(કથામૃત ૧/૪/૧-૨ : ૬ માર્ચ ૧૮૮૨)
શ્રીઠાકુરનો સહજ અને ગંભીર ભાવ
૫ માર્ચ, ૧૮૮૨નું વર્ષ. શ્રીઠાકુર દક્ષિણેશ્વરના પોતાના ખંડમાં ભક્તો સાથે ભગવચ્ચર્ચા કરી રહ્યા છે. શ્રીમાસ્ટર મહાશય (મ.)શ્રીઠાકુરનાં દર્શન કરવા ચોથી વાર આવ્યા છે. એટલે શ્રીઠાકુર સાથે એમનો થોડો ઘણો પરિચય તો થઈ ચૂક્યો છે. પરંતુ હજી સુધી શ્રીઠાકુરની વિભિન્ન ભાવાવસ્થાની સાથે તેમનો સમ્યક્ પરિચય થયો નથી. તેમણે શ્રીઠાકુરને સમાધિસ્થ અવસ્થામાં જોયા છે, ભક્તો સાથે ઈશ્વરચર્ચા કરતા જોયા છે, ગંભીર તત્ત્વની બાબતોની સહજ સરળ રૂપે વ્યાખ્યા કરતા પણ જોયા છે; આ એક પ્રકારનું દૃશ્ય હતું. વળી, શ્રી મ. જ શ્રીઠાકુરને જુવાન છોકરાઓ સાથે હસી મજાક કરતા પણ જુએ છે જાણે કે એ જુવાનિયા પોતાના સમવયસ્ક ન હોય! આ દૃશ્ય સર્વથા વિપરિત દૃશ્ય છે. એટલે શ્રી મ. વિચારે છે કે ગયે વખતે જે રામકૃષ્ણની સાથે તેમનો પરિચય થયો હતો જાણે કે આ તે રામકૃષ્ણ નથી. એટલે જ તો એમના મનમાં પ્રશ્ન ઊઠ્યો : ‘શું આ એ જ છે?’ આપણામાંથી મોટાભાગના લોકોની એવી ધારણા હોય છે કે જે ધર્મની વાતો કહે છે કે એનો ઉપદેશ આપે છે તેઓ સદા સર્વદા ગંભીર ચિંતનમાં જ નિમગ્ન રહેવાના અને એમનામાં એક એવું ગાંભીર્ય હશે જેને ભેદીને સામાન્ય માણસ માટે તેમની પાસે પહોંચવું કઠિન બની જાય.
સર્વત્ર, બધા દેશોમાં, સાધકોના સંબંધે સાધારણ માનવની આવી જ ધારણા હોય છે. જ્યાં એવું નથી થતું ત્યાં ‘આ વળી કેવી વાત?’ એવું મનમાં આવી જાય છે. પાશ્ચાત્ય દેશોમાં સ્વામી વિવેકાનંદે એક સામાન્ય માનવની જેમ હાસપરિહાસ કરતા જોઈને કોઈ એક ભક્તે આશ્ચર્યચકિત થઈને તેમને આ વિશે પૂછ્યું હતું. ઉત્તરમાં સ્વામીજીએ કહ્યું હતું : અમે તો આનંદના સંતાન છીએ. અમે ગંભીર શા માટે રહીએ? સ્વામીજી આ વાત એટલા માટે કહી શક્યા હતા કે તેઓ શ્રીઠાકુરનું સર્જન એવા વિવેકાનંદ હતા.
ઠાકુર જે સમયે સામાન્ય અવસ્થામાં રહેતા એ સમયે પણ તેઓ સદાનંદી પુરુષ રહેતા. આનંદ જાણે કે એમની ચારે બાજુએ વહી રહ્યો હોય અને તેઓ સાધારણ અવસ્થામાં ઊતરીને સામાન્ય એવી બાબતને લઈને પણ એવો જ આનંદ લઈ શકતા. જેવી રીતે શ્રીમ.એ અહીં તેમને જુવાનિયાઓ સાથે મજાક મશ્કરી કરતા અને આનંદ માણતા જોયા. બરાબર આવું જ એક દૃષ્ટાંત આપણને સ્વામી બ્રહ્માનંદજી મહારાજના જીવનમાં જોવા મળે છે. તેઓ ત્યારે બલરામ મંદિરમાં હતા. ત્યાં એમના દર્શન કરવા માટે એક ભક્ત આવ્યો હતો. પોતાની સાથે એક મિત્રને પણ એક મહાપુરુષના દર્શન કરાવશે એમ કહીને સાથે લાવ્યો હતો. તેણે ત્યાં જઈને જોયું કે મહારાજ તો જુવાનિયાઓ સાથે મશ્કરી મજાક કરી રહ્યા છે. પેલો ભક્ત વિચારવા લાગ્યો કે મહારાજ જરાય ધર્મ પ્રસંગની વાત કરતા નથી અને એનો મિત્ર એના મનમાં શું વિચારશે! થોડા સમય પછી જ્યારે એ બધા ચાલ્યા ગયા ત્યારે મહારાજે હસતાં હસતાં તેમને કહ્યું : ‘અરે! આપણી વચ્ચે સારી સારી વાતો પણ થાય છે.’ રસ્તામાં ચાલતાં ભક્ત વિચારવા લાગ્યો કે કદાચ પેલા મિત્રને ઘણી નિરાશા આવી હશે. પરંતુ મિત્રે કહ્યું: ‘ભાઈ, આધ્યાત્મિક જીવનમાં મહાપુરુષોનો ઉપદેશ કેવો હોય છે એ તો નથી જાણતા પરંતુ આજે એક નવી વાત જોઈ – એક આનંદમય પુરુષને જોયા.’ મહારાજે કોઈ ઉપદેશ આપ્યા વિના જ તે નવા આવેલા મિત્રના મનને કેવી રીતે જીતી લીધું એ તો તેઓ જ જાણે.
આપણે લોકો એમ સમજીએ છીએ કે મહાપુરુષો કોઈ એક નિર્ધારિત માર્ગે જ ચાલશે. પણ ખરેખર વાત એવી નથી. એમની પદ્ધતિ અલગ છે. શ્રીઠાકુરના જીવનમાં પણ આવો જ ક્રમ જોઈને ભલા એમ કોણ કહેશે કે તેઓ આટલી બધી ધર્મચર્ચા કરે છે. ક્યારેક ક્યારેક તો શ્રીઠાકુર જુવાનિયાઓ સાથે આવી મજાક મશ્કરી કરતી વખતે કેટલીક કહેવાતી શિષ્ટતાનું પણ ધ્યાન નથી રાખતા. હસતાં હસતાં કહે છે : ‘વચ્ચે વચ્ચે ક્યારેક હળવું હળવું ખાવાનું પણ આપવું પડે છે.’ હવે શું દઈ શકે છે, શું દેવું ઉચિત છે અને કેટલી માત્રામાં દેવું ઉચિત છે એ તો તેઓ જ જાણે. આ બધું તેઓ જ જાણે છે – એક વૈદ્યરાજ ખરાને! સામાન્ય માણસ માટે તેની ધારણા કરવી કઠિન છે. એટલે તો શ્રી મ. પણ એમને આ અવસ્થામાં જોઈને આશ્ચર્યચકિત બની જાય છે.
શ્રીરામકૃષ્ણ અને તેમની પસંદગીના ભક્તો
શ્રીઠાકુર શ્રી મ.ને જોઈને કહે છે : ‘લ્યો! ફરી આવી ગયા.’ તેઓ પોતાના અંતરંગ ભક્તોને ઓળખતા હતા. શ્રી મ. વિશે પણ એમાં કોઈ અપવાદ ન હતો. પરંતુ વાત આ હતી કે શ્રીઠાકુર ભિન્ન ભિન્ન પ્રકારના એ બધા લોકોની પરખ પણ કરી લેતા હતા. તેઓ શ્રી મ.ને પૂછે છે : ‘વારું, મારા વિશે તમારી કેવી ધારણા છે? હું તમને કેવો લાગું છું?’ આવા પ્રશ્નો પોતાના બધા અંતરંગ ભક્તોને પૂછીને તેઓ એ જાણી લેતા કે તે બધા તેમના વિશે કેટલી ધારણા કરી શક્યા છે. વળી, કોઈ કોઈને જોઈને તેઓ આનંદથી નાચી ઊઠે છે. આ વિશે એમણે પોતે જ પોતાના મુખેથી કહ્યું છે : ‘આ કેવું છે, શું છે, એ જાણો છો? જેમ ઘણા દિવસો પછી અચાનક અપ્રત્યાશિત રૂપે કોઈ નજીકનું સ્વજન સામે આવી જતા માણસ અવાક્ બની જાય છે,… બરાબર એવી જ રીતે કોઈ અંતરંગ ભક્ત આવે છે, એ હું જોઉં છું – જેને પહેલાં પહેલાં ક્યારેય જોયો નથી, જેની સાથે આ પહેલી જ મુલાકાત થશે, તે પણ મને જાણતો નથી, હું પણ એના વિશે કંઈ જાણતો નથી, – ત્યારે અચાનક એને જોઈને મંત્રમુગ્ધ બનીને આમ નાચું છું.’
લોકો એ જાણે એટલે આ વાત તેમણે પોતે જ કહી અન્યથા એ બધું જાણવાનો બીજો કોઈ રસ્તો-ઉપાય ન હતો. નવા આવેલા ભક્તો સાથે એમનો જે સંબંધ હતો તે તેઓ હંમેશાં પ્રગટ રૂપે જણાવતા નહીં. ક્યારેક ક્યારેક વાર્તાલાપના પ્રસંગે તેઓ કહી દેતા. જેમ શ્રી મ.ની સાથે તેમનો જે સંબંધ હતો તેનો ઉલ્લેખ એમણે આ કેટલીક મુલાકાતોમાં પણ નથી કર્યો. તેમણે હજી સુધી માસ્ટર મહાશયને એ નથી બતાવ્યું છે કે તેઓ તેમના પાર્ષદ છે, અર્થાત્ એમના કાર્યમાં સહાયરૂપ થવા માટે આવ્યા છે.
સ્વામી વિવેકાનંદજીના સંબંધમાં વાત નિ:સંદેહ જુદી હતી. સ્વામીજીની તેઓ કેટલાય દિવસોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. એટલે એમને મળતાવેંત તેઓ જાણે કે પોતાની જાતને વધારે પ્રમાણમાં પ્રચ્છન્ન રાખી શકતા નથી. એમની સાથેના પોતાના સંબંધની સ્પષ્ટતા કરીને જ તેમણે એમને સ્વીકાર્યા. પરંતુ સ્વામીજી કંઈ સમજી શક્યા ન હતા. આ જે અંતરંગો સાથેનો એમનો સંબંધ છે એની જાણકારી એમને તો છે જ; પરંતુ જેમની સાથે સંબંધ છે એમને માટે તો આ જાણવું આવશ્યક છે! જેમ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે:
બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન ।
તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરંતપ ॥
– ‘હે અર્જુન, તારા અને મારા અનેક જન્મો અતીતમાં થઈ ચૂક્યા છે.’ તારા અને મારા એ શબ્દો આજુબાજુ રાખીને કહે છે : ‘તું મારી સાથે જોડાઈને મારા સહસખારૂપે અનેકવાર આવ્યો છો.’ તાન્યહં વેદ સર્વાણિ – એ બધું હું જાણું છું. પરંતુ તું જાણતો નથી, બરાબર આવી જ રીતે પોતાના પાર્ષદોને પણ શ્રીઠાકુરે ઓળખી લીધા હતા અને પૂરેપૂરું જાણી લીધું હતું : બીજા લોકોની જેમ કર્મપ્રેરિત બનીને તેઓ આવ્યા નથી, પરંતુ તેઓ તેમના આ વિશ્વકલ્યાણના કાર્યમાં સહાયક બનવા આવ્યા છે, ભગવાનના લીલાસહચરના રૂપે આવ્યા છે. શ્રીઠાકુરે કહ્યું છે : ‘તમારે લોકોએ માત્ર એટલું જ જાણવાની જરૂર છે કે તમે કોણ છો, હું કોણ છું અને મારી સાથે તમારો ક્યો સંબંધ છે?’ – બસ, આટલું થઈ જાય તો બધું થઈ ગયું! આ જ દિવ્ય જન્મ અને કર્મ છે. આટલું જાણી લેવાથી એ લોકોનું કામ થઈ જશે. એમણે બીજું વધુ જાણવું પડશે નહિ. જો તેઓ થોડી સાધના કરાવી લે તો કેવળ આ જ્ઞાનના ઉન્મેષ માટે જ – એમની સામે જે છે, તેઓ સ્વયં પરમેશ્વર છે, જીવના કલ્યાણ માટે દેહ ધારણ કરીને આવ્યા છે અને ઈશ્વરના આ કાર્યમાં સહકારીરૂપે તેઓ (પાર્ષદો) અવતર્યા છે.
એના પછી આપણે જોઈએ છીએ કે દૃશ્ય બદલી રહ્યું છે. આટલી બધી હસીમજાક થઈ રહી હતી તે શાંત થઈ ગઈ. હનુમાનની વાત આવી, રામના દાસ હનુમાનની વાત. શ્રીઠાકુરે કહ્યું: ‘જુઓ, હનુમાનનો કેવો ભાવ છે! ધન, માન, દેહસુખ, આવું કંઈ ઇચ્છતા નથી. કેવળ, ભગવાનને જ ચાહે છે. સ્ફટિકના સ્તંભમાંથી બ્રહ્માસ્ત્ર લઈને હનુમાન જઈ રહ્યા છે. આ અસ્ત્ર પાછું મેળવવા મંદોદરી એને કેટલું પ્રલોભન આપે છે. પરંતુ એકેય પ્રલોભનને કારણે તેમનું લક્ષ્ય તેઓ ચૂક્યા નહિ. શ્રીરામનું કાર્ય કરવા માટે તેઓ અહીં આવ્યા હતા; શ્રીરામને છોડીને તેઓ બીજું કંઈ જ જાણતા નથી. જ્યારે મંદોદરી તેમને પથચ્યુત કરવા પ્રયત્ન કરતી હતી ત્યારે હનુમાને જે ગીત ગાયું એ ગીતના શબ્દો સાંભળીને શ્રીઠાકુર સમાધિભાવમાં આવી ગયા. તેઓ નિશ્ચલ, નિ:સ્પંદ બની ગયા. શ્રી મ.એ પહેલાં જે જેવું જોયું હતું એવું જ અત્યારે જોઈ રહ્યા છે. ત્યારે એના મનમાં વિચાર આવ્યો, ‘જુવાનિયાઓ સાથે હસીમજાક કરતા હતા તે જ આ મહાપુરુષ છે!’
શ્રી મ.નું યંત્ર રૂપે ઘડતર
શ્રી મ. બે સર્વથા વિપરીત દૃશ્ય, બે વિપરીત સ્વભાવ જોઈને આશ્ચર્યચકિત બનતા હતા. ત્યારપછી શ્રીઠાકુરે શ્રી મ.ને અને સ્વામીજીને અંગ્રેજીમાં કંઈક તર્કચર્ચા કરવા કહ્યું. પરંતુ શ્રીમાસ્ટર મહાશય કહે છે, ‘શ્રીઠાકુરની કૃપાથી મારો તર્કનો ખંડ એક રીતે બંધ થઈ ગયો છે.’ શ્રીઠાકુરે એક વાર શ્રી મ.ને કહ્યું હતું : ‘કહો, હવે હું વધારે વિચારતર્ક કરીશ નહિ.’ આ રીતે એમણે શ્રી મ. પાસે ત્રણ વખત કહેવડાવ્યું હતું. કારણ કે આ માર્ગ શ્રી મ. માટે ન હતો. એમના પર તો આ જ જવાબદારી હતી કે તેઓ શ્રીઠાકુરના ભાવ જે રીતે જુએ છે, એમાં કોઈ પણ રીતનું સંપાદન-ઉમેરણ (એડિટીંગ) કર્યા વિના જેવો છે એવા જ રૂપે લોકો સમક્ષ મૂકશે. એમાં અલ્પમાત્રામાં પણ હેરફેર ચાલી નહિ શકે. એક વાર એમણે માસ્ટર મહાશયની પરીક્ષા કરી અને પૂછ્યું: ‘વારું, મેં શું કહ્યું એ બતાવો તો!’ શ્રી મ.એ વર્ણવ્યું. એના પર શ્રીઠાકુરે કહ્યું: ‘ના, બરાબર નથી થયું. એવું નથી કહ્યું. આમ કહ્યું છે.’ આવી રીતે તેઓ સુધારો કરી દેતા. જેથી એમનો ઉપદેશ સાચા રૂપે જ લોકો સમક્ષ મૂકી શકાય. એટલા માટે જ શ્રીઠાકુરે માસ્ટર મહાશયને ત્રણ વાર પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ જ કારણે માસ્ટર મહાશયનો તર્કખંડ બંધ થઈ ગયો છે. એક વખત શ્રીઠાકુરે બાલકભક્ત સુબોધને માસ્ટર મહાશય પાસે જવાનું કહ્યું. સુબોધે વિચાર્યું કે, માસ્ટર મહાશય તો ગૃહસ્થ છે એમની પાસે વળી શું ધર્મોપદેશ લેવા જવું? લાગે છે કે સુબોધને એ વાતનું અભિમાન હતું કે તેઓ ત્યાગી જીવન જીવવાવાળા છે. એટલા માટે જ્યારે ફરીથી એમને પૂછ્યું તો તેઓ બોલી ઊઠ્યાં, ‘તેઓ તો ગૃહસ્થ છે એમની પાસે વળી ધર્મોપદેશ સાંભળવા શું જાઉં?’ આ વાત પર હસતાં હસતાં બોલ્યા : ‘ના, એમ નહિ. તું જજે.’ શ્રીઠાકુરનું માન રાખવા માટે તેઓ માસ્ટર મહાશય પાસે ગયા. માસ્ટર મહાશયને ખ્યાલ આવ્યો કે પૂરેપૂરી અનિચ્છા સાથે સુબોધ પોતાની પાસે આવ્યા છે. તેઓ સુબોધને કહે છે, ‘હું મારી પાસે ગંગાજળના કેટલાક લોટા ભરી રાખું છું. જ્યારે કોઈ આવે છે ત્યારે એમાંથી સૌને થોડું થોડું આપું છું.’ તાત્પર્ય એ છે કે એ ઉપદેશોમાં એમનો પોતાનો એકેય ઉપદેશ નથી. ગંગાના સ્રોતમાંથી જેમ પાણીનો લોટો ભરી લઈએ તેમ શ્રીઠાકુરની વાતોમાંથી તેમણે મનમાં બધું ભરી રાખ્યું હતું. આનાથી આટલું સમજી જઈએ છીએ કે શ્રીઠાકુરે માસ્ટર મહાશયને તર્કવિચાર કરવાની આટલી બધી ના શા માટે કહી હશે? શા માટે એમણે એમ કહ્યું કે વિચાર-તર્કનો પથ તમારો પથ નથી.
શ્રીઠાકુરનું ગાન સાંભળીને માસ્ટર મહાશય મુગ્ધ બની જાય છે. જે કોઈએ એમનું ગીતગાન સાંભળ્યું છે તેઓ કહે છે કે એકવાર એમનું ગીત સાંભળી લીધા પછી બીજા કોઈનો સ્વર ગમતો નથી. એટલે જ તો શ્રીઠાકુરના ગીતગાન પર મુગ્ધ એવા માસ્ટર મહાશય એ જાણવા પ્રયત્ન કરે છે કે ફરીથી આવું ગીતગાન થશે કે નહિ. શ્રીઠાકુર એમને બલરામબાબુના ઘરે જવા માટે કહે છે ત્યાં આવું ગીતગાન થશે. શ્રી મ.નો પોતાની ભક્તમંડળી સાથે પરિચય કરાવી દેવાનો જાણે કે એક ઉપક્રમ મળી ગયો હતો. આમાં આપણને શ્રીઠાકુરના પ્રચારકાર્યનો કંઈક પરિચય મળે છે. તેઓ જ્યારે જ્યારે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં જે લોકો માટે ત્યાં જતા તેમને તો વ્યવસ્થિત સૂચના પહોંચાડી દીધી. તેમને એવા આત્માઓની એક ટુકડીની આવશ્યકતા હતી કે જેઓ તેમના ઉપદેશને ગ્રહણ કરવા અને ધારણ કરવા શક્તિમાન હોય તેમજ કોઈપણ જાતના પરિવર્તન વિના આ અનન્ય ઉપદેશને જગત્કલ્યાણ માટે અવિકૃત રૂપે રજૂ કરે છે. આ શુદ્ધ આધારોને તેઓ એક સૂત્રમાં ગૂંથી રાખવા માગતા હતા. કારણ કે ભવિષ્યમાં તે એક સંઘની સંરચનાનું રૂપ લઈ શકે. તેમણે ભલે આ વાત સ્પષ્ટરૂપે કહી ન હોય પરંતુ એમના વ્યવહારથી તો એ સ્પષ્ટપણે જણાતું હતું કે, એક સુનિર્દિષ્ટ પદ્ધતિ પ્રમાણે એમનું કાર્ય થઈ રહ્યું છે. ‘લીલાપ્રસંગ’માં શ્રીઠાકુરના જીવનની સમ્યક્ આલોચના કરતાં સ્વામી શારદાનંદે એ બતાવ્યું છે કે એમના- શ્રીઠાકુરના જીવનની અત્યંત સામાન્ય ઘટના પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બહિરંગ દૃષ્ટિએ એવું બની શકે કે આપણે બધી વખતે એનો મર્મ પકડી ન શકીએ. પણ જરા બારિકાઈથી વિચાર કરીને જોતાં આપણે આ વાત સારી રીતે સમજી શકીશું કે વિશેષ યુગપ્રયોજન સિદ્ધ કરવા માટે તેઓ એક સુનિશ્ચિત પ્રણાલિનું અનુસરણ કરતા કરતા કાર્ય કર્યે જાય છે. – પછી ભલે એના વિશે એમને ખ્યાલ ન હોય અને તેઓ એમ માનતા રહે કે હું જગન્માતાના હાથનું એક યંત્રમાત્ર છું.
ભાવનો પ્રચાર
તેઓ કેવળ પ્રૌઢ ધર્માન્વેષકો પાસે નથી ગયા પરંતુ કહેવાતા ધર્મવિમુખ લોકો પાસે પણ ગયા હતા; અને એ પણ વગર બોલાવ્યે. એ જમાનામાં જે વિશિષ્ટ ગણમાન્ય વ્યક્તિઓ હતી એમને તેઓ આગ્રહપૂર્વક મળવા ઇચ્છતા હતા. આ આગ્રહને લીધે ભલે તેઓ પોતે એનાથી અજાણ હોય પણ આ એમની યુગોપયોગી ભાવધારાને સંચારિત કરવાનો એક માર્ગ હતો. તેઓ ઇચ્છતા હતા કે એમનો ભક્તગણ એકત્ર થઈને ભગવત્પ્રસંગ સાથે નાચતા ગાતા એક આનંદમેળો સર્જે અને એક એવાં ઉચ્ચ આધ્યાત્મિક સૂરભાવસાથેનાં ગીત તૈયાર કરે જેના સૂરસંદેશને એકઠા થયેલા શ્રોતાઓ વહેતાં કરીને ચારે દિશાઓમાં ફેલાવી દે સાથેને સાથે તેઓ પોતાના અંતરંગ ભક્તોને એવી રીતે તૈયાર કરતા હતા કે જેથી એમની ભાવધારા અવિકૃતરૂપે તે લોકોના અંત:કરણમાં પ્રવાહિત થતી રહે. શ્રીઠાકુર તેમને કહેતા, ‘જુઓ, તમે બીજે ક્યાંય ન જતા, તમે લોકો માત્ર અહીં જ આવજો.’ આ તો આશ્ચયજનક વાત છે. જેમની ઉદારતા આકાશ જેવી સીમાહિન હોય એમના મુખેથી આવી વાત શા માટે? એનું કારણ એ છે કે એવું ન બને તો તે લોકો એમની ભાવધારાને અવિકૃત રૂપે પ્રકાશિત કરવા સમર્થ નહિ બની શકે.
એમને માધ્યમ બનાવીને એમના અજાણતાં જગન્માતાના વિધાનથી એક સુવિશેષ પ્રયોજનની સિદ્ધિ થઈ રહી હતી અને તે પણ એક સુયોજિત આયોજન સાથે. ભલે તેઓ પોતે આ બધું ન જાણતા હોય અને તેઓ જાણતા પણ ન હતા. એટલે તો એમનામાં એક શિશુસુલભ સરળતા જોવા મળે છે. એકબાજુએ તેઓ બધા માટે ગુરુ સમાન હતા; બધાના ભૂત-ભવિષ્ય અને વર્તમાનને જોઈ લેતા અને નિયંત્રિત પણ કરી દેતા; પરંતુ બીજી બાજુએ તેઓ બાળકની જેમ કેટલા સહજ સરળ અને અસહાય જણાતા હતા; જાણે કે આપણી સહાયતા વિના તેઓ ઊભા ન રહી શકતા હોય એમ! એટલે જ તો મથુરબાબુ વિચાર્યા કરતા કે બાબાને એટલે શ્રીઠાકુરને માટે એમના જેવા એક અભિભાવકની વિશેષ આવશ્યકતા છે, નહિ તો આ અસહાય બાળકની વધુ સારસંભાળ કોણ લેશે? વળી પાછા આ જ અસહાય બાળક એવા શ્રીઠાકુરની સામે આપણે એક દુર્દમનીય જમીનદારની સામે સમર્પણના સ્વરમાં કરગરતા હોય એમ મથુરને સાંભળીએ છીએ. ‘અરે બાબા, બચાવો!’ આપણે કેટલીયવાર પ્રગટ થતા આવા બે વિતરીતભાવો વચ્ચે સામંજસ્ય રચી શકતા નથી. અને શ્રી મ. દ્વારા શ્રીઠાકુરના આવા જોવાયેલા બે રૂપો વચ્ચે પણ આપણે સામંજસ્ય રચી શકતા નથી. એક બાજુએ તેઓ ગંભીર અધ્યાત્મ તત્ત્વની વ્યાખ્યા-ચર્ચા કરે છે તો બીજી બાજુએ જુવાનિયાઓ સાથે મળીને એમના જેવી જ હસીમજાક પણ તેઓ કરે છે. એક બાજુએ બધાના ભૂતભવિષ્ય અને વર્તમાનનું નિયંત્રણ કરી રહ્યા છે તો બીજી બાજુએ નિતાંત અસહાય બાળકની જેમ તેઓ વ્યવહાર કરે છે. શ્રી મ. તેમનામાં આ જે વિપરીત ભાવોનો સુમેળ જોયો એ જ આ લોકોત્તરપુરુષ, અવતારપુરુષના જીવનની વિશિષ્ટતા છે.
(ક્રમશ:)
Your Content Goes Here




