બીજા વિશ્વયુદ્ધમાં જાપાન જોડાયું અને અગ્નિ એશિયાના દેશોને એક પછી એક સર કરતું, એ બ્રહ્મદેશ પર ત્રાટક્યું ત્યારે, રંગુનમાંથી બધા ભારતવાસીઓ માટે નાસી છૂટવા સિવાય બીજો માર્ગ ન હતો. રંગુનના રામકૃષ્ણ આશ્રમનો વહીવટ સંભાળતા પૂ. સ્વામી રંગનાથાનંદજીએ આગબોટ ભેગાં થવામાં અનેકને સહાય કરી અને આગબોટ પકડવા ટાણું ન રહ્યું ત્યારે જે અનેક ભારતવાસીઓ, ઈરાવહીની ખીણમાં, આરાકાન યોમા પહાડમાં અને બ્રહ્મદેશનાં ગાઢ જંગલોમાં થઈને પગે ચાલીને ભારતની પૂર્વ સરહદે પહોંચ્યાં ત્યારે, એ મોટા ધણના ગોવાળ જેવા સ્વામી રંગનાથાનંદજી પણ આસામમાં આવ્યા. હજાર કરતાં વધારે કિલોમીટરની એ પદયાત્રા દરમિયાન જંગલમાં ચાલવાનું, ગમે તે નદીનાળાનાં પાણી પીવાનાં અને ગમે તે ખાવાનું; ઉપરાંત મચ્છરોનો ત્રાસ. ભારતની સરહદે પહોંચ્યા ત્યારે સ્વામીજીનું વજન દસબાર કિલો ઘટી ગયું હતું. એમને સીધા કનખલ રામકૃષ્ણ સેવાશ્રમમાં મોકલવામાં આવ્યા અને ત્યાંની હવાદવા અને સારવાર પછી, બેઅઢી મહિને એમની તબિયત સુધરતાં, ૧૯૪૨ના ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એ કરાચી આવ્યા. સ્વામીજી સાથેનો મારો પરિચય ૧૯૪૨ના સપ્ટેમ્બરના અંતથી.
પૂ. સ્વામી રંગનાથાનંદજી દર રવિવારે ગીતા ઉપર પ્રવચનો આપતા. બીજા અધ્યાયથી જ ગીતાની ખરી શરૂઆત થાય છે. સ્વામીજીએ ત્યાંથી આરંભ કર્યો અને, એના ત્રીજા શ્લોક પરનું એમનું ભાષ્ય બેએક રવિવાર ચાલ્યું. એ રવિવારી પ્રવચનો સાંભળવા જવા ઉપરાંત પણ હું (કરાચી) આશ્રમમાં સ્વામીજી પાસે જતો અને એમનો લાભ પામતો. આશ્રમના બ્રહ્મચારીઓનો વર્ગ ચાલતો હોય તેમાં પણ બેચાર વાર હું બેઠો છું. પોતાના હાથમાં પુસ્તક ન હોય, પુસ્તક હોય કોઈ બ્રહ્મચારી પાસે. એ યુવાન એમાંથી થોડું વાંચે. પછી એણે જે વાંચ્યું હોય તેની પર ચર્ચા ચાલે. દરેક બ્રહ્મચારી તેમાં ભાગ લે. સ્વામીજી એ ચર્ચાના વિષયને એ પુસ્તકના લેખકના મત અનુસાર, એ પુસ્તકમાંથી અને એ લેખકનાં બીજાં પુસ્તકોમાંથી તેમજ બીજા લેખકોનાં એ વિષય પરનાં પુસ્તકોમાંથી અવતરણો આપી છણાવટ કરે.
સ્વામીજી આવી છણાવટ કરતા હોય ત્યારે કે, પ્રવચન આપતા હોય ત્યારે, એમનો વાક્પ્રવાહ હૈદરાબાદ પાસેની સિંધુ જેવો વિશાળ અને ગંભીર અને ગહન, અને ચિત્તને પ્રસન્ન કરે તેવો. ૧૯૪૨ થી ૧૯૪૬ સુધી, દર રવિવારે ગીતા ઉપર બોલતા સ્વામીજીને સાંભળવાનો અલભ્ય લાભ લેનાર જે સાતસો આઠસો લોકોનો સમુદાય કરાચીમાં હતો તેમાંથી આજે અનેક લોકો અવસાન પામી ગયાં હશે. કોલેજના આચાર્યો, શાળાઓના આચાર્યો, અધ્યાપકો અને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સૌ એકચિત્તે રસતરબોળ બની એમને સાંભળતાં. ભારતના વિવિધ પ્રદેશોનાં અને વિવિધ ધર્મોનાં નરનારીઓ ઉપરાંત, બીજા વિશ્વયુદ્ધને કારણે, લશ્કરની મોટી છાવણી બનેલા કરાચીમાં આવેલા અને ચીની સૈનિકો પણ આવતા અને ઘણીવાર એ લોકો આગલી સાંજે આશ્રમમાં આવી ત્યાં રાત રોકાતા અને સ્વામીજીનો વધારે સહવાસ પામતા.
રાજકોટની વિરાણી હાઈસ્કૂલના આચાર્ય હતા તે આચાર્ય જયંત, મોરબીની કોલેજના આચાર્ય હતા તે જયાનંદ દવે, કરાચીની એન્જિનિયરિંગ કોલેજના આચાર્ય જુન્નરકર વગેરે અનેક ખ્યાતનામ વ્યક્તિઓ નિયમિત આવતી. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પહેલા વાઈસ ચાન્સેલર ડોલરભાઈ માંકડ, દર રવિવારે આશ્રમમાં એક કલાક વહેલા આવી પ્રારંભિક સંસ્કૃત શીખવતા.
સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પૂ. સ્વામીજીને દિલ્હીના તથા હૈદરાબાદના આશ્રમોમાં પણ મળવાનું સૌભાગ્ય મને સાંપડ્યું છે. જામનગર સ્વામીજી અનેકવાર આવી ગયા છે. મારે ઘેર ચાર વેળા એમનાં પગલાં થયાં છે. એમનાં અંગ્રેજી પ્રવચનોનો અનુવાદ ગુજરાતીમાં કરવાની તક મને જામનગરમાં ત્રણ ચાર વાર અને રાજકોટમાં એકાદ વાર સાંપડી છે.
એમની કૃપાનો લાભ મારાં કુટુંબીઓને પણ સાંપડ્યો છે. અમારી પુત્રી ચિ. વરદા હાયર સેકન્ડરી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ઉચ્ચ અભ્યાસ માટે ૧૯૮૩માં અમેરિકા ગઈ ત્યારે માત્ર સત્તર વર્ષની હતી. એ ન્યુયોર્ક રાજ્યના મુખ્ય શહેર આલ્બનીમાં છે એ સ્વામીજી જાણતા હતા અને, ભારત સરકારે એને એક ડોલરનું પણ ચલણ મંજૂર નથી કર્યું એ વાતની પણ સ્વામીજીને ખબર હતી. એટલે, ૧૯૮૪માં સ્વામીજી અમેરિકા જવાના હતા ત્યારે, પોતાના પ્રવાસ દરમિયાન પોતે બોસ્ટનમાં ક્યા બે દિવસ હશે તે ક્યાં હશે તે તેમણે મને જણાવ્યું હતું અને મને કહ્યું હતું, ‘તું વરદાને લખ કે આ બેમાંથી એને જે સ્થળ અનુકૂળ હોય ત્યાં આવે અને મને મોઢું દેખાડી જાય.’
વરદાને એમ કરવાનું લખતાં એ બોસ્ટન ગઈ. ત્યાંના કેન્દ્રના વડા સ્વામી સર્વગતાનંદજી કરાચીમાં બ્રહ્મચારી તરીકે હતા ત્યારથી મને એમનો પરિચય હતો. વરદા બોસ્ટનના કેન્દ્રમાં ગઈ, સ્વસ્થ થઈ અને પૂજ્ય સ્વામી રંગનાથાનંદજીને મળવા ગઈ. સ્વામીજીએ એને પોતાની પાસે બેસાડી. એમણે વરદાને મસ્તકે હાથ મૂક્યો અને દોઢેક કલાક સુધી વરદા સાથે વાત કરી. વરદા ક્યાં ને કેવી રીતે રહેતી હતી, એ ક્યા વિષયનો અભ્યાસ કરતી હતી, એના મિત્રો કોણ હતાં, એ શું કામ કરતી હતી અને કેટલું કમાતી હતી, અનેક બાબતો વિશે એમણે વરદાને પ્રશ્નો પૂછ્યા. ત્યાં જ વરદાને રહેવાની સગવડ કરી આપી. બીજે દિવસે પણ વરદાને પોતાની પાસે બોલાવી એને કંઈ પણ તકલીફ હોય તો તે કહેવા જણાવ્યું.
પછી પાછા આલ્બની જઈ, વરદાએ લાંબો પત્ર લખી પોતે સ્વામીજીને મળી શાતા અને આનંદ પામી હતી, એમનાં બે પ્રવચનો સાંભળતાં તથા એમની સાથે વાત કરતાં પોતાને વડીલ મળ્યાની જે તૃપ્તિ થઈ હતી તે વિશે વિગતવાર પત્ર લખ્યો હતો. અને એ પ્રવાસ પૂરો કરી, મુંબઈ ઊતરી સ્વામીજી સીધા જામનગર આવ્યા હતા ત્યારે, ઉતારે પહોંચતાવેંત મને બોલાવી, મને સ્વામીજીએ કહ્યું હતું, ‘તારે વરદાની જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. એ બુદ્ધિશાળી છે, ચતુર છે, પોતાની જરૂર પૂરતું એ કમાઈ લે છે અને, સારી નિર્ણાયક શક્તિ એ ધરાવે છે. એ કદાપિ ઉતાવળિયો નિર્ણય નહીં લે એની મને ખાતરી છે.’ મારા શિર પર હાથ મૂકી સ્વામીજી આ શબ્દો બોલતા હતા ત્યારે, માત્ર નવ ડોલરની માતબર મૂડી સાથે અમેરિકા ગયેલી વરદાની ચિંતાનો ભાર સ્વામીજીએ તુલસીપત્રવત્ કરી નાખ્યો હતો અને મારી આંખના ખૂણા ભીના થઈ ગયા હતા.
ઈ.સ. ૧૯૯૬ના જુનમાં કે જુલાઈમાં એ રાજકોટ આવવાના છે એ સમાચાર મળતાં, ૧૯૬૩થી કાર્યરત રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રને ટ્રસ્ટ તરીકે સરકારમાં રજિસ્ટર કરાવી, વચમાં શિથિલ થઈ ગયેલા એ કેન્દ્રને, શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની ભાવધારા સાથે જોડી, એનું નવેસરથી ઉદ્ઘાટન કરવા જામનગર આવવા મેં એમને વિનંતી કરી. પોતાની તબિયત નાદુરસ્ત હોવાથી પોતે રાજકોટથી જામનગર આવવાનો અને પાછા જવાનો શ્રમ લઈ શકે તેમ નથી એમ એમણે મને લખ્યું : ફરી પત્ર લખી મેં વિનંતી કરી કે, ‘આપને તકલીફ પડે તે હું જરાય ઇચ્છતો નથી. કરાચીના જે થોડા પરિચિતો રહ્યા છે તે સૌને આપના દર્શન-શ્રવણનો પણ લાભ મળશે. અને, રાજકોટ પાછા જવાને બદલે આપ અહીંથી જ મુંબઈનું વિમાન પકડી શકો તો આપને પાછા જવાનો શ્રમ ન પડે. અહીં આરામની સગવડ પણ થઈ શકશે!
સ્વામીજીએ મારી એ વિનંતી સ્વીકારી મને ઉપકૃત કર્યો. રાજકોટથી એ, સ્વામી જિતાત્માનંદજી અને અન્ય સંન્યાસીઓ સવારે દસને સુમારે આવી ગયા. સદ્ભાગ્યે ચિ. વરદા પણ આગલે જ દિવસે અમેરિકાથી પોતાની ત્રણ વર્ષની પુત્રીને લઈને આવી હતી. પૂજ્ય સ્વામી રંગનાથાનંદજીની એ જામનગરની છેલ્લી મુલાકાત હતી. પણ ત્યારેયે, ‘ડોલરભાઈ માંકડના કુટુંબમાં અત્યારે કોણ કોણ છે?’ એ પ્રશ્ન તેમણે પૂછ્યો હતો. ડોલરભાઈની પૌત્રી ચિ. રૂપલને બોલાવી સ્વામીજીને એનો પરિચય કરાવ્યો હતો. સ્વામીજીના પરમ સ્નેહી સ્વ. જયંતીભાઈ અંજારિયાનાં પત્ની શ્રી પારૂલબહેનને તથા સ્વ. શાંતિભાઈ અંજારિયાનાં પત્ની શ્રી પુષ્પાબહેનને મળતાં પણ સ્વામીજીને આનંદ થયો હતો.
ત્યાર પછી, સ્વામીજી ફરી રાજકોટ આવ્યા હતા ત્યારે એમનાં દર્શન કર્યાં તે મારે માટે અંતિમ દર્શન હતાં. ‘પરમહંસ શ્રીરામકૃષ્ણ’, ‘જગજ્જનની શારદાદેવી’ અને ‘યતિરાજ વિવેકાનંદ’ એ ત્રણ પુસ્તકોમાંનું ‘યતિરાજ વિવેકાનંદ’ પુસ્તક એમને અર્પણ કર્યું છે. એ ત્રણે પુસ્તકો એમને ચરણે ધરવા બેલુર જવા મન હતું પણ ગયા જાન્યુઆરીમાં બીમાર પડી જતાં એ શક્ય ન બન્યું. સ્વામીજી પોતે પણ હોસ્પિટલ, રામકૃષ્ણ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર અને બેલુર મઠ એમ ત્રણ ઠેકાણે ફર્યા કરતા હતા. ગઈ દસમી માર્ચે, લીંબડીમાં પૂ. સ્વામી આદિભવાનંદજીએ વાત કરી હતી કે, ‘સ્વામી રંગનાથાનંદજી મહારાજની તબિયત સારી છે, એ લોકોને મળે પણ છે અને, દીક્ષા પ્રદાન પણ કરે છે.’ આ સાંભળી હું રાજી થયો હતો. ઘેર આવી, તરત જ સ્વામીજીને પત્ર લખ્યો હતો. પરંતુ એ પત્ર મળે ત્યાં સુધીમાં એમની તબિયત પાછી લથડી ગઈ હતી. મારો એ એક જ પત્ર અનુત્તરિત રહ્યો.
કરાચીમાંથી એમના શબ્દની ભુરકી લાગી હતી. રાજકોટના રામકૃષ્ણ આશ્રમની અને સ્વામી જિતાત્માનંદની કૃપાથી, એમના શબ્દને ગુજરાતીમાં અવતારવાની તક મારે સદ્ભાગ્યે મને સાંપડી છે. ‘વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યોનું વિજ્ઞાન’, ‘ઉપનિષદોનો સંદેશ’ અને ‘ગીતાનો વૈશ્વિક સંદેશ’ (ત્રણ વોલ્યુમ)ના ગુજરાતી અનુવાદ કરવાની તક મને સાંપડી છે. પૂરાં બાસઠ વર્ષથી એમના શબ્દે મને જકડી રાખ્યો છે. સ્વામી વિવેકાનંદ પછી, જગતમાં વેદાન્ત પ્રચારમાં કોઈનું મોટામાં મોટું પ્રદાન હોય તે સ્વામી રંગનાથાનંદજીનું છે,’ એમ એક અમેરિકન ચિંતકે લખ્યું છે. આ ખોટ કોણ ને ક્યારે પૂરશે?
Your Content Goes Here




