એક સાહિત્યકાર, શિક્ષણવિદ્, નવલકથાકાર, કવિ, કટારલેખક વગેરે બહુવિધ ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત શ્રી રઘુવીરભાઈ ચૌધરી ૫ ડિસેમ્બર, ૧૯૩૮ના દિવસે ગાંધીનગરના બાપુપુરામાં જન્મ્યા. ૮૬ વર્ષની ઉંમરે પણ તેઓ તેમના ક્ષેત્રમાં એટલા જ સક્રિય છે.
માણસામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરી, તેઓ ૧૯૬૦માં સ્નાતક થયા અને ૧૯૬૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી હિન્દી વિષય સાથે અનુસ્નાતક થયા. ત્યાર બાદ ૧૯૭૯માં ગુજરાત યુનિવર્સિટીમાંથી જ પીએચ. ડી. ની ઉપાધિ મેળવી. આ દરમિયાન ૧૯૭૭માં સ્કૂલ ઑફ લેન્ગ્વેજીસમાં જોડાયા અને ત્યાંથી જ તેઓ હિન્દી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા.
રઘુવીર ચૌધરી વિપુલ અને નોંધપાત્ર નવલકથાલેખન દ્વારા સતત વંચાતા – વિવેચાતા નવલકથાકાર છે. નોવેલ ઑફ આઈડિયાનું નોંધપાત્ર દૃષ્ટાંત ‘અમૃતા’ છે. એમની નવલકથાઓમાં માનવસંબંધની – ખાસ કરીને સ્ત્રીપુરુષ સંબંધની સંકુલતાનું આલેખન ધ્યાન ખેંચે છે. રચનારીતિનું વૈવિધ્ય ધરાવતી તેમની વાર્તાઓમાં વૈયક્તિક સંવેદનથી વ્યાપક અનુભવ તરફની ગતિ જોઈ શકાય છે. તેમની કવિતામાં વતન પ્રત્યેની અતૂટ માયા અને શહેરી વસવાટને કારણે અનુભવાતી જુદાઈની વેદના જોઈ શકાય છે.
સાહિત્ય સર્જનના ક્ષેત્રે તેમણે પૂર્વરાગ, અમૃતા, પરસ્પર, ઉપરવાસ, રૂદ્રમહાલય, પ્રેમઅંશ વગેરે અનેક નવલકથાઓ; આકસ્મિક સ્પર્શ, ગેરસમજ, નંદીઘર જેવા વાર્તાસંગ્રહો; તમસા, વહેતાં વૃક્ષ પવનમાં વગેરે કાવ્ય સંગ્રહ; અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદરસાની અને નજીક વગેરે નાટકો લખ્યાં છે.
આ ઉપરાંત ડિમલાઇટ ત્રીજો પુરુષ વગેરે એકાંકીઓ, અદ્યતન કવિતા, વાર્તાવિશેષ, મુક્તાનંદની અક્ષર આરાધના જેવાં વિવેચનો, સહરાની ભવ્યતા, તિલક વગેરે રેખાચિત્રો, બારીમાંથી બ્રિટન-પ્રવાસ વર્ણન, વચનામૃત અને કથામૃત—ધર્મચિંતન અને અન્ય સંપાદનો વગેરે ગુજરાતી સાહિત્યને પ્રદાન કર્યાં છે. તેમના લેખનકાર્ય માટે તેમને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.
કુમાર સુવર્ણ-ચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૭૫માં ‘રણજીતરામ સુવર્ણ ચંદ્રક’, ૧૯૭૭માં ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’, તેમની પ્રથમ અને સુપ્રસિદ્ધ નવલકથા ‘અમૃતા’ માટે ૨૦૧૫માં જેને ભારતનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર માનવામાં આવે છે તે ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ તેમને ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિના હસ્તે અર્પણ કરવામાં આવ્યો. આ ઉપરાંત ૨૦૧૯માં તેમને ગુજરાત યુનિવર્સિટીએ D. Lit.ની માનદ્ ઉપાધિ પ્રદાન કરી.
શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા પ્રકાશિત માસિક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ માટે તેઓ તેમના લેખ મોકલતા રહ્યા છે. આનંદશંકર ધ્રુવની પુસ્તિકા ‘હિંદુ ધર્મની બાળપોથી’ એ વિષય પર એક સુંદર લેખ તેમણે મોકલ્યો હતો.
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી જ્યારે સમગ્ર વિશ્વમાં ઊજવાઈ રહી હતી, ત્યારે તે વખતે ૨૦૧૨ – ૨૦૧૪ દરમિયાન ગુજરાત સરકારે પણ મોટા પાયા પર જન્મજયંતી ઊજવવાનું નક્કી કર્યું હતું. તે માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા મંદિરમાં એક બેઠક બોલાવી હતી, જેમાં સાહિત્યકાર, લેખક, સામાજિક સંસ્થાનોના પ્રતિનિધિઓ, લાયન્સ ક્લબ—રોટરી ક્લબના પ્રતિનિધિઓ વગેરે લગભગ ૧૫૦થી ૨૦૦ પ્રબુદ્ધ વિચારકો અને વિવિધ ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કરનારા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ૨થી ૩ કલાક ‘બ્રેઈન સ્ટોર્મિંગ સેશન’ હતું, જેમાં દરેકે ૨ કે ૩ મિનિટમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જયંતી કેવી રીતે મનાવી શકાય એ વિશે પોતાનું વક્તવ્ય આપવાનું હતું. ઘણાં સૂચનો મળ્યાં.
આ બેઠકમાં શ્રી રઘુવીરભાઈએ કહ્યું કે રામકૃષ્ણ મિશનની દેશ-વિદેશમાં આટલી શાખાઓ છે અને ગુજરાત રાજ્યનાં જે મુખ્ય શહેર છે તે અમદાવાદ-ગાંધીનગરમાં એનાં શાખાકેન્દ્રો જ નથી, એ બરાબર ન કહેવાય. રાજ્યનાં આ શહેરોમાં કેન્દ્ર શરૂ થાય તે માટે ગુજરાત સરકારે પહેલ કરવી જોઈએ, જમીન ફાળવવી જોઈએ.
આ બાબતે તેમની અમારી સાથે કોઈ જ ચર્ચા થઈ ન હતી. અમને લાગ્યું કે તેઓ અમારા તરફથી આ સૂચનો કરી રહ્યા છે. જો કે સરકાર સાથે અમારો આ વિષયમાં વિચાર-વિમર્શ ચાલી રહ્યો હતો. પરંતુ તેમણે પોતાની તરફથી આ કહ્યું હતું. પછી તો મોટા પાયા પર જન્મજયંતી મનાવવામાં આવી.
આ ઘટના જ દર્શાવે છે કે સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશન પ્રતિ તેમનો ભાવ કેવો હતો અને તેઓ કેટલા પ્રભાવિત હતા. ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ તેમનું સ્વાસ્થ્ય સારું રાખે અને તેઓ પોતાના ક્ષેત્રમાં વધુને વધુ અગ્રેસર થાય તેવી તેઓની પાસે પ્રાર્થના કરીએ છીએ.
Your Content Goes Here




