(ઈ.સ. ૧૯૨૨ની રામકૃષ્ણ પરમહંસની જયંતી પ્રસંગે અમદાવાદમાં આપેલું ભાષણ.)
ઈ.સ. ૧૮૩૩ કે ‘૩૪માં લૉર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના પહેલાં જ આપણે ધર્મભ્રષ્ટ તો થયા જ હતા. ધર્મભ્રષ્ટ થયા તેથી જ પારતન્ત્ર્યમાં આવી પડ્યા. છતાં અધર્મને જ ધર્મ માનવા જેટલો બુદ્ધિભ્રંશ થયો ન હતો. પણ અંગ્રેજી કેવળણી લેવાને આપણે આતુર થયા અને અંગ્રેજ લોકોએ તે પૂરી પાડવાનો નિશ્ચય કર્યો તે દિવસથી ધીમે ધીમે આપણે આપણા જીવનનો પાયો સ્વાર્થ, સ્વચ્છન્દ અને નરી હરીફાઈ પર જ ચલાવ્યો.
ઈશ્વરને ત્યાં એવો નિયમ છે કે દરેક આપત્તિનો ઈલાજ એની સાથે જ જન્મે છે. ઈ.સ. ૧૮૩૪માં જ જ્યાં અંગ્રેજી કેળવણી પહેલવહેલી વવાઈ ગઈ તે જ પ્રાંતમાં ૧૮૩૬માં રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો. રામકૃષ્ણ પરમહંસ એટલે હિન્દુ ધર્મનો શુદ્ધ અને પ્રાણવાન પ્રવાહ. રાજા રામમોહનરાયે હિન્દુ, મુસલમાની અને ઈસાઈ ધર્મનાં તત્ત્વોનું અધ્યયન કરી બધાનો સામાન્ય સાર કાઢવાનો પ્રયાસ ચલાવ્યો હતો. એ જ અરસામાં પ્રત્યક્ષ સાધના કરી ધર્મતત્ત્વનો અનુભવ કરવાનો પ્રયાસ રામકૃષ્ણ પરમહંસે ચલાવ્યો. રામકૃષ્ણ પરમહંસે પણ હિન્દુ, મુસલમાન અને ખ્રિસ્તી એ ત્રણે ધર્મનું રહસ્ય અનુભવ્યું અને તેમણે કહ્યું, અનુભવની દૃષ્ટિએ બધા ધર્મ સરખા સાચા છે. રામમોહન રાયને ત્રણે સંસ્કૃતિનાં સાહિત્ય સાથે પરિચય હતો, જ્યારે રામકૃષ્ણ પરમહંસે ત્રણમાંથી એકેયનું અધ્યયન કર્યું ન હતું. ભણ્યા વગર પણ અનુભવ મેળવી શકાય છે એમ રામકૃષ્ણ પરમહંસે સિદ્ધ કર્યું.
નાનપણથી જ રામકૃષ્ણ પરમહંસે સ્વતન્ત્ર વૃત્તિ કેળવી હતી. સત્યવાદી પિતા અને નિ:સ્પૃહમાતાનું સંતાન બીજું શું કરી શકે? એમના વખતમાં સામાન્ય કેળવણી મળતી તે પણ લેવાની તેમણે ના પાડી. ‘કેળાં, ચોખા અને પૈસા અપાવનાર કેળવણી લઈને હું શું કરું? મારે તો પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. તમારી કેળવણી મને તે ક્યાંથી આપે?’ એમ જ તેઓ કહેતા. એક વાર જો તેઓ કેળવણીના સકંજામાં સપડાઈ જાત તો તેમને મૅકૉલેવાળી કેળવણી લેવી પડત. પણ તેમને તો ઈશ્વરપ્રાપ્તિની કેળવણી લેવી હતી અને ઈશ્વરને તેમની મારફતે બંગાળને તેવી જ કેળવણી આપવી હતી, તેથી તેઓ અભણ જ રહ્યા. આજે દુનિયામાં કેટલાયે લોકો તેમને અવતારી પુરુષ તરીકે પૂજે છે.
રામકૃષ્ણ પરમહંસને ઈશ્વરના અવતાર ગણવા કે ન ગણવા એની ભારે ચર્ચા હજીયે ચાલે છે. દરેક વ્યક્તિમાં ઈશ્વરી તત્ત્વ તો હોય છે. જ્યાં જ્યાં આ ઈશ્વરી તત્ત્વ વધારે સ્ફુટ થયું હોય, વિભૂતિમત્, શ્રીમત્ ઊર્જિત હોય ત્યાં ત્યાં અવતારની કલ્પના કરવી એ કંઈ ખોટું નથી. જેણે પોતાનો ઉદ્ધાર કર્યો છે, એટલું જ નહીં પણ જે બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ છે તે ચોક્કસ ઈશ્વરનો અવતાર છે એમાં શક નથી. વિશિષ્ટ જમાનાની ખાસ ખામી જોઈ, ખાસ નબળાઈ જોઈ તે દૂર કરવાનું સામર્થ્ય જેની અંદર જોવામાં આવે તેને જ અવતાર કહેવો એમ પણ કેટલાક કહે છે. આ બધી દૃષ્ટિએ રામકૃષ્ણ પરમહંસને આપણે અવતાર ગણી શકીએ. છતાં સ્વાર્થની દૃષ્ટિએ હું રામકૃષ્ણ પરમહંસને અવતારી પુરુષ તરીકે ઓળખવા નથી માગતો. અવતાર એટલે માણસની દયા ખાઈ માણસનો હાથ ઝાલવા નીચે ઊતરેલો મનુષ્યદેહધારી ઈશ્વર. તે કંઈ સાચો માણસ નથી. તેની પાસેથી મદદ મળી શકે, પણ તેનું અનુકરણ કરવાની શ્રદ્ધા તે ન આપે. રામકૃષ્ણ પરમહંસને અવતારી માનીને તેમણે ક્યા ચમત્કારો કર્યા, કઈ કઈ લીલા કરી બતાવી, આપણી પાસેથી તેઓ શું શું માગે છે અને એક વાર વિધિપૂર્વક તેમને શરણ જઈએ એટલે અનાયાસે તેમની પાસેથી આપણને શું શું મળી શકે તેનો જ વિચાર આપણા મનમાં આવે છે.
પણ જો આપણે તેમને માણસ ગણીએ તો એમની પાસે એમની પહેલાંની મૂડી કેટલી હતી, તે મૂડીનો તેમણે કેવો ઉપયોગ કર્યો, પોતાના દોષો સામે તેમને કેવું કેવું લડવું પડ્યું અને પોતાના પુરુષાર્થથી તે કેવી રીતે સંપૂર્ણતા અને ઐશ્વર્ય પ્રાપ્ત કરી શક્યા તે તરફ આપણું ધ્યાન જાય છે. માણસને હિંમત આપનાર બે વચનો આપણી ભાષામાં છે : ‘परित्राणाय साधूनां… संभवामि युगे युगे’ એ એક, અને ‘નર કરણી કરે તો નર કા નારાયણ હોય’ એ બીજું, બન્ને ઈશ્વરી વચન છે, પણ બીજું વધારે પ્રાણપદ છે એમાં શક નથી.
રામકૃષ્ણ પરમહંસના મનમાં નાનપણમાં વર્ણાભિમાન તો હતું જ. રાણી રાસમણિ ન્યાતે માછણ હતી. તેના મંદિરમાં પણ આપણાથી ભોજન કરાય નહીં એમ તેઓ માનતા. પણ જ્યારે તેઓ સાધના કરવા લાગ્યા ત્યારે એ અભિમાન કાઢી નાખવા માટે તેમણે રાત્રે આસપાસનાં જાજરૂ સાફ કરવાનું અને અન્ત્યજોનાં આંગણાં પોતાના વાળ વતી વાળવાનું શરૂ કર્યું. ધન અને માટી સમાન છે એવી વૃત્તિ કેળવી હાથમાંનો રૂપિયો અને માટીનું ઢેફૂં બન્ને નદીમાં તેઓ ફેંકતા. અન્ત્યજો પાસે ઈશ્વરનું નામ લેવડાવી તેમના હાથનું પાણી પીનાર એવા એક ચુસ્ત વૈષ્ણવ મિત્રનાં તેઓ વખાણ કરવા લાગ્યા. મનમાં અપવિત્ર વિચાર આવતાં ફરી વાર આવું થાય તો આ દેહનો અન્ત આણીશ એવો તેમણે નિશ્ચય કર્યો. દરેક ધર્મના વિદ્વાનો પાસેથી તે તે ધર્મની સાધના સમજી લઈ તેનો અનુભવ કર્યો, અને પરિણામે દુનિયાના બધાયે ધર્મો સાચા છે એવો સ્વાનુભવ એમણે જગતને ઉપદેશ્યો. પ્રથમ તેઓ કાલીના પ્રસાદ તરીકે માંસાહાર કરતા. પછી તે છોડી દીધો, એટલું જ નહીં પણ પૂજાને માટે ફૂલ અને બિલ્વપત્ર વગેરે તોડતા તે પણ તેમણે છોડી દીધું. ‘આ ફૂલો જ્યાં છે ત્યાં જ તે ઈશ્વરને અર્પિત નથી? ઈશ્વરના આ વિસ્તીર્ણ દેહ ઉપર તેઓ ભૂષણ તરીકે નથી વિરાજેલાં? ત્યાંથી તેમને શા માટે તોડી કાઢએ?’ એમ જ તેઓ કહેતા. જ્યાં સુધી મનનું સમાધાન ન થાય ત્યાં સુધી તેઓ ઉદ્વિગ્ન જ રહેતા. સાંજ પડે એટલે જિંદગીનો એક દિવસ ગયો છતાં ઈશ્વરપ્રાપ્તિ ન થઈ એ દુ:ખે તેઓ પોકેપોક રોઈ પડતા. આમ અનેક રીતે સાધના કરતાં કરતાં તેમને સ્ફુરી આવ્યું કે બધે એક જ ઈશ્વરી તત્ત્વ વ્યાપેલું છે. તેઓ શાન્ત થયા. જિંદગીનું સાર્થક થયું. નરના નારાયણ થઈ ગયા. લોકો તેમને રામકૃષ્ણ પરમહંસ કહેવા લાગ્યા.
ઈશ્વર પાછળ જે માણસ ગાંડો થાય તેને સમાજ સાંખી શકતો નથી. રામકૃષ્ણ પરમહંસનું ગાંડપણ જોઈ સગાંવહાલાંએ તેમને પરણાવી દેવાનો વિચાર કર્યો. તેમણે પોતે જ એક પાંચ વર્ષની સાત્ત્વિક વૃત્તિવાળી કન્યા પસંદ કરી. પરણ્યા છતાં તે જેવા ને તેવા જ રહ્યા. એમની સ્ત્રી જ્યારે મોટી થઈ ત્યારે પતિની દશા શી છે એ નજરોનજર જોવા તેમની પાસે આવી. રામકૃષ્ણ પરમહંસે માતા ગણી તેની પૂજા કરી! શારદા માતાએ કહ્યું, ‘આપે પરમેશ્વરપ્રાપ્તિનો માર્ગ સ્વીકાર્યો છે. આપને ત્યાંથી પાછા ખેંચનારી અવિદ્યા-માયા થવા હું નથી માગતી. આપની પાસે રહી આપની સેવા કરું એટલો જ પ્રસાદ ચાહું છું. શારદા માતાએ આખર સુધી તેમની સેવા કરી તે મારફતે શાન્તિ મેળવી અને રામકૃષ્ણ પરમહંસના આલોક છોડ્યા પછી તેમની જ માનસપૂજા કરવામાં પોતાની બાકી રહેલી જિંદગી વિતાડી. પ્રતાપચન્દ્ર મજમુદાર જેવા બ્રાહ્મોભક્તે રામકૃષ્ણ પરમહંસ પર આક્ષેપ મૂક્યો છે કે ‘રામકૃષ્ણ પરમહંસે આ રીતે પોતાની સ્ત્રી પ્રત્યે ક્રૂરતા વાપરી છે અને તેની સ્થિતિ વિધવા જેવી કરી મૂકી છે.’ હિન્દુ આદર્શની દૃષ્ટિએ જોતાં શારદા માતાની સ્થિતિ દયા ખાવા જેવી ન હતી. પણ અદેખાઈ કરવા જેવી હતી. કોઈ સ્ત્રીપુરુષ પોતાના વિકારને મારીને સંયમી જીવન પસંદ કરે તો તેમાં દયા ખાવા જેવું શું છે?
વાસનાતૃપ્તિ એ માણસનો સ્વાભાવિક હક છે અને વાસનાતૃપ્તિમાં જ જીવનસાફલ્ય છે એ તત્ત્વજ્ઞાન આપણું નથી. વાસનાઓથી આત્મા ઘેરાયો છે અને તેથી તે કષ્ટ પામે છે, વાસનાનો નાશ કરી આત્માને છોડાવવાથી તે પોતાનો આનન્દ પોતાની મેળે ભોગવી શકે છે એ આપણો જીવનમન્ત્ર છે. હું જ્યારે કલકત્તામાં શારદા માતાનાં દર્શને ગયો હતો ત્યારે તેઓ રામકૃષ્ણ પરમહંસની છબીની પૂજા કરતાં હતાં. માત્ર એક જ સફેદ વસ્ત્ર પહેરેલું. વાળ છૂટા હતા. લાંબા વખત સુધી ધ્યાન કરવાથી આંખમાં જે વિશેષ તેજ આવે છે તે તરફ સ્વાભાવિક રીતે લક્ષ ગયું. તેમની મુખમુદ્રા ઉપર પાવિત્ર્ય, શાન્તિ, પ્રસન્નતા અને માતૃવાત્સલ્ય ભરપૂર વિલસતાં હતાં. પતિદેવની પૂજામાં તેમની તલ્લીનતા જોઈ મનમાં થયું, શું આ પ્રત્યક્ષ દુર્ગાની મૂર્તિ હશે? એમની નજીક પણ દુ:ખ ન આવી શકે, તો એમને પોતાને તો દુ:ખ ક્યાંથી સંભવે?
‘મારા ગુરુદેવ’ એ સ્વામી વિવેકાનંદના લેખ ઉપરથી જ ઘણાખરાને રામકૃષ્ણ પરમહંસની માહિતી મળી હશે. પણ તેમનો પહેલવહેલો પરિચય તો આપણને ‘ગૉસ્પેલ ઑફ શ્રીરામકૃષ્ણ’ ઉપરથી થયો. એ ગ્રન્થ લખનાર વિભૂતિ કોણ હશે એમ તો ઘણાને થયું હશે. ચોપડી ઉપર લેખક તરીકે ફક્ત M એટલી જ નિશાની છે. તેમનું આખું નામ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત હતું. કલકત્તામાં તેમને દર્શને પણ અમે ગયા. તેમની ભવ્ય અને ભક્તિનમ્ર મૂર્તિ જોઈ રામકૃષ્ણ પરમહંસના જ દર્શન થયાં જેટલું સમાધાન થયું. આગળ જતાં તેમનો વધારે સહવાસ મળ્યો. તેઓ તો રામકૃષ્ણ પરમહંસના ચરિત્રકાર, પરમહંસ વિશે તેમની પાસેથી કેટલુંય સાંભળવાનું મળ્યું. તેમની સ્મરણશક્તિ અજબ છે. જ્યારે જ્યારે અમે તેમને કંઈ પણ પૂછીએ ત્યારે પોતાની સ્મરણપોથી ઉઘાડીને તેમાંથી એકાદ પાનું જોઈ લે, મિનિટેક આંખ મીંચી ધ્યાન કરી લે અને તરત જ પરમહંસ સાથેનો કોઈ જૂનો પ્રસંગ તેમની દૃષ્ટિ આગળ ઊભો થાય. પરમહંસ ક્યાં બેઠેલા, તેમણે શું ઓઢેલું, તેમનું મો કઈ દિશા તરફ હતું, પાસે કોણ કોણ બેઠેલા હતા, પછી કોણ કોણ આવ્યા, વચમાંથી કોણ ઊઠી ગયા. બધું વિગતવાર તેઓ કહી શકતા. સંભાષણ તો અક્ષરેઅક્ષર ઉતારી શકતા. તેમની ગુરુભક્તિ એટલી ઉત્કટ છે કે એક અક્ષરની પણ ભૂલ થઈ જાય તો તેમને ગુરુદ્રોહ કર્યા જેટલું જ દુ:ખ થાય. તેમના જેટલા યથાર્થવાદી ચરિત્રકાર ભાગ્યે જ બીજા હશે.
પરમહંસના છત્રીસ શિષ્યો હતા એમ કહેવાય છે. દરેકને એમણે જુદી જુદી રીતે કેળવેલા. કોઈને જ્ઞાનમાર્ગ બતાવ્યો તો કોઈને ભક્તિમાર્ગ એક શિષ્યને ખાસ ઉપદેશ આપતા હોય એ વખતે બીજાઓને ત્યાં હાજર રહેવાની રજા આપતા નહીં. એક જણ સાથે અધ્યાત્મ રામાયણ વાંચતા હતા ત્યાં રાખાલ બાબુ (સ્વામી બ્રહ્માનંદ) આવી ચડ્યા. પરમહંસે કહ્યું, ‘આ તારે માટે નથી, તું અહીંથી જતો રહે.’
રામકૃષ્ણ પરમહંસ એક ઈશ્વરની ભક્તિ જ જાણતા. ઈશ્વરને ઓળખો, ઈશ્વરને પ્રાપ્ત કરો એટલું જ તેઓ કહેતા. છતાં પોતાના જીવનથી તેમણે આ યુગનો યુગધર્મ ચોક્કસ રીતે આપણને બતાવ્યો છે.
૧. તેમનો પ્રથમા સંદેશ સર્વ ધર્મોની એકતાનો છે. બધા ધર્મો એક જ ઈશ્વરની ઉપાસના કરે છે. બધા એક જ ઠેકાણે જાય છે, એકેએક રસ્તો સાચો છે, એમ તેમણે અનુભવની અધિકારયુક્ત વાણીથી દુનિયાને સમજાવ્યું. એક જણે તેમને પૂછ્યું, શું વામાચારી શાકતધર્મ પણ સાચો રસ્તો છે? તેમણે કહ્યું, ‘મન્દિરમાં જવાના અનેક રસ્તા હોય છે, અને ખાળ મોટી હોય તો તેના કાણામાંથી પણ મન્દિરમાં પ્રવેશ તો થઈ શકે. પણ મહાદ્વાર છોડી એવો ગંદો રસ્તો આપણે કેમ પસંદ કરીએ?’
૨. તેમનો બીજો સંદેશ માણસના ધ્યેય વિશે છે. માણસે ઈશ્વરપ્રાપ્તિનો જ વિચાર કરવો, આત્મશુદ્ધિ કરવી, એટલે તેને જે જોઈએ છે તે મળી શકે છે. થડ હાથમાં આવ્યું એટલે ડાળાંપાંદડાં એની મેળે હાથ આવી જાય છે.
૩. આના સાધન તરીકે તેમણે કનક અને કાન્તાનો ત્યાગ બતાવેલો છે. કોઈ પણ માણસ સ્ત્રી તરફ પત્નીભાવે જુએ (અથવા તો કોઈ પણ સ્ત્રી પુરુષ તરફ વલ્લભભાવે જુએ) ત્યાં સુધી તેને માટે મોક્ષ નથી. કામ અને લોભ એ મોક્ષમાર્ગમાં મોટામાં મોટા વાટમારાઓ છે.
૪. રામકૃષ્ણ પરમહંસની સાધનાનું પ્રથમ પગથિયું અહંકારનાશ હતું. અહંકારનો નાશ કરવા તેમણે અન્ત્યજસેવા આદરી આપણને આપણો યુગધર્મ શીખવ્યો છે. કૃષ્ણકિશોર નામના એક વૈષ્ણવ ગૃહસ્થની વાર્તા તેઓ પોતાના શિષ્યોને કહેતા. પરમહંસ કહેતા, કૃષ્ણકિશોરને ત્યાં હું અધ્યાત્મ રામાયણ સાંભળવા જતો. કૃષ્ણકિશોરની શ્રદ્ધા ભારે હતી. એક વાર તે વૃન્દાવનની યાત્રાએ નીકળેલો. રસ્તામાં તેને બહુ તરસ લાગી. એક કૂવા પરના કોઈ માણસ પાસે તેણે પાણી માગ્યું. પેલાએ કહ્યું, હું અન્ત્યજ છું, મારું પાણી તમને કેમ ચાલશે? કૃષ્ણકિશોરે કહ્યું, ‘તું ઈશ્વરનું નામ લે અને પાણી કાઢી આપ.’ પેલાએ તે પ્રમાણે કૃષ્ણકિશોરને પાણી કાઢી આપ્યું અને એ બ્રાહ્મણે તે પાણી પીધું.
૫. જેણે કનક અને કાન્તાનો ત્યાગ કર્યો છે, જેનામાં અહંકાર નથી, તેના મનમાં સામાજિક ઉચ્ચનીચતાનો ભાવ ક્યાંથી હોય? તેને હિસાબે રાય અને રંક સરખા જ હોય. રામકૃષ્ણ પરમહંસે રાજા સુરેન્દ્રનાથ ટાગોરને રાજા કહેવાની ના પાડી હતી. પરમહંસે કહ્યું, ‘જો, હું કંઈ તને રાજા-બાજા કહેવાનો નથી, કેમ કે તેમ કહેવું એ જૂઠું બોલવા સમાન છે.’
૬. પરમહંસની ખાસ વિશેષતા તેમની શિષ્યપ્રીતિ છે. ગુરુની પાછળ પડેલા શિષ્યો ઘણા મળે છે, પણ શિષ્ય પાછળ ઘેલા થયેલા રામકૃષ્ણ પરમહંસ તો અપૂર્વ જ ગણાય. જેમ દયામય પ્રભુ ભક્તાધીન છે તેમ પરમહંસ પોતાના શિષ્યોની બધી કાળજી રાખતા.
રામકૃષ્ણ પરમહંસે આ રીતે આખી જિંદગી ઈશ્વરભક્તિમાં અને લોકકલ્યાણમાં ખરચી નાખી. દિવસરાત્ર ધર્મોપદેશ કરી કરી તેમના ગળામાં વ્રણ પડ્યું, વૈદ્ય અને દાક્તર લોકોએ તેમને બોલવાની મનાઈ કરી. પણ લોકો – સત્પુરુષના ચાર શબ્દો સાંભળી કૃતાર્થ થવા માગનારા લોકો – તેમની પાસે આવ્યા જ કરે અને પરમહંસ પણ કોઈને નિરાશ કરે નહીં. રાતદિવસ તેમનો વાગ્યજ્ઞ ચાલુ જ રહેતો. પરમહંસની ગંભીર માંદગી સાંભળી તેમને આરામ આપવાને બદલે આ છેલ્લી તક સાધવા ટોળેટોળાં દૂરદૂરથી આવવા લાગ્યાં. યજ્ઞ વધારે જોરથી ચાલવા લાગ્યો. આખરે સને ૧૮૮૬ના ઑગસ્ટની ૧૬મીની રાત્રિએ પરમહંસે યજ્ઞમાં પોતાની પૂર્ણાહુતિ આપી દીધી.
શરીર નશ્વર છે. તે યથાકાળે પડવાનું જ. પણ આપણા સમાજની પામરતા જોઈ દુ:ખ થાય એવું છે. સાધુસંતોએ ઉપદેશેલા માર્ગ પ્રમાણે ચાલનાર ઓછા હોય છે, પણ સાધુના ચરણનો સ્પર્શ કરી, તેનું દર્શન કરી, તેનો અવાજ કાનમાં ભરી લઈ, તેના પ્રસાદના બેચાર ટુકડા ખાઈ જઈ, તેના નામનો જયઘોષ કરી ‘પાવન’ થઈ જવા માગનાર કૃપણ લોભીઓની સંખ્યા જ વધારે હોય છે. અનાયાસે કેટલું મળી શકે છે એ તરફ જ તેમની દૃષ્ટિ હોય છે. શાક વેચનારી પાસેથી બે શિંગ વધારે કઢાવવાની વૃત્તિ અને આવી રીતે સહેજે મોક્ષ મેળવવાની વૃત્તિમાં કશો ફેર નથી.
સમાજમાં લોકસેવક વધે એ ઈચ્છવા જેવું છે. પણ તેની સાથે સેવા લેનારની સંખ્યા વધે તો તો મેળ સરખો જ રહેવાનો. સમાજમાં સેવા લેવાની વૃત્તિ વધતી જ જાય છે. સેવકોને તેમનો સેવાધર્મ સમજાવી સમજાવીને તેમના ભોગ કરવામાં આવે છે. શું પત્ની, શું દેશસેવક અને શું સાધુસંત-દરેક ઉપભોગ્ય વસ્તુ છે એવી જ માન્યતા વધી પડી છે.
સાધુસંતો પાસેથી આપણે આશ્વાસન મેળવીએ, સાધનાનો રસ્તો જાણી લઈએ, તેમના સહવાસથી વાસના પર જય મેળવવાની શક્તિ કેળવીએ, પોતાની કૃપણતા છોડી ધર્મવીર થઈએ એવો આશીર્વાદ માગીએ; નહીં કે અનાયાસે ઐહિક કે પારલૌકિક સુખોપભોગ તેમની મારફતે મેળવવાની આશા રાખીએ.
પરમહંસનો ઉપદેશ તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદે દેશદેશાંતર સુધી પહોંચાડ્યો. અંગ્રેજી કેળવણીથી મોહિત થયેલા આપણા લોકો ઉપર વિવેકાનંદના અંગ્રેજી લેખો મારફતે જ અસર થાય એમ હતું. પરમહંસનું શુદ્ધ અધ્યાત્મ જીરવવાની શક્તિ જેમનામાં ન હતી તેમને માટે પાશ્ચાત્ય વિચારો મેળવીને કરેલું વિવેકાનંદી મિશ્રણ બહુ જ અનુકૂળ થઈ પડ્યું. વિવેકાનંદે પરમહંસના અધ્યાત્મને તત્ત્વજ્ઞાનની ભાષામાં મૂક્યું અને તે દૃષ્ટિએ સંસારસુધારો અથવા જીવનસુધારો કેવી રીતે થઈ શકે તે બતાવ્યું. તે જ સૂત્ર હાથમાં લઈ ભગિની નિવેદિતાએ હિન્દુ સામાજિક જીવન અને ઐતિહાસિક રાષ્ટ્રીય જીવનનું રહસ્ય ખોલી બતાવ્યું. આજે રામકૃષ્ણ મિશનનાં અનેક સેવાશ્રમો, અદ્વૈતાશ્રમો અને મંદિરો રામકૃષ્ણનો ઉપદેશ કાયિક, વાચિક અને માનસિક પ્રવૃત્તિ દ્વારા દુનિયા આગળ પીરસી રહ્યાં છે. જેને ભૂખ લાગી હશે તે જ તે લેશે. જેનામાં મુમુક્ષા હશે તે જ તેનું રહસ્ય સમજી શકશે. જેનામાં વ્યાકુળતા હશે તે જ તેનો ઉપયોગ કરી શકશે.
[કાકા કાલેલકર ગ્રંથાવલિ-૮ વૃ. ૪૧૫-૪૨૧ નવજીવન ટ્રસ્ટના સૌજન્યથી]
Your Content Goes Here




