(17 એપ્રિલ, રામનવમીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. – સં.)
વેદાંતના ‘અન્વય’ અને ‘વ્યતિરેક’ સિદ્ધાંતાનુસાર શ્રીરામકૃષ્ણના જીવનમાં આદ્યપર્યંત રામ-તત્ત્વ અનુસ્યૂત છે.
શ્રીરામકૃષ્ણના આવિર્ભાવ પૂર્વેનો વંશપરિચય જોઈએ તો તેમાં કુળપરંપરાગત શ્રીરામચંદ્રની ભક્તિ સવિશેષપણે પાંગરી હતી. દેરેગામના મણિકરામ ચટ્ટોપાધ્યાયને ત્રણ પુત્રો અને એક પુત્રી હતાં: સૌથી મોટા ખુદીરામ, પછી રામશિલા નામની કન્યા અને ત્યાર બાદ નિધિરામ અને કાનાઈરામ નામના બે પુત્રો. રામશિલાને રામચંદ્ર નામનો પુત્ર અને હેમાંગિની નામની પુત્રી હતાં. હેમાંગિનીના રાઘવ, રામરતન, હૃદયરામ અને રાજારામ નામે ચાર પુત્ર હતા. નિધિરામ નિઃસંતાન હતા. કાનાઈરામને રામતારક અને કાલિદાસ નામે બે પુત્રો હતા.
ખુદીરામને ત્રણ પુત્ર હતા—રામકુમાર, રામેશ્વર અને ગદાધર-રામકૃષ્ણ. રામેશ્વરના પુત્ર હતા રામલાલ અને શિવરામ.
આમ, પરિવારના બધાના નામમાં ‘રામ’નામ મુખ્ય છે. શ્રીરામકૃષ્ણના અવતરણ પૂર્વેની અને પછીની વશંપરંપરા રામ-નામધારી હતી. પરિવારના ગૃહદેવતા રઘુવીર હતા.
સત્યનિષ્ઠાને કારણે ખુદીરામને દેરેગામ છોડવું પડ્યું અને કામારપુકુર આવીને વસ્યા. એક વાર કોઈ કામ પ્રસંગે ખુદીરામ બીજે ગામ જતા હતા ત્યારે માર્ગમાં વિશ્રામ કરવા એક વૃક્ષ નીચે લંબાવ્યું. સ્વપ્નમાં જોયું તો પોતાના ઇષ્ટદેવ નવદૂર્વાદળ શ્યામ-તનુ ભગવાન શ્રીરામચંદ્ર દિવ્યબાળ રૂપે ઉપસ્થિત થઈને કહી રહ્યા છે, “અહીંયાં હું કેટલાય દિવસથી સાર-સંભાળ વગરનો અને આહાર વિનાનો પડી રહ્યો છું. મને તારે ઘેર લઈ જા. તારી સેવા ગ્રહણ કરવાની મને ઉત્કટ અભિલાષા છે.” સ્વપ્ન ઊડી જતાં, બાજુના ડાંગરના ખેતર પાસે સુંદર શાલિગ્રામ શિલા જોઈ.
‘જય રઘુવીર’ બોલી શિલા હાથમાં લીધી. શાસ્ત્રજ્ઞ ખુદીરામે શિલામાં સર્વ લક્ષણોનું નિરીક્ષણ કરીને જોયું તો તે સાચે જ ‘રઘુવીર’ નામની શિલા હતી. આ શિલાનું તેમણે ગૃહદેવતા તરીકે સ્થાપન કર્યું અને નિત્યપૂજા કરવા લાગ્યા.
શ્રીરામકૃષ્ણનું બાળપણનું નામ ગદાધર હતું. એક દિવસ ખુદીરામને રઘુવીર માટે પુષ્પમાળા ગૂંથવાનું મન થયું. તેમણે માળા ગૂંથી અને પૂજા કરવા બેઠા. બાળ ગદાધરને માળા પહેરવાનું મન થયું. ખુદીરામ ધ્યાનમાં બેઠા ત્યારે ગદાધરે તક ઝડપીને માળા પોતે પહેરી લીધી. પછી પિતાને કહેવા લાગ્યા, “જુઓ બાપુજી, હું રઘુવીર છું. એની જેમ મેં પણ ચંદનલેપ કર્યો છે અને માળા પહેરી છે.”
વૈષ્ણવ સંપ્રદાયના ભક્તિપંથનાં મહાન સાધિકા ભૈરવી બ્રાહ્મણી શ્રીરામકૃષ્ણને તંત્રસાધના શીખવવા દક્ષિણેશ્વર પધાર્યાં હતાં. તેમના ગળામાં પોતાના ઇષ્ટ રઘુવીરની મૂર્તિ લટકાવેલી રાખતાં હતાં. એક વખત તેઓ પંચવટીમાં પોતાના ઇષ્ટની નિત્યપૂજાના અંગરૂપે અન્નભોગનું નૈવેદ્ય ધરાવવા બેઠાં હતાં, તે દરમિયાન તેઓ ધ્યાનસ્થ થઈ ગયાં. શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના પોતાના ઓરડામાં બેઠા હતા ત્યાંથી અંતરના ઊંડાણમાંથી આકર્ષણની અનુભૂતિ કરતાં પૂજાસ્થાને પહોંચીને દૈવીશક્તિના પ્રભાવથી પૂર્ણભાવાવેશમાં ભૈરવીએ રઘુવીરને નિવેદિત કરેલી સામગ્રી આરોગવા લાગ્યા. બ્રાહ્મણીને બાહ્યભાન આવતાં પોતાનાં નેત્રો ખોલ્યાં અને ભાવાવિષ્ટ શ્રીરામકૃષ્ણના એવા આચરણને પોતાના આંતર્દર્શનની સાથે મળતું આવતું જોઈને આનંદવિભોર થઈ ઊઠ્યાં. શ્રીરામકૃષ્ણને ક્ષોભ પામેલા જોઈ બ્રાહ્મણીએ કહ્યું, “ઠીક જ કર્યું છે. બાબા, આ જાતનું કાર્ય તેં જાતે નથી કર્યું, તારી અંદર જે રહ્યા છે, તેમણે કર્યું છે.” શ્રીરામકૃષ્ણના દેહ-મનને આધારે જીવંત રઘુવીરનાં દર્શન પામીને પ્રેમ-ગદ્ગદ ચિત્તે દીર્ઘકાળથી પૂજેલી પોતાની રઘુવીર શિલાનું તેમણે ગંગામાં વિસર્જન કર્યું.
વૈષ્ણવમતાનુસારની વાત્સલ્યભાવની સાધના વખતે શ્રીરામકૃષ્ણે જટાધારી નામના રામાયત સાધુ પાસેથી રામ-મંત્રની દીક્ષા લીધી હતી. જટાધારીને મન તેમની બાળ રામની મૂર્તિ જીવંત હતી. તેઓ જીવંત રામલાલાની જેમ તેને સ્નાન કરાવતા, ભોજન કરાવતા, તેની સાથે આનંદપ્રમોદ પણ કરતા. આ જોઈને રામનાં માતા કૌશલ્યા જેવા વાત્સલ્યપૂર્વક બાળ રામની સેવા કરતાં, તેવા જ ભાવથી શ્રીરામકૃષ્ણ પણ બાળ રામચંદ્રની ધાતુ-મૂર્તિની સેવા કરવા લાગ્યા. જટાધારીના જેવો નિકટનો સંબંધ બાળ રામલાલાએ શ્રીરામકૃષ્ણ સાથે બાંધી લીધો. આ જોઈ જટાધારીએ શ્રીરામકૃષ્ણને કહ્યું, “મેં પૂર્વે કદી નહીં અનુભવેલું તે રીતે રામલાલા મારી સમક્ષ પ્રગટ થયા છે. ‘હું અહીંથી જવા માગતો નથી અને મારે અહીં (શ્રીરામકૃષ્ણ પાસે) જ રહેવું છે.’ તેમ રામલાલાએ મારી સમક્ષ પ્રગટ કર્યું છે. હવે હું તેને તમારી પાસે છોડીને ચાલ્યો જઈશ.” પછી જટાધારીએ રામલાલાની મૂર્તિ શ્રીરામકૃષ્ણને આપી અને પોતે વિદાય થયા.
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત નવગોપાલ ઘોષનાં પત્ની નિસ્તારિણી ઘોષના ઇષ્ટદેવ રામચંદ્ર હતા. એક દિવસ મંત્રજાપ કરતાં એમને શ્રીરામનાં દર્શન થયાં. તરત તેમણે મસ્તક નમાવ્યું અને તેઓ ચરણરજ લેવા ગયાં ત્યારે રામને બદલે એમને શ્રીરામકૃષ્ણ દેખાયા. હસીને શ્રીરામકૃષ્ણે કહ્યું, “હું કોણ છું, એ હવે તેં જાણ્યું.”
શ્રીમા શારદાદેવી દક્ષિણભારતની યાત્રાએ ગયાં હતાં ત્યારે રામેશ્વરમ્ પણ ગયાં હતાં. રામેશ્વરમ્માં શિવલિંગની પૂજા કરતી વખતે તેઓ એકાએક ઉદ્ગાર કરી ઊઠ્યાં, “જેવી રીતે મૂકી ગઈ હતી, ઠીક તેમ જ છે.” આનો સૂચિતાર્થ એ થયો કે ત્રેતાયુગમાં રામરૂપે અવતાર પામેલ ઈશ્વરે રામેશ્વર શિવલિંગની સ્થાપના કરી હતી. તે વખતે જે સીતા હતાં તે અત્યારે શ્રીશારદાદેવી છે અને તેમના લીલાસહચર છે શ્રીરામકૃષ્ણ. આ બતાવે છે કે જે રામ હતા, તે અત્યારે શ્રીરામકૃષ્ણ છે.

શ્રીરામકૃષ્ણના ભત્રીજા રામલાલે નિમ્નલિખિત પ્રસંગ કહ્યો હતોઃ
એક યુવાન રામાયત સાધુને દર્શન થયું કે ભગવાન રામે પુનઃ અવતાર લીધો છે અને તેઓ ક્યાંક પૂર્વ તરફ છે. અયોધ્યાથી તે પગપાળા બંગાળ આવ્યો ત્યારે તેને જાણવા મળ્યું કે કોલકાતા પાસે શ્રીરામકૃષ્ણ નામના મહાન સાધુ વસે છે. અંતે શોધતો શોધતો તે દક્ષિણેશ્વર આવી પહોંચ્યો, ત્યારે કાલીમંદિરના લોકો પાસેથી તેને જાણવા મળ્યું કે શ્રીરામકૃષ્ણ તો થોડા સમય પૂર્વે મહાસમાધિ પામ્યા છે.
“શું હવે એ નથી? હું અયોધ્યાથી પગપાળા અહીં મુસીબતો વેઠીને આવ્યો અને તેમણે દેહત્યાગ કર્યો?” આમ કહીને તે વિલાપ કરવા લાગ્યો. મંદિર-ભંડારમાંથી મોકલાવેલ કંઈ જ ખાધા વિના, પંચવટીમાં જઈ તેણે બે-ત્રણ દિવસ નિરાહાર વિતાવ્યા. એક રાત્રે શ્રીરામકૃષ્ણે તેને દર્શન આપ્યાં અને કહ્યું, “તેં કેટલાક દિવસથી અન્ન-જળ લીધાં નથી, તેથી તારા માટે હું ખીર લાવ્યો છું, એ જરા ખાઈ લે.” સાધુને ખીર ખવડાવી તેઓ અંતર્ધાન થઈ ગયા. બીજે દિવસે સાધુને આનંદમગ્ન જોઈ રામલાલે ‘શું બન્યું છે?’ એમ પૂછતાં સાધુએ સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું અને શ્રીરામકૃષ્ણ જે માટીના પાત્રમાં ખીર લાવ્યા હતા, તે પણ બતાવ્યું.
શ્રીરામકૃષ્ણદેવ કાશીપુર ઉદ્યાનગૃહમાં લીલાસંવરણની તૈયારી કરી રહ્યા હતા. એ વખતે નરેન્દ્રના (સ્વામી વિવેકાનંદના) મનમાં વિચાર સ્ફૂર્યો, ‘ભલે એમણે કેટલીય વાર પોતાને ભગવાનના અવતાર તરીકે ઓળખાવ્યા છે, જો આવી સ્થિતિમાં પણ પોતાને ભગવાન કહી શકે ત્યારે જ હું વિશ્વાસ કરીશ.’ માનવ-મનની અદમ્ય શંકા જાણે આજે અચાનક નરેન્દ્રના મનનો આધાર લઈને જીવંત બની ગઈ. પરંતુ એ જ ક્ષણે લીલાર્થે દેહધારણ કરેલા ભગવાન આવી અસહ્ય યાતના વચ્ચે તેમના પ્રતિ દૃષ્ટિ કરી બોલી ઊઠ્યા, “જે રામ હતા, જે કૃષ્ણ હતા—તેઓ જ આ વખતે આ દેહમાં રામકૃષ્ણ થયા છે; પણ તારા વેદાંતી દૃષ્ટિકોણથી નહીં.”
Your Content Goes Here





