(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયે શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના ૧૬ ભાગોના હિન્દી અનુવાદ પરથી ગુજરાતી ભાષાંતરનું કાર્ય શ્રીરામકૃષ્ણદેવનાં ભક્ત શ્રીમતી સમતાબહેન રાજ્યગુરુએ કર્યું છે. અહીં તેમાંથી કેટલાક અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)
(ગતાંકથી આગળ)
શ્રી મ. કંઈક વિચારે છે. ફરી વાતો શરૂ થાય છે.
શ્રી મ. (ભક્તોને) — એક દિવસ ઠાકુરનું ભોજન સમાપ્ત થઈ ગયા પછી થાળીમાં થોડો ભાત વધ્યો હતો. મને કહ્યું કે, આ બધો ભાત કૂતરાને આપી આવો. હું ભાત લઈને જઈ રહ્યો હતો અને વિચારતો હતો કે, આ અમૃત કૂતરો એકલો જ શા માટે ખાય? એટલે મેં પણ ખાઈ લીધો. ત્યાર બાદ થાળીને અર્ધગોળાકાર વરંડા પાસે સાફ કરતો હતો. જોઈને ઠાકુર બોલ્યા, વાહ! વાહ! આ બહુ સારું. બધી જાતનો અભ્યાસ હોવો જોઈએ. રાંધવું, વાસણ સાફ કરવાં, કપડાં ધોવાં, ઘર સાફ કરવું—આ બધું આવડવું જોઈએ. ક્યારે કઈ સ્થિતિમાં રહેવું પડે! વિચારો કે, વિદેશમાં રહેવાનું થાય. ત્યારે કોણ રાંધીને આપે? શીખી રાખવું સારું. આ બધા વિષયોમાં જે પરાધીન હોય, તેને બ્રહ્મજ્ઞાન ન થઈ શકે.
આહા, કેવી બધી વાતો! ગુરુ વિના આ મુક્તિનો ઉપાય કોણ બતાવશે. મુક્તિ એટલે બધા વિષયોમાંથી મુક્તિ. કેવળ અવિદ્યાના પાશમાંથી મુક્તિ નહીં. આ બધી તો Preliminary (પ્રાથમિક) મુક્તિ. દેહને ટકાવી રાખવા માટે બીજાની સહાયતા ન લેવી. લેવી પડે તો પણ ઓછામાં ઓછી લેવી. સંન્યાસી તો પોતાનું કામ પોતે જાતે જ કરશે. જેઓ ગૃહસ્થીમાં છે, તેઓએ પણ પોતાનું કામ જાતે કરવું જોઈએ. બધી બાબતમાં independent (સ્વાધીન). કેવળ ઈશ્વર પર dependent (નિર્ભર). આ વ્યવસ્થા ફક્ત એ લોકો માટે જ છે કે, જેઓ ઈશ્વરનો આનંદ પામવા માગે છે તથા શાંતિ ઇચ્છે છે. જેઓ સંસારનો આનંદ પામવા માગે છે, એમના માટે નથી.
ઠાકુર કાયમ એ જ ચિંતા કરતા અને ઉપદેશ આપતા કે જેથી કરીને ભક્ત લોકો બધી બાબતોમાં પોતાના પગ પર ઊભા રહી શકે. એમની પાસે જે અંતરંગ ભક્તો આવતા એ દરેકને તેઓ અલગ અલગ ઉપદેશ આપતા. બધાને માટે એક જ નિયમ લાગુ નહોતો પડતો. પરંતુ શરીર ટકાવી રાખવા અંગે બધા માટે એક જ વ્યવસ્થા—પોતાનું કામ પોતે જ કરવું.
આ બાજુ કહે છે, ઈશ્વર સત્ય, સંસાર અનિત્ય. પરંતુ જુઓ, વ્યાવહારિક બાબતમાં કેવું લક્ષ્ય! જ્યાં સુધી દેહત્યાગ ન થાય, ત્યાં સુધી આ બધા લોક–વ્યવહારને મિથ્યા કહેવાથી કેમ ચાલશે? શાસ્ત્ર અને ગુરુવાક્યમાં વિશ્વાસને મિથ્યા કહેવાથી કેમ ચાલશે? શાસ્ત્ર અને ગુરુવાક્યમાં વિશ્વાસ કરીને, અને મનોમન સંસાર મિથ્યા છે એવું સમજી લેવાથી ‘અનપેક્ષ’ અને ‘દક્ષ’ બની શકાય છે. દૃષ્ટિ કેવળ સત્યમાં—ઈશ્વરમાં. એમને મન સમક્ષ રાખ્યા બાદ પારદર્શી બનવું. એમને પહેલાં પોતાના બનાવવા જોઈએ.
ગુરુને અધીન રહીને બધા વિષયોમાં પારદર્શી બનવાથી જલદીથી થઈ જાય છે. જે મન વ્યાવહારિક બાબતોમાં નિપુણ, કેળવાયેલું હોય, એ જ મનને પછી ઈશ્વર તરફ વાળી દેવાનું. તેથી તો ઠાકુર કહેતા, જે મીઠાનો હિસાબ રાખી શકે છે, તે સાકરનો હિસાબ પણ રાખી શકે છે. મન ચપળ અને વ્યાકુળ હોવું જોઈએ.
ભક્તોને તૈયાર કરવા માટે ઠાકુર કેટલી ચિંતા કરે છે! ઠાકુરની હંમેશાં એ ઇચ્છા રહેતી કે ભક્તો કેવી રીતે અવિદ્યાના force (શક્તિ)માંથી વિદ્યાના force (શક્તિ)માં આવી શકે.
એક વાર એક ભક્તને કહ્યું કે, તું બાળકો માટે અહીંયાં એક નાની શેતરંજી લઈ આવ. જાણતા હતા કે ભક્ત બીજાને ખરીદવાનું કહેશે, એટલે સાથે સાથે એ પણ કહી દીધું કે તું જાતે ખરીદીને લાવજે. આવું શા માટે કહ્યું? ભક્તોના કલ્યાણ માટે. એમને આ વસ્તુની શું જરૂર? ઘણાય લોકો ઘણી બધી વસ્તુઓ આપવા માગે છે, પરંતુ તેઓ ગ્રહણ કરતા નથી. આ ઘટનાને કારણે ભવિષ્યમાં ભક્તોને ચિંતન કરવા માટે ખોરાક મળશે, વિચારશે કે અમે પણ થોડો ઘણો સેવાનો લાભ લીધો હતો. અત્યારે તો ભક્તો જાણતા નથી કે, તેઓ કોણ છે, કોની સેવા તેઓ કરી રહ્યા છે.
ઠાકુર બધા પ્રકારનું જ્ઞાન આપતા—ઈશ્વરીય અને વળી સાંસારિક બધા વિષયોનુંં. એક દિવસ મેં દીવાની વાટ વધારી દીધી હતી, એ જોઈને ઠાકુરે કહ્યું, જ્યોતિમાં હાથ (જમણા હાથનો અંગૂઠો અને તર્જની આંગળીનો થોડી વાર આગ ઉપર સંયોગ–વિયોગ કરીને) આવી રીતે કરી લો. તો પછી હાથ શુદ્ધ થઈ જાય.
સદ્ગુરુની પ્રાપ્તિ થયા પછી મનુષ્ય નિશ્ચિંત બની જાય. તેઓ બધું કરાવી લેશે. ઈશ્વર જ ગુરુ છે. અને વળી તેઓ જ અવતાર થઈને આવે છે અને બધું જ્ઞાન આપે છે. ઈશ્વર–દર્શન પછી આદેશ પ્રાપ્ત થયા બાદ જ ગુરુનું કામ કરી શકે છે. ઠાકુર કહેતા, જેમણે કાશીદર્શન કર્યાં છે, ફક્ત તેઓ જ કાશી વિશે વાતચીત કરી શકે છે.
શ્રી મ. (ભક્તોને) — મહામાયા બધું ભુલાવી દે છે. એની પાસે ચાલાકી ચાલતી નથી. એટલે ઠાકુર સ્વયં ઈશ્વરાવતાર હોવા છતાં પ્રાર્થના કરતા કે, ‘મા! આપની ભુવનમોહિની માયામાં મુગ્ધ ના કરશો.’ નજરોનજર જોતા હતા ને કે, મહામાયાની કેવી લીલા ચાલે છે. તેથી લોકશિક્ષણ માટે આવી પ્રાર્થના કરતા.
જે લોકો ઈશ્વરની જેટલા નજીક છે, તેઓ એટલા જ સ્પષ્ટપણે માયાનો આ અજબ ખેલ જોઈ શકે છે. બધે ભ્રમ ઊભો કરી દે છે. સત્યને મિથ્યા અને મિથ્યાને સત્ય કહેવાનું જ્ઞાન કરાવી દે છે. મનુષ્યની ક્ષુદ્ર બુદ્ધિ કઈ રીતે સ્થિર રહી શકે? બધું ઊલટપુલટ કરી દે છે. એટલે જ હંમેશાં શરણાગત બનીને પ્રાર્થના કરવાનું શિખવાડી દીધું હતું. ગીતામાં પણ એ જ છે. मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते। પ્રાર્થના કરવાથી મા પ્રસન્ન થાય છે. તેથી સદાય પ્રાર્થના કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી.
મહામાયાની અનંત લીલા. મનુષ્યની બુદ્ધિ ગમે તેટલી વૃદ્ધિ પામે—અતિ ક્ષુદ્ર. આ આકાશ તરફ એક વાર ધ્યાનથી જુઓને, કેવી ગજબની લીલા ચાલે છે. આ અનંત તારાગણમાંથી કોઈ એકની પણ માહિતી મનુષ્ય આજ સુધી મેળવી શક્યો છે?
(મોહનને) સાંભળ્યું છે કે ટેલિસ્કોપ દ્વારા આજકાલ તારાના ફોટોગ્રાફ લેવામાં આવે છે. મને એ જોવાની ઇચ્છા થાય છે. સાંભળ્યું છે કે સેંટ ઝેવિયર કૉલેજમાં ફોટો લેવામાં આવે છે. તમે એક દિવસ જાઓ ને, પછી મને કહેજો. આ બધું જોવાથી ઈશ્વર કેટલા મહાન છે, એની એક ઝલક મળી જાય છે. એનાથી કામ જલદી બની જાય છે. વિશ્વાસ આવવાથી જ બધું શક્ય બને છે.
હવે રાત્રિના આઠ. શ્રી મ. મૉર્ટન સ્કૂલની અગાસીમાં ખુરશી પર ઉત્તરાસ્ય બેઠા છે. મોટા જિતેન, વિનય, મનોરંજન, ડૉક્ટર બક્શી, જગબંધુ વગેરે નિત્ય આવતા ભક્તો શ્રી મ.ની સામે ત્રણેય બાજુ બેંચો પર બેઠા છે. શ્રી મ. ફરી આશુબાબુના ગુણોની પ્રશંંસા કરે છે.
શ્રી મ. (ભક્તોને) — અમૂલ્ય જીવન વેડફાઈ ગયું. ગુરુ હોત તો એ કામ કરવાની મનાઈ કરત. કહેત કે, તને હવે આ બધું કામ શોભતું નથી. હવે ભગવાનનું નામ લો. અને કરવું જ હોય તો ખાલી નિષ્કામ કર્મ કરો. ગુરુએ અમને લોકોને કહી દીધું હતું કે, બેટા! તમે અહીંયાં ભોગ ભોગવવા નથી આવ્યા. તમે લોકો બ્રહ્માનંદના અધિકારી છો. એ તરફ જ લક્ષ્ય રાખો. અને બસ, જીવનનિર્વાહ પૂરતાં દાળ-ભાતની વ્યવસ્થા કરો. ત્યાર બાદ સત્સંગ કરો, ઈશ્વર-ચિંતન કરો. આ જ તો છે ભારતીય સંસ્કૃતિ—ઋષિજીવન. આટલા બધા રૂપિયા–પૈસાની શી જરૂર? એ બધું બીજા લોકો કરશે. એ વર્ગ જુદો છે! એક દિવસ નરેન્દ્ર આડી પાંથી પાડીને આવ્યા. ઠાકુરે સ્નેહપૂર્વક નજીક બોલાવીને માથા પર હાથ ફેરવવાના બહાને પાંથી વીંખી નાખી અને કહ્યું કે બેટા, તમે લોકો માના જણ છો. તમારા લોકોનું કામ જુદું છે. આ બધું તમારે માટે નથી. તમને લોકોને જોઈને લોકો શીખશે. ધન–જન–મન–પ્રાણ બધું અર્પીને તમે લોકો ઈશ્વરને પ્રેમ કરો.
સદ્ગુરુની પ્રાપ્તિ થવાથી બચી ગયો, નહીંતર કામકાજ વધી જાય છે. તેથી જન્મ–મરણનું ચક્ર ચાલુ રહે છે. ગુરુકૃપાથી જરૂરી ભાન રાખી શકીએ છીએ. છતાં પણ એકાદ વખત બેભાન થઈ જવાય છે. જુઓને, સંધ્યા ટાણે અચાનક ઠનઠનિયામાં મા પાસે ચાલ્યો ગયો. એ સમયે કેવો વૈરાગ્યભાવ આવી ગયો? અને ત્યાર પછી જેવો હતો તેવો જ. એક ધક્કો માર્યો. થોડી વાર માટે પાણી આવી ગયું અને ફરી પાછું જે હતું એ જ—નાચતાં નાચતાં લીલ આવી ને બધું ઢંકાઈ ગયું. જગતમાં લોકો જુએ છે કે બધું અનિત્ય છે. પોતાની નજર સામે જુએ છે કે મૃત્યુ આવે છે ત્યારે ઘરબાર બધું અહીંયાં જ પડ્યું રહે છે. છતાં પણ ચૈતન્ય થતું નથી.
ગરમ તવા પર પડેલા પાણીના છાંટાની જેમ જરાક ચૈતન્ય થતાં જ તરત પાછું ઢંકાઈ જાય છે. જ્યારે બકરાનો બલિ દેવાય છે ત્યારે તેના આર્તનાદથી બીજાં બકરાં પણ થોડી વાર માટે મોઢું ઊંચું કરીને જુએ છે અને ફરી બધું ભૂલીને ઘાસ ખાવા લાગી જાય છે. મનુષ્યની પણ આ જ સ્થિતિ છે. મનુષ્ય શું કરી શકે? બધા મહામાયાના હાથની કઠપૂતળીઓ છે. એટલે જ ઠાકુરે કહ્યું હતું કે, મા! તમારી ભુવનમોહિની માયામાં મુગ્ધ ના કરો. भ्रामयन् सर्वभूतानि यंत्रारुढानि मायया।
(ક્રમશઃ)
Your Content Goes Here




