(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે. તેમણે લખેલ પુસ્તક ‘અનંતરૂપિણી’માંથી કરેલ સંકલન અહીં પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

સ્વતંત્રતાની સાથે શિસ્તપાલન : મા શારદા એક બાજુ શિષ્યોને સ્વતંત્રતા આપતાં, પણ જરૂર પડ્યે કડક શાસન પણ કરતાં. સાલ ૧૯૧૯માં દુર્ગાપૂજાના પંદરેક દિવસ પહેલાં જે આશ્રમમાં રહેતાં હતાં ત્યાંથી ચાર બ્રહ્મચારીઓ ત્યાંની રજા લીધા વગર કાશીયાત્રા કરવા નીકળી પડ્યા અને રસ્તામાં માતાજીને પ્રણામ કરવા ગયા. માએ એમને બેલુર મઠમાં રહેતા બધાના સમાચાર પૂછ્યા અને આવતાં પહેલાં મઠના અધ્યક્ષ સ્વામી સારદાનંદની રજા લીધી છે કે નહીં તે પણ પૂછ્યું.

તેઓએ જવાબ આપ્યો. ‘ના મા, પરમ દિવસે સાંજે અમે મઠથી નીકળી રોડ પર ચાલતા હતા ત્યાં અમારામાંના એક જણે કહ્યું કે આ રસ્તે જતાં કાશી આવે. અને અમે બધાએ નક્કી કર્યું કે મઠમાં પાછા ન ફરવું પણ અત્યારે જ આ રસ્તે કાશી જવું. તેથી કોઈને કંઈ પણ ખબર આપ્યા વગર અમે ચાલવા માંડ્યું.’ બધી વાત સાંભળી જરા વિચાર કરી માતાજીએ સ્પષ્ટપણે કહ્યું, “દીકરાઓ, મારી ઇચ્છા એ છે કે તમે હમણાં જ મઠમાં પાછા જાઓ. થોડા દિવસ પછી દુર્ગાપૂજા છે તેથી મઠમાં ઘણું કામકાજ રહેશે. તેથી તે લોકોને તમારા વગર બહુ અડચણ પડશે.” વધુમાં તેમણે ઉમેર્યું, “મઠમાં રહેવું એ કંઈ ઓછું તપ છે? હજુ થોડા દિવસો પહેલાં જ તમે મઠમાં જોડાયા છો. થોડા વખત મઠમાં સાધુ લોકોના સંગમાં રહો. ધીમે ધીમે બધું થઈ રહેશે.” આમ, શિષ્યોને સ્વતંત્રતા આપવાની સાથે સાથે મા જરૂર પડ્યે શિસ્તપાલનનો આગ્રહ રાખીને કડક શાસન પણ કરતાં.

બીજી હરોળની તૈયારી : મા શારદાએ રામકૃષ્ણ સંઘની શરૂઆતથી જ જે જે શિષ્યોમાં ભવિષ્યમાં વિવિધ જવાબદારી ઉપાડી લેવાની શક્તિ હોય તેને ઓળખીને તેમનું ઘડતર કરવા, તેઓમાં વિશ્વાસ મૂકી, તેમનામાં રહેલ વિશિષ્ટતાઓની કદર કરીને તેઓને અનુમોદન આપતા થોડાક પ્રસંગો વાંચીએ.

ભવિષ્યમાં રામકૃષ્ણ સંઘમાં દેશ-પરદેશના શિષ્યો આવશે. તેઓની સાથે સાધુ-બ્રહ્મચારીઓએ અંગ્રેજી ભાષામાં વાતચીત કરવાનું પણ થશે. આ જવાબદારી તેઓ સારી રીતે નિભાવી શકે માટે બીજી હરોળને તે માટે તૈયાર રહેવા મા શારદાએ શિષ્યોને અંગ્રેજી ભાષા શીખવાનો આગ્રહ રાખેલો. આજે એકવીસમી સદીમાં કેટલાક વિકસિત દેશોમાં બીજા દેશની ભાષા, ખાસ કરીને અંગ્રેજી શીખવા અને તેમાં વાતચીત કરવાની મનાઈ અને વિરોધ કરવાની વાતો સાંભળીએ છીએ. આ વિચારસરણીને લીધે જે તે દેશનાં બાળકોનું ભવિષ્ય પણ ધૂંધળું જોવા મળે છે ત્યારે ૧૯મી સદીનાં અભણ મા શારદાએ તેમના અર્ધશિક્ષિત ગ્રામીણ શિષ્યોને અંગ્રેજી ભાષા શીખવાનો આગ્રહ કરતાં કહેલું કે ઘણા વિદેશી ભક્તો આવશે ત્યારે તેમની સાથે અંગ્રેજી ભાષામાં વાતચીત કરવી પડશે. વળી સલાહ આપીને અટકી ન જતાં, અંગ્રેજી શિખવાડવા માટે શિક્ષકની પણ નિયુક્તિ કરી હતી.

સ્વામી અશેષાનંદજી કે જેઓ મા શારદાના શિષ્ય હતા તેઓએ વર્ણવેલો આ એક પ્રસંગ છે. મા શારદા સાથેની પહેલી મુલાકાતનું વર્ણન કરતાં તેઓ લખે છે, “મેં મા શારદાની મહાનતા વિશે સાંભળ્યું ને મેં એમની પાસે જઈને એમની પાસેથી મંત્રદીક્ષા લેવાની ઇચ્છા વ્યકત કરી.”

એમણે મને કહ્યું, “દીકરા, તું રાખલ (સ્વામી બ્રહ્માનંદ) પાસે નિયમિત સત્સંગ માટે જાય જ છે, તે તને મંત્રદીક્ષા આપવા માટે, તારા ગુરુ બનવા માટે યોગ્ય જ છે. તું તેની પાસે જા, તને મંત્રદીક્ષા આપશે.” આ જ પ્રમાણે ઠાકુરના શિષ્ય સુબોધ મહારાજ કે જે નાના બાળક જેવા હોવાથી બંગાળમાં ‘ખોકા’ મહારાજ તરીકે ઓળખાતા હતા.

તેઓ ભક્તને મંત્રદીક્ષા આપવાનું સ્વીકારતા નહીં. કોઈ દીક્ષાર્થી તેમની પાસે આવતા તો તેને તેઓ શિવાનંદજી કે સારદાનંદજી પાસે મોકલી આપતા. ભક્તો તેમને દીક્ષા આપવાનું કહે ત્યારે તેઓ કહેતાઃ “હું શું જાણું? હું તો ખોકા છું. તમે લોકો રાખાલ મહારાજ કે મા શારદા પાસેથી દીક્ષા લેજો, એમનો આધ્યાત્મિક ભાવ બહુ ઊંચો છે.” આમ કહી તેઓ એક પણ ક્ષણ રોકાયા વગર ત્યાંથી સરકી જતા.

શ્રીમાએ આ સાંભળીને ભક્તોને કહેલું, “ખોકા, કેમ મંત્ર આપતો નથી, જેટલા દિવસો સુધી ઠાકુરના પુત્રો છે તેમની પાસેથી જેટલું લઈ શકાય તેટલું લૂંટી લો.” પછીથી પરમાધ્યક્ષના આદેશથી ખોકા મહારાજે પૂર્વ બંગાળના પ્રાર્થનાર્થીઓ પર ખુલ્લા હૃદયે કૃપા વરસાવેલ. આમ, મા શારદા બીજી હરોળને તૈયાર કરવા સજાગ રહેતાં અને તે માટેનું અનુકૂળ વાતાવરણ પણ ઊભું કરતાં.

ઘણી સંસ્થાઓ શુભ આશયથી શરૂ થાય છે પરંતુ થોડાં વર્ષો બાદ સ્થાપકની ગેરહાજરી થતાં તે સંસ્થાનું કામ ધીરે ધીરે ઓછું થતું, બગડતું અથવા તો ક્યારેક સંસ્થા મૃત:પ્રાય થતી જોવા મળે છે. આમ, મા શારદાએ વ્યાપક નેતૃત્વશક્તિ દ્વારા પૂરું પાડેલ નેતૃત્વ આપણી સમક્ષ એક આદર્શ ઉદાહરણ બની શકે છે.

માના જીવનમાં નેતૃત્વના ગુણો જેવા કે પ્રેમ, કરુણા, સમદૃષ્ટિ, અંતઃદૃષ્ટિ, દીર્ઘદૃષ્ટિ, સ્થળ, સમય અને સંજોગોને સાનુકૂળ થઈને જડ નીતિનિયમોમાં જકડાઈ ન જતાં, અપવાદ કરવાની વિવેકશક્તિ દર્શાવતા અનેક પ્રસંગો જોવા મળે છે. ઘણાં વર્ષો સુધી મા શારદાના આ બધા ગુણો જાણે કે પડદા પાછળ છુપાયેલા જ રહ્યા હતા.

સાલ ૧૯૫૩માં જ્યારે મા શારદાના જન્મશતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે વિશ્વપરિષદ યોજાઈ ત્યારે તેમના જીવન અને સંદેશાઓ વિશે ઘણા બધા પ્રસંગો પુસ્તકો રૂપે પ્રકાશિત થયા. મા શારદાના જીવનવ્યવહારમાં પ્રકાશિત થતી નેતૃત્વશક્તિને દેશ અને દુનિયા ઓળખી શકેલાં. મા શારદાના સાચા સ્વરૂપને ઓળખવું એક સામાન્ય માણસની બુદ્ધિ માટે મર્યાદિત છે.

(ક્રમશ:)

Total Views: 4

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.