(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના ૧૬ ભાગોના હિન્દી અનુવાદ પરથી ગુજરાતી ભાષાંતરનું કાર્ય શ્રીરામકૃષ્ણદેવનાં ભક્ત શ્રીમતી સમતાબહેન રાજ્યગુરુએ કર્યું છે. અહીં તેમાંથી કેટલાક અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)

શ્રી મ. – માંદગીના સમયે ઠાકુર ભક્તો માટે ચિંતા કરે છે. તેમના ચાલ્યા ગયા પછી તેઓ નિરાશ્રય થઈ જશે તેની ચિંતા. (એક જણને) હિમ્મત રાખ. આવા બનવાથી કેમ ચાલશે, શોકમાં મોહિત?

એક દિવસ (શ્રીઠાકુર) પોતાની મેળે બોલી રહ્યા છે, ‘અચ્છા, બીમાર કેમ પડ્યો?’ પછી પોતે જ ઉત્તર આપે છે, ‘બીમાર થવાથી એક વસ્તુ બહુ સારી થઈ. કોણ અંતરંગ છે, કોણ પોતાનું, કોણ પારકું છે—એની છટણી થઈ જશે. અંતરંગ-ગણ તો છોડી જવાના નથી, બીમાર પડું કે સ્વસ્થ હોઉં. ઘરના માણસને રોગ થાય તો શું કોઈ છોડી દે છે? અંતરંગ જે છે, તે બીમારીમાં પણ સાથે રહેશે જ. બીજા લોકો હટી જશે. બીજા લોકો કહે છે—આ તો પોતાનીયે રક્ષા નથી કરી શકતા. તો પછી બીજાની રક્ષા શું કરી શકશે? એમ કહીને છોડી જશે, તે સકામ ભક્ત છે, સંસારના ઐશ્વર્ય માટે આવ્યા છે.’

બીજી પણ સારી વાત થઈ છે, બીમારી થવાથી. આને (મને) હોસ્પિટલ-ડિસ્પેન્સરીમાંથી બચાવી લીધો છે. સિદ્ધાઈ દેખાડવાથી લોકો આવત, રોગ મટાડવા, મુકદ્દમા જિતાડવા. અનેક લોકો સાધુ પાસે આવા જ ભાવ લઈને, કામના લઈને આવે છે.

ઠાકુરના જેટલા ઉપદેશ છે એને એક મહાવાક્યમાં કહેવા હોય તો કહેવું પડે કે આરંભમાં સાધુસંગ, મધ્યમાં સાધુસંગ અને અંતમાં સાધુસંગ. આટલું યાદ નહીં રહે એટલે ઠાકુરે સરળ રીતે વર્તમાન કાળમાં ઉપયોગી વાતોમાં બધું સમાવી દીધું છે—નિત્ય સાધુસંગ, નિત્ય નિયમિત ભજન અને વ્યાકુળ થઈને પ્રાર્થના તથા અવારનવાર નિર્જનવાસ.

એક ભક્ત – બધા માટે શું આ ભાગવત-ધર્મની વ્યવસ્થા છે કે અધિકારી વિશેષ માટે આનું પ્રયોજન છે?

શ્રી મ. – બધા માટે નહીં. જે જ્ઞાનયોગ, રાજયોગ એવાં સાધનોમાં અસમર્થ છે, આ પથ તેમના માટે છે. કળિયુગ છે ને, બધા લોકો એવો કઠિન પથ લઈ નથી શકતા. એટલે સહજ પથ આ ભક્તિયોગ જ છે. જે માર્ગે પણ જાઓ, ગંતવ્યસ્થળ એક જ છે. જેના માટે જે કરવું સહજ હોય, એ જ કરવું જોઈએ.

શ્રી મ. (સહાસ્ય, ભક્તોને) – ઠાકુરે એક જણના હાથમાંથી માળા છીનવી લીધી અને બોલ્યા, અહીંયાં આવીને પણ માળા જપવાની? અહીંયાં જે આવશે, તેને એકદમ ચૈતન્ય થઈ જશે.

શ્રી મ. – જ્યારે અવતાર આવે છે ત્યારે બહુ સુવિધા. ત્યારે ધરતી ઉપર પણ એક એેક વાંસ પાણી. અન્ય સમયે તો અતિ શ્રમ! માટી ખોદવા છતાં પાણી મળે નહીં. પરંતુ અવતારના આવવાથી બહુ સુયોગ.

કેટલી વ્યવસ્થા, પરંતુ ગ્રહણ કરવાવાળા લોકો જ નથી. જુઓ, પ્રથમ મનુષ્ય-જન્મ. એ શું ઓછું સૌભાગ્ય? મનુષ્ય-જન્મમાં જ ફક્ત સાધન-ભજન કરી શકાય છે. અન્ય કોઈ શરીરમાં નથી થતાં. આ મનુષ્ય-જન્મમાં જ મોક્ષ થાય છે.

દ્વિતીય, ભારતમાં જન્મ—જ્યાં ઋષિગણ આવ્યો હતો, અહીંયાં જ ઈશ્વરનું બહુ નામસ્મરણ થયું છે. તૃતીય, બંગાળમાં જન્મ. આ જ બંગાળ દેશમાં ચૈતન્યદેવ આવ્યા. પ્રેમના પૂરથી દેશને તરબતર કરી ગયા છે.

હવે ઠાકુર આવ્યા છે. હમણાં જ ગયા છે. હાથ લંબાવવાથી પકડી શકાય છે. મા, મા, કરીને પાગલ. કંઈ પણ લીધું નહીં. એટલો પ્રેમ ઈશ્વરમાં કે કોઈ વસ્ત્ર પણ રાખી શકતા નહીં. ઈશ્વરમાં સંપૂર્ણ મન વિલીન થઈ ગયું હતું.

અને ચતુર્થ સૌભાગ્ય, એ સમયના ભક્તો અને સાધુઓ પણ દેખાય છે, જેમને તેઓ તૈયાર કરી ગયા છે. ભક્તોને જોઈને એમની કથાનું સ્મરણ થાય છે. ઘણી સુવિધા છે, પણ લોકો ક્યાં?

હવે ઠાકુર ઉત્તમ ભક્તનાં લક્ષણો બતાવી રહ્યા છેે—ઉત્તમ ભક્ત ‘સર્વભૂત’માં ભગવાનને જુએ છે. તેથી જ તો સર્વે ઉપર એમને પ્રેમભાવ રહે છે. ત્યાર પછી દ્વેષભાવ કોના પર કરશો? બધા જ આપણા મિત્રો. સર્વનાં દુઃખમાં ત્યારે કરુણા ઊપજે છે. એટલા માટે અદ્વેષ્ટા, મૈત્રી અને કરુણા, નિર્મમતા, નિરંહકાર —ઈશ્વર કર્તા, હું અકર્તા એ બોધ થઈ ગયો છે, એટલા માટે બધા જ ઈશ્વરના—‘મારું’, ‘હું,’ બધું જ. સુખ, દુઃખ બંને જ ઈશ્વરનો પ્રસાદ.

આ શરીર, મન પણ એમનાં. તેથી સુખ-દુઃખ પણ તેમનાં, કેમ કે હું પણ તો એમનો જ. તો પછી હવે સુખ-દુઃખનું ભાન કોને રહે? એનો અર્થ એવો નથી કે સુખ-દુઃખનો અનુભવ નહીં થાય. દેહ રહેવાથી અવશ્ય થશે. પરંતુ આ બધાં મન પર આધિપત્ય જમાવી શકશે નહીં.

ક્ષમી અર્થાત્‌ ક્ષમાશીલ. આ એક લક્ષણ ભક્તોનું. શક્તિ હોવા છતાં પ્રતિકાર ન કરવો એ ક્ષમાનું લક્ષણ છે. કોઈ અન્યાય કરે તો પણ બીજાની જેમ ધૈર્ય ગુમાવે નહીં. તેઓ જુએ છે કે ભગવન્માયાથી એ બધું કરે છે, એટલે ક્ષમાશીલ હોય છે. અન્યાયને આશ્રય આપવો એ ક્ષમા નથી. જેમને ક્ષમા કરશે, એ વ્યક્તિને આ ક્ષમાના બદલામાં આત્મગ્લાનિ થવી જોઈએ.

સંતુષ્ટ સતત યોગી—ભક્તને સર્વાવસ્થામાં સંતોષ જ. કેમ કે, તે જુએ છે કે ઈશ્વરે મને આ અવસ્થામાં રાખ્યો છે, જેમ કે બિલાડીનું બચ્ચું મા વિના રહી શકે નહીં, એવી રીતે યોગી સ્વાભાવિક રૂપે સંયતચિત્ત હોય છે. ચંચળ નહીં, ગંભીરાત્મા.

દૃઢ નિશ્ચય—એમના મનમાં જે પણ ભાવનો ઉદય થાય છે, એને ઈશ્વરનો આદેશ માનીને એના પર દૃઢચિત્ત થાય છે. તેથી જ કર્તવ્યમાં અચંચળ. જે કરવાનું નક્કી કરે છે, પછી જગત ઊલટું થઈ જાય તો પણ તે જ કરશે.

ભક્ત કોઈને પણ ઉદ્વેગ નહીં આપે, ખુદ પણ ઉદ્વિગ્ન થશે નહીં. કોઈ પાસેથી એને કંઈ પણ જોઈતું નથી. સંપૂર્ણ શરણાગત થવાથી, કોઈ પણ વિષયમાં પોતાની કામના ન રહેવાથી હર્ષ, વિષાદ, ભય, ઉદ્વેગ નહીં. પોતાનું કંઈ પણ નહીં—બધું એમનું. ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ પર હર્ષ કરે, અને ન મળવાથી દુઃખી થાય એવા લોકોને જ ભય અને ઉદ્વેગ રહે છે. એમની ત્રિજગતમાં અન્ય કોઈ પણ વાંછા નથી.

કોઈની પણ અપેક્ષા નહીં, તેથી ‘અનપેક્ષ’. કોઈ બીજા કંઈ કરી આપશે એવી આશા નથી રાખતા. એકમાત્ર ભગવાન પર જ નિર્ભર. ‘શુચિ’ અંતર્બહિઃ શુચિ. બાહ્યઃ શુુચિ સ્નાન વગેેરેથી થાય છે. અંતઃ શુચિ થાય છે, ભગવાનના ચિંતનથી. શ્રીવિષ્ણુ, શ્રીવિષ્ણુ બોલવાથી આંતરશુદ્ધિ થઈ જાય છે. ‘દક્ષ:’ અર્થાત્‌ બધાં કામમાં પ્રવીણ. વિચાર-બુદ્ધિ રહે છે. તેથી ઠાકુર કહેતા, ‘ભક્ત હોબિ તો બોકા હોબિ કેનો?’ (જે ભક્ત હોય, તે મૂર્ખ શાનો બને?)

‘ઉદાસીન’ અર્થાત્‌ ભગવાનમાં મન નિબદ્ધ. તેથી સંસારની તુચ્છ વસ્તુઓ એમના મનને આકર્ષિત કરી શકતી નથી. પક્ષપાતપણું નહીં.

‘ગતવ્યથ:’—ભક્તને દુઃખ વિચલિત કરી શકતું નથી. ઠાકુરે બહુ દુઃખ વેઠ્યું હતું. એથી તેઓ કહેતા, ‘શ, ષ, સ.’ જે સહે છે તે રહે છે, જે સહન કરતા નથી તે નષ્ટ થઈ જાય છે. દુઃખ–કષ્ટ તો આવતાં–જતાં રહે છે. પરંતુ તે અંતમાં મનને અતિ ઊંચે અર્થાત્‌ ભગવાન તરફ ગતિ કરાવે છે, એનું ભાન ભક્તોને થઈ જાય છે. ‘સર્વારંભપરિત્યાગી’ અર્થાત્‌ સર્વ-શરૂઆત ત્યાગ કરે છે, એટલે કે નવાં કામો હાથમાં નથી લેતા. જે આવી પડે છે, તે જ કરે છે.

સાચા ભક્તને કોઈ દ્વંદ્વ નહીં—હર્ષ, દ્વેષ, શોક, આકાંક્ષા એમાંનું એક પણ નહીં. ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિથી હર્ષ, અને અપ્રાપ્તિથી દ્વેષ થાય છે. વળી, વાંછિત વસ્તુ ગુમાવી બેસે તો શોક થાય છે. ભક્તની ઈશ્વર સિવાય અન્ય કોઈ ઇચ્છા નહીં. તેથી શુભ-અશુભનું ભાન નથી. તેની પાસે બધુંય સમાન. જેને આપણે અશુભ સમજીએ છીએ, તેઓ એને પણ કલ્યાણકારક જુએ છે, કારણ કે તે પણ ઈશ્વરની ઇચ્છાથી જ થાય છે. ઈશ્વર સર્વમંગલમ્‌. તેથી હર્ષ-દ્વેષાદિ નહીં.

ભક્ત માટે શત્રુ પણ મિત્ર સમાન, માન-અપમાનમાં સમાન, શીત-ઉષ્ણમાં, સુખ-દુઃખમાં સમાન, નિંદા–સ્તુતિમાં સમાન તથા થોડામાં સંતુષ્ટ.

‘અનિકેત:’—ઘરબાર નહીં. વ્યક્તિગત સંપત્તિ કંઈ પણ નહીં.  વંટોળિયામાં ઊડતા એંઠા પાતળ જેવા. ઘરબાર નહીં છતાંય ‘સ્થિરમતિ’. ઉન્માદીનું મન અસ્થિર. ભક્તનું મન ભગવાનમાં અવસ્થિત. એથી સ્થિરબુદ્ધિ, સ્થિતપ્રજ્ઞ.

ભક્તના આ બધા અલૌકિક લક્ષણ-સમૂહને ‘અમૃતમ્‌’ કહ્યું છે. એનો અર્થ એમ કે જેનામાં આ લક્ષણો હોય છે, તેઓ મુક્તપુરુષ. તેઓ જન્મ-મરણના ચક્રની બહાર. એટલે ‘અમૃતમ્‌’. અમૃત જેમ અમર કરે છે, તેમ આ બધા પણ અમર કરે છે—ઈશ્વરલાભ કરાવી આપે છે.

આ બધાં લક્ષણો જેમણે ભગવાનનાં દર્શન કર્યાં છે, તેનામાં પ્રકાશિત થાય છે. અને જે ભગવાનનાં દર્શન માટે પ્રયત્ન કરે છે એમનો આદર્શ અને સાધન છે.

ઠાકુરના જીવનમાં આ બધાં જ લક્ષણો જોવા મળે છે. ગીતા જેવું જ જીવન હતું ને! ગીતા–વિગ્રહ શ્રીરામકૃષ્ણ.’

કોઈના પણ પ્રત્યે ઠાકુરને કોઈ અપેક્ષા ન હતી. એક ભક્ત ત્રણ ઝબ્બા લઈ ગયા હતા. એક રાખી લઈને બે પરત આપી દીધા. વિજયકૃષ્ણ ગોસ્વામીએ કહ્યું, ‘રાખી લો ને, તેઓ નહીં આપે તો આવશે ક્યાંથી?’

ઠાકુરે વચ્ચે અટકાવીને કહ્યું, ‘ના, મારે સંચય કરવો નથી. મા અહીં રહે છે. મા જ બધું આપે છે.’ તમે અમુક મને રાજા માનશો કે કેશવ સેન મને મહાન કહેશે તો જ હું મહાન થઈશ, એ ભાવ એમનામાં ન હતો.

ઠાકુર સંસારની કોઈ પણ વસ્તુની ઇચ્છા ન રાખતા. મમત્વ બુદ્ધિ પણ ન હતી. કોઈ વસ્તુ આપે તો બાળકની જેમ આનંદિત થતા. થોડી વાર પછી મન એ વસ્તુ પર નહીં. લક્ષ્મીનારાયણ મારવાડી દસ હજાર રૂપિયા આપવા ઇચ્છતા હતા. રૂપિયાની વાત સાંભળીને જ મૂર્છા! કહેતા, ‘નાટો (લાટુ)ની નૂન (નમક) આપવાની પણ ત્રેવડ નથી, તો પણ તેને સ્નેહ કરું છું. કેમ? મારો શિષ્ય છે એટલે નહીં, પરંતુ મા જગદંબાનું સંતાન છે માટે.

શ્રીઠાકુરને શત્રુ–મિત્રમાં ભેદ ન હતો. કાલીવાડીના કર્મચારીઓ કેટલી યાતનાઓ આપતા, પરંતુ તેઓ તેમનું ભલું કરવામાં અગ્રસર રહેતા. માન–અપમાનમાં પણ સમાન. કેશવબાબુ કેટલું માન આપતા, પણ એ બાજુ લક્ષ્ય જ નહીં. અને પછી નંદનબાગાનમાં અપમાન કર્યું. જમવા માટે બોલાવ્યા નહીં. પરંતુ જાતે જઈને સૌથી પહેલાં જમવા માટે બેસી ગયા. માગીને પૂરી નમક સાથે અડાડીને ખાઈ લીધી. એમ વિચારીને કે વળી પાછું ઘરધણીનું અકલ્યાણ ન થાય. પરંતુ શાક ન લીધું, કેમ કે એક અન્ય પ્રકારની સ્ત્રી આપવા આવી હતી.

નિંદા–સ્તુતિમાં પણ સમાન હતા. હાજરા મહાશય નિંદા કરતા. ઠાકુર ઊલટા તેમને વધુ પ્રેમ કરતા. પોતાના ભાગનું દૂધ એમને આપતા. અને દક્ષિણેશ્વરમાં પોતાની પાસે રાખી લીધા. વિજયકૃષ્ણ ગોસ્વામી, કેશવબાબુ વગેરે ભક્તગણ કેટલી પ્રશંસા કરતા પણ એ તરફ ધ્યાન જ નહીં.

દ્વારપાળે ભૂલથી ઠાકુરને કાલીવાડીની બહાર નીકળી જવા માટે કહ્યું. તરત જ ખભા પર ખેસ નાખીને હસતાં હસતાં ચાલતા થયા. ક્યાં રહીશ, એ ચિંતા નહીં. ત્રૈલોક્યે બૂમ પાડીને પૂછ્યું કે ‘નાના ભટ્ટાચાર્ય મહાશય, ક્યાં જઈ રહ્યા છો?’ ઠાકુરે કહ્યું, ‘કેમ? અહીંથી ચાલ્યા જવા માટે કહેરાવ્યું છે ને?’ ત્રૈલોક્ય દુઃખી થઈને બોલ્યા, ‘જુઓ તો, કેવા બાળો છો મને. કેવો અન્યાય છે! તમને ચાલ્યા જવા માટે કોણે કહ્યું છે? પાછા ફરો.’ અને પછી હસતાં હસતાં પાછા ફર્યા.

ઠાકુરના જીવનમાં આ બધી જ અવસ્થાઓ જોવા મળે છે. જ્યારે શાસ્ત્રોની આ બધી સાધનાઓની વાત સમજાય નહીં, ત્યારે એમના જીવનની ઘટનાઓનું  સ્મરણ કરવાથી બધું સરળતાથી સમજાઈ જાય છે. આ બધું સમજવા માટેનું મૂર્ત સ્વરૂપ જ ઠાકુર. કેવળ શાસ્ત્ર, ભાષ્ય વાંચીને સમજી શકાય નહીં.

પરંતુ આ બધું જેમના જીવનમાં ઘટિત થયું છે એવા લોકોને જોવાથી સમજમાં આવે છે. આ બધી માત્ર વાર્તાઓ નથી. આ બધા ગુણો માનવરૂપ ધારણ કરીને આવે છે. સિદ્ધ પુરુષોમાં પણ આ બધા જ ગુણો જોવા નથી મળતા. માત્ર ઠાકુરમાં બધા જ જોવા મળે છે. તેઓ સિદ્ધોના સિદ્ધ. અવતારાદિ ઈશ્વરકોટિઓમાં આ બધાનો પ્રકાશ હોય છે.

Total Views: 295

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.