1884ના જૂનમાં હું શ્રીરામકૃષ્ણ (ઠાકુર)ને મળવા દક્ષિણેશ્ર્વર ગયો પરંતુ ઠાકુર કોલકાતા ગયા હતા. શશીએ મને ઠાકુરનાં દર્શન કર્યા વગર ન જવા સલાહ આપી અને કહ્યું, ‘આવી તક ફરી તમારા જીવનમાં આવશે એની શું તમને ખાતરી છે ? આટલી તકલીફ વેઠી એમને મળવા તમે આવ્યા છો તો મળીને જ જાઓ અને રાત અહીં જ રોકાઈ જાઓ.’

મોડી રાતે ઠાકુર કોલકાતાથી પાછા ફર્યા.

રામલાલે અને શશીએ ઠાકુરને મારા ખબર આપ્યા એ દરમિયાન હું પરસાળમાં ઊભો રહ્યો હતો. પછી રામલાલે આવીને મને કહ્યું કે, ‘ઠાકુર તને મળવા બોલાવે છે.’ ઓરડામાં જઈને મેં ઠાકુરને પ્રણામ કર્યા. એમણે મારે વિશે પૂછતાં મેં એમને કહ્યું કે, ‘મારી યોગ શીખવાની ઇચ્છા છે. આપ એ શીખવવા કૃપા કરશો ?’ થોડીવાર શાંત રહ્યા પછી ઠાકુર બોલ્યા : ‘આટલી નાની વયે તું યોગ શીખવા માગે છે તે સારી વાત છે! તારા આગલા ભવમાં તું યોગી હતો. પૂર્ણ થવામાં થોડું બાકી હતું. આ તારો છેલ્લો જન્મ છે. હા, હું તને યોગ શીખવીશ. રાતે આરામ કર. કાલ સવારે મારી પાસે આવજે.’

વળતી સવારે રામલાલે મને કહ્યું કે ઠાકુર મારી વાટ જોતા હતા. એમના ઓરડામાં પ્રવેશી મેં એમને પ્રણામ કર્યા. હું શું અભ્યાસ કરું છું તે એમણે પૂછતાં મેં જવાબ આપ્યો કે, ‘હું હાલ એન્ટ્રન્સ કલાસમાં (દસમીમાં) અભ્યાસ કરું છું.’ ઠાકુર કહે, ‘સરસ.’

પછી એ મને ઉત્તરની પરસાળમાં લઈ ગયા અને પાટ પર બેસવા મને કહ્યું. હું પદ્માસન વાળીને બેઠો હતો ત્યારે ઠાકુરે મને મારી જીભ બહાર કાઢવા કહ્યું. મેં તેમ કર્યું એટલે તરત જ તેમણે તેની ઉપર પોતાના જમણા હાથની મધ્યમા વડે એક મંત્ર લખ્યો અને મને માતા કાલીનું ધ્યાન કરવા કહ્યું. એમના કહ્યા મુજબ મેં કર્યું. થોડીવાર પછી મારું બાહ્યજ્ઞાન લુપ્ત થયું અને હું ઊંડા ધ્યાનમાં સરી પડયો. મારા મનમાં હું અકથ્ય આનંદ પામવા લાગ્યો. એ દશામાં હું કેટલી વાર રહ્યો તેની મને ખબર નથી. થોડા સમય બાદ ઠાકુર મારી છાતીને સ્પર્શ્યા અને મને બાહ્યભાનમાં લાવ્યા. શું થયું હતું તે પૂછતાં, ધ્યાન દરમિયાનના મારા આનંદના અનુભવ વિશે મેં એમને કહ્યું. એ ખૂબ રાજી થયા. પછી ઠાકુરે મને ધ્યાન વિશે સૂચનો કર્યાં અને એક રહસ્યમય ગીતની નીચેની પંક્તિઓ ગાઈ :

શુદ્ધ તે અશુદ્ધ સાથે દિવ્ય આવાસમાં

કયારે રે જઈને તું સૂશે ?

આ બે પત્નીઓ ગોઠણો બનશે ત્યારે

શ્યામા મા તારી પાસે આવશે.

પછી ઠાકુરે મને રોજ સવારે અને સાંજે ધ્યાન કરવા તથા મારાં દર્શનો અને આધ્યાત્મિક અનુભવો વિશે તેમને જાણ કરવા કહ્યું.

ઠાકુરના માર્ગદર્શન હેઠળ હું આધ્યાત્મિક સાધના કરવા લાગ્યો અને એમની કૃપાથી દેવદેવીઓનાં અદ્‌ભુત દર્શનો મને થયાં. એક દિવસે મારે ઘેર હું ધ્યાન કરતો હતો ત્યારે મને અનેક દેવદેવીઓનાં અને – શ્રીકૃષ્ણ, ખ્રિસ્ત, ચૈતન્ય વગેરે – અવતારોનાં દર્શન થયાં અને એ અવતારોને શ્રીરામકૃષ્ણના તેજોમય રૂપમાં પ્રવેશતા મેં જોયા.

હું તરત દક્ષિણેશ્ર્વર ગયો અને મારી આ અનુભૂતિઓનું વર્ણન મેં શ્રીરામકૃષ્ણ પાસે કર્યું. ઠાકુરે તરત કહ્યું: ‘વાહ રે, તેં તો વૈકુંઠનાં દર્શન કર્યાં ! હવેથી તને આવાં દર્શનો નહીં થાય. તું અરૂપની સ્થિતિએ પહોંચી ગયો છો.’ આ સાચું પડ્યું. ત્યાર પછીથી ધ્યાન દરમિયાન મારું ચિત્ત અનંતમાં રત રહેવા લાગ્યું – દિવ્ય રૂપોમાં નહીં પણ અનંત, અવ્યક્ત બ્રહ્મમાં રત. આ દર્શન પછી મેં સંસ્કૃતમાં લખેલા એક સ્તોત્ર અનુસાર ઠાકુર અવતાર છે તેવી મને ખાતરી થઈ.

Total Views: 453

One Comment

  1. દેવેન્દ્ર જોષી March 19, 2023 at 12:54 am - Reply

    ગમ્યું

    આ લેખ, જે અનુવાદ હશે, મુળ લેખ. કયો તે જાણવા ની ઇચ્છા છે.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.