પાંચ તત્ત્વોનું બનેલું આ શરીર સાન્ત અને નાશવંત છે. એ આત્માથી ભિન્ન છે. આત્મા અનાદિ અને અનંત છે, એ અવિનાશી છે. એણે જ આ શરીરનું સૃજન કર્યું છે. એના પર સુયોગ્ય વિચાર કરો અને આત્માને ઓળખવાનો પ્રયાસ કરો.

આત્મા આનંદસ્વરૂપ છે. તમારે એમ શા માટે વિચારવું જોઈએ કે આવા આત્મામાં દુ:ખપૂર્ણ સંસારની સત્તા છે? તમે પોતાના અજ્ઞાનને લીધે જ આત્મામાં દુ:ખની કલ્પના કરો છો. જ્ઞાનના ઉદય સાથે જ આ ધારણા નાશ પામે છે.

જેમ તમે દોરડામાં સાપની કલ્પના કરી લો છો તેમ ભ્રમને લીધે તમે કોઈ એવી વસ્તુના અસ્તિત્વને માની લો છો કે જેનું વાસ્તવિક રીતે કોઈ અસ્તિત્વ જ નથી હોતું. આ રીતે સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા ભ્રમરહિત છે.

શું તમે એ જાણો છો કે કેવી રીતે આત્મા સુખ અને દુ:ખથી પ્રભાવિત થતો દેખાય છે? જે રીતે આગમાં તપેલું લોઢું સ્વયં અગ્નિ જેવું જ લાગે છે તેવી જ રીતે બુદ્ધિમાં પ્રતિબિંબિત આત્માને જોઈને આપણે એવો અનુભવ કરવા લાગીએ છીએ કે એ-આત્મા ઉલ્લાસ અને વિષાદથી પ્રભાવિત થાય છે. વાસ્તવિક રીતે તો આત્મા નિર્વિકાર છે.

જ્યારે તમે એ વાસ્તવિક રૂપે સમજી જાઓ છો કે તમારું વાસ્તવિક સ્વરૂપ આત્મા નિર્ગુણ અને નિર્લિપ્ત છે ત્યારે તમે પોતે જડ અને અનિત્ય દેહને તેનાથી અભિન્ન માનવાનું છોડી દેશો; એટલે આત્માના સાચા સ્વરૂપની શોધના કરો.

જો તમે નિરંતર આત્માનું ચિંતન કરશો તો તમારું મન પવિત્ર બની જશે અને તમારું અજ્ઞાન તારા વિગત સંસ્કારો સાથે નાશ પામશે. જેમ ઔષધિ લેવાથી તમારો રોગ પૂર્ણપણે જાય તેમ તેમનું નિર્મૂલન થાય છે. જ્યારે મન શુદ્ધ થાય ત્યારે તમને વિશુદ્ધ આનંદની પ્રાપ્તિ થશે.

Total Views: 441

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.