર ભણેલા, મોડર્ન મેનર્સમાં માનનારા એટલે બહાર ઊભેલી કામવાળી વૃંદાને અંદર જઈ પોતાને માટે મંજૂરી લાવી આપવા કહ્યું.

‘તમે તમારે જાઓને બાપુ. અંદર ઓરડામાં જઈને બેસો’ મોડર્ન મેનર્સથી અજાણ અને શ્રીરામકૃષ્ણની રીતથી સજાણ વૃંદાએ કહ્યું. પણ અગાઉ જણાવ્યા પ્રમાણે તે સમયે શ્રીઠાકુર બીજા ભાવમાં હોઈ, વાતચીતના મૂડમાં ન હતા. આમ છતાં એમણે માસ્ટરને ‘ફરી આવજો’ એમ કહ્યું. તો શું શ્રીઠાકુરે પળવારમાં માની લીધું કે માસ્ટર ‘અહીંના માણસ’ છે?

માસ્ટરના શ્રીઠાકુર સાથેના પ્રથમ મિલનની આ ભૂમિકા. अथा तो ब्रहमजिज्ञासा ની વૃત્તિથી, ચિત્તશાંતિ માટે કે પરમહંસનો ચરણસ્પર્શ કરી મોક્ષાકાંક્ષાથી માસ્ટર ગયા જણાતા નથી. સામાન્ય કુતૂહલ પણ એમને દક્ષિણેશ્વર નથી લઈ ગયું જણાતું.

એમને લઈ ગઈ છે નિયતિ, સહેતુક. એ હેતુ કયો છે? એ હેતુ છે એમને હાથે નવયુગનું ભાગવત લખાવવાનો ‘શ્રીમદ્‌ ભાગવત’ના ૧૦મા સ્કંધમાં શ્રીકૃષ્ણની લીલા આલેખાઈ છે, બરાબર એના જેવું જ શ્રીરામકૃષ્ણની સંપૂર્ણ લીલાનું આલેખન આ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં માસ્ટરે કર્યું છે. એમના એ અદ્‌ભુત આલેખનથી સહસ્રદલ કમલની પાંખડીઓ એક પછી એક ખૂલતી જતી હોય અને ભીતરની દિવ્ય સૌરભને પળેપળે વધારે વિસ્તારતી જતી હોય તેઓ અનુભવ વાચકને થાય છે. માસ્ટરનું આ લેખન કમળના સ્ફોટની માફક ચરમ આધ્યાત્મિકતાનો સ્ફોટ છે.

શ્રીઠાકુરના સર્વધર્મસમભાવના, સર્વધર્મસમન્વયના, અભેદની સ્થાપનાના, બ્રહ્મ-ભગવાન-વિશેની વિશાળતમ સમજના, શિવજ્ઞાને જીવસેવાના એવા અનેકવિધ છતાં એક સંદેશનો પરમવાહક આ ગ્રંથ છે. ઠાકુર તો છે ઈશ્વર માત્ર; ફાધર ઈન હેવન નથી. એ બ્રહ્માંડ વ્યાપી છે, જીવમાત્રમાં રહેલો છે ને એની પૂજાઅર્ચા માટે મંદિરમાંની મૂર્તિની મર્યાદામાં બંધાઈ રહેવાની જરૂર નથી. જીવસેવા દ્વારા શિવને પામવાનો છે.

ઈશ્વર જીવમાત્રમાં રહેલો છે તે સાચું પણ, હાથી-નારાયણને ભેટવા કરતાં પહેલાં મહાવત નારાયણની વાત કાને ધરવાની છે એ સત્ય વીસરવું ન પાલવે. અને અદ્વૈતના પ્રણેતા શ્રીશંકરાચાર્યને ચંડાળ અડી જતાં ક્રોધને વશ બની જનાર શ્રીશંકરાચાર્યને અદ્વૈતનો સાચો બોધ એ ચંડાળ આપે છે તે પણ શ્રીઠાકુર બરાબર ચીંધી બતાવે છે. અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને દ્વૈત વચ્ચેનો વિતંડાવાદ જ ખોટો છે અને એ ક્રમિક પગથિયાં છે તે કેવા ઘરગથ્થુ દૃષ્ટાંતથી ઠાકુર સમજાવે છે? શ્રીઠાકુરની આ બધી બાનીનો એકેએક અક્ષર ઠાકુરના શ્રીમુખમાંથી બહાર પડ્યો તેવો માસ્ટરના ચિત્તની કેસેટ ઉપર ઝીલાયો છે.

‘આ વીંઝણાને જોઉં છું એમ મેં ઈશ્વરને જોયો છે’, ‘તને જોઉં છું એમ મેં ઈશ્વરને જોયો છે’, જેવા અચંબામાં ગરકાવ કરી મૂકે તેવાં વિધાનોનું મંડન એવી રીતે થયું છે કે, શ્રીઠાકુર આ શબ્દો બોલે છે ત્યારે આપણે ત્યાં બેઠા છીએ, બધું નિહાળી રહ્યાં છીએ અને સાંભળી રહ્યાં છીએ.

‘કથામૃત’ની ખૂબી એ છે કે, કથામાં ભજનકીર્તન આવે છે પણ વેવલાઈને ક્યાંય સ્થાન નથી. જે રસ ત્યાં રેલાય છે તે શાંત રસ છે અને એથી કશુંક વિશેષ છે. શ્રીઠાકુરને મુખેથી કે નરેન્દ્રને મુખેથી ગવાતાં ભજનો આપણા હૃદયસાગરમાં આનંદના હિલોળા રેલાવે છે, જાણે શરદપૂનમની રાતે સમુદ્રમાં ચડેલી આનંદની હેલી. કવિ કાન્તના શબ્દોમાં કહીએ તો, ‘કાલના સર્વ સંતાપ શામે છે, (પ્રભુપ્રેમનો) વિમલ પરિમલ ગહન, નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે છે.’

કથામાં હાસ્યની તો રેલંછેલ છે. હાથી નારાયણ અને મહાવત નારાયણનું દૃષ્ટાંત, માલણને ત્યાં રાત રોકાતી, ઊંઘ વિના તરફડતી માછણ પોતાના માથા પાસે માછલીની ટોપલીની ગંધવાળું લૂગડું રાખ્યા પછી જ ઊંઘી શકે છે તેનું દૃષ્ટાંત, ભગવાનનાં નામનો કોડવર્ડ તરીકે ઉપયોગ કરી, ભક્તો હોવાનો ડોળ કરી ઘરાકોને ઠગતા સોનીઓનું દૃષ્ટાંત… આવાં અનેક દૃષ્ટાંતો અને એ મૂકવાની ઠાકુરની શૈલી હાસ્યથી ભરપૂર છે. કોઈના કહેવાથી કલકત્તેથી રાતે આવતી વેળા માથું બહાર રાખ્યું તે આખે રસ્તે વલ પડતાં પોતાને બીજે દિવસે કેવી શરદી થઈ કહીને, પોતાને ભોગે પણ શ્રીઠાકુર હાસ્ય રેલાવે છે. વિદ્યાસાગર સાથેની ગંભીર વાતોની સાથે પણ હાસ્ય સહજતાથી ભળી જાય છે. દેવેન્દ્રનાથ ટાગોરની વાત કરતાં, પહેલાં દુર્ગાપૂજા વખતે બકરાનો બલિ ધરાવતો દેવીભક્ત પછી, નાળિયેર હોમતો અને શાકાહારી પ્રસાદ ધરાવતો થઈ જાય છે તે પોતાની માન્યતા બદલાયાના કારણે નહિ પણ ઘડપણ આવતાં બોખો થઈ જવાથી પોતે હવે માંસની  વાનગી ચાવી શકતો નથી તે કટાક્ષમય દૃષ્ટાંત દ્વારા દેવેન્દ્રનાથના ભોગ ડઝન કરતાં વધારે બાળકોના પિતા હતા, વૈભવી મહેલમાં વૈભવી ઠાઠથી રહેતા હતા તેની તરફ આંગળી ચીંધી પછી દેવેન્દ્રની યોગસાધનાનાં વખાણ શ્રીઠાકુર કોથળામાં પાંચશેરી મૂકી પ્રગટ કરે છે. તે કટાક્ષના સૂક્ષ્મતમ ધ્વનિને પણ પકડવાનું માસ્ટરની કસેટ ચૂકતી નથી.

દક્ષિણેશ્વરી કથાનાયક સાથે કથા પ્રથમ શ્યામપુકુર અને પછી દક્ષિણેશ્વર ખસે છે ત્યાંથી કરુણનાં મંડાણ થાય છે. એકલો કરુણ રસ નથી. જીવલેણ બીમારી સામે ઝઝૂમતા, એક બોલ પણ મુખેથી ઉચ્ચારી ન શકાય એટલી હદ સુધી કેન્સરે પોતાનાં ડંખશૂળો સતત ભોકતા રહેવા છતાં, જાણે કશી જ પીડા નથી, અરે, નખમાંય રોગ નથી એમ દેખાવ કરતા અને ૧૮૮૬ની ૧૫મી ઓગસ્ટ સુધી કંઈને કંઈ બોલતા રહેતા. શ્રીઠાકુરનું એ યુદ્ધ, અંગ્રેજ કવિ બ્રાઉનિંગનાં શબ્દો, ‘હજીય વધુ યુદ્ધ એક, હોય આખરી ઉત્તમ’ સાચા પડે છે. જાન્યુઆરી ૧૮૮૬થી આરંભાતો કરુણરસ ધીમે ધીમે ઘેરો થવા માંડે છે. પણ આપણી લોકકથાઓમાંના ‘બોર બોર જેવડાં આંસુ પડાવે’ એવો પોકાર કરુણ એ નથી. શ્રીઠાકુરને જોવા આવેલા શશધર પંડિત ઠાકુરને પોતાની માંદગી દૂર કરવાનો માર્ગ ચીંધે છે ત્યારે કેવો વીરતાભર્યો પ્રતિભાવ ઠાકુર આપે છે? ‘મન માને સોંપી દીધું છે તેને ત્યાંથી ખસેડી આ નાશવંત ખોળિયા પર પાછું ઉતારવું? એ બની શકે જ નહિ.’ એથેન્સના કેદખાનામાંથી મુક્ત કરવા આવેલા પોતાના મિત્રોને અઢી વરસ પહેલાં સોક્રેટિસે આવો જ ઉત્તર આપ્યો હતો. ડરપોક કાયર આમ બોલી શકે નહિ, વીર યોદ્ધો જ બોલી શકે.

શશધરના આગ્રહ પાસે અણનમ રહેલા શ્રીઠાકુર પોતાના પ્રિય શિષ્ય નરેનના આગ્રહને વશ થઈ, પોતે થોડોક પણ આહાર લઈ શકે એમ મા પાસે જઈ શ્રીઠાકુરને માગવા કહે છે ત્યારે પુત્રસમા શિષ્યની હઠને, થોડી આનાકાની પછી, નમતું જોખી શ્રીઠાકુર મા પાસે જાય છે. થોડી વાર પછી પરિણામ જાણવા ઈંતેજાર નરેનને જે ઉત્તર મળે છે તે કેવો તો અદ્‌ભુત છે! નરેન અને બીજાઓ સામે આંગળી ચીંધી શ્રીઠાકુર કહે છે : ‘આ બધાં મુખો વડે તું જ ખાય છે ને?, એમ માએ કહ્યું.’ કેવો અનન્ય અભેદ! અને ઉત્તરમાં કારુણ્ય પણ કેવું અનન્ય!

એ ઓગસ્ટની ૧૩ કે ૧૪મી તારીખે નરેનને એકલાને જ પોતાની પાસે બોલાવી, પોતાની સાથે બેસાડી, શ્રીઠાકુરે પોતાનું બધું જ નરેનને આપી દીધું. આ આપ-લે વેળા બંને સમાધિસ્થ હતા પણ એ સમાધિદશામાં શ્રીઠાકુરે પોતાની જીવનભરની બધી સંચિત મૂડી પોતાના વરિષ્ઠ માનસપુત્ર નરેનને આપી દીધી. ‘હવે હું ફકીર બની ગયો છું, નરેન’, ગળગળે સ્વરે શ્રીઠાકુર બોલ્યા, ‘રૂપિયામાં, પાઉંડમાં, ડોલરમાં, દુનિયાના કોઈ પણ ચલણમાં એ મૂડીને મૂલવી શકાય તેમ નથી. પૂરાં સાત વરસ અને સત્તાવીસ-અઠ્ઠાવીસ દિવસ પછી, શિકાગોમાં મળેલી વિશ્વધર્મ-પરિષદમાં, સપ્ટેમ્બરની ૧૧મી તારીખે, ઉદ્‌ઘાટનને જ દિવસે, સ્વામી વિવેકાનંદે આપેલા પોતાના પ્રથમ પ્રવચનથી એ મૂડીની ભવ્યતાનું ભાન જગતને કરાવ્યું.

Total Views: 230

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.