શ્રીઠાકુરની કૃપા વિના કંઈ એમના પાશમાં આવી શકાતું નથી. એ કૃપા ક્યારે ને કઈ રીતે વર્ષશે એ પણ કહી શકાતું નથી.

મેં કોલેજનું શિક્ષણ લીધું હતું પણ, નાસ્તિક વિચારણાનો થોડો રંગ લાગ્યો હોઈ સાધુ-સંન્યાસીઓ પ્રત્યે મનમાં નફરતનો ભાવ પ્રધાન હતો. બીજું વિશ્વયુદ્ધ ૧૯૪૨માં એની પરાકાષ્ઠાએ પહોંચવા તરફ ગતિ કરી રહ્યું હતું તેવામાં, ‘ભારત છોડો’નો બુંગિયો વાગતાં દેશનું વાતાવરણ સંક્ષુબ્ધ થઈ ગયું. કરાચીની રાષ્ટ્રિય શાળા શારદા મંદિરમાં હું મદદનીશ શિક્ષક તરીકે કામ કરતો હતો. અમારી શાળાની ઓફિસને તથા પ્રયોગશાળાને સરકારે સીલ મારી દીધાં હતાં. શિક્ષણકાર્ય સાવ બંધ હતું. અમે કેટલાક શિક્ષકો અને કેટલાંક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ‘ભારત છોડો’ આંદોલનમાં યથાશક્તિ ભાગ લઈ રહ્યાં હતાં.

આવા સંક્ષુબ્ધ વાતાવરણમાં એક મિત્ર એક સાંજે મને પરાણે એક સંન્યાસીનું પ્રવચન સાંભળવા લઈ ગયા. પૂરી અનિચ્છાએ હું ગયો. પણ ગયો તેવો જ પકડાઈ ગયો. એ પકડનાર હતા, કરાચીમાં તાજા જ આવેલા, યુવાન સંન્યાસી સ્વામી રંગનાથાનંદજી. રામકૃષ્ણના, શારદાદેવીના કે સ્વામી વિવેકાનંદના નામથી પણ હું તદ્દન અજાણ હતો.

કરાચીના નૈઋત્ય ખૂણામાં કોઈ જૂનો બંગલો ખરીદી તેના વિશાળ કંપાઉંડમાં એક ભાગમાં, નીચે પુસ્તકાલય અને ઉપર નાનું મંદિર ઊભાં કરવામાં આવ્યાં હતાં. એ ત્રિમૂર્તિની છબિઓનાં પ્રથમ દર્શન કર્યાં. ત્યારે એ કોણ છે તે હું જાણતો ન હતો. મારા જેવી અજાણ વ્યક્તિઓ બીજી પણ હશે જ. અમારા આ અજ્ઞાનનો યશ અમારા શિક્ષણને આપવો ઘટે.

વયમાં સ્વામી રંગનાથાનંદજી મારાથી આઠ વર્ષ મોટા હતા. પણ જ્ઞાનમાં એ અનેકગણા મોટા હતા. એમની સાથે અને ત્યાં હતા તે બ્રહ્મચારીઓ સાથે સંબંધ વિકસતો ગયો અને હું આ દિવ્ય ત્રિમૂર્તિના પાશમાં બંધાતો ગયો. મેં ૧૯૪૬માં કરાચી છોડ્યું. સ્વામીજીએ અને બ્રહ્મચારીઓએ ૧૯૪૮ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરાચી છોડ્યું પણ, અમારા સંબંધની સાંકળ અતૂટ રહી. પૂજ્ય રંગનાથાનંદજીને તો અનેકવાર મળવાનું બન્યું છે પણ, ત્યાં જે બ્રહ્મચારીઓ હતા તે અર્જુન મહારાજ સંન્યાસી બન્યા પછી સ્વામી ભવ્યાનંદજી બન્યા અને લંડનના વિવેકાનંદ વેદાંત સેન્ટર સંભાળતા થયા ત્યાર પછી લંડનમાં જ તેમનું આતિથ્ય પામવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું છે અને પરમેશ્વર મહારાજમાંથી બનેલ સ્વામી સર્વગતાનંદજીને બોસ્ટનમાં તથા પ્રોવિડન્સમાં મળવાનું સદ્‌ભાગ્ય પણ સાંપડ્યું છે.

મારું જીવન કેટલું ‘સુધર્યુ’ એ હું કહી શકું તેમ નથી પણ, એ ત્રિમૂર્તિની કૃપાની અનુભૂતિ જીવનમાં એક કરતાં વધારે વેળાએ થઈ છે તેનો સ્વીકાર કરવો જ રહ્યો. પરંતુ એ અંગત બાબતો વિશે લખવું ઉચિત નથી.

મિલ્ટનના મહાકાવ્ય ‘પેરેડાઈઝ લોસ્ટ’નો ‘સ્વર્ગમાંથી પતન’ને નામે ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ પ્રકાશિત થયો તેનું શ્રેય ઉમાશંકર જોશીને આપવું ઘટે. એ પુસ્તક પ્રગટ થયું ત્યાર પછી કેટલેક સમયે એક દહાડો સવારે સાત-સાડાસાતને સુમારે, મુંબઈથી એક મિત્રનો ફોન રણક્યો: ‘તમારા મિલ્ટનના મહાકાવ્યના અનુવાદને ગુજરાતી સાહિત્ય એકેડેમીએ પુરસ્કૃત કર્યો છે. હાર્દિક અભિનંદન’. એ ટેલીફોને હાથમાં કલમ લેવડાવી અને ઉમાશંકરથી આરંભી જે કેટલાક મહાનુભાવોના સંપર્કમાં આવવાનું સદ્‌ભાગ્ય મને સાંપડ્યું તેમને વિશે લખવા મને પ્રેર્યો. સ્મરણક્યારામાં પ્રગટેલાં એ સુમનો હતાં (૧) સ્વામી રંગનાથાનંદજી અને (૨) સ્વામી ભવ્યાનંદજી.

આ લેખોનો આરંભ થાય ત્યાં જ, ૧૯૯૧ના નવેમ્બરમાં, પરિચય ટ્રસ્ટમાંથી શ્રી યશવંતભાઈ દોશીનો નિમંત્રણપત્ર આવ્યો. શ્રીરામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વિશે એક પરિચય પુસ્તિકા લખવી; મર્યાદા ૬૦૦૦ શબ્દોની.

આ નિમંત્રણનો મેં સહર્ષ સ્વીકાર કર્યો પણ, મેં યશવંતભાઈને લખ્યું કે, આ બે વિભૂતિઓનો પરિચય ‘શકા સાઠી રામાયણ’ (છાશના બદલામાં રામાયાણ)ની માફક સો સો શબ્દોમાં પણ આપી શકાય પણ ૩૦૦૦ શબ્દો ઘણા ઓછા પડે તો બંને વિશે જુદી જુદી પુસ્તિકા ઠીક રહેશે. એમણે મારું આ સૂચન વધાવી લીધું તેનો મને આનંદ થયો. અને ૧૯૯૨-૯૩માં બંને ગુરુશિષ્ય વિશે પુસ્તિકાઓ એમણે પ્રકાશિત કરી. ‘જન્મભૂમિ’નો ‘કલમકિતાબ’ વિભાગનું સંપાદન કરતા શ્રીકૃષ્ણવીર દીક્ષિતને એ પુસ્તિકાઓ ગમી ગઈ અને આ બંને વિભૂતિઓનાં વિસ્તૃત જીવનચરિત્ર હું લખું એવી માગણી એમણે કરી.

એ દરમિયાનમાં ૧૯૮૮થી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો આરંભ થયો. ત્યારથી એના સંપાદન સાથે સંકળાવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું હતું. એ માટે પૂજ્ય સ્વામી મુમુક્ષાનંદજી, પૂ. સ્વામી જિતાત્માનંદજી અને પૂ. સ્વામી નિખિલેશ્વરાનંદજી, પૂ. સ્વામી સર્વસ્થાનંંદજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી ઘટે. સ્વામી નિખિલેશ્વરાનંદજી માસિકના પ્રથમ તંત્રી બન્યા. એમણે વિવિધ અંગ્રેજી લેખોનો અનુવાદ મારી પાસે અને હિંદી લેખોનો અનુવાદ મારાં પત્ની પુષ્પા પાસે કરાવ્યો. ‘વિશ્વધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ’, એ લેખમાળા લખાવી, સ્વામી વિવેકાનંદનાં કેટલાંક કાવ્યો વિશે લેખો પણ લખાવ્યા.

પૂજ્ય સ્વામી રંગનાથાનંદજી જામનગર આવતા ત્યારે પોતાનાં અંગ્રેજી પ્રવચનોનો પ્રતિવાક્ય ગુજરાતી અનુવાદ કરવાનું મને ફરમાવતા. રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં પણ એમની આજ્ઞાથી એ અનુવાદકાર્ય કરવાનું સદ્‌ભાગ્ય એકાદ વાર મને સાંપડ્યું હતું. પછી એમના કેટલાક ગ્રંથના અનુવાદનું કાર્ય પૂ. સ્વામી જિતાત્માનંદજીએ મને ફરમાવ્યું. સૌથી પ્રથમ અનુવાદ ‘વ્યવહારુ વેદાંત અને મૂલ્યોનું વિજ્ઞાન’નો કર્યો. પછી પૂજ્ય સ્વામી રંગનાથાનંદજી કૃત ‘ઉપનિષદોનો સંદેશ’ના અનુવાદનું અને તે પછી ‘ગીતાનો વૈશ્વિક સંદેશ’ના ત્રણ દળદાર પુસ્તકોના અનુવાદનું કાર્ય પણ મને સોંપાયું. પૂ. સ્વામી જિતાત્માનંદજી કૃત ‘યુગપ્રવર્તક સ્વામી વિવેકાનંદ’ અને ‘વિવિધ રૂપે શ્રીમા શારદાદેવી’ના અનુવાદની કૃપા પણ સ્વામીજીએ મારી ઉપર કરી. શ્રીઠાકુરની દૃષ્ટાંત કથાઓના, ઠાકુરની વાણીના તથા શ્રીમા શારદાદેવીને લગતાં પુસ્તકોના અનુવાદ કરવાની જવાબદારી પણ સ્વામીજીએ મારી ઉપર નાખી. પૂ. સ્વામી રંગનાથાનંદજીનાં પુસ્તકોના અનુવાદો કરવાનું પણ મને ફરમાવવામાં આવ્યું.

આ બધા કાર્ય દરમિયાન મનમાં સળવળાટ થવા લાગ્યો અને ‘પરમહંસ શ્રીરામકૃષ્ણ’ ‘જગજ્જનની શારદાદેવી’ અને ‘યતિરાજ વિવેકાનંદ’ એ ત્રણ જીવનચરિત્રોનાં પુસ્તકો લગભગ ૨૦૦ થી ૨૨૫ પૃષ્ઠોનાં – લખાયાં જે ૧૦મી માર્ચ, ૨૦૦૫ ને દિવસે ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલયે પોતાનો અમૃત મહોત્સવ ઉજવ્યો તે દિને પ્રગટ કર્યાં. એ ત્રણ પુસ્તકોની સાથે જ પ્રકાશિત થયેલા પુસ્તક ‘ભક્તિ પદારથ’માં જે પદો કે ભજનો વિશે લખ્યું છે તેમાં સ્થળે સ્થળે શ્રીરામકૃષ્ણ, શ્રી શારદા મા અને સ્વામી વિવેકાનંદ ડોકિયાં કરે છે. અને એ પુસ્તકમાં લીધેલાં ૨૧ કાવ્યોમાંથી ૬ સ્વામી વિવેકાનંદનાં કાવ્યો છે. 

કરાચીમાં ૧૯૪૨ના સપ્ટેમ્બરમાં પહેલીવાર સ્વામી રંગનાથાનંદજીનું પ્રવચન સાંભળવા ગયો ત્યારે મને કલ્પના ન હતી કે હું ઠાકુરના પાશમાં બંધાવા જઉં છું. ઠાકુરનો અને શ્રીમાનો એ પ્રેમનો પાશ છે. એ ત્રિમૂર્તિનાં નેત્રોમાંથી અમીવર્ષા ઝર્યાં કરે છે. એ અમીવર્ષાએ જીવનના પ્રખર તાપમાંથી પસાર થતાં શાંતી અર્પી છે. અંતરને દઝાડતા પ્રચંડ તાપને એણે ઠાર્યા છે. મને મુશ્કેલીઓમાંથી પાર ઉતાર્યો છે અને જીવન જીવવા માટેની દિશા ચિંધી છે. એટલું જ નહિ એ દિશા પર જવા માટેની દોરવણી પણ મને પૂરી પાડી છે. જીવનના નવ દાયકા વીતાવ્યા પછીએ, યથાશક્તિ એમની સેવાભક્તિ કરવા તનમનથી સશક્ત રાખ્યો છે. કેવળ એમની જ કૃપા છે.

Total Views: 192

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.