(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના ૧૬ ભાગોના હિન્દી અનુવાદ પરથી ગુજરાતી ભાષાંતરનું કાર્ય શ્રીરામકૃષ્ણદેવનાં ભક્ત શ્રીમતી સમતાબહેન રાજ્યગુરુએ કર્યું છે. અહીં તેમાંથી કેટલાક અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

પુરીમાં રાજા પ્રતાપરુદ્રે ચૈતન્યદેવનાં દર્શન કરવાની ઇચ્છા કરી. સાર્વભૌમ, રાય રામાનંદ વગેરે ભક્ત હતા ને, તેથી એમણે ચૈતન્યદેવને વિનંતી કરી. સાંભળતાં જ ચૈતન્યદેવ એકદમ ઊભા થઈ ગયા અને કહ્યું, ‘તો પછી હું જાઉં છું અલાલનાથ. મેં શું એટલે સંસારત્યાગ કર્યો છે?’ આવું નાટક શા માટે કર્યું? રાજા વિષયીશ્રેષ્ઠ, એટલે મળશે નહીં. પછી જ્યારે રાજભાવ છોડીને દીન-હીન ભાવથી રથની આગળ ઝાડુ મારી રહ્યા હતા, ત્યારે પ્રતાપરુદ્રને દર્શન થયાં. અને મુખેથી ગોપીગીતનું ઉચ્ચારણ કરી રહ્યા છે— ‘तव कथामृतं तप्तजीवनम्‌।’ ત્યારે ભાવમાં આવીને દોડતાં દોડતાં જઈને પ્રતાપરુદ્રને આલિંગન કરે છે.

(સહાસ્ય) ચૈતન્યદેવ સર્વે કંઈ લઈને એકદમ ઊભા રહી ગયા. તેઓ સાચા સંન્યાસી, તેથી એમનું ‘સર્વે કંઈ’ એકમાત્ર કૌપીન. અન્ય સંન્યાસીઓ પાસે સામાન ઘણો—બોક્સ, પટારો કેટલું બધું.

રામ અવતારમાં ગૃહસ્થ બનીને આવ્યા છે—અને પછી રાજા. એટલે નારદ સાથે એવો વ્યવહાર. ચૈતન્ય અવતારમાં સંન્યાસી બનીને આવ્યા છે. સંન્યાસી જગત ગુરુ, એટલે એવો વ્યવહાર.

આ બધું લોક-ઉપદેશ માટે. એને શું વળી કોઈ પર ઘૃણા કે દ્વેષ છે? એવું નથી. રાજાને જ્ઞાન આપવાથી બીજા લોકો પણ શીખશે. એટલે ચૈતન્યદેવે આવું કઠોર રૂપ ધારણ કર્યું.

જ્યાં સુધી અહંકાર હતો કે, ‘હું રાજા’ છું, ત્યાં સુધી દર્શન ન આપ્યાં. જેવા ભગવાન પાસે દીન થયા કે તરત જ દર્શન આપ્યાં—રાજાએ એકદમ આલિંગનનો લાભ પ્રાપ્ત કર્યો.

શ્રી મ. (મોટા જિતેનને લક્ષ્ય કરીને, ભક્તોને) — કોઈ કોઈ વિચારે છે કે મારા ગયા પછી છોકરાંછૈયાં ખાશે શું? બધાં મરી જશે. પરંતુ કેવું અજ્ઞાન! એ નથી વિચારતા કે, જો હું આજે મરી જાઉં તો પછી છોકરાંછૈયાં પણ શું મરી જશે? જો કહો, હા, બે–ત્રણ મરી જશે. તો ભલે પહેલાં જ બે મરી જાય.

જુઓ ને કેવો beautiful inconsistencies (સુંદર વિસંગત વ્યવહાર).

છુપાવીને રાખવાથી તો બાળકોનું અમંગળ થાય છે. પોતાના પગ પર ઊભા રહેવાનું શિક્ષણ તો આપવું જ જોઈએ.

ઘણા સમય પહેલાંની વાત છે. અમારા ઘરે કોઈને એનાં નાની લઈને આવ્યાં હતાં. મા–બાપ કોઈ ન હતાં. ગળામાં શોકનું ચિહ્ન હતું, શ્રાદ્ધ કરવાનું હતું. ઘણા દિવસો એની કંઈ ખબર ન મળી. Lost sight of (અદૃશ્ય) થઈ ગયો હતો. હવે સાંભળ્યું છે કે તેનો આઠસો રૂપિયા મહિને પગાર છે, રેલવેમાં નોકરી કરે છે. છોકરાંછૈયાંય બી. એ., એમ. એ. પાસ થઈ ગયાં છે. પરંતુ જૂના દિવસો ભૂલ્યો નથી. પોતે જાણે છે ને કે સંસાર કેવો છે, તેથી આપબળે પગભર થયો છે. હવે તો કેટલાંય ગાડી–ઘોડાનો માલિક છે.

બાપે છોકરાઓને છૂટા મૂકી દેવા જોઈએ. છૂટા મૂકી દેવાથી એ પોતાનો રસ્તો પોતાની જાતે બનાવી લેશે. તેથી પોતાના પગ પર ઊભા થશે અને બાપને પણ બંધનમાંથી મુક્ત કરશે.

આ બધો મહામાયાનો ખેલ છે. જોઈ-સમજીને પણ પાલન કરી શકતા નથી. એમની કૃપા થવાથી એકાદ-બે જણ આ માર્ગ પર ચાલી શકે છે.

રજની કહે છે કે હું ચારેય યુગમાં ભક્ત બનીને જ રહીશ. પાણીનો પરપોટો પાણીમાં જ મળી જાય છે, આ વાતને હું સમજ્યો નથી, એ વાત મારા ભેજામાં ઊતરતી નથી.

શ્રી મ. (રજનીને) — ઠાકુરે કહ્યું હતું, કેરી ખાવા આવ્યા છો, કેરી ખાઓ. કેટલી લાખ ડાળીઓ, કેટલાં કરોડ પાદડાં, એ જાણીને શું કામ? તમે કેવળ કેરી ખાઈને જાઓ.

રજની — હા, કેરી ખાવા આવ્યા છો, કેવળ કેરી ખાઈને જાઓ.

શ્રી મ. — ઠાકુરે કહ્યું હતું, એ પણ એક શ્રેણી છે, નિત્ય ભક્ત—તમે પ્રભુ, હું દાસ.

રજની — હા, કહ્યું છે. તે પણ એક શ્રેણી છે, નિત્ય ભક્તની. મને એ જ પસંદ છે.

શ્રી મ. — આજે બે જણ આવ્યા હતા. એક જણ, સ્વામી વિવેકાનંદના નાના ભાઈ મહિમબાબુ. તેઓ એકાદ વર્ષ કનખલ રહીને આવ્યા છે. એમના મુખે એ તરફના મહાત્માઓની વાતો સાંભળી. એ બાજુ ઘણા તપસ્વી સાધુઓ છે. એમની વાતો સાંભળીને મન શાંત થાય છે. તેઓ સદાય કેરી ખાય છે. આ વ્યવસ્થા પણ અનંતકાળથી થતી આવી છે. એક શ્રેણીના લોકો સંસારસુખને કાકવિષ્ઠાવત્‌ છોડીને બ્રહ્માનંદના ધ્યાનમાં તત્પર. અને બીજી સંસારસુખમાં મગ્ન. આ બંને શ્રેણીના લોકો બે વિરોધી માર્ગ પર ચાલે છે. સાધુઓનો માર્ગ જ સાચો. એ ઉપરાંત, એક અન્ય શ્રેણીની રચના થઈ છે. એને કહે છે ભક્ત. તેઓ યોગ અને ભોગ બંનેમાં છે. એમની પ્રકૃતિમાં હજુ પણ ભોગનું પ્રમાણ વધુ રહે છે. તેથી તેઓ મહાત્માઓની જેમ છોડી શકતા નથી. અને વળી, કેવળ ભોગીઓ સાથે પણ રહી શકતા નથી. તેથી જ સાધુઓ પાસે જાય છે, સાધુઓની સેવા કરે છે, સાધુસંગમાં ભોગનો ક્ષય થાય છે. પછી તે બંને હાથે સાધુઓની માફક ભગવાનને પકડી રાખે છે. સાધુઓ છે જગતની conscience (વિવેકબુદ્ધિ).

શ્રી મ. (ભક્તોને) — ગુરુ શું દોષ જુએ છે? ના, તેઓ તો અહેતુક કૃપાસિંધુ છે. ઠાકુરને કોઈ કોઈ વ્યક્તિએ કેટલા હેરાન કર્યા છે. જુઓ ને, તેઓએ કોઈના દોષ જોયા નથી. શું ઈશુ નહોતા જાણતા કે જુડાસ ઇસ્કેરિયટ વિશ્વાસઘાત કરશે. તોપણ તેઓએ એમને બાર અંતરંગોમાંના એક અંતરંગ બનાવીને પાસે રાખ્યા હતા. પાછળથી જુડાસે વિશ્વાસઘાત કર્યો. ચૈતન્યદેવ પણ હરિદાસને જાણતા હતા, છતાં પણ સાથે રાખ્યા હતા.

મોટા અમૂલ્ય — નાના હરિદાસનો ત્યાગ કેમ કર્યો?

શ્રી મ. — ગુરુનો આદેશ માન્યો નહીં, એટલે. સ્ત્રીઓ, યુવતીઓ સાથે વાત કરવાની તથા મળવાની મનાઈ કરી હતી. વારંવાર એ આદેશ અમાન્ય કર્યો, એટલે પછી લોકશિક્ષણ આપવા માટે ત્યાગ કર્યો હતો. ચૈતન્યદેવને ન ક્રોધ હતો, ન દ્વેષ. તોપણ શા માટે છોડ્યા? એવું ન કરવાથી બીજા પણ બગડી જાય. એ પથ્થરથી પથ્થર તોડે છે. લોકશિક્ષણ માટે આ બાહ્ય કઠોરતા દેખાડી હતી.

ડૉક્ટર બક્ષી — અહીંયાં તો ભક્તનો જીવ જાય છે! (ત્યાગ કરવાથી)

શ્રી મ. — આ બધું તેઓ જાણે છે, તેઓ અંતર્યામી. અને ફરી ખેંચી લેશે. ગુરુ કોઈના દોષ જોતા નથી. જ્યારે જુએ છે કે ભક્ત બહુ હેરાન કરે છે, કોઈ પણ રીતે નિયંત્રણમાં નથી આવતો ત્યારે જરાક દોરી છોડી દે છે.

ભક્ત — ઠાકુર કહે છે, ઈશ્વરને વિચાર કરીને ન જાણી શકાય. વિશ્વાસથી જ પ્રાપ્તિ થાય છે—જ્ઞાન, વિજ્ઞાન, દર્શન, વાતચીત બધું.

શ્રી મ. — આહા, શું વાત કહે છે. એમના આ જ મહાવાક્ય પર વિશ્વાસ થવાથી મનુષ્ય અડધો મુક્ત થઈ જાય છે. એમના આ મહાવાક્યનો આશ્રય લઈને બાકીના માટે સંઘર્ષ કરતા રહો. આટલો સરળ માર્ગ હોવા છતાં લોકો તેના પર ચાલતા નથી. સંસ્કારો માર્ગને રોકીને બેઠા છે.

વિશ્વાસ પણ પાછો કેવો, બાળક જેવો વિશ્વાસ, સરળ વિશ્વાસ! માએ કહ્યું છે, એ ઘરમાં હાઉ છે. બાળક સોળ આના વિશ્વાસ કરીને એ ઘરમાં જતું નથી. હાઉ શું છે, એ પણ જાણતું નથી. આ જ વિશ્વાસ થયો alternative (વિકલ્પ) શાંતિ અને આનંદપ્રાપ્તિનો. અને એવું ન કરી શકો તો બીજાે માર્ગ—ગુરુવાક્યમાં વિશ્વાસ કરવો. ગુરુવાક્યમાં બાળકવત્‌ વિશ્વાસ થઈ જવાથી ચૌદ-પંદર આના કામ થઈ ગયું. બાકીનું પણ ઈશ્વરની કૃપાથી જઈ જશે—મા ઠાકુરાણીએ આ જ પ્રાર્થના ભક્તો માટે કરી છે — ‘ઠાકુર મૃત્યુ સમયે બાળકોને દર્શન આપો.’

આટલો સરળ માર્ગ છે, પરંતુ કોણ લે છે? એમની જ અવિદ્યામાયાનું જ આ કાર્ય છે. જો લઈ લો તો પછી સંસાર રહેતો નથી. તેથી આ ‘હું’ project બનાવી દીધો છે. વિદ્યામાયાની કૃપાથી આ ‘હું’ જ ‘તું’ બની જાય છે. તમારો દાસ હું, ભક્ત હું, સંતાન હું, બની જાય છે ત્યારે હું બ્રહ્મ, ‘अहं ब्रह्मास्मि’.

વિશ્વાસ દ્વારા, ગુરુવાક્ય પર વિશ્વાસથી ઈશ્વર-દર્શન થાય છે. ઠાકુરે એક વાત કહી હતી. એક ગરીબ વિધવા હતી. ગુરુએ ગુસ્સે થઈને એને નદીમાં ડૂબી મરવાનું કહ્યું. નદીમાં ડૂબવા ગઈ પણ ડૂબી શકી નહીં—આખી નદીમાં કમર સુધી પાણી. ત્યારે ડૂબી ન શકવાથી રડવા લાગી. ભગવાને ત્યારે એને દર્શન આપ્યાં. પછી ગુરુને પણ શિષ્યાએ દર્શન કરાવ્યાં. વિશ્વાસનો એવો મહિમા છે.

શ્રી મ. (ભક્તોને) — ભક્તોનો એક વર્ગ છે. તેઓ અહેતુક ભક્તિ માગે છે. એનું જ નામ શુદ્ધા ભક્તિ. એના સિવાય બીજું કશું નહીં માગે. એમની સંખ્યા અતિ અલ્પ—They can be counted on one’s fingers. એને કહે છે નિષ્કામ ભક્ત. બીજા બધા ઐશ્વર્ય ચાહે છે. એને તેઓ છોડી શકતા નથી. ઈશ્વર એની પણ ચિંતા કરે છે. તેઓ જે ઇચ્છે, તે જ આપે છે. તેઓ જે ઐશ્વર્ય દેખાડે છે, તે કેવળ એમના માટે જ દેખાડે છે. એની વિચારધારા આ જ પ્રકારની છે— ‘એમના શિષ્યોને અમેરિકા, યુરોપના લોકો માન આપે છે. શિષ્યો એ દેશમાં અંગ્રેજીમાં પ્રવચનો આપીને બધાને મુગ્ધ કરે છે. તો પછી એને જ સ્વીકારવામાં આવે, શું કહો છો?’ મોટા ભાગના લોકોનો આવો જ ભાવ છે.

આ શ્રેણીના લોકો સાધુભક્ત પાસે આવીને કહેશે, મહાશય, મોટી મુસીબતમાં પડ્યો છું—કેસમાં ફસાયો છું. ધન-પ્રાણ બધું જવામાં છે. દયા કરીને કેસ જિતાડી દેવો પડશે. અથવા તો આવીને કહેશે, અમારી જોઇન્ટ સ્ટોક કંપની બરબાદ થઈ ગઈ છે, જેથી એની ફરી ઉન્નતિ થાય, એ કરી દેવું પડશે. કાં કહેશે, આહ! એમના ચરણની ધૂળ અમારા ઘરમાં પડી હતી ને, તેથી રામને નોકરી મળી, અને પછી રામને દીકરાનું મુખ જોવા મળ્યું. આ શ્રેણીના ભક્તો જ વધુ છે. એમને સકામ ભક્ત કહે છે.

આ બધું ઐશ્વર્ય દેખાડવાથી જ મોટા મોટા લોકો આવશે. ગાડી-મોટરની લાઇન લાગી જશે. કાશીમાં ભાસ્કરાનંદની પાસે આવા લોકો બહુ આવતા હતા. કોઈ રાજાએ પાંચ હજાર રૂપિયાના ધાબળા ખરીદી આપ્યા. કહ્યું કે તમે ગરીબોમાં વહેંચી દો. વડોદરાના રાજા ગાયકવાડ એમની પાસે જતા. મોટા ભાગના લોકો ઐશ્વર્ય ઇચ્છે છે. એટલે એમને ઐશ્વર્ય દેખાડવું પડે છે.

સકામ ભક્ત પણ સારો છે. ગીતામાં કહ્યું છે, એ પણ ઉદાર. શા માટે, એટલે કે એમને—ઈશ્વરને સર્વશક્તિમાન માને છે. જ્યારે તેઓ જન્મોજન્મ સકામ ભોગ કરીને જુએ છે કે આનાથી શાશ્વત સુખ-શાંતિ પ્રાપ્ત થતાં નથી, ત્યારે તેઓ કેવળ ઈશ્વરને જ ચાહે છે—ઐશ્વર્ય દેવા છતાં લેશે નહીં. કેવળ ભક્તિ, વિશ્વાસ, જ્ઞાન-વિવેક, વૈરાગ્ય આપો—એ જ પ્રાર્થના કરે છે. સકામમાંથી નિષ્કામ થાય છે.

ઠાકુર પાસે આવતા બધા ‘નડે ભોલા’ — ગરીબ ભક્ત, રૂપિયા નહીં, પૈસા નહીં. ભક્તોને બહુ હસાવતા. એક દિવસ ઠાકુરે કહ્યું, કેટલી ગાડીઓ આવી છે? એ સાંભળીને લાટુ બોલ્યા કે કુલ ઓગણીસ. ઠાકુરે હસીને જવાબ આપ્યો, ફક્ત આટલી જ, ત્યારે તો પછી શું વળ્યું રે? અનેક ગાડીઓ, અનેક ઘોડા, અનેક ભક્તો હોય તો જ થાય.

એમનું અપરૂપ ચરિત્ર, વિચિત્ર આચરણ. એક વાર ઠાકુર બલરામ બાબુના ઘરેથી દક્ષિણેશ્વર જઈ રહ્યા હતા. પાછળ પાછળ એક નૌકા ભરીને સ્ત્રી-ભક્તો ઠાકુરાણી પાસે જઈ રહ્યાં હતાં. તેઓ ત્યારે નોબતમાં રહેતાં હતાં. સ્ત્રી-ભક્તોએ માનાં દર્શન કરીને ઠાકુરના ઓરડામાં જઈને એમને પ્રણામ કર્યા. ઠાકુરને એ ગમ્યું નહીં. પછી એક બીજાં સ્ત્રી-ભક્ત આવ્યાં. ઠાકુરે એમને appeal (વિનંતી) કરીને કહ્યું, ‘આ જુઓ, આ બધાં શું કરે છે? કલબલ કરીને ઘરમાં પ્રવેશ કરે છે અને ઢપ–ઢપ કરીને પ્રણામ કરે છે. મને આ બધું નથી ગમતું.’ એમને દોડીને કહેવા જતાં બધાં ભાગી ગયાં.

કાંચન, રૂપિયા-પૈસાને કાકવિષ્ઠા કહ્યું. કામિની-કાંચન બંને પણ એ જ. આ વાત સાંભળીને એમની નજીક કોણ જશે? કામિની-કાંચન જ સંસાર. એ બંનેય સંસાર. એ બંનેનો ત્યાગ કરો. તો પછી કેવા લોકો જાય? એટલે એમના ભક્તો બધા ‘નડે ભોલા’, ગરીબ. ઠાકુરના ભક્તો જોતાં જ ઓળખાઈ જાય છે.

(ક્રમશ:)

Total Views: 4

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.