આપણા દેશમાં વ્યાસ નામના એક મહર્ષિ થઈ ગયા. વ્યાસ મુનિએ પોતાના પુત્ર શુકદેવને જ્ઞાનનો બોધ કર્યો. એમને સત્ય જ્ઞાન આપીને રાજા જનકના દરબારમાં મોકલ્યા.

જનક મહાન રાજા હતા. તેઓ જનક વિદેહી નામે ઓળખાતા. વિદેહી એટલે ‘દેહ વિનાના’. મોટા રાજા છતાં પોતે દેહધારી છે એ વાત જ તેઓ સાવ ભૂલી ગયેલા. પોતે આત્મા છે એમ જ તેમને નિરંતર સ્મરણ રહેતું.

વ્યાસ મુનિએ શુકદેવને એમની પાસે બોધ લેવા મોકલ્યા.

વ્યાસના પુત્ર પોતાની પાસે જ્ઞાન મેળવવા માટે આવી રહ્યા છે એ વાતની જનક રાજાને ખબર પડી, એટલે તેમણે થોડી ગોઠવણ કરી રાખી.

શુકદેવજી મહેલને બારણે આવીને ઊભા રહ્યા ત્યારે દ્વારપાળોએ એમની તરફ કશું ધ્યાન ન આપ્યું. દ્વારપાળોએ ફક્ત એમને બેસવા માટે જગ્યા આપી.

અને એ બેઠક પ૨ શુકદેવજી ત્રણ દિવસ અને ત્રણ રાત બેસી રહ્યા.

કોઈ એમની સાથે બોલ્યું નહીં; કોણ છો, અને ક્યાંથી આવો છો, એવું કોઈએ પૂછ્યું નહીં. તે એક મહાન ઋષિના પુત્ર હતા. એમના પિતાને આખો ભારત દેશ માનની દૃષ્ટિએ જોતો હતો, અને શુકદેવજી પોતે પણ ઘણા માનનીય પુરુષ હતા. છતાં મહેલના સામાન્ય દ્વારપાળોએ એમના તરફ કશું ધ્યાન ન આપ્યું!

તે પછી જનક રાજાના મંત્રીઓ અને અધિકારી વર્ગ ત્યાં આવ્યા; એ લોકોએ શુકદેવજીને ખૂબ માનથી આવકાર્યા. તેઓ એમને મહેલમાં લઈ ગયા, સુશોભિત ખંડમાં બેસાડ્યા. સરસમાં સરસ સુગંધી પાણીથી સ્નાન કરાવ્યાં, સુંદર વસ્ત્રો પહેરાવ્યાં, અને આઠ દિવસ સર્વ પ્રકારના ભોગવિલાસમાં રાખ્યા.

એ લોકો તરફના વર્તનમાં આવો ફેરફાર જોઈ શુકદેવજીના ગંભીર મુખ પર જરા સરખોયે ફેર પડ્યો નહીં. મહેલના દરવાજે તે રાહ જોતા બેઠેલા એ વખતે જેવા હતા તેવા જ તે ભોગવિલાસ વચ્ચે પણ રહ્યા.

પછી શુકદેવજીને જનક રાજાની સમક્ષ લાવવામાં આવ્યા.

જનક રાજા સિંહાસન પર બેઠા હતા; સંગીત, નૃત્ય અને આમોદપ્રમોદ ચાલી રહ્યાં હતાં.

જનક રાજાએ પછી દૂધથી છલોછલ ભરેલો પ્યાલાં એમને આપ્યો, અને દૂધનું એક્કેય ટીપું પાડ્યા વિના દીવાનખાનાની સાત પ્રદક્ષિણા કરવાની આજ્ઞા કરી.

શુકદેવજીએ પ્યાલો હાથમાં લીધો. નૃત્ય, સંગીત અને સુંદર વારાંગનાઓના આકર્ષણની વચ્ચે તે પ્રદક્ષિણા કરવા લાગ્યા.

રાજાની ઇચ્છા પ્રમાણે દીવાનખાનાની સાત વખત એમણે પ્રદક્ષિણા કરી અને દૂધનું એક્કેય ટીપું ઢોળાયું નહીં.

એ બાલ યોગીના મન પર, એમની પોતાની ઇચ્છા વિના જગતની કોઈ પણ વસ્તુની અસર થઈ શકતી ન હતી.

જનક રાજા પાસે દૂધનો પ્યાલો લઈ એ ઊભા રહ્યા, ત્યારે રાજાએ તેમને કહ્યું : ‘શુકદેવજી, તમારા પિતાએ તમને જે જ્ઞાન આપ્યું છે અને તમે પોતે તમારી જાતે જે જ્ઞાન મેળવ્યું છે, તેનું જ માત્ર હું પુનરાવર્તન કરી શકું એમ છું! તમે સત્યને જાણ્યું છે. સુખેથી ઘેર પધારો.’

આમ, જે માણસ પોતાની ઉપર સંયમ રાખતાં શીખ્યો છે તેના પર બહારની કશી વસ્તુની અસર થતી નથી. તેને માટે કોઈ ગુલામી રહી નથી. એનું મન મુક્ત થયું છે. આવો માણસ જ જગતમાં સારી રીતે રહી શકે.

(‘ચાલો સાંભળીએ સ્વામીજી વાર્તા કહે છે’ પુસ્તકમાંથી)

Total Views: 376

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.