એક વક્તા; એક કવિ અને એક ઉત્તમ વ્યવસ્થાપક; ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ, એવું એક દુર્લભ સંયોજન ધરાવનાર શ્રી ભાગ્યેશ જહાનો જન્મ ગાંધીનગર જીલ્લાના નારદીપુર તાલુકામાં ઈ.સ. ૧૯૫૫ની ૧૮મી ફેબ્રુઆરીએ થયો હતો. તેમણે સંસ્કૃત વિષય સાથે બી.એ. કર્યું અને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો. ત્યાર પછી પણ આગળ ઘણો અભ્યાસ કર્યો, અને ૧૯૯૧ના બેચના IAS અધિકારી બન્યા. ગુજરાત સરકારના વિવિધ ક્ષેત્રોમાં તેમનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. ૩૫ વર્ષના તેમના કાર્યકાળમાં તેઓએ નડિયાદના કલેક્ટર, વડોદરાના કલેક્ટર તરીકે અદ્ભુત કાર્ય કરી, માહિતી ખાતાના કમિશનર અને પછી રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ પદે પણ સેવા આપી. શ્રી ભાગ્યેશ જહા ૨૦૧૩માં સેવાનિવૃત્ત થયા.

રામકૃષ્ણ િમશન સાથે તેમનો ઘનિષ્ઠ સંબંધ થયો ૨૦૦૫માં. સ્વામી વિવેકાનંદ વડોદરામાં જે દિલારામ બંગલોમાં ઊતર્યા હતા અને કેટલાક દિવસ નિવાસ કર્યો હતો, તે બંગલો રામકૃષ્ણ મઠ-મિશનને મળે તેમ તત્કાલીન પરમાધ્યક્ષ પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ ઇચ્છતા હતા. તે વખતે શ્રી ભાગ્યેશ જહા વડોદરાના કલેક્ટર તરીકે કાર્યરત હતા. એક વખત તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આ માટે મળવાનું થયું અને પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની ઈચ્છા તેમને જણાવી. તેમણે સામે શરત મૂકી કે જો સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ આવે તો હું તેઓને આ ભવન સુપ્રત કરીશ. (શ્રી નરેન્દ્ર મોદી પૂજ્ય આત્મસ્થાનંદજી મહારાજને ગુરુતુલ્ય માનતા.) તરત જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ વડોદરાના કલેક્ટરશ્રી ભાગ્યેશ જહાને ફોન કરી તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાનું કહ્યું. સરકારી વિભાગોની આ એક બહુ લાંબી પ્રક્રિયા છે. પરંતુ શ્રી ભાગ્યેશ જહાએ વ્યક્તિગત રસ દાખવી ખૂબ મહેનત લઈને એ પ્રક્રિયા પૂરી કરી  અને ૧૮મી એપ્રિલ, ૨૦૦૫ના રોજ હસ્તાંતરણ સમારોહમાં શ્રી મોદીજીએ તે સ્થળ પૂ. આત્મસ્થાનંદજી મહારાજને સોંપી દીધું.

તત્કાલીન મુખ્યમંત્રીશ્રીને તેમના કાર્ય પર પૂરો વિશ્વાસ હતો. ૨૦૧૨ થી ૨૦૧૪ દરમિયાન ઉજવવામાં આવેલ ‘સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી’ના ઉપલક્ષ્યમાં એક ‘વિવેકાનંદ સેલ’ શરૂ કરવામાં આવ્યો હતો, જે હેઠળ ગુજરાત સરકાર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિવેકાનંદ સેલના ઇન્ચાર્જ શ્રી ભાગ્યેશ જહાને બનાવવામાં આવ્યા હતા. ૧૧, જાન્યુઆરી, ૨૦૧૪ના દિવસે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સ્વામીજીની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં સમાપન કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં ૫૦૦૦ યુવાનો આવ્યા હતા. જેમાં મારા સંશોધનાત્મક પુસ્તક ‘ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ’નું શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિમોચન થયું અને સમગ્ર ગુજરાતમાં પ્રચાર-પ્રસાર થાય તે માટે એક લાખ પ્રતોનો ઓર્ડર આપવામાં આવ્યો. એ પુસ્તકની એટલી પ્રતો તૈયાર થતાં તો ત્રણ-ચાર મહિના લાગી ગયા. અને એ વખતે તો એ સેલ બંધ પણ થઈ ગયો હતો. પરંતુ શ્રી ભાગ્યેશ જહાએ તે પેટેની ચૂકવાની થતી રકમ પહેલાં જ મોકલી આપી હતી. સામાન્ય રીતે સરકારી કામકાજમાં આવું થતું નથી હોતું.

એક સફળ વક્તા તરીકે તેઓ એટલા પ્રસિદ્ધ હતા કે જ્યારે પણ યુવા સંમેલનનું આયોજન થતું ત્યારે તેઓને વડોદરા કેન્દ્ર તરફથી આમંત્રિત કરવામાં આવતા અને તેમનું નામ સાંભળીને જ કેટલાયે યુવાનો તેમને સાંભળવા આવતા.

સાહિત્ય ક્ષેત્રે તેમના ત્રણ કાવ્ય સંગ્રહ, ચાર નિબંધ સંગ્રહ પ્રકાશિત થયા છે. ચાર સમાચારપત્રોમાં તેઓ રવિવારીય કટાર પણ લખે છે. આ ઉપરાંત તેઓએ ગુજરાત સાહિત્ય અકાદમીનું બે વર્ષ ઔપચારિક અને છ વર્ષ અનૌપચારિક રીતે, એમ કુલ આઠ વર્ષ અધ્યક્ષ પદ શોભાવ્યું છે.

રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરીયલ, વડોદરા કેન્દ્રમાં અમે દર વર્ષે મ.સ. યુનિ.માં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીનું સન્માન કરીએ છીએ. એવા જ એક કાર્યક્રમમાં શ્રી ભાગ્યેશભાઈને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા હતા. તે સમયે તેમના પ્રવચનમાં તેઓએ કહ્યું હતું કે તેમણે પોતે પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમણે આ વિશે વાત કરતાં કહ્યું, ‘એ જાણીને પરિવારમાં બધાં આનંદમાં હતા, બધાં અભિનંદન આપી રહ્યા હતા. હું મારા પિતાજી પાસે ગયો અને કહ્યું, મને બી.એ. સંસ્કૃતમાં સુવર્ણ ચંદ્રક મળ્યો છે. ત્યારે મારા પિતાજીએ ટકોર કરી કે આ ગોલ્ડ મેડલની કિમત મને ત્યાં સુધી નહીં સમજાય, જ્યાં સુધી હું સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના ૧૨ વોલ્યુમ ન વાંચી લઉં. ગોલ્ડ મેડલ બહારનું ડેકોરેશન છે, જ્યારે સ્વામીજીના એ ૧૨ વોલ્યુમ, તેમના પત્રો, નિબંધો, પ્રવચનો, એ મારું અંદરનું ડેકોરેશન છે. એ વાંચીને મારી નજરમાં મોટો બદલાવ આવી ગયો, પોતા પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ ગઈ. મારા જીવનના ઉદ્દેશ પ્રત્યે મને અલગ જ પ્રેરણા થઈ, મારો સમગ્ર દૃષ્ટિકોણ બદલાઈ ગયો, મારા જીવનની નવી દિશા મને મળી.’

આ ગ્રંથમાળા વાંચ્યા પછી તો તેઓ એવા રંગાઈ ગયા કે સ્વામીજી માટે પોતાનું જીવન સમર્પિત કરી દેવા માગતા હતા. આ દરમિયાન વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના સ્થાપક શ્રી એકનાથ રાનડેએ આ યુવકને જોયો અને તેમને ‘લાઈફ વર્કર’ તરીકે પસંદ પણ કરી લીધા. (લાઈફ વર્કરનું જીવન ભગવાં વસ્ત્રો પહેરનાર સાધુ જેવું જ હોય છે, પરંતુ તેઓ શ્વેત વસ્ત્રો ધારણ કરે છે.) પરંતુ તેમના પિતાજીએ પરિવારની પરિસ્થિતિને કારણે તેમને અનુમતિ ન આપી અને સમજાવીને તેમને સાહિત્ય ક્ષેત્રે અલંકારશાસ્ત્રનો અભ્યાસ કરવા કહ્યું. તેમનું માનવું છે કે તેમણે જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે, તેની પાછળ સ્વામી વિવેકાનંદની પ્રેરણા સૂક્ષ્મરૂપે હંમેશાં રહી છે.

તેઓ કહે છે, ‘ધ્યાન મારી શક્તિ છે. હું દિલારામ બંગલોમાં ધ્યાન કરતો એ યાદ આવે છે. ત્યાના સ્પંદનો હજી પણ અનુભવું છું. સ્વામી વિવેકાનંદ પ્રતિ મારું જે કંઈ પણ યોગદાન રહ્યું છે, એ બદલ હું મારી જાતને ધન્ય માનું છું.’

વડોદરાના દિલારામ બંગલાના હસ્તાંતરણ માટે સ્વામી વિવેકાનંદની વાણીનો તેઓ જે પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે, તે માટે અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટેનું સ્વામીજીનું જે કાર્ય કરી રહ્યા છે, તે માટે તેઓ અભિનંદનને પાત્ર છે. તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી અને સ્વામીજીના ચરણોમાં એ જ પ્રાર્થના કે તેમના પર આશીર્વાદો વરસે, તેઓ યશસ્વી બને, તેમનું ભાગ્ય વધુ ઉજ્જ્વળ બને અને આ જ રીતે તેઓ સ્વામીજીના વિચારોનો પ્રસાર કરતા રહે.

Total Views: 164

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.