પં. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તા. ૩૦ એપ્રિલથી ૬ મે સુધી તેમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘શ્રી હનુમાન ચરિત્ર’ પર પ્રવચનો આપ્યાં હતાં. તેમનો સારસંક્ષેપ અહીં અમે ધારાવાહિકરૂપે રજૂ કરી રહ્યા છીએ.

રામચરિતમાનસમાં શ્રીરામના અવતારનાં ઘણાં કારણો કહ્યાં છે. એમાંનું એક કારણ છે નારદનો શાપ. નારદ મુનિ વિવાહ કરવા માગે છે. પણ તેમનો વિવાહ ભગવાન થવા દેતા નથી. ઊલટું, એમનું મુખ વાનર જેવું બનાવે છે. વિશ્વમોહિની સાથે એમનો વિવાહ કરવા દેતા નથી અને મુખ બનાવી દે છે વાનર જેવું. નારદ મુનિ ક્રોધિત થાય છે અને ભગવાનને શાપ આપે છે. એક શાપ તો એ કે તમારે મનુષ્યરૂપે અવતાર ગ્રહણ કરવો, બીજું એ કે તમે મને વાનર બનાવ્યો એટલે વાનરો દ્વારા જ તમને સહાય મળશે. વાનરોની જ સહાય તમારે લેવી પડશે અને ત્રીજો શાપ તમે મને વિવાહ ન કરવા દીધો તો તમે પણ પત્નીના વિરહમાં દુ:ખી થશો. આ ત્રણ જાતના શાપ આપે છે. શાપ સાંભળીને ભગવાન હસે છે અને કહે છે, મુનિ! આ તો તમે શાપ નથી આપ્યા, આ તો વરદાન આપ્યાં છે. નારદમુનિ ખૂબ આશ્ચર્યચકિત થાય છે. શાપ સાંભળીને પણ આવી રીતે આનંદિત થવું એ તો તેમણે જોયું નથી. આપણે દુ:ખિત થઈએ છીએ તેનું કારણ આ ચાર બાબતો છે :

(૧) કાલ (૨) કર્મ (૩) ગુણ, અને (૪) સ્વભાવ.

આ ચાર વસ્તુથી આપણે દુ:ખી થઈએ છીએ. એમાં આપણા સ્વભાવથી જ આપણે સૌથી વધારે દુ:ખી થઈએ છીએ અને આપણા સ્વભાવથી આપણે દુ:ખી થવું કે નહીં એ આપણા હાથમાં છે અને એની શિક્ષા ભગવાન શરૂઆતમાં જ આપણને આપે છે કે, શાપને પણ વરદાન તરીકે લેવો એ સ્વભાવ ઉપર આધાર રાખે છે. એ આપણા જીવનમાં મહત્ત્વનો આપણને બોધ મળે છે. ભગવાન એની વ્યાખ્યા કરે છે કે, જો તમે મને મનુષ્યરૂપ ધારણ કરવાનું કહ્યું એ તો મારા મનની જ વાત છે. મનુષ્યરૂપ તો હું આનંદથી ધારણ કરીશ અને તમે જો કહ્યું હોત કે, વાનરો તમારા કાર્યમાં દખલરૂપ થશે તો તે અભિશાપ થાત. પણ તમે તો કહ્યું છે કે, વાનરો તમને કાર્યમાં સહાય કરશે તો તો એ વરદાન થઈ ગયું અને ત્રીજું તમે કહ્યું કે, મારા વિવાહ તમે નથી થવા દીધા એટલા માટે તમને પત્નીનો વિરહ સહન કરવો પડશે. તો એનો અર્થ એ કે તમે વરદાન તો આપી દીધું કે, વિવાહ તો જરૂર થશે. તો જ પત્નીનો વિરહ થાય. આવી રીતે એની ઊજળી રીત, ઊજળું રૂપ લઈ લેવું. આમ આવી રીતે ભગવાન સમજાવે છે કે, સ્વભાવ જો આપણે સુધારીએ તો ગમે તેવો અભિશાપ પણ આપણે માટે વરદાન સિદ્ધ થઈ જાય.

હનુમાનજી બ્રાહ્મણનો વેશ ધારણ કરી, બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને રામ અને લક્ષ્મણને ઓળખવા માટે જાય છે. સુગ્રીવ તેમને મોકલે છે. પણ શિવજીએ રામાવતારમાં આ વાનરરૂપ કેમ ધર્યું છે? આ પ્રસંગમાં બ્રાહ્મણનો તો વેશ ધર્યો. પણ વાનરનું રૂપ શિવજીએ કેમ ધર્યું? એનો ઉત્તર એ છે કે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, મનુષ્ય જાતિમાં જો ગમે તેની સેવા કરવી હોય તો એ કોણ કરી શકે! હનુમાનજી છે સેવાના મહાનતમ આદર્શ. સૌથી મોટામાં મોટો ગુણ હનુમાનજીમાં હોય તો સેવાનો અને જે પોતાને નિમ્નતમ સમજી શકે એ જ સેવા કરી શકે. તો વાનરથી વધારે નિમ્ન કોણ હોય? મનુષ્યની સેવા માટે તેઓ શૂદ્ર પણ ન થયા અને વાનરરૂપ ધારણ કરે છે. બધાંની સેવા કરે છે. પણ અત્યારે જ્યારે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવે છે, એ તો ફક્ત વેશ છે, સજાવટ છે. આજે જે વર્ણની સમસ્યા છે, જ્ઞાતિની સમસ્યા છે, જાતિની સમસ્યા છે, એ સમસ્યાનું સમાધાન એમાં છે. વર્ણ ખોટા નથી; વર્ણનું હોવું ખોટું નથી, જ્ઞાતિનું હોવું ખોટું નથી. પણ આપણે વર્ણ પ્રમાણે સ્વધર્મનું આચરણ કરતા નથી. પણ ધર્મનું ફક્ત અભિમાન કરીએ છીએ. વર્ણનું અભિમાન એ અકલ્યાણકારી છે. વર્ણનું આચરણ, વર્ણ પ્રમાણે ધર્મનું આચરણ એ કલ્યાણકારી છે. અને આજે જેટલા સંઘર્ષ આપણે જોઈએ છીએ – જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે, જાતિ-જાતિ વચ્ચે એનું કારણ એ છે કે બધાંય પોતપોતાની જાતિ વિષે અહંકાર સેવે છે. એને કારણે આ સંઘર્ષ છે. તો અભિમાનનું પોષણ વર્ણ જો ન કરે તો આ બધી સમસ્યા મટી જાય અને એક વાત આપણે યાદ રાખીએ કે, અભિમાનથી વ્યક્તિ મોટી થતી નથી, અભિમાનથી વ્યક્તિ નાની થાય છે. એની સુંદર વ્યાખ્યા રામ અને પરશુરામનું વાગ્યુદ્ધ ચાલે છે એ પ્રસંગે વાતચીત ચાલે છે. ત્યાં પરશુરામને કહેવામાં આવ્યું કે બ્રાહ્મણના નવ ગુણ આપનામાં છે તો આ તેમની પ્રશંસા થઈ કે અવનતિ થઈ? બહારથી તો તેમ લાગે છે કે નવ ગુણ છે. બ્રાહ્મણના નવ ગુણે તો એમને મહાન બનાવી દીધા અને એનો જે અહંકાર કરે તો કેવું કહેવાય..! જે નિર્ગુણ હોવા ઉપરાંત અનંત ગુણવાળો પણ છે તો અનંત ગુણવાળો મોટો કે નવ ગુણ મોટા? બંનેમાં આપણે તુલના કરીએ કે, અનંત ગુણી મોટો કે નવ ગુણી મોટો? તો ખબર પડશે કે, બહુ ખોટનો ધંધો કર્યો. અનંત ગુણવાળા તમે હતા અને તમે અભિમાન કરો છો કે મારામાં આ નવ ગુણ છે. જ્યારે આપણે આવું અભિમાન કરીએ છીએ ત્યારે એનો અર્થ એ છે કે, આપણે ખોટનો ધંધો કર્યો. આપણે અનંત શક્તિવાળા, અનંત બળવાળા, અનંત ગુણવાળા આપણે પોતાને નાનકડા રૂપમાં ગણીએ છીએ. તો અભિમાન દ્વારા વ્યક્તિ મોટી થતી નથી, નાની થાય છે અને ગુણને તો વ્યવહારમાં આચરવા પડે છે. ધારણ કરવા પડે છે. પણ એ ગુણનું અભિમાન આપણે ન રાખવું જોઈએ. ગુણનો જ્યાં સુધી આપણે આશ્રમ વ્યવહારમાં લાવવા લઈ લીધો અને પછી એને છોડી જોઈએ. ઉદાહરણ તરીકે, નદી પાર કરવા માટે નાવમાં બેસીએ છીએ, નદી પાર થઈ ગઈ એના પછી જો નાવને આપણા માથા ઉપર બેસાડીએ, માથા ઉપર રાખીને ચાલીએ તો એ તો બોજો જ છે. એવી જ રીતે, ગુણોનો આશ્રય લઈને આપણે આપણું કામ સારીએ; પછી ગુણોના અભિમાનને જો આપણા માથા ઉપર રાખીએ તો એ બોજો છે, એ દુ:ખરૂપ બને છે.

આપણા જીવનમાં ઈશ્વરનો આવિર્ભાવ થાય એ જ અત્યંત મહત્ત્વનું છે. આપણા પોતાના જીવનમાં જ્યારે ઈશ્વર આવે, ઈશ્વર સાથે સંબંધ સ્થપાય, તો જ એ બની શકે અને એ કામ હનુમાનજી જેવા સંત જ કરી શકે. ઉદાહરણ તરીકે, સુગ્રીવની સાથે રામચંદ્રજીની મૈત્રી કરાવે છે. કેવી રીતે? પહેલાં રામચંદ્રજીને જુએ છે, સારી રીતે જુએ છે; સગી આંખે જુએ છે, એમને ઓળખે છે. પછી એમના સ્વભાવને ઓળખે છે અને પછી રામચંદ્રજીના સ્વભાવને જ્યારે ઓળખી લીધો, ત્યારે જ સુગ્રીવ સાથે મૈત્રી કરાવે છે. પહેલાં તો કહે છે કે, હું તો એમ માનું છું કે તમે બ્રહ્મ જ જાણે કે સાક્ષાત્ નરરૂપ ધારણ કરીને આવ્યા છો. રામચંદ્રજી જવાબ આપે છે કે, બ્રહ્મ એને તો કોઈ કારણ હોતું નથી અને હું તો દશરથનો પુત્ર છું અને તમે કહો છો, બ્રહ્મ એ તો સર્વજ્ઞ હોય છે, હું તો મારી પત્નીની શોધમાં છું. જો સર્વજ્ઞ હોય તો આવી રીતે પત્નીની શોધમાં હું ફરત? તો તમારી તો કોઈ વ્યાખ્યા થતી નથી, બરાબર બંધબેસતી નથી, સાંભળીને હનુમાનજી રામચંદ્રજીનાં ચરણમાં પડી જાય છે. આશ્ચર્યની વાત! જ્યાં સુધી બ્રહ્મ તરીકે ઓળખતા હતા ત્યાં સુધી નમન કર્યા અને હવે એકદમ ચરણમાં પડી ગયા. શી વાત છે? તેમણે કહ્યું, ‘પ્રભુ! હવે હું તમને ઓળખી શક્યો અત્યાર સુધી બ્રહ્મ એ તો દૂરની વાત હતી. બ્રહ્મને ઓળખવો બહુ મુશ્કેલ છે. પણ હવે આ બ્રહ્મએ જ્યારે અવતાર રૂપ ધારણ કર્યું છે; મનુષ્યરૂપ ધારણ કર્યું છે અને તમે એવા બ્રહ્મ છો જે પકડમાં આવી શકો, તો પકડમાં આવવાવાળા બ્રહ્મને મળ્યા પછી મને આનંદ થાય છે. એટલે હવે તમારાં ચરણને પકડી લીધાં. બ્રહ્મ હતા ત્યાં સુધી પકડમાં નહોતા આવતા અને હવે મનુષ્ય બન્યા છો તો ૫કડમાં આવ્યા છો. સુગ્રીવ ત્યાં ઉપર બેઠા છે. તમે ચાલીને તમારા દાસ સુગ્રીવ પાસે ચાલો.’ શ્રીરામે કહ્યું, “માલિકે દાસ પાસે જવું જોઈએ કે દાસે માલિક પાસે જવું જોઈએ?” હનુમાનજી ઉત્તર આપે છે, “પ્રભુ, મેં તમારો સ્વભાવ જાણી લીધો છે એટલે તમને કહું છું કે, તમે જ્યારે આટલું બધું કર્યું તો હવે નાનકડી વાત માટે શું કામ બાકી રાખો છો? તમારી પાસે બધા જ સંબંધીઓ છે. તમારી પત્ની છે, તમારે ભાઈ છે, તમારા પિતા છે. મિત્ર કોઈ નથી એટલે તમે સુગ્રીવને મિત્ર બનાવી લો.” રામે કહ્યું, “હનુમાન, તમારા માટે તો કાંઈ માગ્યું નહીં.” ત્યારે હનુમાને કહ્યું, “મારા માટે તો થઈ જ ગયું. જ્યારે સુગ્રીવને જે તમારો દાસ છે. એને તમે મિત્ર બનાવશો તો દાસનું પદ ખાલી થઈ જશે. દાસનું પદ મને આપી દેજો!”

(ક્રમશ:)

Total Views: 337

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.