નરેન્દ્રનાથ જ્યારે કાશીપુરમાં શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં હતા ત્યારે તેમના મનમાં એક સંશય આવ્યો હતો. શ્રીરામકૃષ્ણ કેન્સરની બિમારીથી પીડાતા હતા. તેમને એમ થયું કે બધા શ્રીરામકૃષ્ણને અવતાર કહે છે, છતાં પણ તેઓને કેન્સર કેમ થયું? તો શું અવતારને પણ કેન્સરનો રોગ થાય? એ વખતે શ્રીરામકૃષ્ણ મોટેથી વાત પણ ન કરી શકતા.’ તેઓ પડખું પણ ન ફરી શકતા. ત્યારે નરેન્દ્રનાથે વિચાર્યું કે જો તેઓ અત્યારે પોતાના મોઢેથી કહે કે હું અવતાર છું તો જ વિશ્વાસ કરીશ. સાથે સાથે જ શ્રીરામકૃષ્ણે પડખું ફેરવ્યું અને કહ્યું : ‘નરેન, હજુ પણ સંદેહ, જે રામ હતા, જે કૃષ્ણ હતા એ જ અત્યારે શ્રીરામકૃષ્ણ છે.’
આપણે શ્રીરામ એવું શ્રીકૃષ્ણના જન્મની થોડી આલોચના કરશું. રામચરિત માનસમાં લખે છે.
નૌમિ તિથિ મધુ માસ પુનિતા ।
સુકલ પચ્છ અભિજીત હરિપ્રિતા ॥
મધ્યદિવસ અતિસીતન ધામા ।
પાવન કાલ લોક વિશ્રામા॥ (બાલકાંડ-રામચરિત માનસ)
ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર માસની નવમી તિથિ, શુક્લ પક્ષ અને અભિજીત મુહૂર્તમાં થયો હતો. મધ્ય દિવસ એટલે સૂર્ય માથાની ઉપર હતો બપોરે બાર વાગ્યે ભગવાનનો જન્મ થયો હતો.
માસ દિવસ કર દિવસ ભા મરમ ન જાનઈ કોઈ ।
રથ સમેત રવિ થાકેઉ નિશા ક્વન વિધિ હોઈ ॥
જે હેતુ ભગવાનનો જન્મ સૂર્ય વંશમાં થયો હતો એટલા માટે સૂર્ય ભગવાનને ખૂબ આનંદ થયો. એક મહિના સુધી સૂર્યનો અસ્ત થયો નહી. કહે છે કે આવી કોઈને ખબર પણ નહી, રથ સાથે સૂર્ય ભગવાન ઉભા રહી ગયા, રાત્રિ થતી નથી. ચંદ્ર ને મનમાં ખૂબ દુઃખ થયું. એને ભગવાન પાસે જઈને કહ્યું કે – ભગવાન તમે દિવસે જન્મ લીધો અને આ સૂર્ય એક માસથી ઊભો છે મને તો તમારાં દર્શન જ કરવા નથી. દેતો. તમે મને તમારાં જન્મના દર્શનનો લહાવો ન આપ્યો. મને વંચિત કર્યો. ભગવાને કહ્યું : ‘ઠીક છે આ વખતે મેં સૂર્યને લાભ આપ્યો પણ જ્યારે હું કૃષ્ણ થઈને જન્મ ગ્રહણ કરીશ ત્યારે રાત્રે જન્મ લઈશ ત્યારે તને લાભ આપીશ. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાત્રે બાર વાગ્યે થયો હતો. આપણા ભગવાન શ્રીરામકૃષ્ણનો જન્મ ક્યારે થયો? લીલા પ્રસંગમાં સ્વામી શારદાનંદ લખે છે શ્રીરામકૃષ્ણનો જન્મ રાત્રિ પૂરી થવાને આશરે અરધી ઘડી બાકી હતી ત્યારે સૂર્યોદય પહેલા થયો હતો. તેમણે ચંદ્ર અને સૂર્ય બંનેને લાભ આપ્યો હતો. કોઈને વંચિત કર્યા નહીં. એટલે એમનું નામ શ્રીરામકૃષ્ણ. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું. શ્રીરામકૃષ્ણના આર્વિભાવથી સત્યયુગની સૂચના થઈ છે. શ્રીરામકૃષ્ણના જન્મ પછી સૂર્યોદય એટલે નવા યુગની સુચના કરે છે. પરંતુ આપણા મનમાં થાય છે કે ભાઈ, ક્યાં સત્યયુગ છે. બધે જ મારામારી, અત્યાચાર ચાલે છે.
શ્રીરામે આવીને ઘણા રાક્ષસોને માર્યા. શ્રીકૃષ્ણે આવીને રાક્ષસોને માર્યા પણ શ્રીરામકૃષ્ણે આવીને કેવા રાક્ષસો ને માર્યા? શ્રીરામકૃષ્ણે જોયું કે આ બધા રાક્ષસો આપણા મનમાં જ રહે છે. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા રાક્ષસો છે. જ્યાં સુધી આપણે આ બધા રાક્ષસોને મારી નહીં શકશું, ત્યાં સુધી આપણું હૃદય અયોધ્યા બનવાનું નથી. જો આપણે આ રાક્ષસોને મારી શકશું તો આપણું હૃદય અયોધ્યા બનશે અને ત્યાં ભગવાનનો આવિર્ભાવ થશે.
હવે મનમાં એક પ્રશ્ન આવે છે કે આ બધા રાક્ષસોને આપણે કેવી રીતે મારશે? આ પ્રશ્નનો જવાબ આપણને શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી મળશે. તેમજ શ્રીરામકૃષ્ણના શિષ્યોના જીવનમાંથી પણ મળશે.
શ્રીરામકૃષ્ણદેવ જ્યારે દક્ષિણેશ્વરમાં હતા ત્યારે યોગીને (સ્વામી યોગાનંદ) પ્રશ્ન કર્યો હતો. કામ કેવી રીતે જાય? આ પ્રશ્નફક્ત યોગાનંદનો જ ન હતો. આપણો સૌનાં મનમાં આ પ્રશ્ન છે. તેના જવાબમાં શ્રીરામકૃષ્ણે કહ્યું હતું. ખૂબ ભગવાનનું નામ કરો. કામ જતો રહેશે. એ વખતે દક્ષિણેશ્વરમાં એક હઠયોગી આવ્યો હતો. તે બધા લોકોને આસન, પ્રાણાયામ, નેતિ-ધોતિ વગેરે ઘણું બધું શીખવાડતો હતો. સ્વામી યોગાનંદને એમ હતું કે શ્રીરામકૃષ્ણ ઠાકુર પણ કંઈક આસન અથવા તો એવું કંઈ કરવાનું કહેશે. પરંતુ શ્રીરામકૃષ્ણે તો ફક્ત ભગવાનનું નામ કરવાનું કહ્યું. યોગાનંદને એમ થયું કે શ્રીરામકૃષ્ણ કશું જ જાણતા નથી એટલે ભગવાનનું નામ કરવાનું કહી દીધું. ઘણાય તો ભગવાનનું નામ કરે છે, શું બધાનો કામ જાય છે? યોગાનંદ પેલા હઠયોગી પાસે જઈને તેની ક્રિયા-કલાપ જોવા મંડ્યા. શ્રીરામકૃષ્ણે જ્યારે જાણ્યું કે યોગીન તો ત્યાં ગયો છે, તેઓ તરત જ ત્યાં હાજર થયા અને યોગીનનો હાથ પકડીને કહ્યું – અહીં શું કરે છે? આ બધું કરીએ તો મન શરીર પર જ રહેશે. ભગવાનની ઉપર નહીં જાય. ત્યાર પછી યોગીને વિચાર્યું કે જ્યારે શ્રીરામકૃષ્ણ ભગવાનનું નામ કરવાનું આટલું કહી રહ્યા છે તો એકવાર કરીને જોઈએ તો ખરા! યોગીને મન-પ્રાણથી ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું. અને ખરેખર જોયું કે કામ ચાલ્યો ગયો.
સ્વામી શિવાનંદ કહેતા કે સ્વામી યોગાનંદ કામજયી હતા. સ્વામી યોગાનંદ ખૂબ વિકસિત આત્મા હતા. એ ખૂબ જ રૂપાળા હતા અને એમની દેહયષ્ટિ પૌરુષમય હતી. એકવાર એ મધ્ય પ્રાંતમાં પ્રવાસ કરી રહ્યા હતા. અને રેલગાડીના ડબ્બામાં એ એકલા જ બેઠેલા હતા. એક સ્ટેશને ગાડી ઉપડતી હતી ત્યારે એક રૂપાળી વારાંગના પોતાના સામાન સાથે એ ડબ્બામાં ધસી આવી. એની નજર સ્વામી યોગાનંદ પર પડી તેવી જ એમના પ્રત્યે આકર્ષાઈ ગઈ અને બોલવા લાગી : ‘હું આપને મારું સર્વસ્વ આપું છું. કૃપા કરી આપ મારો સ્વીકાર કરો.’ સ્વામી યોગાનંદે કશો જવાબ નહી આપ્યો એટલે એ એમને ધમકાવવા લાગી : ‘મારી વાતને સાંભળીને એનો યોગ્ય પ્રતિસાદ નહીં આપો તો હું સાંકળ ખેંચી ગાડી ઊભી રખાવીશ અને ફરિયાદ કરશી કે તમે મારી લાજ લૂંટી છે.’ પોતાની બેગમાં એણે દારૂની બાટલી રાખી હતી તે બહાર કાઢી અને વધારે ઉત્તેજિત થવા માટે એ ઢીંચવા માંડી પણ, એની અસર ઊલટી થઈ. એને એટલો બધો નશો ચડ્યો કે એ પોતાની બેઠકે જ બેહોશ થઈ ગઈ. ગાડી પછીને સ્ટેશને પહોંચી ત્યારે સ્વામી યોગાનંદ કશી રીતે નંદાયા વગર નીચે ઊતરી ગયા.આ રીતે યોગાનંદ ભગવાનનું નામ લઈને કામજયી થયા હતા.
શ્રીરામકૃષ્ણ કથામૃતમાં કહે છે, ‘નામ-નામી અભેદ છે.’ એટલે જ્યારે આપણે ભગવાનનું નામ કરીએ છીએ ત્યારે સાથે સાથે જ ભગવાન ત્યાં ઉપસ્થિત થાય છે. રામચરિત માનસમાં કહે છે, ‘નામ સ્થાયી, નામી અનુગામી.’ નામ સ્થાયી છે અને નામી અનુગમન કરે છે. એટલે જ્યારે આપણે ભગવાનનું નામ કરીએ છીએ ત્યારે ભગવાન ત્યાં આવે છે, તો આપણે તેને કેમ જોઈ શકતા નથી? ભગવાનને જોવા માટે આપણે આપણા મનને કામ-વાસનાથી મુક્ત કરવું પડશે. મન કેવી રીતે કામ-વાસનાથી મુક્ત અને શુદ્ધ બને? આપણે જેટલું ભગવાનનું નામ લઈશું તેટલા વધારે પવિત્ર બનીશું. ભગવાનનું નામ લેવું એટલે પ્રભુ તરફ આગળ વધવું. આપણે જો ભગવાન તરફ એક પગલું આગળ વધીશું તો ભગવાન આપણા તરફ દશ પગલાં આગળ આવશે. આપણે જો ભગવાન તરફ ચાલવાનું શરૂ કરીશું તો ભગવાન આપણા તરફ દોડવા લાગશે. જેવી રીતે પૂર્વ તરફ ચાલીએ તો પશ્ચિમ દિશા પાછળ રહી જશે, તેવી રીતે ભગવાનની તરફ ચાલશે તો કામના-વાસના પાછળ પડી રહેશે. આપણે સૌ ભગવાન પાસે પ્રાર્થના કરીએ જેથી કરીને ભગવાન આપણને તેમનું નામ કરવાની શક્તિ અર્પે અને આપણે સૌ ભગવાનને પામી ધન્ય બનીએ.
Your Content Goes Here




