ત્રેતાયુગમાં ધર્મની સ્થાપના માટે જેવી રીતે શ્રીરામચન્દ્ર ભગવાને અવતાર ગ્રહણ કર્યો હતો, તેવી જ રીતે દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ ભગવાને અવતાર ગ્રહણ કર્યો હતો. જે રામ હતા, તે જ કૃષ્ણરૂપે અવતરિત થયા હતા.
રામચરિતમાનસમાં જે વાત શ્રીરામે કરી છે, તે જ વાત ગીતામાં શ્રીકૃષ્ણે કહી છે.
જ્યારે વિભીષણ લંકાથી ભગવાન રામને મળવા આવે છે, ત્યારે વિભીષણ સુગ્રીવને કહે છે કે મારે પ્રભુને મળવું છે. સુગ્રીવ પ્રભુને સમાચાર આપે છે કે શત્રુનો ભાઈ તમને મળવા માગે છે. શ્રીરામે સુગ્રીવને પૂછ્યું, ‘મારે તેની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ?’ સુગ્રીવે કહ્યું, ‘પ્રભુ એ તો શત્રુનો ભાઈ છે. તેના પર વિશ્વાસ ન કરાય. તમે તેને બાંધીને કેદ કરી લો. નહીંતર તે આપણો ભેદ જાણી જશે અને પોતાના ભાઈને જણાવી દેશે.’ શ્રીરામે કહ્યું, ‘તારી વાત તો સાચી છે, પરંતુ મારી એક પ્રતિજ્ઞા છે કે હું શરણાગતનો ભય હરણ કરું છું.’
कोटि बिप्र बध लागहिं जाहू।
आएँ सरन तजउँ नहिं ताहू॥
सनमुख होइ जीव मोहि जबहीं।
जन्म कोटि अघ नासहिं तबहीं॥1॥
‘જો કોઈ મનુષ્યે કરોડો બ્રાહ્મણોની હત્યા કરી હોય અને મારી શરણમાં આવે, તોપણ હું તેનો ત્યાગ નહીં કરું. જીવ જ્યારે મારી સન્મુખ આવે છે, ત્યારે તેનાં કરોડ જન્મનાં પાપ નાશ થઈ જાય છે.’
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः॥
‘સર્વધર્મોનો ત્યાગ કરીને તું મારા શરણમાં આવી જા. હું તને સર્વ પાપથી મુક્ત કરી દઈશ. તું શોક ન કર.’
વિભીષણ જ્યારે શ્રીરામના શરણમાં આવે છે, ત્યારે પ્રભુ કહે છે:
जौं नर होइ चराचर द्रोही।
आवे सभय सरन तकि मोही।।
तजि मद मोह कपट छल नाना।
करउँ सद्य तेहि साधु समाना।।
‘જો કોઈ મનુષ્ય ચર-અચર પ્રાણીનો દ્રોહી હોય; તે ભય પામીને મારા શરણમાં આવે અને છળ, કપટ, અહંકાર અને મોહનો ત્યાગ કરે; તો હું તેને તુરંત સાધુ સમાન બનાવી દઉં છું.’
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ
अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः।
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि।।4.36।।
अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक्।
साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हि सः।।9.30।।
‘જો તું સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપી હોય, તોપણ તું જ્ઞાનરૂપી નાવડી દ્વારા નિ:સંદેહ ભવસાગરથી પાર થઈ જઈશ.’
‘જો કોઈ દુરાચારીમાં પણ શ્રેષ્ઠ હોય પણ અનન્ય ભાવે મારું ભજન કરે તો એને સાધુ જ માનવા યોગ્ય છે કેમ કે એણે નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી.’
ભગવાન શ્રીરામનો જન્મ બપોરે બાર વાગ્યે થયો અને શ્રીકૃષ્ણનો જન્મ પણ રાત્રે બાર વાગ્યે થયો. જે લોકો ભગવાનનું નામ લેશે તેના સંસારમાં બાર વાગી જશે. બાર વાગી જશે એટલે કે સંસારની મોહ-માયા છૂટી જશે.
બાર વાગ્યાનો બીજો અર્થ છે કે મોટા કાંટા અને નાના કાંટાનું મિલન. મોટો કાંટો એટલે પરમાત્મા અને નાનો કાંટો એટલે જીવાત્મા. મોટો કાંટો એટલે શિવ અને નાનો કાંટો એટલે જીવ. મોટો કાંટો એટલે ભગવાન અને નાનો કાંટો એટલે ભક્ત. પરમાત્મા અને જીવાત્માનું મિલન. શિવ અને જીવનું મિલન. ભગવાન અને ભક્તનું મિલન એટલે બાર વાગી જવા.
પ્રભુ પાસે પ્રાર્થના છે કે આપણા સૌના બાર વાગી જાય.
રામચરિતમાનસમાં શ્રીરામે પહેલાં રાક્ષસી તાડકાનો વધ કર્યો અને તેને પરમગતિ પ્રદાન કરી.
ભગવાન શ્રીકૃષ્ણે પહેલાં પૂતનાનો વધ કર્યો અને જેવી ગતિ માતા યશોદાએ પ્રાપ્ત કરી તેવી જ પરમગતિ પૂતના એ પ્રાપ્ત કરી.
તાડકા અને પૂતના બન્ને મૃત્યુ વખતે શત્રુભાવથી ભગવાનનું સ્મરણ કરે છે. પરંતુ ભગવાનનું સ્મરણ કરે છે એટલે તેઓને પરમગતિ પ્રાપ્ત થાય છે.
રામચરિત માનસમાં કહે છે:
भायँ कुभायँ अनख आलस हूँ।
नाम जपत मंगल दिसि दसहूँ॥
ભાવથી, કુભાવથી, આળસથી અથવા ક્રોધથી ભગવાનનું નામ લેવાથી દશેય દિશામાં મંગળ થાય છે.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે:
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम्।
यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः।।8.5।।
રામચરિત માનસમાં એક પ્રસંગ છે. જ્યારે રામ-રાવણનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે શ્રીરામે જોયું કે ઘણા વાંદરાં મરી ગયાં. વાંદરાં વળી પાછાં સજીવન થઈ જાય તો સારું.
ભગવાને ઇન્દ્રને કહયું કે તું અમૃતનો વરસાદ કર. ઇન્દ્રે અમૃતનો વરસાદ કર્યો. બધાં વાંદરાં સજીવન થઈ ગયાં. પરંતુ ભગવાનને નવાઈ લાગી કે અમૃત તો રાક્ષસ અને વાંદરાં બન્ને ઉપર પડ્યું તો રાક્ષસો કેમ સજીવન ન થયા.
શ્રીરામે ઇન્દ્રને પૂછ્યું કે આમ કેમ થયું? ઇન્દ્રે કહ્યું કે પ્રભુ, મૃત્યુ સમયે રાક્ષસો વિચારતાં હતાં કે રામને મારવા છે એટલે રામ રામ કરતાં મર્યા તેથી તેઓની મુક્તિ થઈ ગઈ અને વાંદરાં વિચારતાં હતાં કે આપણે રાવણને મારવો છે. તેઓ રાવણ રાવણ કરતાં મર્યા એટલે તેઓની મુક્તિ ન થઈ.
ભગવાનનું નામ કેવી રીતે પણ લેવાય, મંગળ જ થશે. શ્રીમદ્ ભગવદ્ ગીતા અને રામચરિતમાનસ એક જ સંદેશ આપે છે કે આપણે ઈશ્વરનું નામ લેતાં લેતાં તેમના શરણાગત થઈને મનુષ્યજન્મ સાર્થક કરીએ.
Your Content Goes Here




