આજ સોણલે આવેલ સઈ શ્યામ.
બાળુડા જોગીની માધુકરી, ને મુખે
‘નારાયણ’ એ જ એક નામ.
પોળનાં બધાંય એને બોલાવે, તો ય તે
મૂંગો ઊભેલ મ્હારે બારણે
કોમળી શી કાય! તેજ-તેજનો ન પાર!
નેણ નીરખી રહેલ અવધારણે
ગઈ ભૂલી હું ઠાલું એનું ઠામ.
મલકી મીઠેરું, હાથ લમ્બાવી સ્હેજ,
એણે મ્હારી કનેથી કૈંક માગ્યું
હાય રે મૂઢ કેવી! જાણે મરેલ!
જરા સંકેતે ભાન પાછું આવ્યું.
શું રે આપું હું? એને ભાવતું શું?
એટલે જે કૈં હતું તે ધરી દીધું
ખોબલો ન થાય એવા ન્હાનેરા ભાજને
ઘરનું બધુંય ભરી લીધું!
જોઉં..જોઉં ને જણાય એ ન, રામ!
– રાજેન્દ્ર શાહ
Your Content Goes Here




