(ગતાંકથી આગળ)

પં. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાના પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તા. ૩૦ એપ્રિલથી ૬ મે સુધી તેમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘શ્રી હનુમાન ચરિત્ર’ પર પ્રવચનો આપ્યાં હતાં. તેમનો સારક્ષેપ અહીં અમે ધારાવાહિકરૂપે રજૂ કરી રહ્યા છીએ.

દેવતાઓ અને દૈત્યો વચ્ચે હંમેશાં લડાઈ ચાલે છે અને એવું જોવા મળે છે કે, દેવતાઓ હારી જાય છે, દૈત્યો જીતી જાય છે. આપણને આશ્ચર્ય લાગે છે કે આમ કેમ? પણ એમાં આશ્ચર્ય પામવાનું કશું નથી. કારણ કે બંનેનું જીવનદર્શન જુઓ તો એ બંને છેવટે તો ભોગવાદી છે. એ બંનેને જોઈએ છે તો ભોગ જ. ફરક ફક્ત એટલો જ છે કે, દેવતાઓ સારે રસ્તે ભોગ પામવા માગે છે. જ્યારે દેત્યો ગમે તે રસ્તે એ ભોગ પામવા માગે છે. પણ છેવટે તો બંને ભોગવાદી જ છે.

આપણે આપણા જીવનમાં પણ જોઈએ છીએ, સમાજમાં પણ જોઈએ છીએ કે કહેવાતા ભલા લોકો ઘણી વાર હારી જાય છે અને બૂરા લોકો આગળ વધી જાય છે. ત્યારે આપણા મનમાં વિચાર થાય છે કે, આ તો ધર્મ હારી ગયો! સારું પલ્લું હતું તે હારી ગયું. પણ તેમાં પણ જો આપણે ઊંડા ઊતરીએ તો ખબર પડશે કે, સારી વ્યક્તિઓ પણ ભોગ જ ચાહે છે. માન, પ્રતિષ્ઠા, ભોગની સામગ્રી ચાહે છે અને બૂરી વ્યક્તિઓ પણ એ જ ચાહે છે. ફક્ત જે સારી વ્યક્તિઓ છે એ ખરાબ માર્ગ અપનાવી શક્તી નથી અને આનો લાભ બૂરી વ્યક્તિઓ લે છે અને આગળ વધી જાય છે. પણ છેવટે તો બંને ભોગવાદી જ છે. બહારથી ભલે આપણને લાગે કે ધર્મ હારી ગયો. પણ ધર્મની વ્યાખ્યા, એ સારાપણાની વ્યાખ્યા બહુ કઠિન છે. મહાભારતમાં વ્યાસદેવ બહુ સુંદર વાત કહે છે કે, यतो धर्मस्ततो जयः|

રામનો તો જ્યાં જ્યાં ધર્મ છે, ત્યાં ત્યાં જય થાય છે. સત્યમેવ જ્યતે એવો આપણો નિયમ પણ છે, આપણો સિદ્ધાંતેય છે અને છતાં આપણે જોઈએ છીએ કે, ધર્મ તો હારી જાય છે! પરંતુ ખરી વાત એમ નથી. બહારથી તો કોઈ પણ પીળી ધાતુ સોનું લાગે છે. ખોટું હોય તોય સોનું લાગે છે. આપણે તેની પરખ કરી શકીએ નહીં. પરખ કોણ કરી શકે? જ્યારે ઝવેરી પાસે જઈએ છીએ, કસોટીનો પેલો કાળો પથ્થર એ જ્યારે લગાડે છે અને કહે છે, આ સોનું સાચું છે અને આ સાચું નથી. એવી જ રીતે, સાચા ધર્મની પરખ માટે કસોટીનો એક પથ્થર વ્યાસદેવ આપણને આપે છે. કસોટીનો પથ્થર એ કાળો પથ્થર છે કૃષ્ણ ભગવાન! એ શ્યામવર્ણ કૃષ્ણ ભગવાન! વળી, કહે છે, यतो कृष्णस्ततो धर्मः |

જ્યાં કૃષ્ણ ભગવાન છે ત્યાં જ ધર્મ છે. આપણે ઊંડાણથી જોવું પડશે કે, બહારથી ભલે આપણને એમ લાગે આ ધર્મનું આચરણ કરી રહ્યા છે પણ એની પાછળનો ઉદ્દેશ શો છે? ઘણી વાર આપ જોશો કે, ધર્મનું આચરણ છેવટે તો પૈસા વધારવામાં, વેપાર વધારવામાં, પૈસા વધારે મળે, માન પ્રતિષ્ઠા મળે, લોકો સમજે કે હું ધાર્મિક છું, લોકો સમજે કે હું સત્કર્મી છું, લોકો સમજે કે હું પુણ્યશાળી છું. આવા બધા વિચારો એ ધર્મની પાછળ રહે છે. એનો અર્થ તો એ છે કે ત્યાં ખરેખર ભગવાનની પૂજા નથી થઈ રહી, ત્યાં તો ખરેખર અહંકારની પૂજા થઈ રહી છે અને જ્યાં સુધી આ અહંકાર છે ત્યાં સુધી સાચો ધર્મ આવે નહિ. આ આધ્યાત્મિક જીવનનું સૌથી મોટું રહસ્ય છે. આધ્યાત્મિકતા છેવટે શું છે? જ્યાં સુધી અહંકારનો નાશ નથી થતો ત્યાં સુધી ઇશ્વર આપણા હૃદયમાં આવતા નથી તો જ્યારે આપણે અહંકારને આપણા દેવતા તરીકે બેસાડ્યો છે, ત્યાં સુધી ધર્મ થતો નથી એ ધર્મનું જીવન પ્રારંભ થતું નથી તેથી ચકાસીને જોવું પડશે કે, આપણો ઉદ્દેશ શો છે? જો ઉદ્દેશ ઈશ્વર હોય તો પછી અહંકારને તેમાં સ્થાન નથી. એવો ધર્મ ખરેખર જીતે છે કે જેની સાથે કૃષ્ણ ભગવાન છે, જેની સાથે ઈશ્વર છે અને એટલા જ માટે વાલી અને સુગ્રીવના પ્રસંગમાં આપણે જોઈએ છીએ કે, વાલી કેટલો બધો શક્તિશાળી હતો! તે છતાંય ઈશ્વર શ્રીરામ એને તીરથી મારે છે. આશ્ચર્યની વાત છે કે ઈન્દ્ર પોતે જ એ વાલીના રૂપમાં ઈશ્વરને મદદ કરવા માટે રાવણના વિનાશ માટે, એમની લીલામાં સહાયરૂપ થવા માટે બીજા બધા દેવતાઓની સાથે આવ્યો હતો. એ રાવણનો વિનાશ તો રામચંદ્રજી પછી કરે છે અને વાલીનો વિનાશ પહેલાં કરે છે! વાલીને પોતાને પણ આશ્ચર્ય થાય છે. એ રામને પૂછે છે, “આ તમે શું કર્યું? જો ધારત, જો તમે કહેત તો મેં તો રાવણને હરાવીને બગલમાં દબાવ્યો હતો, છ મહિના સુધી. હું જ રાવણને મારી દેત.” ત્યારે રામ કહે છે કે, એનું કારણ છે : मूढ तो ही अतिशय अभिमाना ।

આજે તારું અભિમાન છે, એ અભિમાનને દૂર કરવા માટે મારે આ કામ કરવું પડ્યું. જ્યાં સુધી અભિમાન છે, ત્યાં સુધી ઈશ્વર આવતો નથી અને એટલા જ માટે આપણે હવે જોઈએ સુગ્રીવને. એમાં કેટલી બધી નિર્બળતા છે! મહાકાયર! ભાગવાની વિદ્યામાં નિપુણ – જ્યાં જુઓ ત્યાં ભાગે છે. ભયથી ત્યાં ગુફામાંથી ભાગે છે. અને પછી જ્યારે વાલી આવે છે ત્યારે સિંહાસન છોડીને રાજ્યમાંથી ભાગીને પર્વત પર ચડી જાય છે અને રામ અને લક્ષ્મણને જોઈને પાછા ત્યાંથી પણ ભાગવા માટે હનુમાનને કહે છે. ‘ત્યાંથી તમે સંકેત કરજો, ઈશારો કરજો. જો આ લોકો વાલીના મોકલાવેલા હશે તો અહીંથી પણ ભાગીશ.’ એ ભાગવાની વિદ્યામાં કુશળ, આવો ડરપોક, આવો કાયર! તેમ છતાં શ્રીરામ એના ઉપર કૃપા કરે છે. ઈશ્વરની કૃપા એના ઉપર થાય છે. તેનું કારણ શું? તેનું કારણ, એની સાથે એક સંત હતા એ હનુમાનજી. આ છે સંતની ભૂમિકા. હનુમાનજી પોતે તો એક સંત તરીકે ઈશ્વરને જુએ છે. સારી રીતે જુએ છે. પોતાની સગી આંખે જુએ છે. એને ઓળખે છે. એમનો સ્વભાવ ઓળખે છે. આ બધું તો કરે છે. પણ એ બધું ફક્ત પોતાના માટે રાખતા નથી. એનો લાભ બીજાને પણ આપે છે અને સુગ્રીવને એનો લાભ તેઓ કેવી રીતે આપે છે, કેવી રીતે એ સુગ્રીવ એ સંતના પ્રભાવમાં આવીને ઈશ્વરની કૃપાનો લાભ મેળવે છે અને હનુમાનજીનું આ જે સંતનું ચરિત્ર તે રામચરિતમાનસમાં સુપેરે નિરૂપ્યું છે.

(ક્રમશ:)

Total Views: 474

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.