રામકૃષ્ણ મિશન, મોરિશિયસમાં ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ હિન્દીપ્રવચનનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
તમે સૌ ભક્તો અનેક વર્ષોથી નિયમિત આશ્રમ આવો છો પૂ. સ્વામી કૃષ્ણાત્માનંદજી મહારાજ પાસેથી સાંભળીને ઘણો આનંદ થયો. આ પહેલાં તમે પૂ. કૃષ્ણાત્માનંદજી મહારાજ પાસેથી અને અન્ય સંન્યાસીઓ પાસેથી શ્રીમા વિશે ઘણી વાતો સાંભળી હશે. અંગ્રેજી અને હિન્દી ભાષામાં શ્રીમા શારદાદેવી વિશે અનેક પુસ્તકો પ્રકાશિત થયાં છે તે બધાં તમે વાંચ્યાં જ હશે એટલે હું વિમાસણમાં છું કે નવું તો વળી શું કહું? હા, થોડા સંસ્મરણો કહી શકું. ‘શ્રીમાની કૃપાથી શ્રીમાના અંતરંગ શિષ્યોમાંથી ઘણાને પ્રત્યક્ષ મળવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું છે. શ્રીમાની સાથે સંકળાયેલા, બ્રહ્મચારી રૂપે એમની સેવા કરનારા, અંતરંગ શિષ્યોના મુખેથી મને એમની વાતો સાંભળવા મળી છે. એ વાતો પ્રકાશિત થઈ ગઈ હતી, શ્રીમાના એ પાર્ષદો શ્રીમાનું સાંનિધ્ય અનુભવીને વાત કરતા હોય ત્યારે જાણે એ ક્ષણે આપણે પણ શ્રીમાની પ્રત્યક્ષ હાજરી અનુભવીએ છીએ. એ ભાવસંક્રામકઅનુભૂતિ આહ્લાદક છે.
સ્વામી વીરેશ્વરાનંદજી
રામકૃષ્ણ મઠ મિશનના દશમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ લગભગ ઈ.સ. ૧૯૭૩માં રાજકોટ આવ્યા હતા. ત્યારે ભક્ત-સંમેલનમાં ‘શ્રીમાના સંસ્મરણો કહો’ એવી એમને વિનંતી થઈ. તેમણે કહ્યું, ‘શ્રીમા વિષે પુસ્તકોમાં ઘણું લખાઈ ગયું છે. તે વાંચી લેજો.’ ત્યારે બધાં ભક્તોએ ફરીથી તેમને કહ્યું: ‘એ તો જરૂર વાંચીશું, પણ આપના સંસ્મરણો કહો. આપના મુખેથી શ્રીમાની વાત સાંભળવા અમે ઉત્સુક છીએ.’ એ પછી એમણે ધીમેકથી કહ્યું, ‘મા તો ખૂબ જ સીધાં સાદાં, સરળ હતાં. બહારથી જોવાથી કોઈને ય એમ ન લાગે કે તેઓ મહાન દેવી છે. જગદંબાનો અવતાર છે. ઘૂંઘટમાં ઢંકાયેલાં, ખૂબ જ લજ્જાશીલા મા બહારથી તો પોતાની જાતને છૂપાવીને રાખતાં કે જેથી બધા જ એમને સામાન્ય ગ્રામ્ય નારી જ માને. પરંતુ એમ છતાં પણ શ્રીમાના સંપર્કમાં જે કોઈ આવતું, એમને શ્રીમાની દિવ્યતાનો અનુભવ થયા વગર રહેતો નહીં. એક વૃદ્ધાની વાત કહું. એ વૃદ્ધા શાકભાજી વેંચતી. તે દરરોજ શ્રીમા પાસે આવતી અને શ્રીમાને શાકભાજી આપતી. શ્રીમા એના ખબર અંતર પૂછતાં, એને પ્રસાદ ખવડાવતાં, આથી તે વૃદ્ધાને શ્રીમા પાસે આવવું ખૂબ ગમતું. શ્રીમાને શાકભાજી ન લેવાં હોય તોય તે શ્રીમાની પાસે તો પહોંચી જ જતી. શ્રીમાના દેહવિલય બાદ પણ તે ત્યાં આવતી રહી. થોડીવાર બેસીને પછી ચાલી જતી. આથી કોઈએ તેને પૂછ્યું કે ‘હવે શ્રીમા નથી, કોઈ શાકભાજી લેતું નથી, કોઈ તને બોલાવતું નથી, તો ય તું દરરોજ શા માટે અહીં આવે છે?’ ‘અહીં આવું છું તો મને શાંતિ મળે છે. શ્રીમાની યાદ તાજી થાય છે. શ્રીમાના પ્રેમનો હું અહીં અનુભવ કરું છું અને મને આ સ્થળે આવીને થોડો સમય બેસવાથી ખૂબ આનંદ આવે છે. એટલે હું આવું છું.’ શ્રીમાનો આવો પ્રેમ હતો કે એક વૃદ્ધ શાકવાળી સ્ત્રી પણ એ પ્રેમને ક્યારેય ભૂલી શકી નહોતી.’
ફરી બીજી વખત સ્વામી વીરેશ્વરાનંદજીને એમના સંસ્મરણો કહેવા વિનંતી કરી, ત્યારે પણ એમણે કહ્યું: ‘શ્રીમા વિષે હું શું કહું?’ ‘તમારો ચિરસ્મરણીય કોઈ અંગત અનુભવ કહો.’ આ સાંભળીને તેઓ થોડી ક્ષણો સ્થિર થઈ ગયા અને પછી બોલ્યા; ‘જ્યારે હું શ્રીમાને પહેલી વખત મળ્યો, ત્યારે મને અદ્ભુત શાંતિ મળી. ત્યારે એવું લાગ્યું કે જ્યાં હું પહોંચવા ઇચ્છતો હતો, ત્યાં હું પહોંચી ગયો છું. મને અપૂર્વ સંતોષ થયો.’
એકવાર બેલુર મઠના બ્રહ્મચારીઓ સમક્ષ પૂ. વીરેશ્વરાનંદજી મહારાજે કહ્યું હતું: ‘શ્રીમા વિષે એક વાત કહું છું, જે સંસ્મરણોમાં છપાઈ નથી, શ્રીમા કહેતાં હતાં કે શ્રીરામકૃષ્ણે આવીને ઈશ્વરપ્રાપ્તિના માર્ગને ખૂબ સરળ બનાવી દીધો છે. પહેલાં તો કઠોર તપશ્ચર્યા કરવી પડતી હતી, ને હવે બહુ જ સહેલાયથી ઈશ્વરનો માર્ગ મળી શકે છે. પહેલાં જાણે એવું હતું કે દરવાજો ય બંધ હતો. પાછી તેની સ્ટોપર પણ બંધ હતી. અને ઉપરથી તાળું મારેલું હતું. જ્યારે હવે શ્રીરામકૃષ્ણદેવે તાળું ખોલી દીધું છે. સ્ટોપર પણ ખોલી દીધી છે. ખાલી દરવાજો અટકાવેલો છે, આથી ફક્ત દરવાજાને ધક્કો મારવાનું જ કાર્ય કરવાનું છે. દરવાજાને ધક્કો મારો એટલે તુરત ઈશ્વરનું દ્વાર ખુલી જશે.’
‘શ્રીમાની દિવ્યતાની એક બીજી વાત પણ કહું છું જે પ્રકાશિત થઈ નથી. આપણે કોઈ જ પ્રકારના ચમત્કારમાં માનતા નથી. પણ આ મારી નજરે જોયેલી વાત છે. એટલે કહું છું. શ્રીમાએ મહાસમાધિ લીધી, પછી તેમના દેહને બેલુડમઠમાં લાવવામાં આવ્યો. આજે ત્યાં શ્રીમાનું મંદિર છે, તે સ્થળે અગ્નિસંસ્કાર માટે રાખવામાં આવ્યો હતો. તે સમયે એટલો વરસાદ ઘેરાયો કે સહુને ચિંતા થવા લાગી કે હમણાં વરસાદ તૂટી પડશે તો અગ્નિસંસ્કાર અધૂરા રહેશે! પણ બધાંના આશ્ચર્ય વચ્ચે ગંગાની સામે પાર જોરદાર વરસાદ હતો. અર્ધી ગંગા સુધી પણ સખત વરસાદ પડતો હતો, પરંતુ બેલુડના કિનારે બધું કોરું ધાકોડ હતું! વરસાદે પણ શ્રીમાની આમન્યા રાખી હોય તેવું અનુભવ્યું. અગ્નિસંસ્કાર સારી રીતે થઈ ગયા. પછી ચિતામાં શાંતિજલ રેડવા માટે બધા લાઈનમાં ઊભા રહી ગયા. સર્વપ્રથમ શાંતિજલનો એક ઘડો સ્વામી શારદાનંદજીએ શ્રીમાની ચિતામાં રેડયો, અને એ સાથે જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો! બીજા કોઈને શાંતિજલ રેડવાની જરૂર જ ન પડી!’ વરુણદેવે જ સહસ્ત્ર ઘડાઓ એક સાથે ઠાલવી દીધા! આ બનાવ મેં મારી નજરે જોયો છે.’ આવી છે, શ્રીમાની શક્તિ.’
સ્વામી અપૂર્વાનંદજી
શ્રીમા શારદાદેવીના શિષ્ય સ્વામી અપૂર્વાનંદજીને અનેકવાર મળવાની તક પણ મને મળી હતી. શ્રીમાના અપૂર્વ માતૃસ્નેહની એક સ્મૃતિ એકવાર પૂ. સ્વામી કૈલાશાનંદજી મહારાજને કહી હતી. તે સમયે પ્રકાશ મહારાજ શ્રીમા પાસે રહેતા હતા અને શ્રીમાનું ખૂબ કામ કરતા હતા. લાંબા સમયથી શ્રીમા પાસે હોવા છતાં એમણે દીક્ષા નહોતી લીધી. પછી એકવાર તેમણે શ્રીમાને કહ્યું: ‘મા, મારે દીક્ષા લેવી છે.’ આ સાંભળીને શ્રીમાએ કહ્યું: ‘તને કાલે જ દીક્ષા આપી દઈશ.’ અને બીજે દિવસે પ્રકાશ મહારાજને દીક્ષા મળી ગઈ. પછી જ્યારે તેમણે શ્રીમાને કહ્યું: ‘મા, જુઓ, હવે તો મેં તમારી પાસેથી દીક્ષા લીધી છે, તો તમે મને ભૂલી ન જતાં.’ આ સાંભળીને આંખમાં આંસુ સાથે મા બોલી ઊઠ્યા. ‘શું કહ્યું? દીકરા, શું મા, કદી પોતાના સંતાનને ભૂલે? એ તો તું મને ભૂલી ગયો હતો. આટલા દિવસ સુધી હું રાહ જોઈ રહી હતી કે તું મને ક્યારે દીક્ષા આપવાનું કહેને તને ક્યારે દીક્ષા આપું?’ શ્રીમાનો પોતાના ઉપરનો આવો પ્રેમ જોઈને પ્રકાશ મહારાજ પણ રડી પડ્યા કે આવી સંભાળ તો સગી મા, પણ રાખે નહીં.’
સ્વામી ગૌરીશ્વરાનંદજી
શ્રીમાના બાળક જેવા સહજ ને સરળ સ્વભાવની વાત સાંભળેલી પૂ. રામમય મહારાજ (સ્વામી ગૌરીશ્વરાનંદજી મહારાજ) પાસેથી ત્યારે તેમની વય ઘણી જ નાની હતી. સાવ નાના છોકરા જેવા હતા. આથી તેમને શ્રીમાના અંત:પુરમાં જવાની છૂટ હતી. તેઓ શ્રીમાનું કામ કરતા, શનિ – રવિમાં ચીજવસ્તુઓ લઈને શ્રીમાને આપવા જતા. શ્રીમાને કોઈ સંદેશો મોકલવો હોય તો રામમય દ્વારા મોકલતા. એ જ રીતે સ્વામી શારદાનંદજીને શ્રીમા પાસેથી કંઈ જોઈતું હોય કે એમને કંઈ પૂછાવવું હોય તો રામમયને કહેતા આમ રામમય બહારના સંન્યાસીઓ અને શ્રીમા વચ્ચે સેતુનું કામ કરતા શ્રીમાનું બધું કામ કરતા હોવાથી શ્રીમા એમ કહેતાં કે રામમય મારો દીકરો નથી પણ દીકરી છે.
રામમય મહારાજે શ્રીમા સાથેનો એક પ્રસંગ કહ્યો હતો. તે સમયે તેઓ શ્રીમાને રસોડામાં મદદ કરતા હતા. શ્રીમા અને તેઓ બંને રોટલી વણતા હતા અને શ્રીમાના ભત્રીજી નલિની એ રોટલી શેકતી હતી. બંને રોટલી વણી વણીને રાખતા જતા હતા અને નલિની તેમાંથી લઈને શેકતી હતી. હવે નલિનીએ કહ્યું કે ‘ફઈબા, તમારી રોટલી કરતાં રામમયની રોટલી સરસ થાય છે.’ આ સાંભળીને શ્રીમાએ કહ્યું: ‘મારી આખી જિંદગી રોટલી નાખવામાં ગઈ અને ‘રામમય તો નાનો છોકરો છે, છતાં તેની રોટલી મારાં કરતાં સરસ થાય છે! તું શું વાત કરે છે?’ આમ કહી, વેલણ અને પાટલો ખસેડીને નાની બાળકીની જેમ રિસાઈ ગયા. આ પરિસ્થિતિથી ઉગરવા માટે રામમયે કહ્યું: ‘મા, ખરેખર તો એ તમારી વણેલી રોટલી છે, મારી નહીં. કેમકે આપણા બંનેની રોટલી તો એક સાથે રાખીએ છીએ તો એને ક્યાંથી ખબર પડે કે કઈ રોટલી કોણે વણી છે?’ આ સાંભળીને શ્રીમા સંતુષ્ટ થયાં. આવા બાળક જેવા સહજ સ્વભાવની વાત કરતાં રામમય મહારાજ પોતાના ભૂતકાળમાં ડૂબી ગયાં જાણે કે ફરી નાના બાળક બની શ્રીમા પાસે લાડ કરી રહ્યા ન હોય!
સ્વામી ઈશાનાનંદજી
સ્વામી ઈશાનાનંદજી નાના હતા ત્યારથી શ્રીમા પાસે આવી ગયા અને ખૂબ સેવા કરી. તેઓ વરદા મહારાજ તરીકે પ્રસિદ્ધ છે. એમને ૧૯૭૦માં ‘ઉદ્બોધન’ ભવનમાં મળવાનું થયું. ત્યારે તો તેઓ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. મેં એમને હિન્દી ભાષામાં પૂછ્યું: ‘આપ તો વરસો સુધી શ્રીમા સાથે જ રહ્યા છો, આપ મને શ્રીમા વિષે કહો.’ ત્યારે તેઓ એકદમ ગંભીર થઈને તૂટેલી – હિન્દી ભાષામાં બોલ્યા, શ્રીમા વિષે શું કહું? અને શું કહી શકાય ખરું? અને પછી દુર્ગાસ્તુતિના આ ત્રણ શ્લોક બોલ્યા,
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ।
શરણ્યે ત્ર્યંબકે ગૌરિ નારાયણિ નમોડસ્તુતે ॥૧॥
સૃષ્ટિ – સ્થિતિ – વિનાશાનાં શક્તિભૂતે સનાતનિ ।
ગુણાશ્રયે ગુણમયે – નારાયણિ નમોડસ્તુતે ॥૨॥
શરણાગત દીનાર્ત પરિત્રાણ પરાયણે ।
સર્વસ્યાર્તિ હરે દેવિ નારાયણિ નમોડસ્તુતે ॥૩॥
બસ આ મા છે પછી રડતાં – રડતાં તેમણે કહ્યું, ઘણાં વરસો એમની સાથે રહ્યો એમની સેવા પણ ઘણી કરી, પણ ત્યારે આ સમજી શક્યો નહીં. હવે જ્યારે મારો જવાનો સમય નજીક આવ્યો છે ત્યારે સમજાયું કે જે સમગ્ર વિશ્વની જનની છે, જે સમગ્ર વિશ્વનું પાલન – પોષણ, સંવર્ધન કરે છે, એ જગત્જનની શ્રીમા રૂપે આવી હતી. એની સેવા કરવાની મને એમણે કૃપા કરી તક આપી એ જ ઘણું છે.’ આટલું કહીને તેઓ ઊંડા મૌનમાં ડૂબી ગયા, ત્યારે એવું લાગતું હતું કે જાણે શ્રીમા સાથે તેઓ એકરૂપ થઈ ગયા ન હોય!
સ્વામી આદિનાથાનંદજી (કાલીદા મહારાજ)
સ્વામી આદિનાથાનંદજી મહારાજ જમશેદપુર – ટાટાનગર કેન્દ્રના અધ્યક્ષ હતા. તેમણે શ્રીમાની પાસે મંત્ર દીક્ષા લીધી હતી. શ્રીમાની જેમ જ તેઓ અતિથિ અભ્યાગતોનો સત્કાર કરતા. પાસે બેસીને આગ્રહ કરી કરીને શ્રીમાની જેમ જ જમાડતા. તે વખતે હું તો હજુ બ્રહ્મચારી હતો. રાંચીમાં પોસ્ટિંગ થયું હતું. આથી રાંચીથી નજીક હોવાથી ઘણી વાર જમશેદપુર જવાનું થતું. મારા જેવા સામાન્ય બ્રહ્મચારીને પણ એમણે કેટલું બધું માન આપ્યું! સામે બેસાડીને આગ્રહ કરી કરીને જમાડ્યો. એટલું જ નહીં, પણ બીજે દિવસે કોઈ ગુજરાતી ભક્તને કહીને ગુજરાતી ભોજન મંગાવ્યું ને ખવડાવ્યું! ત્યારે મનમાં થયું કે શ્રીમાએ પોતાના સંતાનોને પોતાના આચરણ દ્વારા કેટકેટલું શીખવ્યું છે, એમના શિષ્યોનો પ્રેમભાવ જોઈને શ્રીમાના પ્રેમનો અનુભવ થાય છે, તો શ્રીમાનો પ્રેમ તો કેવો ઊંડો અને વ્યાપક હશે?
કાલીદા મહારાજે શ્રીમાના જીવનનો એક અપ્રકાશિત પ્રસંગ કહ્યો હતો: તે વખતે શ્રીમા બેંગલોરમાં હતાં. ત્યાંના ભક્તોને ઇચ્છા થઈ કે શ્રીમા સાથે બધા ભોજન કરીએ. આથી ભંડારા માટે શ્રીમાની અનુજ્ઞા માગી. શ્રીમાએ કહ્યું: ‘જરૂર, પણ આ આદિમૂલમ્ (હરિજન છોકરો) પણ જમવા આવશે.’ તે રોજ શ્રીમા પાસે આવતો. ભક્તોને તેનું માની પાસે આવવું ખુંચતુ કારણ કે ત્યાં દક્ષિણમાં તો છૂતાછૂતનું પ્રમાણ ઘણું હતું. પણ હવે શ્રીમા સાથે ભોજન મળતું હોય તો પછી આ એક હરિજન બાળક ભલે આવતો. એમ વિચારીને ભક્તોએ કહ્યું: ‘મા, ભલે તે પણ આવે.’ આથી શ્રીમાએ તેને પણ જમવાનું આમંત્રણ આપ્યું અને કહ્યું: ‘તું થોડો વહેલો આવજે ને સીધો મારી પાસે આવજે.’ હવે ભોજનની પતરાવળીઓ વહેંચાઈ ગઈ. ભોજન પીરસાવાનું શરૂ થયું, ત્યારે શ્રીમાએ ‘આદિમૂલમ્ ને કહ્યું: ‘દીકરા, તું પણ પીરસ, પહેલાં મારી થાળીમાં પીરસજે.’ એ બાળકે ઉત્સાહથી કમંડલ લઈને પ્રથમ શ્રીમાની થાળીમાં પીરસ્યું અને પછી બધાંની થાળીમાં મૂકવા લાગ્યો. પણ શ્રીમાએ આદેશ આપ્યો હતો, અને શ્રીમાએ સ્વયં એના હાથનું ગ્રહણ કર્યું એટલે પછી કોઈએ વિરોધ કર્યો નહીં અને બધાએ શ્રીમા સાથે આનંદપૂર્વક પ્રસાદ લીધો. તે સમયે ત્યાં હાજર રહેલા સંન્યાસી મોટેથી બોલી ઊઠ્યા ‘આજથી જ આપણા દેશમાં અસ્પૃશ્યતા આંદોલનની શરૂઆત થઈ ગઈ.’ આ ઈ.સ. ૧૯૧૧ની વાત છે. ગાંધીજીનું અસ્પૃશ્યતા આંદોલન તો ૧૯૨૨ પછી શરૂ થયું, પણ એ પહેલાં શ્રીમાએ ભારતમાંથી અસ્પૃશ્યતા નાબુદ થાય એ માટે પ્રથમ પગલું ભર્યું હતુ. શ્રીમાને તો કોઈ જ ભેદ નહોતાં. પાછળથી આદિમૂલમ્ વિશાખાપટ્ટનમમાં એક કંપનીમાં ફોરમેનની નોકરી કરતા હતા.
એક અન્ય સંન્યાસી પાસેથી એક વાત સાંભળેલી. કોલેજનો એક વિદ્યાર્થી શ્રીમા પાસે અવરજવર કરતો. તેના મનમાં ખરાબ વિચારો આવવાનું બંધ ન થયું તેથી તેને લાગ્યું કે તે આ પવિત્ર સ્થળે આવવાને યોગ્ય નથી. શ્રીમાને પ્રણામ કરતાં કહ્યું: ‘મા, હવે તો હું જાઉં છું, પાછો નહીં આવું.’ તે જવા લાગ્યો. શ્રીમા તેની પાછળ દોડ્યાં અને તેનું શર્ટ ખેંચીને તેની આંખોમાં આંખો પરોવીને કહ્યું: ‘બેટા, જ્યારે તું મુશ્કેલીમાં હો ત્યારે યાદ કરજે કે મારે પણ એક મા છે. જ્યારે તું નિરાશ થઈ જા, કે ખરાબ વિચારો આવે ત્યારે યાદ કરજે કે મારે પણ એક મા છે.’ એને આ રીતે શ્રીમાએ અભય આપી દીધું અને ખાતરી કરાવી દીધી કે શ્રીમા હંમેશાં એની સાથે છે. એનું ધ્યાન રાખી રહ્યાં છે. શ્રીમાનું આ વાક્ય ફક્ત એ વિદ્યાર્થી પૂરતું સીમિત નથી. આપણે સહુને માટે છે. જો આપણે આટલું યાદ રાખીએ કે ‘મારે પણ એક મા છે,’ જીવનના ઝંઝાવાતો ગમે તેવા ભયાનક હશે તો પણ શ્રીમાનાં અદૃશ્ય વત્સલ હાથો એમાંથી ઊંચકીને આપણે છેક પરમાત્માના ચરણોમાં મૂકી દેશે.
Your Content Goes Here




