આપણી દિવ્યતાનું વિસ્મરણ જ આપણી બધી સમસ્યાઓનું મૂળ છે. આધ્યાત્મિક જીવનમાં તેમ જ દૈનિક જીવનમાં સફળતા માટે સ્મરણશક્તિ આવશ્યક છે. મૅકગીલ યુનિવર્સિટી, મૉન્ટ્રીયલ, કૅનેડાના ગશ્ચિતશાસ્ત્રના પ્રૉફેસર એમ. રામમૂર્તિ આ લેખમાં શ્રીરામકૃષ્ણદેવ, સ્વામી વિવેકાનંદજી અને અન્ય મહાન વ્યક્તિઓની અસાધારણ સ્મરણશક્તિના દાખલાઓ ટાંકી સ્મરણશક્તિની કળા વિશે રસપ્રદ માહિતી રજૂ કરે છે. – સં
સ્વામી વિવેકાનંદ અને શ્રીરામકૃષ્ણ : તેઓની અદ્ભુત સ્મરણશક્તિ
સ્મરણશક્તિ એક માનસિક શક્તિ છે અને તે શક્તિ સારી પણ નથી અને ખરાબ પણ નથી. દરેક કાર્ય જે આપણે કરીએ છીએ અને દરેક વિચાર જે આપણે મનમાં લાવીએ છીએ તે દરેક કાર્ય અને વિચાર ન ભૂંસાય તેવી છાપ છોડી જાય છે. આપણે યાદ રાખીએ કે ન રાખીએ, વિગતોની નોંધ લેવાઇ જાય છે અને તે આપણા રોજીંદા જીવન પર પ્રભાવ પાડે છે. તેથી, આ માનસિક શક્તિ અને તેની કાર્યપદ્ધતિ વિશેની આપણી સભાનતા એક અર્થપૂર્ણ જીવન માટે ખૂબ જરૂરી છે. જો આપણે આ શક્તિનો યોગ્ય ઉપયોગ કરીએ, તો તે આપણને જ્ઞાન તરફ લઈ જાય છે, અને દુરુપયોગ કરીએ તો તે આપણને કષ્ટ આપે છે. તેથી તે શક્તિનો યોગ્ય ઉપયોગ કરતાં આપણે શીખવું જોઈએ; આપણા વિકાસ માટે તે શક્તિને સુદૃઢ બનાવવી જોઈએ.
જો આપણે સ્વામી વિવેકાનંદના જીવનનો અભ્યાસ કરીએ તો તેઓની અદ્ભુત સ્મરણશક્તિના ઘણા દાખલાઓ આપણને જોવા મળે છે.
‘સ્વામી વિવેકાનંદની સ્મૃતિઓ’ એ પુસ્તકમાં શ્રી હરિપદ મિત્ર નીચેની વાત કહે છે :
એક દિવસ વાતચીત દરમિયાન સ્વામીજીએ ‘પીકવીક પેપર્સ’ (Pickwick Papers) નામના પુસ્તકમાંથી બે ત્રણ પાનાનો અક્ષરશઃ ઉતારો આપ્યો. મને આશ્ચર્ય થયું કે એક સાંસારિક પુસ્તકમાંથી એક સંન્યાસી આટલું બધું કેવી રીતે યાદ રાખી શકે! મેં વિચાર્યું કે સંન્યાસ લેતાં પહેલાં સ્વામીજીએ તે પુસ્તક ઘણી વખત વાંચ્યું હોવું જોઈએ. જ્યારે સ્વામીજીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું. ‘મે તે પુસ્તક બે વખત વાચ્યું છે – એક વખત હું જ્યારે નિશાળમાં ભણતો’તો ત્યારે અને ફરીથી પાંચ અથવા છ મહિના પહેલા.’ મેં તેઓને આશ્ચર્ય સાથે પૂછ્યું, ‘તમે કેવી રીતે યાદ રાખી શકો છો, અને અમે કેમ યાદ રાખી શકતા નથી?’ સ્વામીજીએ કહ્યું, ‘દરેક વ્યક્તિએ સંપૂર્ણ એકાગ્રતાથી વાંચવું જોઈએ, અને જે શક્તિ આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ તે આપણે વેડફી નાખવી ન જોઈએ.’ બીજા એક દિવસે સ્વામીજી તેઓના સૂવાના ઓરડામાં આરામ કરતાં કરતાં એક પુસ્તક વાંચી રહ્યા હતા. હું બીજા ઓરડામાં હતો. એકાએક સ્વામીજી ખૂબ જોરથી હસ્યા. મેં વિચાર્યું કે ખૂબ જોરથી હસવા માટે કોઇ પ્રસંગ હોવો જોઈએ, અને તેથી હું સ્વામીજીના ઓરડા તરફ ગયો અને જોયું કે કંઈ ખાસ બન્યું નહોતું. સ્વામીજીએ વાંચવાનું ચાલુ રાખ્યું. હું ત્યાં પંદર મિનિટ ઊભો રહ્યો; છતાં સ્વામીજીએ મારી નોંધ લીધી નહીં, તેઓનું મન પુસ્તક પર સંપૂર્ણ રીતે સ્થિર થઈ ગયું હતું. થોડી વાર પછી તેઓએ મને જોયો અને મને ઓરડાની અંદર આવવા કહ્યું. જ્યારે તેઓએ સાંભળ્યું કે હું ત્યાં લાંબા સમયથી ઊભો હતો, ત્યારે તેઓએ કહ્યું, ‘કોઈ પણ વ્યક્તિએ જ્યારે કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે તે વ્યક્તિએ તે કાર્યમાં પોતાની સંપૂર્ણ શક્તિ અને ધ્યાન લગાડવાં જોઈએ. ગાઝીપુરના પવહારી બાબા જેટલી એકાગ્રતાથી ધ્યાન, જપ, પૂજા અને અભ્યાસ કરતા હતા તેટલી જ એકાગ્રતાથી પોતાના પિત્તળના પાણી ભરવાના લોટાને સાફ કરતા હતા. તેઓ એ પિત્તળના લોટાને એટલી ચીવટથી સાફ કરતા કે તે લોટો સોનાની માફક ચળકી ઊઠતો.’
મેરઠમાં, સ્વામી અખંડાનંદ, કે જેઓ શ્રીરામકૃષ્ણના શિષ્ય હતા, તે સ્થાનિક પુસ્તકાલયમાંથી સ્વામીજી માટે પુસ્તકો લઈ આવતા. એક દિવસે સ્વામીજીએ સર જહૉન લુબોકનાં પુસ્તકો લાવવાનું કહ્યું. સૂચના પ્રમાણે સ્વામી અખંડાનંદ રોજ એક પુસ્તક લાવતા. સ્વામીજી રોજ એક પુસ્તક વાંચી લેતા અને બીજે દિવસે પુસ્તક પરત કરી દેતા. પુસ્તકાલયના ગ્રંથપાલે સ્વામી અખંડાનંદને કહ્યું કે સ્વામીજી પુસ્તકો વાંચ્યા વિના પાછાં મોકલી આપે છે, અને તે પુસ્તકો વાંચી ગયાનો ડોળ કરે છે. એ સાંભળીને સ્વામીજીએ ગ્રંથપાલ પાસે ગયા અને કહ્યું, ‘મહાશય, આ બધાં પુસ્તકો પર મેં પ્રભુત્વ મેળવી લીધું છે. જો તમને એ વિશે કંઈ શંકા હોય તો એ પુસ્તકો બારામાં કોઈ પ્રશ્ન પૂછી શકો છો. ગ્રંથપાલે સ્વામીજીની પરીક્ષા કરી અને તેમ કર્યા પછી તેને સંતોષ થયો. ગ્રંથપાલને મોટું આશ્ચર્ય થયું. ત્યાર પછી સ્વામી અખંડાનંદે સ્વામીજીને પૂછ્યું, કે તેઓ તે કાર્ય કેવી રીતે કરી શક્યા. સ્વામીજીએ જવાબ આપ્યો, ‘હું કોઈ પણ પુસ્તકનો એક એક શબ્દ વાંચતો નથી, હું વાક્ય પછી વાક્ય વાંચું છું અને ક્યારેક પેરગ્રાફ પછી પૅરેગ્રાફ વાંચું છું, એક પ્રકારે કેલિડોસ્કોપના સ્વરૂપમાં જોતા હોઈએ તે રીતે.’
સ્વામીજીની અદ્ભુત સ્મરણશક્તિ તેઓની યુવાનીમાં પણ જોઈ શકાતી હતી. જ્યારે સ્વામીજી કૉલેજમાં ભણતા હતા ત્યારે રાત્રે ચા અને કૉફી પીતાં પીતાં એક જ રાતમાં ગ્રીનનું પુસ્તક ‘અંગ્રેજ લોકોનો ઇતિહાસ’ (History of the English People) પૂરું વાંચી જતા.
સ્વામીજીના જીવનના અંત પહેલાં, તેઓ બિમાર પડ્યા. તે પછી સ્વાસ્થ્ય સુધારા દરમ્યાન તેઓએ ‘ઍનસાયક્લોપિડિયા બ્રિટાનિકા’ (Encyclopedia Britannica)ની નવી આવૃત્તિ વાચવાનું શરૂ કર્યું હતું. આ પચીસ મોટા ગ્રંથો જોઈને સ્વામીજીના શિષ્ય, શ્રી શરતચંદ્ર ચક્રવર્તી બોલ્યા હતા કે એક જ જીવનકાળમાં એટલા બધા ગ્રંથો પર પ્રભુત્વ મેળવવું અઘરું છે.’ શ્રી શરતચંદ્રને ખ્યાલ ન હતો, કે સ્વામીજીએ દશ ગ્રંથો વાંચી નાખ્યા હતા અને અગિયારમો ગ્રંથ વાંચતા હતા. સ્વામીજીએ કહ્યું, ‘તમે શું કહેવા માગો છો? આ દશ ગ્રંથોમાંથી તમે ગમે તે પ્રશ્ન પૂછો, અને હું તમને એ વિશે બધું કહી શકું.’ પોતાની જિજ્ઞાસા સંતોષવા શ્રી શરતચંદ્ર બધા ગ્રંથો લાવ્યા ગહન વિષયો પર પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. સ્વામીજીએ બધા પ્રશ્નોના જવાબ આપ્યા અને ટૅકનિકલ જવાબો આપવામાં – પોતાના જ્ઞાનનો (Technical Knowledge) પણ પરચો આપ્યો. અને ઘણાં દૃષ્ટાંતોમાં ગ્રંથોની જ ભાષા ટાંકી બતાવી! ગુરુની અદ્ભુત ગ્રહણશક્તિ અને સ્મરણશકિત જોઈને શિષ્ય આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલી ઊઠ્યા, ‘આ માનવની શક્તિથી અશક્ય છે!’ સ્વામીજીએ શિષ્યને કહ્યું કે તેમાં ચમત્કાર જેવું કશું નથી. ‘જો કોઈ વ્યક્તિ ચુસ્ત બ્રહ્મચર્યનું પાલન કરે તો તે વ્યક્તિ જે કંઈ એક વખત સાંભળ્યું હોય કે વાંચ્યું હોય, વર્ષો પહેલાં પણ, તે બધું યાદ રાખી શકે છે અને ફરીથી એનું એ કહી શકે છે.’
બ્રહ્મચર્ય, આત્મસંયમ અને ગહન અભ્યાસવાળા એવા જીવનનો ઉલ્લેખ કરે છે જેમાં માણસનું મન વિચલિત થતું નથી. ‘Bachelor’s Degree’ (વિઋવિદ્યાલયની પ્રાથમિક ઉપાધિ)નો ખ્યાલ આ વિચાર પરથી આવ્યો છે.
આવા જ પ્રકારનો એક પ્રસંગ જર્મનીના વિદ્વાન પ્રૉફેસર પૉલ ડૉયસન સાથે બન્યો. એક વખત સ્વામીજી કાવ્યસંગ્રહ વાંચી રહ્યા હતા ત્યારે સ્વામીજીનું ધ્યાન દોરવા માટે પ્રૉફેસરે તેઓને બોલાવ્યા. પરંતુ કંઈ પ્રત્યુત્તર મળ્યો નહિ. સ્વામીજીએ કાવ્ય સંગ્રહ વાંચવાનું ચાલુ રાખ્યું. થોડી વાર પછી જ્યારે સ્વામીજીને એ બાબતનો ખ્યાલ આવ્યો ત્યારે તેઓએ પ્રૉફેસરની માફી માગી. સ્વામીજીએ કહ્યું કે તેઓ વાંચવામાં એટલા બધા તલ્લીન બની ગયા હતા કે તેઓએ કશું સાંભળ્યું નહોતું. જે બાબત સ્વામીજી હાથ પર લેતા તે બાબત પર તેમનું મન લૅસરના કિરણની માફક સ્થિર થઈ જતું. પ્રૉફેસર ડૉયસન તે માનવા તૈયાર ન હતા, પરંતુ જ્યારે સ્વામીજીએ વાંચેલું ગાઈ સંભળાવ્યું ત્યારે પ્રૉફેસર આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
શ્રીરામકૃષ્ણના જીવનમાં પણ આપણે આવી અદ્ભુત સ્મરણશક્તિનો આવિર્ભાવ જોઈએ છીએ. રામાયણ અને મહાભારતનાં જે ગીતો અને વાર્તાઓ શ્રીરામકૃષ્ણે એક વખત પણ સાંભળેલાં તે બધાં ગીતો અને વાર્તાઓ શ્રીરામકૃષ્ણ એક બાળક તરીકે કામારપુકુરના ખેતરોમાં અને મેદાનોમાં ગાતા. ત્રણ કલાકનું નાટક જોયા પછી શ્રીરામકૃષ્ણ તે સંપૂર્ણ નાટક ફરી કહી શકતા અને જે લોકો તે નાટક ન જોઈ શક્યા હોય તેઓને માટે ફરી ભજવી બતાવતા.
સ્વામી શારદાનંદ કે જેઓ શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય હતા તેઓ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદની નીચે પ્રમાણે સરખામણી કરતા :
‘શ્રીરામકૃષ્ણ પ્રથમ કક્ષાના શ્રુતિધર હતા. એક જ વખત સાંભળેલ કોઈ બાબત તેઓ યાદ રાખી શકતા. સ્વામી વિવેકાનંદ દ્વિતીય કક્ષાના શ્રુતિધર હતા. કોઈ બાબત યાદ રાખવા માટે તેઓને તે બાબત બે વખત વાંચવી પડતી અથવા સાંભળવી પડતી. આવી વિભૂતિઓને પોતાના મન પર જબરો સંયમ હોય છે. તેઓ જે બાબત પર મનને એકાગ્ર કરે છે તે બાબત તરત જ તેઓના મનમાં બેસી જાય છે. મનને એકાગ્ર કરવા મહાન શક્તિઓની જરૂર રહે છે. તેઓ જે કહે છે અથવા સાંભળે છે, તે બધું તેઓ વર્ષો સુધી યાદ રાખે છે. શ્રુતિધર અને સામાન્ય માણસ વચ્ચે તફાવત શું છે? શ્રુતિધર એક બિંદુ પર તેના મનની બધી શક્તિઓને કેન્દ્રિત કરી શકે છે, જ્યારે સામાન્ય માનવીની માનસિક શક્તિઓ વિખરાયેલી હોય છે અને તે વ્યક્તિ એક વસ્તુ પર માનસિક શક્તિઓને કેન્દ્રિત કરી શકતી નથી. આવી વ્યક્તિઓનું મન ઘણી વસ્તુઓમાં વહેંચાયેલું હોય છે. આવા મનને એકાગ્ર કરવું લગભગ અશક્ય છે. શ્રીરામકૃષ્ણ આવા મનની સરખામણી રાઈના દાણાથી ભરેલ પૅકેટ સાથે કરતા. જો તે પૅકેટને ખોલી નાખવામાં આવે તો રાઈના દાણા ચારે બાજુ વિખરાઈ જાય છે. રાઈના દાણાને ફરી એકઠા કરવા કેટલું અઘરું કામ છે! અમુક દાણા તો કદાચ હંમેશાંને માટે ખોવાઈ જાય છે.’
ઇતિહાસના બીજા દાખલાઓ
હું માનું છું કે ઇતિહાસમાં ઘણા શ્રુતિધરોના દાખલા જોવા મળે છે. દાખલા તરીકે, આઠમી સદીમાં થઈ ગયેલ શ્રી શંકરાચાર્યને શ્રુતિધર ગણવામાં આવતા હતા. તેમના શિષ્ય શ્રી પદ્મપાદે બ્રહ્મ-સૂત્ર-ભાષ્ય પર એક સમાલોચના લખી અને પોતાના એક કાકાને તે વાંચવા આપી. પરંતુ કાકા ભત્રીજાની વિદ્વત્તાને કારણે ઇર્ષ્યા અનુભવતા હતા અને તેથી તે સમાલોચના કાકાએ બાળી નાખી. તે સમયે ઝૅરૉક્ષ મશીન હતાં નહીં. તેથી હતાશ થયેલ શ્રી પદ્મપાદે તે દુઃખદ સમાચાર શ્રી શંકરાચાર્યને કહ્યા. શ્રી શંકરાચાર્યેને શિષ્યને ચિંતા ન કરવા કહ્યું. એક વખત તે હસ્તપ્રત શ્રી પદ્મપાદે શ્રી શંકરાચાર્ય સમક્ષ વાંચી હતી, તેથી શ્રી શંકરાચાર્ય પોતાની સ્મરણશક્તિમાંથી તે સમાલોચના શ્રી પદ્મપાદને લખાવી શક્યા. શ્રી પદ્મપાદે તેની લેખિત નકલ કરી લીધી. સંત થૉમસ ઍકિવનાસ આવી જબ્બર સ્મરણશક્તિ માટે પ્રખ્યાત હતા. રોમન તત્ત્વવેત્તા સૅનેકા આવી સ્મરણશક્તિ માટે પ્રખ્યાત હતા. ઘણાં વર્ષો પહેલાં તેમણે જે ભાષણો સાંભળ્યાં હતાં તેમાંથી તેઓ લાંબા ફકરાઓ કહી શકતા. બસો વિદ્યાર્થીઓના વર્ગમાં દરેક વિદ્યાર્થીને તેઓ કવિતાની એક પંક્તિ ગાવાનું કહેતા, અને ત્યાર પછી વિદ્યાર્થીઓએ ટાંકેલી પંક્તિઓ તેઓ મોઢેથી બોલી જતા અને તે પણ ઊલટા ક્રમમાં, છેલ્લી પંક્તિથી પહેલી પંક્તિ સુધી. સંત ઑગસ્ટાઇન તેઓના પુસ્તક ‘Confessions’માં એક મિત્રની પ્રશંસા કરે છે. તે મિત્ર મહાન કવિ વર્જિલનાં બધાં કાવ્યો ઊલટા ક્રમમાં ગાઈ શકતા- પોતાની સ્મરણશક્તિમાંથી. વર્તમાન સમયમાં, મહાત્મા ગાંધી તેઓના પુસ્તક – ‘Experiments with Truth’માં એક રાયચંદભાઈનો ઉલ્લેખ કરે છે. શ્રી રાયચંદભાઈ સ્મરણશક્તિના આવાં પરાક્રમો કરી શકતાં.
‘The Gospel of Sri Ramakrishna’ (શ્રીરામકૃષ્ણ કથામૃત) પુસ્તકના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત જ્યારે હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમની ઉંમર ચૌદ વર્ષની હતી. ત્યારથી શ્રી ગુપ્તાને ડાયરી લખવાની ટેવ હતી. તેઓ આપણને કહે છે કે ડાયરી લખવાની ટેવથી કેવી રીતે તેઓએ પોતાની સ્મરણશક્તિને કેળવી. જે વાતચીત થઈ હોય તેની નોંધ લેવામાં તેઓ ખૂબ જ કાળજી રાખતા. ત્યાર પછી જ્યારે તેઓ શ્રીરામકૃષ્ણને મળતા અને વાતચીત સાંભળતા, ત્યારે તેઓ ઘેર જઈને તે વાતચીત પર ખૂબ જ વિચાર કરતા અને તેઓએ જે સાંભળ્યું હોય તેની ખૂબ જ ચોકસાઈપૂર્વક નોંધ લેતા. તે અમૂલ્ય પુસ્તક આપવા માટે આપણે તેઓના આભારી છીએ.
સ્મરણશક્તિની પ્રાચીન કળા
પ્રખ્યાત ગણિતશાસ્ત્રી, નૉરબર્ટ વાઈનર કહેતા : ‘જેનો આપણે ઉપયોગ નથી કરતા, તે આપણે ગુમાવીએ છીએ.’ મુદ્રણ કળાના આગમન પછી, સ્મરણશક્તિની કળાનો બહુ ઉપયોગ રહ્યો નહિ. અને તેથી અત્યારે આપણે તે કળા ગુમાવી દીધી છે. ગ્રીસના પુરાતન સમયમાં સૉક્રેટીસે આ ભય નિહાળ્યો હતો અને મુદ્રણ કળાની શોધને દોષિત લેખી હતી. સૉક્રેટીસે ચેતવણી આપી હતી કે ‘આ શોધ માણસના મનમાં વિસ્મરણ લાવશે, કારણ કે શીખનાર પોતાની સ્મરણશક્તિનો ઉપયોગ નહીં કરે; તેઓ લખાયેલા શબ્દો પર વિશ્વાસ મૂકશે અને પોતે સ્વયં યાદ રાખશે નહિ, અને તમે તમારા શિષ્યને સત્ય નહિ આપો, પરંતુ સત્યનો આભાસ આપશો. તેઓ ઘણી બાબતો સાંભળશે અને કશું શીખ્યા નહિ હોય. તેઓ સર્વજ્ઞ જણાશે અને કશું જાણતા નહિ હોય; તેઓની સોબતમાં કંટાળો આવશે. તેઓની પાસે સત્ય નહિ પણ જ્ઞાનનો ડોળ હશે.’
અલબત્ત, એ ભૂલવું ન જોઈએ કે મુદ્રણ કળાને કારણે આજ દિવસ સુધી સૉક્રેટીસના શબ્દો ટકી શક્યા છે, ને ભૂતકાળના મહાન વિચારો તમને કહેવા માટે હું આ મુદ્રણ કળા વગર સક્ષમ ન હોત. લખવાની કળા દ્વારા આપણે ભૂતકાળનો વારસો મેળવીએ છીએ. અને ભૂતકાળનો અભ્યાસ આપણને જ્ઞાન આપે છે. દરેક વસ્તુનો બેવડો ઉપયોગ હોય તેવું જણાય છે. આપણે એમ કહી શકીએ કે ટૅલિવિઝન અને નવા યાંત્રિક યુગને કારણે આપણે વિચારવાની શક્તિ ગુમાવીએ છીએ. આપણે આ શોધોનો કેવો ઉપયોગ કરીએ છીએ તેના પરથી આપણે કહી શકીએ કે આ શોધો સમાજના વિકાસમાં ફાળો આપે છે કે તેના પતનમાં.
(ક્રમશઃ)
ભાષાંતર : શ્રી સી.એમ. દવે
(‘પ્રબુદ્ધ ભારત’ ઓક્ટોબર ’૯૫માંથી સાભાર)
Your Content Goes Here




