(સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના મેનેજિંગ તંત્રી તથા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ છે. – સં.)
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના મૂળ વતની શ્રી કુમારપાળભાઈ દેસાઈનો જન્મ ગુજરાતના બોટાદ જિલ્લાના રામપુર ગામમાં ૩૦મી ઓગસ્ટ, ૧૯૪૨ના દિવસે થયો. તેમના પિતા શ્રી બાલાભાઈ દેસાઈ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ સાહિત્યકાર હતા અને તેઓ ‘જયભિખ્ખુ’ તખલ્લુસથી પ્રસિદ્ધ હતા. મોરના ઈંડાને ચીતરવાં ન પડે, એ પ્રખ્યાત ઉક્તિને સાર્થક કરતાં શ્રી કુમારપાળભાઈ દેસાઈએ માત્ર ૧૧ વર્ષની ઉંમરે લેખનકાર્ય આરંભી દીધું. આ નાની વયે તેઓએ બાળકો માટેના સામયિક ‘ઝગમગ’માં લખવાનું શરૂ કર્યું. ૨૨ વર્ષની ઉંમરે તો તેમણે સ્વામી વિવેકાનંદ વિશે લખવાનું શરૂ કર્યું.
શ્રી કુમારપાળભાઈએ ૧૯૬૫માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. અને ત્યાર બાદ ૧૯૮૦માં પીએચ. ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ માત્ર લેખક જ નહીં, પરંતુ એક ખૂબ જાણીતા આલોચક, કટાર-લેખક, અનુવાદક છે. તેમણે અનેક પુસ્તકોના અનુવાદ કર્યા છે. તદુપરાંત સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ જૈન સંમેલન હોય, તેમની ઉપસ્થિતિ વિના તે સંમેલન અધૂરું રહે છે અને આમ તેઓ વિશ્વભરમાં પ્રવાસ કરતા રહે છે.
તેમના લેખનકાર્યની સુવાસથી અનેક પુરસ્કારો સુગંધિત બન્યા છે.
વર્ષ ૨૦૦૧માં ‘ધનજી કાનજી સુવર્ણચંદ્રક’ તેમને એનાયત કરવામાં આવ્યો.
વર્ષ ૨૦૦૪માં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના હસ્તે પદ્મશ્રીથી તેઓને નવાજવામાં આવ્યા. ત્યાર બાદ ૨૦૦૯માં ‘સાહિત્ય-ગૌરવ’ પુરસ્કાર અને ૨૦૧૫માં ગુજરાતી સાહિત્યનો બહુ-પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ પ્રાપ્ત કર્યો. એ જ વર્ષે ૨૦૧૫માં વિશ્વ ગુજરાતી સમાજે તેમનું ‘ગુજરાત પ્રતિભા એવોર્ડ’થી સન્માન કર્યું, જે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તેમને અર્પણ કરવામાં આવ્યો.
૩૮ વર્ષની તેમની કારકિર્દી દરમિયાન શિક્ષણના ક્ષેત્રમાં પણ તેમનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે. તેઓ ૨૦૦૩માં ગુજરાત યુનિ.માં ફેકલ્ટી ઓફ આર્ટ્સના ‘School of Languages’ના ડાયરેક્ટર પદે રહ્યા. ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદ બન્નેના અધ્યક્ષપદે તેઓ રહી ચૂક્યા છે. તદુપરાંત ગુજરાત વિદ્યાસભા અને ગુજરાતી સાહિત્ય અકાદમી બન્ને સંસ્થાઓના વાઇસ પ્રેસિડેન્ટ પદને પણ તેમણે શોભાવ્યું છે. ‘Institute of Jainology – India’ના તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે. જેમાં માત્ર જૈન ધર્મ જ નહીં પરંતુ અન્ય ધર્મોના તુલનાત્મક અભ્યાસમાં પણ તેમનું બહુ મોટું યોગદાન છે.
તેઓ ખૂબ સારા વક્તા છે. પ્રકલ્પ અને સંશોધન ક્ષેત્રે એક અભિનવ સંસ્થા ‘ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ’ના તેઓ ડાયરેક્ટર પણ છે. જેમાં અનેક વ્યાખ્યાનો પણ તેમણે આપેલાં છે.
આ ઉપરાંત, તેઓ પાંચ વિવિધ વર્તમાનપત્રોમાં ‘ઈંટ અને ઈમારત’, ‘ઝાકળ બન્યું મોતી’, ‘પાંદડું અને પિરામિડ’, ‘આકાશની ઓળખ’ અને ‘પારિજાતનો સંવાદ’ જેવી નિયમિત કોલમ પણ લખે છે. ‘ઈંટ અને ઈમારત’ કોલમ આમ તો તેમના પિતાશ્રી ‘જયભિખ્ખુ’જીએ ‘ગુજરાત સમાચારમાં ૧૯૫૩માં શરૂ કરી હતી. ૧૯૬૯ સુધી તેઓ નિયમિત રીતે આ કોલમ લખતા. ત્યાર બાદ શ્રી કુમારપાળભાઈએ તેનું લેખન શરૂ કર્યું, જે આજે પણ ચાલુ છે. આમ, ૭૦ વર્ષથી સતત આ કોલમ પિતા-પુત્રના સંયુક્ત પ્રયાસોનું ફળ છે, જે પત્રકારિત્વના ઇતિહાસમાં એક અનૂઠું ઉદાહરણ છે.
કટાર સિવાય પણ સાહિત્યમાં તેમનું મોટું યોગદાન રહ્યું છે. તેમના નામે ૧૨૫ જેટલાં પુસ્તકો છે. તેમાનું સૌથી પહેલું પુસ્તક ‘વતન તારાં રતન’ શ્રી કુમારપાળભાઈએ ૨૨ વર્ષની ઉંમરે લખ્યું. જેમાં કેટલાક વીર પાત્રો વિશે લખ્યું છે, તેમાં તેમણે સ્વામી વિવેકાનંદ વિશે પણ લખ્યું છે. આ ઉપરાંત ‘જૈન વિશ્વ કોશ’, ‘મહાયોગી આનંદઘન’, ‘મંત્ર માનવતાનો’, ‘બાળ સાહસ’, ‘અનાહતા’, ‘અપંગના ઓજસ’, ‘પરમનો સ્પર્શ’, ‘ઝાકળ ભીનાં મોતી’ વગેરે પુસ્તકો ઉલ્લેખનીય છે. તદુપરાંત સુપ્રસિદ્ધ શ્રી વીરચંદ ગાંધીનાં ‘The Yoga Philosophy’ અને ‘The Unknown Life of Jesus Christ’ જેવાં પુસ્તકોનું સંપાદન પણ તેઓએ કર્યું છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમમાં પણ તેમણે ‘યુવા-સંમેલન’માં પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં સમયાંતરે તેમણે લેખો પણ લખ્યા છે. ચૂંટાયેલા લેખોના સંગ્રહ એવા શ્રીરામકૃષ્ણ આશ્રમમાંથી પ્રકાશિત પુસ્તક ‘આધુનિક યુવા-વર્ગ અને સ્વામી વિવેકાનંદ’માં તેમના ‘યુવાનો અને આદર્શ’ લેખનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના પોતાના પર પડેલા પ્રભાવ વિશે તેમના જ શબ્દોમાં કહીએ—
‘સૌથી પહેલું આકર્ષણ થયું શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથાઓનું. આ દૃષ્ટાંતકથાઓનો આનંદ તો મળ્યો, પરંતુ સાથોસાથ એ કથાઓ દ્વારા તેઓએ વિવિધ ધર્મોની સાધના કરીને આપેલો સર્વધર્મસમન્વયનો ઉપદેશ અને આધ્યાત્મિક સંદેશ વિશેષ સ્પર્શી ગયો. સ્વામી વિવેકાનંદ વિશે તો બાળપણથી જ ઘણું મોટું આકર્ષણ. મારું આજથી ૬૦ વર્ષ પૂર્વે પ્રગટ થયેલું સર્વપ્રથમ પુસ્તક ‘વતન તારાં રતન’માં સ્વામીજીની નિડરતાનો પ્રસંગ લખ્યો હતો અને ત્યારથી સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનો અભ્યાસ કરતો રહ્યો.’
‘સ્વામીજીના ગ્રંથો તો ઘણા વાંચ્યા, પરંતુ તેમની કવિતાઓ પણ ચિત્તાકર્ષક લાગતાં, સ્વામીજીની કવિતાઓ વિશે પણ એક લેખ લખ્યો હતો. હું કોલકાતા ગયો હતો ત્યારે સ્વામીજી સંબંધિત ઘણાં સ્થળોની મુલાકાત લીધી હતી, બહુ આનંદ થયો હતો.’
શિકાગો વિશ્વધર્મસભાની શતાબ્દીના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ૧૯૯૩માં શિકાગોમાં જ જૈન ધર્મ વિશે વક્તવ્ય આપવા માટે શ્રી કુમારપાળભાઈને વિશેષ આમંત્રણ મળ્યું હતું. તે પ્રસંગનો ઉલ્લેખ કરતાં તેઓ લખે છે—
‘૧૯૯૩ની વિશ્વધર્મપરિષદમાં વક્તવ્ય આપવા ગયો, ત્યારે તો સ્વામી વિવેકાનંદનાં કેટલાયે સ્મરણો ચિત્તમાં ઊગી નીકળ્યાં. કલ્પના કરતો હતો કે ૧૦૦ વર્ષ પહેલાં સ્વામીજી અને શ્રી વીરચંદ ગાંઘી બન્ને એમનાં પોશાક, પ્રવચન અને પ્રભાવથી કેવા છવાઈ ગયા હશે ! એમનાં વ્યાખ્યાનોના બે વિચારોએ ધર્મ વિશેના મારા ચિંતનને વિશેષ સમૃદ્ધ કર્યું છે. એમનાં લખાણોમાં મળતો ‘આધ્યાત્મિક આળસુવેડા’ શબ્દ મને ખૂબ સ્પર્શી ગયો. કાર્યનિષ્ઠા નેવે મૂકીને આળસ અને પ્રમાદને નામે ધર્માચરણ કરનારાઓને આ કેવો માર્મિક જવાબ ! આવા જ આળસુવેડાને કારણે આ દેશ ગુલામીના બંધનમાં સપડાયો અને વિદેશીઓએ આક્રમણ કરીને આપણા પર જીત મેળવી.’ સ્વામીજીએ એક જગ્યાએ કહ્યું છે, આધ્યાત્મિક બનવું હોય તો ફૂટબોલ રમો’, એ વાક્ય મને ખૂબ સ્પર્શી ગયું.’
‘મૃત્યુના ભયથી સતત ગભરાયેલો ચહેરો રાખીને હાસ્યને સદાકાળ માટે જીવન-નિકાલ આપીને અને નિષ્ક્રિયતાનો અંચળો ઓઢીને નીરસ રીતે જીવવાની પદ્ધતિને આપણે આધ્યાત્મિકતા માની બેઠા હતા, ત્યારે સ્વામી વિવેકાનંદે એ ક્રાંતિના સમયમાં માત્ર ભારતીય આધ્યાત્મિકતા ક્ષેત્રે જ નહીં, પરંતુ માનવતાના પ્રત્યેક પાસાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો. વ્યાવહારિક આધ્યાત્મિકતાની તેમની વિચારધારા ધર્મ-ક્રાંતિ રૂપે જોવા મળી.’
‘સ્વામી વિવેકાનંદની ભાવધારાનો અવિરત અનુભવ તો ‘પ્રબુદ્ધ ભારત’ અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ જેવાં સામયિકો દ્વારા થતો રહ્યો. વળી, આપત્તિ વેળાએ આ સંસ્થાના કલ્યાણકારોએ સક્રિય લોકસેવાનો સ્પર્શ આપ્યો. ભક્તિયોગ, કર્મયોગ અને ધ્યાનયોગ ધરાવતા સ્વામીજીઓનાં સત્સંગ, પ્રવચન અને કાર્યો દ્વારા સ્વામી વિવેકાનંદની ચેતનાને વર્તમાન યુગમાં કાર્યાન્વિત થતી જોઈ.’
‘આમ, સ્વામી વિવેકાનંદની કઈ વિચારધારાએ મારા ચિત્ત પર પ્રભાવ પાડ્યો તે જોઉં ત્યારે ઉપનિષદ અને વેદાંતનું સ્મરણ થાય, મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને ધ્યેયનિષ્ઠ જીવનનું સ્મરણ થાય, જ્ઞાતિઓના ભેદભાવોમાંથી મુક્તિ અને પ્રજા-કલ્યાણનું સ્મરણ થાય, ધર્મ ધર્મ વચ્ચેના ભાઈચારાનું સ્મરણ થાય.’
આમ, શ્રી કુમારપાળભાઈએ સંક્ષેપમાં સ્વામી વિવેકાનંદનો સંપૂર્ણ સંદેશ આપી દીધો. તેઓ અંતમાં લખે છે—
‘ઓહ ! ચિત્તના કોઈપણ ખૂણે જોઉં છું, ત્યાં મને સ્વામી વિવેકાનંદ મળે છે…’
૮૨ વર્ષની જૈફ વયે પણ એક યુવાન જેવા તરવરાટ અને ઉત્સાહથી ભરપૂર, માત્ર સાહિત્ય સંબંધિત સંસ્થાઓ જ નહીં પરંતુ અનેક સામાજિક સંસ્થાઓમાં સતત કાર્યરત એવી વિરલ વ્યક્તિ શ્રી કુમારપાળભાઈ દેસાઈ પર ઈશ્વરના આશીર્વાદોનું કૃપાવર્ષણ થતું રહે, એ જ પ્રાર્થના.
Your Content Goes Here





