(કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેઓ રામકૃષ્ણ મઠ-મિશન તથા સારદા મઠ-મિશનની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં કાર્યરત છે.  નવરાત્રી નિમિત્તે આ લેખ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

શ્રીરામકૃષ્ણદેવ (શ્રીઠાકુર) દક્ષિણેશ્વરના કાલીમંદિરે પોતાની સાધનામાં રત રહેતા, પરંતુ ક્યારેક પોતાના વતન કામારપુકુર જતા. આવી એક મુલાકાત દરમિયાન રાત્રીના ભોજન બાદ ગ્રામજનો સાથે સત્સંગ ચાલતો હતો, જેમાં નાની શારદા પણ હાજર હતી, જે પોતાના પિયર જયરામવાટીથી આવેલી. આખા દિવસના કામકાજથી થાકી જઈને સૂઈ ગયેલ.

કોઈએ એ વિશે ટકોર કરી તો શ્રીઠાકુરે તેમને જગાડવાની મનાઈ કરતાં કહ્યું, “એ જ સારું છે, જો તેને જગાડી દેશો અને જો તે પોતાનું અસલ સ્વરૂપ પામી જશે તો મારી યુગશક્તિ મારા યુગકાર્યમાં સહભાગી નહીં થઈ શકે.”

આમ, શ્રીઠાકુરે પોતે જ શ્રીમા શારદાદેવી (શ્રીમા) કોણ હતાં તે સ્પષ્ટપણે કહી દીધું હતું. અન્ય એક જગ્યાએ પણ તેમણે કહ્યું હતું, “તે શારદા—સરસ્વતી છે, જ્ઞાન દેવા આ જગતમાં અવતરિત થયાં છે.” આમ, શ્રીમા છે સાક્ષાત્‌ જગદંબા, જગજ્જનની, આદ્યશક્તિ કે ચિત્‌-શક્તિ.

શ્રીમા વૈશ્વિક શક્તિનું મૂળ

આપણે પુરાણોમાં વાંચીએ છીએ કે જગતનું સર્જન બ્રહ્મા દ્વારા થાય છે, પાલન વિષ્ણુ દ્વારા અને સંહાર શિવ દ્વારા. આમ, ત્રણેય દેવો પણ ત્રણ અલગ પ્રકારનાં કાર્યો કરે છે. પરંતુ ચિત્‌-શક્તિ જે આ સ્થળ-કાળથી પર છે, તે એકલા હાથે આ ત્રણેય કાર્યો પાર પાડે છે. ‘શ્રીદુર્ગા સપ્તશતી’ના શ્લોકમાં છે ને,

‘सृष्टि स्थिति विनाशानां शक्तिभूते सनातनि।
गुणाश्रये गुणमये नारायणी नमोऽस्तुते।’ (११.११)

એ શક્તિ એકલા હાથે બધા જ અસુરો મધુકૈટભ, ચંડ-મુંડ, મહિષાસુર, શુંભ-નિશુંભ, રક્તબીજનો સંહાર કરે છે. (જનાર્દનને જગાડવા માટે યોગમાયાની સ્તુતિ બ્રહ્મા દ્વારા કરાઈ છે.) ઋગ્વેદમાંના ‘દેવીસૂક્ત’માં છે કે ઋષિ અંભિરણની પુત્રીનું નામ ‘વાક્‌’ હતું. તેણે સૌ પ્રથમ સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલયની અનંત શક્તિને પોતાના અક્ષત કૌમાર્યયુક્ત દેહમાં અનુભવી. પછી તેણે વેદોના ઋષિઓને ઉદ્‌ઘોષણા કરીને કહ્યું, “હું આ બ્રહ્માંડ, સમસ્ત પૃથ્વી અને સભ્યતાની સર્જક છું. શિવના જ્ઞાનરૂપી ધનુષ્યનો પ્રકાશ હું છું; જેના દ્વારા જગત પ્રકાશિત થાય છે, તેની પાછળની શક્તિ પણ હું જ છું.” કેન ઉપનિષદમાં પણ હિમાલયની પુત્રી ઉમા ઇન્દ્ર, વરુણ, અગ્નિ વગેરે દેવતાઓને શીખવે છે કે દુષ્ટ દૈત્યો પરનો તેમનો વિજય તેણી દ્વારા પ્રદત્ત શક્તિને આભારી છે. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે, “પ્રાણ: વૈ સત્યમ્‌” અર્થાત્‌ આ જગત પ્રાણ દ્વારા ચાલે છે. આ પ્રાણશક્તિ જ સર્વોત્તમ ચેતના છે, જે ૐ દ્વારા પ્રતિપાદિત થાય છે. આ શક્તિને જ આપણે જુદા જુદા સ્વરૂપે ઓળખીએ છીએ, જેમ કે કાલી, તારા, ષોડશી, ભૈરવી, સરસ્વતી, ત્રિપુરાસુંદરી, દુર્ગા વગેરે. જ્યારે જ્યારે કોઈ વિપત્તિ આવે ત્યારે આ જ શક્તિ અવતરિત થઈ લોકોનું રક્ષણ કરે છે.

‘ॐ इत्थं यदा यदा बाधा दानवोत्था भविष्यति।
तदा तदावतीर्याहं करिष्याम्यरिसंक्षयम्ॐ।।’ (दुर्गासप्तशती, ११.५४-५५)

યુગાવતાર અને યુગશક્તિ

દરેક યુગમાં ઈશ્વર જ્યારે અવતાર લે છે,  ત્યારે આ શક્તિ-યુગશક્તિ યુગાવતારને તેના કાર્યમાં મદદરૂપ થવા સાથે આવે છે, જેમ કે સીતા, રાધા, યશોધરા વગેરે. પરંતુ આ યુગમાં અવતરિત શ્રીઠાકુરની વિશેષતા એ છે કે આગલા અવતારોએ પોતાના યુગકાર્યમાં યુગશક્તિનો સાથ નથી લીધો; શ્રીરામે પ્રજાની ટીકાને સાથ આપીને સીતામાતાનો ત્યાગ કરેલ, શ્રીકૃષ્ણ તો મથુરા ચાલ્યા ગયા, સિદ્ધાર્થ ગૌતમે બુદ્ધ થવા યશોધરાનો ત્યાગ કર્યો, ઈશુ ખ્રિસ્ત તો અપરિણીત જ હતા, પરંતુ શ્રીઠાકુરે તો શ્રીમાને સાથે રાખી, જ્યાં સીધીસાદી ગ્રામીણ બાલિકામાં રહેલી સુષુપ્ત માતૃશક્તિને ષોડશીપૂજા દ્વારા જાગૃત કરી, કાર્યમાં પરિણત કર્યાં. એટલું જ નહીં, બીજા અવતારોએ શક્તિના ગયા બાદ પોતાની લીલા સંકેલી છે, જ્યારે આ યુગાવતારે તો પોતાના યુગપ્રયોજનાર્થે શ્રીમાને પાછળ છોડી, પોતાની મહાસમાધિ બાદ સુદીર્ઘ ચોત્રીસ વર્ષો સુધી કાર્ય કરાવ્યું, જેનું વચન પોતે કાશીપુરમાં મહાસમાધિ પહેલાં લઈ લીધેલું. શ્રીમાએ જ્યારે પોતે એક સ્ત્રી હોવાને લઈને કાર્ય કરવામાં શંકા બતાવી ત્યારે શ્રીઠાકુરે ભારપૂર્વક તે પૂરું કરવા સમજાવેલ, જે શ્રીમાએ કરી બતાવ્યું.

શ્રીઠાકુરનું યુગપ્રયોજન ‘માતૃભાવનો વિકાસ’ અને ‘ઉપભોક્તાવાદી સભ્યતાને આધ્યાત્મિકતામાં પરિણત’ કરવાનું પૂર્ણ કરવાનું છે. એ માટે શ્રીમાએ કઠિન સાધના (જેમાં પંચતપા વ્રતનો પણ સમાવેશ થાય છે), જપ, ધ્યાન, સેવા, પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા વગેરે બધું જ કરીને ‘સંઘ-અધિષ્ઠાત્રી’ તરીકે કેટલાય ભક્તો તેમજ પાપી-તાપીને આશ્રય તથા મંત્રદીક્ષા આપીને માનવજાતનો ઉદ્ધાર કર્યો છે.

શ્રીમા જીવંત દુર્ગા (નવદુર્ગા) રૂપે

સ્વામી વિવેકાનંદે બેલુર મઠમાં શ્રીમાની જીવંત દુર્ગા તરીકે પૂજા કરેલી. એટલું જ નહીં પણ તેમણે શ્રીમામાં જગતનો ઉદ્ધાર કરનાર શક્તિનું મહત્તમ પ્રગટીકરણ જોયેલું-અનુભવેલું. દુર્ગા સપ્તશતી અંતર્ગત ‘દેવી કવચ’માં મહાત્મા વેદ દ્વારા પ્રતિપાદિત શ્રીદુર્ગાનાં નવ રૂપો દર્શાવેલ છે:

प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी।
तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम् ।।
पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च।
सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम् ।।
नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:।
उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना।।

તો ચાલો, આપણે હવે થોડું વિગતે શ્રીમામાં આ રૂપોનું પ્રગટીકરણ જોઈને ચિંતન કરીએ.

શૈલપુત્રી

શબ્દાર્થ છે પર્વતની પુત્રી અર્થાત્‌ હિમાલયની પુત્રી ઉમા, પાર્વતી, જે પોતાના પતિ સાથે જગતાતીત ઊંડા ધ્યાનમાં લીન છે. દક્ષિણેશ્વરના નોબતખાનાના ૬×૮ ફૂટના નાના ઓરડામાં આપણી આ શ્રીમા શારદાએ પોતાના ગુરુ પતિ, શિવ સમા શ્રીઠાકુરના માર્ગદર્શન હેઠળ દુન્યવી તેમજ આધ્યાત્મિકતાની કેટલી સાધના અને તપશ્ચર્યા કરી, પોતાના અસંખ્ય ભક્તોને માર્ગદર્શિત કરેલ! બંગાળીમાં ભજન છે: ‘શિવ સંગે સદા રંગે આનંદે મગના’ અર્થાત્‌ શિવના સાંનિધ્યમાં શ્રીમા સદા આનંદમાં મગ્ન રહેતાં.

બ્રહ્મચારિણી

શબ્દાર્થ છે જે બ્રહ્મમાં વિચરણ કરે છે, તેમજ સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવવી, એ જેનો સ્વભાવ છે તે. અખંડ કૌમાર્યવ્રતધારિણી. શ્રીમા પવિત્રતાનું મૂર્તિમંત સ્વરૂપ હતાં, જેઓ પોતાનાં અસંખ્ય સંતાનો, જેમાં કેટલાંક તો અત્યંત દુન્યવી વાતાવરણથી ખરડાયેલાં હતાં, તેમને આધ્યાત્મિક પથે લઈ જતાં.

ચંદ્રઘંટા

ત્રીજું રૂપ છે ચંદ્રઘંટા, એટલે કે જેનો શબ્દ, સમસ્ત બ્રહ્માંડમાં અનાહત નાદ ‘ૐ’ની શક્તિથી આંદોલિત થઈ સંભળાતો રહે છે. આપણી મા શારદાના એક ‘ના’ શબ્દની ગર્જનાથી નરેનને (સ્વામી વિવેકાનંદને) બેલુર મઠમાં દુર્ગાપૂજાનો પ્રચલિત પશુબલિદાનનો વિચાર પડતો મૂકવો પડ્યો. વળી રાહતકાર્ય માટે બેલુર મઠ કે જે ભવિષ્યનું આધ્યાત્મિકતાથી સ્પંદિત મહાતીર્થ બનવાનું હતું— તે જમીન વેચવાનો વિચાર પણ છોડવો પડેલ. શ્રીમાના આશીર્વાદ બાદ જ તેમણે અમેરિકા જવાનો વિચાર, જે પહેલાં કેટલાય લોકોએ સૂચવેલ, અમલમાં મૂકેલ. આવા તો અસંખ્ય દાખલાઓ છે, જેમાં શ્રીમાએ દૃઢતાથી પોતાનો નિર્ણય જણાવ્યો હોય. સ્વામીજી કહેતા, “મૌન અને પવિત્રતાથી શક્તિશાળી શબ્દો બહાર આવે છે.”

કૂષ્માંડા

શબ્દાર્થ છે જે ત્રિવિધ તાપથી તાપિત પોતાનાં બાળકોનાં પાપ અને યાતનાને પચાવી જાણે છે; જે શ્રીમાએ પોતાના સમગ્ર જીવન પર્યંત કર્યું છે. શ્રીમા કેટકેટલા તાપિત ભક્તો, પોતાના કુટુંબીજનો, જેમાં કેટલાય ચિત્રવિચિત્ર મનોવૃત્તિવાળા તથા ગાંડાઘેલા પણ હતા, એમનાથી ઘેરાયેલાં હોવા છતાં પણ તેઓ પોતાની એ આંતરિક નીરવ શાંતિ જાળવી, બધાને માર્ગદર્શિત કરતાં તેમજ મોટા મોટા નિર્ણયો લઈ ‘રામકૃષ્ણ સંઘ’ને માર્ગદર્શન આપતાં.

સ્કંદમાતા

દેવીનું પાંચમું રૂપ છે સ્કંદમાતાનું. એટલે કે જે દુનિયાને જીતનાર વીરને, સ્કંદ અર્થાત્‌ કાર્તિકેયને જન્મ આપે છે. શ્રીમાના જીવનમાં જોઈએ તો સનાતન ધર્મના સંદેશને ‘વિશ્વધર્મ-પરિષદ’માં ઉદ્‌ઘોષિત કરી સ્વામી વિવેકાનંદ વિશ્વવિજયી બન્યા. એમના જ શબ્દોમાં, “શ્રીમાના આશીર્વાદથી જ હું સાત સમંદર પાર જઈ વિજયી બન્યો.” શ્રીમા શારદા-સરસ્વતીની કૃપાથી જ સ્વામીજીએ પહેલા દિવસની સભામાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા. પુરાણ પ્રમાણે પાર્વતીના પુત્ર સ્કંદ-કાર્તિકેય છે, તેથી તેઓ સ્કંદમાતા કહેવાયાં. સ્કંદનો બીજો અર્થ છે સેનાપતિ. શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે, ‘સેનાનીનામહં સ્કંદ:.’ (૧૦.૩૪) શ્રીઠાકુરે એમના શિષ્યોને કહેલ, “નરેન તમારો નેતા.”

કાત્યાયની

દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે મહર્ષિ કાત્યાયનના આશ્રમમાં દેવી પ્રગટ થયાં અને મહર્ષિએ તેમને પોતાની પુત્રી માન્યાં, તેથી તેઓ કાત્યાયની નામે પ્રસિદ્ધ થયાં. વળી, વ્રજની ગોપીઓએ પોતાની નિર્ભેળ, નિર્મળ ભક્તિથી શ્રીકૃષ્ણને પતિરૂપે પામવા માટે જેમની પૂજા કરેલી. આમ, આપણે પણ શ્રીમાના ગુણોના ચિંતનરૂપી પૂજનથી તેમને પ્રસન્ન કરીએ, તો તેઓ આપણને આપણા ઇષ્ટનું દર્શન કરાવી શકે છે.  મા બ્રહ્મમયી ‘બ્રહ્મ’ને પામવા રસ્તો ખુલ્લો કરી શકે છે.

કાલરાત્રી

કાળનો, એટલે કે બધા જ દુર્ગુણોનો નાશ કરનાર. બીજો અર્થ છે, જે પોતાની ઢાંકવાની શક્તિથી સમગ્ર બ્રહ્માંડને શાંત કરી દે છે. રાત્રીની ઊંઘ લઈને સમગ્ર વિશ્વના જીવો, બીજી સવારે તાજા-માજા થઈ પોતપોતાનાં કાર્યોમાં લાગી જાય છે. શ્રીમા પોતે પણ હંમેશાં પોતાના સમગ્ર દેહને ઢાંકીને દર્શન આપતાં, જે આપણને નમ્રતા, લજ્જાશીલતાનો સંદેશ આપે છે. આપણે આપણા ગુણો કે કાર્યોનો દેખાડો ન કરવો. વળી શ્રીમા આપણને પોતાના આશીર્વાદરૂપી વસ્ત્રથી ઢાંકી, દુન્યવી તાપ તથા દોષોથી રક્ષિત રાખે છે.

મહાગૌરી

આ દેવીનું રૂપ ખરેખર મા કાલીની જેમ કાળું છે, જે તપસ્યાને લીધે, દિવ્ય તેજથી જાજ્વલ્યમાન ભાસે છે. શ્રીમા પણ આ યુગમાં પોતાનું રૂપ ઢાંકીને આવેલાં. શ્રીઠાકુર કહેતા, “તેઓ રાખમાં છુપાયેલી બિલાડી છે.” આમ, તેઓ બાહ્ય રીતે અતિ સૌંદર્યવાન ન દેખાતાં હોવા છતાં, જેમણે તેમને જોયેલાં છે તેઓ વર્ણવે છે કે તેઓ આંતરિક સૌંદર્ય તથા આધ્યાત્મિક સાધનાના તેજથી સુશોભિત હતાં.

સિદ્ધિદાત્રી

નવમું રૂપ છે સિદ્ધિદાત્રી, એટલે કે જે સિદ્ધિ આપે છે, જે પોતાનાં બાળકોના સંનિષ્ઠ પ્રયત્નોને સફળતા અપાવે છે, પછી તે ક્ષેમ દુન્યવી હોય કે આધ્યાત્મિક. શ્રીમાના જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે તેમના ઘણા ભક્તો તેમના પોતાના ઇચ્છિત રૂપમાં દર્શન પામેલા. કેટલાંક દૃષ્ટાંત જોઈએ તો,

પહેલું, શ્રીમાના સેવક સ્વામી અરૂપાનંદજી ઘણાં વર્ષોથી શ્રીમાની સેવામાં હતા. એક દિવસ એમણે વિચાર્યું, “હું આટલાં વર્ષોથી શ્રીમાની સેવા કરું છું, તેનું પરિણામ શું?” અને એક દિવસ શ્રીમાએ પોતાના જ્યોતિર્મય સ્વરૂપનું દર્શન કરાવી તેમને સંતુષ્ટિ આપી.

બીજું, શ્રીઠાકુરનો ભત્રીજો શિવરામ એક વાર શ્રીમા સાથે કલકત્તાથી કામારપુકુર જઈ રહ્યો હતો. એ વખતે પગપાળા મુસાફરી થતી. અચાનક તે રસ્તામાં ઊભો રહી ગયો અને શ્રીમાને પોતે કોણ છે તે જણાવવા જીદ પકડી. અંતે શ્રીમાને કહેવું પડ્યું કે તેઓ મા કાલી છે.

ત્રીજું, ગિરીશચંદ્ર ઘોષ પ્રસિદ્ધ નાટ્યકારને પણ શ્રીમામાં રાજરાજેશ્વરી રૂપે દર્શન થયેલાં.

આવા તો અસંખ્ય દાખલાઓ છે, ચંદ્રમોહન દત્ત વગેરેના જેમણે શ્રીમાને એમના અસલ સ્વરૂપમાં જોયેલાં. આમ, તેઓ પોતાનાં વ્યાકુળ બાળકોને એમના પ્રયત્નોમાં સિદ્ધિ અપાવનારાં હતાં. આમ, દુર્ગા સપ્તશતીમાં મા દુર્ગાના ઘણા ગુણોની સ્તુતિ પાંચમા અધ્યાયમાં જોવા મળે છે. જેમ કે, બુદ્ધિ, શક્તિ, કાંતિ, લજ્જા, દયા, શાંતિ, શ્રદ્ધા, લક્ષ્મી વગેરે. આ બધા જ ગુણો આપણને શ્રીમાના જીવનમાં પૂર્ણપણે પ્રગટિત થયેલા જોવા મળે છે, જે તેમનું જીવનચરિત્ર વાંચવાથી સમજી શકાય છે. યુગપુરુષનું યુગશક્તિ દ્વારા કરવામાં આવેલ યુગકાર્ય—ઉપભોક્તાવાદ ઉપર આધ્યાત્મિકતાનો વિજય.

મહાભારતના ‘ભીષ્મપર્વ’માં દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરવા ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને મા દુર્ગાની પૂજા કરવાનું કહે છે. આ યુગમાં સ્વામી વિવેકાનંદે ફક્ત નવા પ્રકારના મઠની સ્થાપના જ નથી કરી, પરંતુ એક મહાન આધ્યાત્મિક ધારાને નવા યુગમાં પ્રવાહિત કરવાની શરૂઆત કરી છે, જેનાથી સમગ્ર માનવજાતને પોતાને ‘નવા મનુષ્ય’ તરીકે તૈયાર કરવાની પ્રેરણા મળે છે.

અહીં હું બહેનો માટે વાત કરું તો—આધુનિક ઉપભોક્તાવાદ અને ગ્રાહકલક્ષી બજારે બહેનોને પૈસા અને પ્રસિદ્ધિ માટે આર્થિક પશુઓ, સૌંદર્ય સામ્રાજ્ઞીઓ કે મોડેલ્સ બનાવવા પ્રેરિત કરી દીધી છે. આ બધાં તેમના આદર્શરૂપ છે. પરંતુ ઈશ્વરકેન્દ્રિત સાદું જીવન અને બધા પ્રત્યે નિર્વ્યાજ પ્રેમ જ શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આજની નારી શિક્ષણ અને આર્થિક સમૃદ્ધિ પામેલ હોવા છતાં અશાંતિ તથા અસલામતીની ભાવનાથી પીડાય છે.

તેને પોતાને શું મેળવવું છે, પોતાના જીવનની પરિપૂર્ણતા કે સાર્થકતા શેમાં છે, તે સમજાતું નથી. પોતે જાણે ત્રિભેટે ઊભી છે, ક્યાં જવું તેની અસમંજસમાં દેખાય છે. પરંતુ આનો ઉપાય કોઈ સામાજિક, આર્થિક કે રાજકીય સુધારા અથવા તો ક્રાંતિ નથી; આનો ઉપાય છે, આધ્યાત્મિકતાથી ઉન્નત થયેલું જીવન જીવવું. શ્રીમા હંમેશાં શીખવતાં કે થોડી પણ આધ્યાત્મિક સાધના આ અશાંતિને દૂર કરી જીવનમાં સંવાદિતા, શાંતિ અને આનંદ લાવી શકે. અવિચારી લોભ અને દેખાદેખી ક્યારેક બહેનોને પોતાના પતિને વધુ કમાવા તરફ અને બાળકોને પોતાની ક્ષમતાથી ઉપરવટ જઈ વધુ સ્પર્ધાત્મક શિક્ષણ લેવા તરફ આગ્રહપૂર્વક ધકેલે છે. પરિણામે આપણી માતાઓ ‘આપનાર’ કરતા ‘માગનાર’નો ભાગ ભજવી જાય છે, અને કુટુંબો તૂટે છે, બાળકો અવળે માર્ગે વળે છે. ૧૯૬૨માં અને ૧૯૮૨માં બેટ્ટી ફ્રેડનનાં બે પુસ્તકો ‘ધ ફેમીનાઈન મીસ્ટીક’ અને ‘ધ સેકન્ડ સ્ટેજ’માં નારી-સ્વતંત્રતાની વાતો છે. કેવી રીતે બહેનો ઘરની બહાર નીકળી અને ફરીથી સમજણ આવતાં ઘર સંભાળવા તરફ દોરાય છે.. વગેરે વાતો તેમાં છે. અને ૧૯૯૦ સુધીમાં તો આ નારી-સ્વતંત્રતા-ચળવળે નવો જ વળાંક લીધો. બહેનોએ ખુદ જ અનુભવ્યું કે તેમના જીવનની પરિપૂર્ણતા ત્યાં સુધી નહીં લાધે, જ્યાં સુધી તેઓ આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા પોતાની અંદર રહેલ દૈવીતત્ત્વને નહિ ઓળખે, નહિ સમજે કે તેના સંસર્ગ-સંપર્કમાં નહિ આવે. આ ચળવળના ૬૫ જેટલા નેતાઓએ આ પ્રકારના વિચારો ‘પોલિટિક્સ ઓફ વિમેન્સ સ્પિરિચ્યુઆલિટી’ નામના પુસ્તકમાં વ્યક્ત કર્યા છે.

ઉપસંહાર

લગભગ ૧૫૦ વર્ષ પહેલાં શ્રીઠાકુરે મા કાલીની અને શ્રીમાની ષોડશીરૂપે (ત્રિપુરાસુંદરીરૂપે) પૂજા કરી હતી. એટલે હજુ તો આ માતૃત્વના ગૌરવપૂર્ણ આદર્શની સ્થાપનાની શરૂઆત કહી શકાય. એક નેતા બહેન આજે લખે છે, “બહેનોની આધ્યાત્મિકતાની ઊઘડતી નીતિ, માતૃત્વના અનુભવથી રંગાયેલી છે, જે સીધી કે આડકતરી રીતે સમગ્ર નારીજાતિના ચારિત્રને અસર કરે છે.”

આમ, શ્રીમા શારદાદેવીના આગમનથી એક નવા આધ્યાત્મિક યુગનો આરંભ થઈ ચૂક્યો છે અને શ્રીમાના જીવનમાંથી પ્રેરણા લઈને જ આ યુગમાં સમગ્ર માનવજાત ભૌતિકવાદને આધ્યાત્મિકતાથી સર કરી, જીવનની પરિપૂર્ણતા અનુભવી શકશે.

Total Views: 18

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.